પોસ્ટેડ ઓન:
28 OCT 2026 3:44PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી મિસ્ટર શિંજીરો કોઇઝુમીએ 28 ઓક્ટોબર 2026ના રોજ ફિલિપાઇન્સના સેબુ ખાતે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ (ADMM) - પ્લસ દરમિયાન એક બેઠક યોજી હતી. બંને મંત્રીઓએ ઓગસ્ટમાં યોજાયેલી તેમની મુલાકાત બાદ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગમાં થયેલી સતત પ્રગતિનું સ્વાગત કર્યું હતું, જે બંને પક્ષો દ્વારા સંમત થયેલી દિશા અનુસાર નીચે મુજબ છે:
· બંને પક્ષોની વ્યૂહાત્મક અને કાર્યકારી જરૂરિયાતોને પૂર્ણ કરે તેવા નક્કર દરિયાઈ સુરક્ષા સહયોગ અંગેની ચર્ચામાં પ્રગતિ થઈ છે. આમાં દરિયાઈ સુરક્ષામાં સુરંગોનો સામનો કરવાની ક્ષમતાઓ વધારવી તથા જાપાનની તકનીકી નિપુણતા અને ભારતની ઉત્પાદન ક્ષમતાઓનો લાભ લઈને નૌકાદળનાં જહાજોના નિર્માણ અને ડિઝાઇનમાં સંયુક્ત વિકાસની શક્યતાઓ તપાસવાનો સમાવેશ થાય છે. આ ચર્ચાઓને ભારતીય નૌકાદળના વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફની જાપાન મુલાકાત જેવી તકો દ્વારા સરળ બનાવવામાં આવી હતી.
· ભારત-જાપાન વાયુસેના અભ્યાસ 'વીર ગાર્ડિયન 26' દરમિયાન જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ફાઈટર વિમાનોની ભારતની પ્રથમ મુલાકાત, અને આ અભ્યાસના સંદર્ભમાં જ જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ચીફ ઓફ સ્ટાફની ભારત મુલાકાત બાદ, બંને વાયુસેનાઓ વચ્ચે સહકારને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથેની ચર્ચાઓમાં પ્રગતિ થઈ છે.
· ટોક્યોમાં ભારતીય દૂતાવાસ ખાતે બંને દેશોની આશરે 40 કંપનીઓની ભાગીદારી સાથે 'ઇન્ડિયા-જાપાન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ફોરમ'નું સફળ આયોજન.
મંત્રીઓએ આ વર્ષના અંતમાં ટોક્યો ખાતે ચોથી 'જાપાન-ઇન્ડિયા ફોરેન એન્ડ ડિફેન્સ મિનિસ્ટ્રીયલ મીટિંગ (2+2)' અને 'જાપાન-ઇન્ડિયા ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ' યોજવાની દિશામાં ચર્ચાઓને ઝડપી બનાવવા પર સંમતિ વ્યક્ત કરી હતી.
બેઠક બાદ X પર એક પોસ્ટમાં, સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ચર્ચાઓમાં ભારત-જાપાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટેના નવા માર્ગો શોધવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત અને જાપાનની સહિયારી પ્રતિબદ્ધતા મુક્ત, ખુલ્લા અને શાંતિપૂર્ણ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બની રહી છે.
SM/BS/JD