પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

દિલ્હીમાં વિજયાદશમીના સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 20 OCT 2026 7:53PM by PIB Ahmedabad

સિયાવર રામચંદ્ર કી જય! સિયાવર રામચંદ્ર કી જય! સિયાવર રામચંદ્ર કી જય! વિજયાદશમીના આ પાવન પર્વ પર હું પ્રભુ શ્રીરામ, મા જાનકી અને બજરંગ બલીના ચરણોમાં પ્રણામ કરું છું. આ પવિત્ર વાતાવરણમાં, હું તમામ દેશવાસીઓને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ, આજે ભારતનો ખૂણે-ખૂણો રામમય છે. ગામે-ગામે, શહેરે-શહેરે દેશ રામલીલાના રસમાં ડૂબેલો છે. દેશભરમાં રામલીલાઓનું મંચન, પ્રભુ શ્રીરામના આદર્શોને જીવંત રાખવાની પરંપરા, અત્યાચાર અને આતંકના અંતનો ઉદ્ઘોષ અને અસત્ય પર સચોટ સનાતનની વિજયનો વિશ્વાસ, આપણા માટે આ માત્ર તહેવાર નથી, આ ભારતની પ્રાણ ઊર્જા છે. એટલા માટે, આજે જ્યારે દેશનો જન-જન અધર્મ પર ધર્મની વિજયનો ઉદ્ઘોષ કરી રહ્યો છે, તો આવો, ફરી એકવાર મારી સાથે બોલો - સિયાવર રામચંદ્ર કી જય! સિયાવર રામચંદ્ર કી જય! સિયાવર રામચંદ્ર કી જય!

સાથીઓ, આ દેશે, તેની સંસ્કૃતિએ અને તેના પૂર્વજોએ હજારો વર્ષોથી પ્રભુ શ્રીરામની ઉપાસના કરી છે. આ આસ્થા માત્ર એટલા માટે નથી કે, શ્રીરામે રાક્ષસરાજ રાવણનો અંત કર્યો હતો. આ આસ્થા એટલા માટે પણ છે, કારણ કે પ્રભુ રામે આપણને એવા આદર્શો આપ્યા, જે માનવતાના ઇતિહાસમાં અદભુત છે.

સાથીઓ, પ્રભુ શ્રીરામે પોતાના જીવનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ તેમણે સચ્ચાઈ અને નીતિનો રસ્તો ક્યારેય છોડ્યો નહીં. તેમનું ચરિત્ર જ એવું છે, ‘प्रसन्नतां या न गत अभिषेकतः तथा,न मम्ले वनवास दुःखतः॥’ અર્થાત્, પ્રભુ રામના ચહેરા પર ન તો રાજપદ મેળવવાની પ્રસન્નતા થઈ, અને ન તો વન જવાથી તેમને કોઈ દુઃખ થયું. તેમણે દરેક સંકટને સહન કરીને પણ ધર્મનું પાલન કર્યું અને સત્યની સ્થાપના કરી. જ્યારે આપણા રામ વનમાં ગયા, ત્યારે ત્યાં તેઓ  નિષાદરાજને ભેટી પડ્યા, માતા શબરીને સન્માન આપ્યું. તેમણે દયા, કરુણા, પ્રેમ અને સૌહાર્દના માપદંડો સ્થાપિત કર્યા. અને જ્યારે પાછા આવીને પ્રભુ રામ અયોધ્યાના રાજા બન્યા, તો એવા રામરાજ્યની સ્થાપના કરી, જે આજે પણ સુશાસનનો, ગવર્નન્સનો માપદંડ માનવામાં આવે છે. રામરાજ્ય અર્થાત્ એવું શાસન, જ્યાં કોઈના પ્રત્યે ભેદભાવ ન હોય, જ્યાં સૌને ન્યાય મળે, જ્યાં સૌને સમાન તકો મળે, જ્યાં સત્તાનો હેતુ શાસન કરવાનો નહીં, પરંતુ જન-કલ્યાણનો હોય. અને એટલા માટે જ ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું હતું - ‘દૈહિક દૈવિક ભૌતિક તાપા। રામ રાજ નહિં કાહુહિ વ્યાપા॥’ આ જ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામનો આદર્શ છે. એટલા માટે આપણે હંમેશાં જનતાને જનાર્દન માનીને, નાગરિક દેવો ભવના મંત્ર પર આગળ વધવાનું છે. આપણે ગરીબ, વંચિતની સેવાને સર્વોપરી રાખવાની છે.

