પોસ્ટેડ ઓન:
24 NOV 2026 5:12PM by PIB Ahmedabad
સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે લીડર્સ લાઉન્જ, ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા આયોજિત ‘ટેલિકોમ સ્ટાર્ટઅપ્સ અને MSME કોન્ક્લેવ 2026’ ની અધ્યક્ષતા કરી હતી. આ કોન્ક્લેવે સ્વદેશી ટેલિકોમ નવીનતાને મજબૂત બનાવવા, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને ઘરેલું ટેકનોલોજીના વિકાસ તથા વ્યાપારીકરણને સરળ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી.

આ કોન્ક્લેવે સ્વદેશી ઉત્પાદનો અને ઉકેલો રજૂ કરવા, ઘરેલું નવીનતાકારો સામેના પડકારો પર વિચાર-વિમર્શ કરવા અને ભારતીય ટેલિકોમ ટેકનોલોજીને વિસ્તૃત કરવાની તકો શોધવા માટે ટેલિકોમ સ્ટાર્ટઅપ્સ, માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME), ઉદ્યોગના અગ્રણીઓ, રોકાણકારો, શિક્ષણવિદો અને સરકારી પ્રતિનિધિઓને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવ્યા હતા.
NITI આયોગના ડિસ્ટિંગ્વિશ્ડ ફેલો અને NITI ફ્રન્ટિયર ટેક હબના ચીફ આર્કિટેક્ટ સુશ્રી દેબજાની ઘોષે આ સત્ર દરમિયાન મુખ્ય સંબોધન આપ્યું, જેમાં નવીનતાને પ્રોત્સાહન આપવા, હિતધારકો વચ્ચે સહયોગ મજબૂત બનાવવા અને ટેકનોલોજી-આધારિત ઉદ્યોગસાહસિકતા માટે સક્ષમ ઇકોસિસ્ટમ ઊભું કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
કોન્ક્લેવમાં ટેલિકોમ ટેકનોલોજી સ્ટેકને આવરી લેતા પાંચ મુખ્ય વિષયોના ક્ષેત્રો—એટલે કે રેડિયો એક્સેસ નેટવર્ક (RAN) અને કોર, એપ્લિકેશન્સ, ચિપસેટ્સ, સુરક્ષા અને ધોરણો—પર પ્રસ્તુતિઓ અને ચર્ચાઓ યોજાઈ હતી. દરેક વિષય જૂથનું પ્રતિનિધિત્વ સંબંધિત DoT અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સ્ટાર્ટઅપ્સ અને MSME ને ટેકો આપવા તથા એકંદર ટેલિકોમ નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી વિવિધ સરકારી પહેલો, નીતિગત હસ્તક્ષેપો અને સક્ષમ માળખાઓની સહભાગીઓને જાણકારી આપી હતી. કોન્ક્લેવમાં સ્ટાર્ટઅપ્સ અને MSME દ્વારા સ્થાપિત 11 પ્રદર્શન સ્ટોલ્સ પણ હતા, જેનાથી તેમને નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના અગ્રણીઓ, રોકાણકારો અને અન્ય હિતધારકો સમક્ષ પોતાના નવીન સ્વદેશી ઉત્પાદનો, ટેકનોલોજી અને ઉકેલો રજૂ કરવાની તક મળી હતી.


કેન્દ્રીય મંત્રીએ TCoE ઇન્ડિયા દ્વારા આયોજિત ઇમર્જિંગ ટેકનોલોજીસ હેકાથોન 2026 (ETH 2026)ના વિજેતાઓનું સન્માન પણ કર્યું હતું. આ હેકાથોનમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ, કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની સહભાગીતા સાથે નવ ટેકનોલોજી ડોમેન્સમાં 2,870 થી વધુ નોંધણીઓ અને 620 અરજીઓ મળી હતી. વિજેતાઓને તેમના નવીન ઉકેલો માટે પુરસ્કારો અને ઇનામી રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. Entra Innovations LLP એ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ ટાયર-પ્રેશર સેન્સર સિસ્ટમ-ઓન-ચિપ ‘VAAYU’ માટે પ્રથમ પુરસ્કાર મેળવ્યો; Dawniens International Private Limited એ ફાઇબર કનેક્શન્સના રિમોટ પ્રોવિઝનિંગને સક્ષમ બનાવતા રોબોટિક ઓપ્ટિકલ પેચ પેનલ સોલ્યુશન ‘Cablesmith’ માટે બીજો પુરસ્કાર મેળવ્યો; જ્યારે સંયુક્ત ત્રીજો પુરસ્કાર પ્રાઇવેટ 5G નેટવર્ક્સ માટેના સિક્યોરિટી એન્જિન ‘KAVACH’ માટે IIT બોમ્બે (ટીમ DRISTI) અને ડ્રોન માટેના એન્ટી-જેમિંગ કોમ્યુનિકેશન સોલ્યુશન ‘VajraLink’ માટે મિલિટરી કોલેજ ઓફ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ટીમ RUDRA) ને એનાયત કરવામાં આવ્યો હતો.

