નીતિ આયોગ
azadi ka amrit mahotsav

"આપણે રાજ્યના પાટનગરોમાંથી શહેરોનું સંચાલન કરી શકીએ નહીં": 2જી નેશનલ અર્બન કોન્ક્લેવમાં નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ ગૌબાએ ભારતના વિકાસની ક્ષમતાને અનલોક કરવા સશક્ત શહેર સરકારોનું આહ્વાન કર્યું

પોસ્ટેડ ઓન: 25 OCT 2026 2:15PM by PIB Ahmedabad

નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ ગૌબાએ 2જી નેશનલ અર્બન કોન્ક્લેવના સમાપન સત્ર દરમિયાન તેમના સંબોધનમાં વિકસિત ભારત @ 2047 ના વિઝનને સાકાર કરવા માટે શહેરી શાસન, આયોજન અને નાણાકીય વ્યવસ્થામાં વ્યાપક સુધારાની તાકીદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભારતના વર્તમાન જનસાંખ્યિકીય  અને શહેરી સંક્રમણના માપદંડ પર ભાર મૂકતા શ્રી ગૌબાએ નોંધ્યું હતું કે ભારતની વસ્તી અનેક દાયકાઓ સુધી વધતી રહેશે, જે 2060ની આસપાસ અંદાજે 165 કરોડ પર સ્થિર થશે. 2050 સુધીમાં ભારતની લગભગ અડધી વસ્તી શહેરી વિસ્તારોમાં રહેવાની ધારણા સાથે, શહેરી વસ્તી વર્તમાનના અંદાજે 50 કરોડથી વધીને 85 કરોડ થવાનો અંદાજ છે. શહેરી વસ્તીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને પ્રાથમિક સેવાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે શહેરોનું આયોજન, સંચાલન અને નાણાકીય વ્યવસ્થા જે રીતે કરવામાં આવે છે તેમાં મૂળભૂત ફેરફારની જરૂર પડશે.

શહેરોને આર્થિક વૃદ્ધિની એવી કટોટી તરીકે વર્ણવતા જ્યાં પ્રતિભા, મૂડી અને વિચારોનો સંગમ થાય છે, તેમણે અવલોકન કર્યું કે, આયોજિત શહેરી વસાહતોનો ભારતનો સમૃદ્ધ ઇતિહાસ હોવા છતાં, સ્વતંત્રતા પછી શહેરોએ સાપેક્ષ ઉપેક્ષા અનુભવી હતી. 2014 પછી, સ્માર્ટ સિટીઝ, અમૃત (AMRUT), પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત અને અર્બન લાઈવલીહુડ્સ મિશન જેવા કેન્દ્રીત પ્રયાસો અનેક મોટા મિશનો મારફતે કરવામાં આવ્યા છે. શહેરી ક્ષેત્ર માટેનું બજેટ ફાળવણી 10 ગણી વધી છે. મેટ્રો રેલ અને બસ સિસ્ટમમાં આશરે ₹3.7 લાખ કરોડનું વિશાળ રોકાણ કરવામાં આવ્યું છે.

તેમણે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે 2025-26 ના બજેટમાં જાહેર કરાયેલા ₹1 લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડ અને પાંચ વર્ષમાં 7 સિટી ઈકોનોમિક રિજિયન્સમાંથી પ્રત્યેક માટે આ વર્ષના બજેટમાં ₹5,000 કરોડની ફાળવણી તરફ ઈશારો કરતા નીતિ આયોગની ગ્રોથ હબ પહેલની રૂપરેખા આપી હતી.

