પોસ્ટેડ ઓન:
18 NOV 2026 3:37PM by PIB Ahmedabad
નિવારક સ્વાસ્થ્ય સંભાળ, સ્વસ્થ જીવનશૈલી અને સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવામાં નેચરોપથી અને પ્રકૃતિ-આધારિત સ્વાસ્થ્ય સંભાળના મહત્વને રેખાંકિત કરતા, આજે દેશભરમાં ‘પ્રાકૃતિક ચિકિત્સા, સ્વસ્થ ભારત’ થીમ સાથે 9મો નેચરોપથી ડે ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્તરની ઉજવણી આયુષ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યોગ એન્ડ નેચરોપથી (CCRYN) દ્વારા, પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ નેચરોપથી (NIN) ના સહયોગથી, કર્ણાટકના નાગમંગલા સ્થિત સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગ એન્ડ નેચરોપથી (CRIYN) ખાતે યોજવામાં આવી હતી.
આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ અને આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ કાર્યક્રમ દરમિયાન પ્રસારિત વીડિયો સંદેશાઓ દ્વારા તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમના સંદેશમાં, શ્રી પ્રતાપરાવ જાધવે નિવારક સ્વાસ્થ્ય સંભાળને મજબૂત કરવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં નેચરોપથીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

શ્રી જાધવે નાગરિકોને સ્વસ્થ આદતો અપનાવવા અને ‘સ્વસ્થ ભારત’ ના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે નેચરોપથીને પ્રોત્સાહન આપવામાં અને આ પ્રણાલી વિશે વધુ જાગૃતિ લાવવામાં પ્રેક્ટિશનરો, સંશોધકો, સંસ્થાઓ અને અન્ય હિતધારકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
વૈદ્ય રાજેશ કોટેચાએ તેમના સંદેશમાં નિવારક સ્વાસ્થ્ય સંભાળ, સ્વસ્થ જીવનશૈલીના પ્રચાર અને પ્રકૃતિ સાથે સુમેળ સાધવામાં નેચરોપથીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે નેચરોપથીને આગળ વધારવામાં વૈજ્ઞાનિક સંશોધન, સ્વાસ્થ્ય જાગૃતિ અને સામુદાયિક ભાગીદારીના મહત્વને રેખાંકિત કર્યું હતું અને નાગરિકોને જાણકારી સભર અને ટકાઉ સ્વાસ્થ્ય પ્રથાઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

કર્ણાટક સરકારના જળ સંસાધન (મોટા અને મધ્યમ સિંચાઈ) મંત્રી અને નાગમંગલાના ધારાસભ્ય શ્રી એન. ચેલુવરાયસ્વામી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ સુશ્રી અલારમલમંગાઈ ડી. સન્માનનીય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા, શ્રી એન. ચેલુવરાયસ્વામીએ નાગમંગલા ખાતે CRIYN ની સ્થાપના અને વિકાસની પ્રશંસા કરી હતી અને આ પ્રદેશની સ્વાસ્થ્ય સંભાળની જરૂરિયાતોને સંબોધવાની તેની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ સંસ્થાની સુવિધાઓ સામાન્ય જનતા માટે સુલભ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી આસપાસના વિસ્તારોના લોકોને નેચરોપથી-આધારિત સ્વાસ્થ્ય સંભાળ સેવાઓનો લાભ મળી શકે.

તેમને સંસ્થાના વધુ વિકાસ માટે સંપૂર્ણ સમર્થન અને સહકારની ખાતરી આપી હતી અને કર્ણાટકમાં આયુષ મંત્રાલયના પ્રોજેક્ટ્સ અને ભારત સરકારની અન્ય પહેલોના અમલીકરણને સરળ બનાવવા માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરવાની તેમની તૈયારી વ્યક્ત કરી હતી.
સુશ્રી અલારમલમંગાઈ ડી. એ યોગ અને નેચરોપથીની વધતી જતી માન્યતા અને નિવારક તથા પ્રમોટિવ હેલ્થકેર દ્વારા જીવનશૈલી-સંબંધિત વિકારોને સંબોધવામાં તેમની સુસંગતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કર્ણાટકના નાગમંગલા અને હરિયાણાના ઝજ્જર ખાતેની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ યોગ એન્ડ નેચરોપથી તેમજ દિલ્હીના રોહિણી ખાતેની તેની સુવિધાઓ સહિત CCRYN ના સંશોધન માળખાના વિસ્તરણ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે શિક્ષણ, સંશોધન, તાલીમ, ક્લિનિકલ સેવાઓ અને જનજાગૃતિમાં પુણેની NIN ના યોગદાનને સ્વીકાર્યું હતું.

CCRYN ના ડિરેક્ટર પ્રો. (ડૉ.) જ્યોતિ કેસવાણીએ તેમના સ્વાગત પ્રવચનમાં નેચરોપથી ડે ના મહત્વ અને યોગ તથા નેચરોપથીના સંશોધન, સંસ્થાકીય વિકાસ અને પ્રચારમાં કાઉન્સિલની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમમાં CCRYN અને પુણેની NIN દ્વારા અનેક સંશોધન પ્રકાશનો, શૈક્ષણિક સંસાધનો અને પહેલોનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં CRIYN નાગમંગલા અને ઝજ્જર પરની ડોક્યુમેન્ટરી ફિલ્મો, ધ ઇન્ડિયન જર્નલ ઓફ યોગ એન્ડ નેચરોપથી (વોલ્યુમ 1, ઇસ્યુ 3), એક યોગ અને નેચરોપથી પુસ્તક, એક ઇન્ટર્ન બુકલેટ અને ટાઇપ 2 ડાયાબિટીસ પર જીવનશૈલી હસ્તક્ષેપ પરનો ક્લિનિકલ ટ્રાયલ 'ReGEN-Beta' સામેલ હતા. પુણેની NIN એ 'નેચર ક્યોર 360: એ કમ્યુનિટી હેલ્થ ઇનિશિયેટિવ ટોર્વર્ડ્સ અ સસ્ટેનેબલ હેલ્ધી ફ્યુચર' અને 'ધ ફેમિલી ડોક્ટર' રિલીઝ કર્યા હતા.

પ્રાકૃતિક સંસાધનો, સ્વસ્થ જીવનશૈલી અને પ્રકૃતિ-આધારિત સ્વાસ્થ્ય સંભાળ પ્રથાઓની ભૂમિકાને ઉજાગર કરતા નેચરોપથી ફૂડ ફેયર અને ઔષધીય છોડ રોપા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં CCRYN ના ડિરેક્ટર પ્રો. (ડૉ.) જ્યોતિ કેસવાણી; પુણેની NIN ના ડિરેક્ટર પ્રો. (ડૉ.) ગીતા બી. શેટ્ટી; અને આયુષ મંત્રાલયના નાગમંગલા સ્થિત સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગ એન્ડ નેચરોપથીના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. વદિરાજ એચ.એસ. સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
9મા નેચરોપથી ડેની ઉજવણીએ નિવારક અને પ્રમોટિવ હેલ્થકેરને મજબૂત કરવામાં સંશોધન-સમર્થિત યોગ અને નેચરોપથીના મહત્વની પુનઃપુષ્ટિ કરી છે. સંશોધન, સંસ્થાકીય વિકાસ, જનજાગૃતિ અને સામુદાયિક ભાગીદારીમાં સતત પ્રયાસો દ્વારા, આયુષ મંત્રાલય સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવાનું અને સ્વસ્થ ભારતના વિઝનને આગળ વધારવાનું ચાલુ રાખે છે.
SM/IJ/JD