કોન્ક્લેવ દરમિયાન બોલતા, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “પાછલા દાયકામાં ભારતની ઉદ્યોગસાહસિક શક્તિના પુનરુત્થાન દ્રષ્ટિએ આજનો દિવસ એક રોમાંચક અનુભવ રહ્યો છે. આપણો દેશ હંમેશા નવીનતા, ટેકનોલોજી, વિજ્ઞાન અને ઉદ્યોગસાહસિકતાનું ઘર રહ્યો છે. હજારો વર્ષોથી, ભારતે માનવજાતની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. પાછલા એક દાયકામાં, ભારત ટેકનોલોજીના ઉપભોક્તામાંથી ટેકનોલોજીના સર્જક બનવા તરફ આગળ વધ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, આજે ભારત વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને બજાર તરીકે ઉભર્યું છે. 2014 માં માત્ર થોડા સ્ટાર્ટઅપ્સ ધરાવતા દેશમાંથી, ભારત હવે 2,00,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચી ગયું છે અને આ માનનીય પ્રધાનમંત્રીના બહુવિધ ત્વરિત અભિગમોને કારણે થયું છે.”
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “ટેકનોલોજીનું પરીક્ષણ કરવા માટેના વોલ્યુમને કારણે ટેલિકોમ ક્ષેત્ર ભારત ટેકનોલોજીના સર્જક બનવાનું સૌથી મોટું ઉદાહરણ છે. માત્ર 25 કરોડ ઇન્ટરનેટ કનેક્શન્સ ધરાવતા દેશમાંથી હવે 110 કરોડ ઇન્ટરનેટ કનેક્શન્સ, 6 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન્સમાંથી 104 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન્સ સુધી. અમે વિશ્વમાં એકમાત્ર એવું ટેલિકોમ નેટવર્ક બજાર છીએ જે ડબલ ડિજિટ નંબરોમાં વૃદ્ધિ કરી રહ્યું છે.”

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) સ્વદેશી ટેલિકોમ નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વિવિધ પહેલો અમલમાં મૂકી રહ્યું છે, જેમાં ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TTDF), ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન (TDIP) સ્કીમ અને 100 5G યુઝ કેસ લેબ્સનો સમાવેશ થાય છે, જે સંશોધન અને વિકાસ, વૈશ્વિક માનકીકરણ, ઉત્પાદન માન્યતા અને તૈનાતીને ટેકો આપે છે. આ પહેલોને પૂરક બનાવતા, ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023, કેપ્ટિવ નોન-પબ્લિક નેટવર્ક્સ (CNPNs) અને રેગ્યુલેટરી સેન્ડબોક્સ માટેના માળખા દ્વારા, એન્ટરપ્રાઈઝ નેટવર્ક્સ અને નવીન ટેલિકોમ ટેકનોલોજીના લાઈવ પરીક્ષણ માટે સક્ષમ નીતિગત વાતાવરણ પૂરું પાડે છે.

આ સંદર્ભમાં, કોન્ક્લેવમાં કેપ્ટિવ ટેલિકોમ્યુનિકેશન સર્વિસિસ અને રેગ્યુલેટરી સેન્ડબોક્સ પર સમર્પિત સત્રો યોજાયા હતા, જેમાં DoT પ્રતિનિધિઓએ સહભાગીઓને સંબંધિત નિયમનકારી માળખા અને તેમની જોગવાઈઓની જાણકારી આપી હતી. એરિક્સને બંને વિષયો પર વૈશ્વિક દ્રષ્ટિકોણ અને ઉદ્યોગના અનુભવો શેર કર્યા હતા. આ સત્રોએ આ માળખાઓમાંથી ઉદ્ભવતી સંભવિત એપ્લિકેશન્સ, અમલીકરણની જરૂરિયાતો અને તકો પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરવા માટે વપરાશકર્તા એજન્સીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને અન્ય હિતધારકો વચ્ચે સંવાદ માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું હતું.
આ કોન્ક્લેવે વિકસિત ભારત@2047 ના વિઝન સાથે સુસંગત રહીને, સ્ટાર્ટઅપ્સ, MSME, શિક્ષણવિદો, રોકાણકારો અને ઉદ્યોગ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા, સ્વદેશી ટેકનોલોજીકલ ક્ષમતાઓને મજબૂત બનાવવા અને નવીનતા તથા ઉદ્યોગસાહસિકતા માટે સક્ષમ વાતાવરણ ઊભું કરવાની DoT ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
વધુ માહિતી માટે DoT હેન્ડલ્સ ફોલો કરો: -
X - https://x.com/DoT_India
Insta- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
Fb - https://www.facebook.com/DoTIndia
Youtube: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa
SM/IJ/JD