"સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ" ની થીમ હેઠળ, 57મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) ગર્વપૂર્વક રશિયાને તેના પ્રતિષ્ઠિત ભાગીદાર દેશ તરીકે રજૂ કરે છે. 20 થી 28 નવેમ્બર 2026 દરમિયાન ગોવામાં યોજાનાર આ ફેસ્ટિવલ સમકાલીન રશિયન દિગ્દર્શકોની સંવેદનશીલતાને એક પ્રખ્યાત સોવિયેત સંગીતમય ક્લાસિક સાથે જોડતા ખાસ ક્યુરેટ કરાયેલા ચાર-ફિલ્મોના પેકેજને રજૂ કરીને ભારત-રશિયાની ચિરસ્થાયી સાંસ્કૃતિક કૂટનીતિને વધુ મજબૂત બનાવે છે.
વ્યંગાત્મક ઓપેરેટાની શ્રેષ્ઠ કૃતિની સાથે ઉભરતા દિગ્દર્શકોના અવાજોને એકસાથે લાવીને, ભાગીદાર દેશ રશિયા વિભાગ રશિયન ફિલ્મ નિર્માણના ભાવનાત્મક વ્યાપ, શૈલીની નીડરતા અને વિષયવસ્તુની ઊંડાઈને પ્રતિબિંબિત કરે છે. પારિવારિક તિરાડો, સામાજિક અલગતા અને વ્યક્તિગત મુક્તિના આત્મીય અન્વેષણથી લઈને શહેરી આકાંક્ષાઓ પરના શોસ્તાકોવિચના સંગીતથી સજ્જ ઉત્સાહી વ્યંગ્ય સુધી, આ શોકેસ ફેસ્ટિવલના પ્રતિનિધિઓ અને સિનેમા પ્રેમીઓને માનવીય પરિસ્થિતિઓની એક ગહન સફર કરાવશે.
બો બો

અનાસ્તાસિયા કુઝિનાની 'બો બો' (98 મિનિટ), જે 57મા IFFIમાં તેનું ભારત પ્રીમિયર કરી રહી છે, તે ઓળખ, સ્વીકૃતિ અને પૂર્વગ્રહ વિશેનું એક હૃદયસ્પર્શી ગ્રામીણ નાટક છે. ચહેરાના હેમેન્જિયોમા માટે ઉપહાસનો સામનો કરી રહેલી એક યુવાન છોકરી નાદિયાના માધ્યમથી, આ ફિલ્મ સંગીત દ્વારા તેની સ્વ-અભિવ્યક્તિની શોધની પડતાલ કરે છે, જે આપણને યાદ અપાવે છે કે સાચું પરિવર્તન દેખાવ બદલવામાં નહીં પરંતુ સામાજિક પૂર્વગ્રહોને દૂર કરવામાં રહેલું છે.
સિડની લ્યુમેટ્સ બર્થડે

વાયબોર્ગ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ જ્યુરી પ્રાઇઝ વિજેતા રાઉલ ગેઇદારોવની 'સિડની લ્યુમેટ્સ બર્થડે' (92 મિનિટ), IFFI57 ખાતે તેનું ભારત પ્રીમિયર કરી રહી છે. આ હૃદયસ્પર્શી કમિંગ-ઓફ-એજ ડ્રામા 17 વર્ષીય દાતોની વાર્તા કહે છે જ્યારે તે પારિવારિક તણાવ, ત્યાગ અને ક્ષમાનો સામનો કરે છે, અને પેઢીગત ઘાને રુઝાવવા માટે જરૂરી સ્થિતિસ્થાપકતાની પડતાલ કરે છે.
ન્યૂ હોમ

IFFI 2026 ખાતે તેના વર્લ્ડ પ્રીમિયર માટે તૈયાર નિકિતા ગ્રુશિનની 'ન્યૂ હોમ' (101 મિનિટ) એ બીજી તક અને મુક્તિ વિશેનું એક ભાવનાત્મક નાટક છે. સાત વર્ષ જેલમાં વિતાવ્યા બાદ, અન્ના સામાજિક સેવાઓની મદદ અને રોમનના સમર્થનથી પોતાનું જીવન ફરીથી બનાવવા માટે સંઘર્ષ કરે છે. શક્તિશાળી અભિનય દર્શાવતી આ ફિલ્મ પુનઃએકીકરણ, ઉપચાર અને નવી શરૂઆત શોધવા માટે ભૂતકાળનો સામનો કરવાના પડકારોની પડતાલ કરે છે.
ચેર્યોમુશ્કી

હર્બર્ટ રાપાપોર્ટની 'ચેર્યોમુશ્કી' (91 મિનિટ), જે IFFIમાં તેનું ભારત પ્રીમિયર કરી રહી છે, તે યુદ્ધ પછીના મોસ્કોમાં સેટ થયેલ એક આનંદદાયક સંગીતમય વ્યંગ્ય છે. બહેતર ઘરોના સપના જોતા ચાર યુવાન યુગલોની વાર્તા કહેતી આ ફિલ્મ સામુદાયિક ભાવના અને એકતાની ઉજવણી કરતી વખતે અમલદારશાહી ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આકર્ષક ધૂનો, જીવંત નૃત્ય નિર્દેશન અને હાસ્યનું મિશ્રણ કરે છે.
આ ખાસ ક્યુરેટ કરાયેલી પસંદગી દ્વારા, IFFI 2026 ભારત અને રશિયા વચ્ચેના ચિરસ્થાયી સાંસ્કૃતિક સંબંધોની પુનઃપુષ્ટિ કરે છે, જ્યારે પ્રેક્ષકોને રશિયન સિનેમાની વિવિધતા અને વિકસતી અભિવ્યક્તિઓ સાથે જોડાવાની તક પૂરી પાડે છે. ફિલ્મ નિર્માણની વિવિધ શૈલીઓ અને પેઢીઓમાં ફેલાયેલી આ ચાર ફિલ્મો ભૌગોલિક સીમાઓને પાર કરવાની અને સહિયારા માનવીય અનુભવો દ્વારા પરસ્પર સમજણ વધારવાની સિનેમાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
20 થી 28 નવેમ્બર 2026 દરમિયાન ગોવામાં યોજાનાર 57મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) “સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ” થીમ હેઠળ ભારત અને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, ઉદ્યોગ વ્યાવસાયિકો અને સિનેમા ઉત્સાહીઓને એકસાથે લાવશે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોની વિવિધ શ્રેણી, વિશેષ દેશના શોકેસ, પ્રીમિયર, સ્પર્ધાઓ અને ઉદ્યોગ જોડાણો સાથે, IFFI 2026 સિનેમેટિક શ્રેષ્ઠતાની ઉજવણી કરવાની અને સિનેમા દ્વારા આંતર-સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની તેની પરંપરા ચાલુ રાખે છે.
SM/NP/JD