શ્રી ગૌબાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે સેવાની ડિલિવરીમાં સુધારો કરવા અને નાગરિકોની અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે શબ્દના સાચા અર્થમાં સશક્ત શહેર સરકારો હોવી આવશ્યક છે. નીતિ આયોગ અને અર્બન અફેર્સ મંત્રાલય (MoHUA) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા 'મુવિંગ ટુવર્ડ્સ ઈફેક્ટિવ સિટી ગવર્નન્સ' રિપોર્ટનો ઉલ્લેખ કરતા, તેમણે શહેરોમાં 5 વર્ષની મુદતવાળા સીધા ચૂંટાયેલા મેયર હોવા, મેયર-ઈન-કાઉન્સિલ પ્રણાલી શરૂ કરવા અને સમયસર નગરપાલિકાની ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે 74મા સુધારાને અનુરૂપ રાજ્યો દ્વારા માસ્ટર પ્લાનિંગ, વોટર સપ્લાય, ફાયર સર્વિસિસ અને ટ્રાફિક સહિતના તમામ 18 કાર્યો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યના પાટનગરોમાંથી શહેરોનું અસરકારક રીતે સંચાલન કરી શકાય નહીં અને શહેર સરકારો પાસે સ્થાનિક જરૂરિયાતોને પ્રતિસાદ આપવાની સત્તા અને સંસ્થાકીય ક્ષમતા હોવી જ જોઈએ. આનાથી જ નાગરિકોની અર્થપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત થશે.

શ્રી ગૌબાએ નોંધ્યું કે નગરપાલિકાની આવક ઓછી રહે છે, તેમણે મિલકત વેરા અને યુઝર-ચાર્જ વસૂલાતમાં સુધારો કરવા આહ્વાન કર્યું હતું. તેમણે નિર્દેશ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સેન્ટ્રલ ફાઇનાન્સ કમિશનની ગ્રાન્ટ અગાઉની ફાળવણી કરતાં બમણા કરતાં વધુ થઈ ગઈ છે, જેમાં તેમનો હિસ્સો 36% થી વધીને 45% થયો છે, પરંતુ રાજ્યોમાંથી શહેરોમાં ભંડોળનું હસ્તાંતરણ ઓછું રહ્યું છે. તેમણે કહ્યું કે સ્ટેટ ફાઇનાન્સ કમિશનની નિયમિત રચના થવી જોઈએ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પૂરતું નાણાકીય હસ્તાંતરણ સુનિશ્ચિત કરવું જોઈએ.

શહેરી આયોજન અને આવાસ અંગે સંબોધન કરતા શ્રી ગૌબાએ વર્તમાન આયોજન મોડેલમાં મોટો ફેરફાર કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પ્રતિબંધિત FARs અને મકાન નિર્માણના નિયમોને દૂર કરવા માટે સુધારા આહ્વાન કર્યું જે જમીન પુરવઠાને મર્યાદિત કરે છે અને રહેણાંક તથા વ્યાપારી વપરાશકારો માટે ખર્ચ વધારે છે. તેમણે જમીનનો પુરવઠો વધારવા અને આવાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓ માટેના ખર્ચને ઘટાડવા માટે મિશ્ર-ઉપયોગ ઝોનિંગ, ટ્રાન્ઝિટ હબની આસપાસના વિકાસ અને લેન્ડ પુલિંગને અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે સ્થળાંતરિત કામદારો, ઔદ્યોગિક શ્રમિકો, વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો માટે પરવડે તેવા ભાડાના આવાસના મહત્વ તરફ ઈશારો કર્યો હતો અને ભાડાના આવાસનો પુરવઠો વધારવા માટે રાજ્યોને મોડેલ ટેનન્સી એક્ટ અપનાવવા વિનંતી કરી હતી.

પોતાના સંબોધનના સમાપનમાં શ્રી ગૌબાએ જણાવ્યું હતું કે નવા મ્યુનિસિપલ એક્ટ લાવીને રાજ્યો દ્વારા આ તમામ સુધારા અમલમાં મૂકી શકાય છે અને MoHUA ને શહેરી મિશનો હેઠળના ટેકા સાથે જોડીને આ સુધારાઓ અમલમાં મૂકવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની શહેરી વિકાસ ક્ષમતાને અનલોક કરવા અને વિકસિત રાજ્યો તથા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સશક્ત શહેર સરકારો આવશ્યક છે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2328207) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: Marathi , Urdu , English , हिन्दी , Tamil