આયુષ
azadi ka amrit mahotsav

આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય એકતા દિવસ 2026 પર ‘એકતા માટે યોગ’ (Yoga for Unity)ને પ્રોત્સાહન આપ્યું


દૈનિક યોગ અભ્યાસ, સામૂહિક કલ્યાણ અને સામાજિક સદ્ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે યોગ 365 પહેલ

પોસ્ટેડ ઓન: 31 OCT 2026 12:42PM by PIB Ahmedabad

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની સ્મૃતિમાં મનાવવામાં આવતા રાષ્ટ્રીય એકતા દિવસ (Rashtriya Ekta Diwas) 2026 ના અવસરે, આયુષ મંત્રાલય રાષ્ટ્રીય એકીકરણ, સામાજિક સદ્ભાવના અને સામૂહિક કલ્યાણને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડતા ‘એકતા માટે યોગ’ (Yoga for Unity) ના સંદેશનો પ્રચાર કરી રહ્યું છે.

યોગ 365 સાથે સાંકળવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ્ય નાગરિકોને સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની એકજૂથતા અને સહિયારી જવાબદારીની ભાવનાને મજબૂત કરવાની સાથે યોગને તેમના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મંત્રાલય દેશભરમાં આવેલી તેની યોગ અને નૈસર્ગિક ચિકિત્સા (Naturopathy) સંસ્થાઓને એવી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે જે સમુદાયો સુધી ‘એકતા માટે યોગ’ નો સંદેશ પહોંચાડે અને વ્યાપક જનભાગીદારીને પ્રોત્સાહન આપે.

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે, “સરદાર વલ્લભભાઈ પટેલે તેમના વિઝન અને દ્રઢ નિશ્ચય દ્વારા રાષ્ટ્રને એકજૂથ કર્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસે, આપણે સામૂહિક કાર્યો દ્વારા તેમના એકતાના સંદેશને આગળ ધપાવવો જોઈએ. યોગ ઉંમર, પ્રદેશ અને પૃષ્ઠભૂમિના ભેદભાવથી અળગા રહીને લોકોને એકસાથે લાવે છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. ‘એકતા માટે યોગ’ અને યોગ 365 ના માધ્યમથી, અમે દરેક નાગરિકને યોગને દૈનિક અભ્યાસ તરીકે અપનાવવા અને વધુ સ્વસ્થ તથા વધુ એકજૂથ ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, “યોગ શારીરિક અને માનસિક સુખાકારીમાં સુધારો કરવા માટેનો એક સરળ અને સુલભ માર્ગ પ્રદાન કરે છે અને સાથે સાથે વ્યક્તિઓ અને સમુદાયો વચ્ચે જોડાણની ભાવના કેળવે છે. યોગ 365 પહેલ લોકોને સમગ્ર વર્ષ દરમિયાન યોગ કરવાનો આગ્રહ રાખે છે, જેનાથી નિવારક સ્વાસ્થ્ય સંભાળ (preventive healthcare) રોજિંદા જીવનનો એક ભાગ બને છે. ‘એકતા માટે યોગ’ દ્વારા, અમારો ઉદ્દેશ્ય આ સંદેશને મજબૂત કરવાનો અને સ્વાસ્થ્ય, સદ્ભાવના અને સામૂહિક કલ્યાણની સંસ્કૃતિના નિર્માણમાં વ્યાપક સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે.”
આ અભિયાન એ વાત પર ભાર મૂકે છે કે યોગ માત્ર કોઈ ચોક્કસ દિવસ કે અવસર પૂરતો સીમિત નથી પરંતુ તેને એક ટકાઉ દૈનિક અભ્યાસ તરીકે અપનાવી શકાય છે જે વ્યક્તિગત સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને સામુદાયિક સંબંધોને મજબૂત કરે છે. સામૂહિક યોગ સત્રો અને જનભાગીદારી રાષ્ટ્રીય એકતાની ભાવનાને નિવારક સ્વાસ્થ્ય સંભાળ અને સ્વસ્થ જીવનશૈલી સાથે જોડવામાં મદદ કરશે.

આ પહેલના ભાગરૂપે, મંત્રાલય હેઠળની યોગ અને નૈસર્ગિક ચિકિત્સા સંસ્થાઓને નિયમિત યોગ અભ્યાસ, સામુદાયિક ભાગીદારી અને તેના ફાયદાઓ વિશે જાગરૂકતા પ્રોત્સાહિત કરવા માટે પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ અભિયાન યોગ 365 ને સમગ્ર વર્ષ દરમિયાન યોગ સાથે જાહેર જોડાણ જાળવી રાખવાની પહેલ તરીકે પણ પ્રકાશિત કરશે, જે તેની પહોંચને માત્ર સ્મારક અવસરોથી આગળ વધારશે.

‘એકતા માટે યોગ’ દ્વારા, આયુષ મંત્રાલય સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પરિકલ્પિત રાષ્ટ્રીય એકીકરણ અને એકતાની ભાવનાને આગળ ધપાવવાની સાથે સ્વસ્થ જીવન અને સામૂહિક કલ્યાણ માટે એક સુલભ અભ્યાસ તરીકે યોગને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

 

SM/DK/GP/JT


(રીલીઝ આઈડી: 2330786) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: Malayalam , English , Urdu , Marathi