સાથીઓ, પ્રભુ રામના જીવનમાંથી આપણને ખૂબ મોટો બોધ મળે છે. સંકટ ગમે તેટલું મોટું કેમ ન હોય, પડકાર ગમે તેટલો અઘરો કેમ ન હોય, આપણે બીજાના ભરોસે બેસી રહેવાનું નથી, આપણે આપણું સામર્થ્ય ઓળખવાનું છે, આપણે આપણા સંસાધનો પર વિશ્વાસ કરવાનો છે, આપણા સંકલ્પને શક્તિ બનાવવાની છે, અને આપણા પરિશ્રમથી ઉકેલ લાવવાનો છે. પ્રભુ રામે આપણને શીખવ્યું કે રસ્તાની મુશ્કેલીઓ, આપણી યાત્રાને રોકી શકતી નથી. સમુદ્ર સામે હતો, લંકા દૂર હતી, પરંતુ સંકલ્પ અડગ હતો. એટલા માટે રામજીએ જનતાની સામૂહિક શક્તિને જગાવી, જનભાગીદારીને પોતાનું બળ બનાવ્યું, ઉપલબ્ધ સંસાધનોને જોડ્યા. અને અશક્ય લાગતા લક્ષ્યને શક્ય બનાવ્યું. આ જ સફળતાનો મૂળ મંત્ર છે. પોતાની શક્તિ પર વિશ્વાસ, પોતાના સામર્થ્ય પર ભરોસો, પોતાના સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને પોતાના લક્ષ્ય પ્રત્યે અતૂટ સંકલ્પ. આજે આપણે પણ આ જ મંત્રને લઈને આગળ વધવાનું છે. આપણી સામે વિકસિત ભારતનું લક્ષ્ય છે, આપણી સામે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય છે. આપણે જનશક્તિથી જનકલ્યાણ કરતા, જનતાની દરેક આકાંક્ષાઓને પૂરી કરવાની છે અને આના માટે પણ આપણે ભગવાન રામ પાસેથી જ પ્રેરણા મેળવવાની છે.

સાથીઓ, એક રાષ્ટ્ર ત્યારે જ પ્રગતિ કરે છે, જ્યારે તેની પાસે આત્મસન્માનનો ભાવ હોય. અને આ આત્મસન્માનમાં ખૂબ મોટી ભૂમિકા તેની વારસાની હોય છે. એટલા માટે, આજે દેશ પોતાનો વારસો અને ઓળખને પણ સંરક્ષિત કરવામાં લાગ્યો છે. સદીઓ સુધી આપણી ધરોહરોને લૂંટીને વિદેશ લઈ જવામાં આવી, પરંતુ આજે આપણે આપણી તે ધરોહરોને પાછી લાવી રહ્યા છીએ. વીતેલા 12 વર્ષોમાં 650 થી વધારે પ્રાચીન મૂર્તિઓને ભારત પાછી લાવવામાં આવી છે. આ જ રીતે, ભારત પોતાના સાંસ્કૃતિક કેન્દ્રોને દુનિયામાં નવી ઓળખ અપાવી રહ્યું છે. વીતેલા વર્ષોમાં, આપણા કેટલાય સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. પાછલા વર્ષે દીપાવલીને પણ યુનેસ્કોએ માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સામેલ કરી છે. આ કરોડો ભારતીયોની સામૂહિક ઇચ્છાશક્તિનું જ પરિણામ છે. આપણે આ જ નિષ્ઠાથી આગળ પણ કામ કરવાનું છે.

સાથીઓ, વિજયાદશમી, વિજયનું પર્વ છે, જીતનું પર્વ છે. આ પર્વ આપણને સાહસ આપે છે કે શત્રુ ગમે તેટલો મોટો કેમ ન હોય, પરંતુ જ્યારે આપણે સચ્ચાઈ અને માનવતાની સાથે હોઈએ છીએ, ત્યારે અંતમાં જીત આપણી હોય છે. વિજયાદશમીની આ જ ભાવના હંમેશાંથી ભારતની વિચારધારા રહી છે. આપણા ૠષિઓએ આપણને પ્રેરણા આપી છે - ‘સમાનો મંત્રઃ સમિતિઃ સમાની સમાનં મનઃ સહ ચિત્તમેષામ્।’ અર્થાત્, આપણા વિચારો સમાન હોય, આપણી સમિતિઓ, અર્થાત્ રાષ્ટ્રની તમામ સંસ્થાઓ, તમામ રાજકીય પક્ષો, રાષ્ટ્રહિત માટે એક સાથે ઊભા રહે. આપણે આ જ ભાવના પર ચાલવું પડશે, આપણે દેશના દુશ્મનો સાથે મળીને લડવું પડશે. દેશના માન-સમાજને ચોટ પહોંચાડતી તાકાતો, સમાજને વહેંચનારા લોકો, આપણી સંસ્કૃતિથી નફરત કરવાની માનસિકતા, આ દેશના દુશ્મનો છે. આજે વિજયાદશમીના શુભ પર્વ પર આપણે આપણો સંકલ્પ ફરી દોહરાવવાનો છે, આપણે મા ભારતીના શત્રુઓને ઓળખવા પડશે, તેમને પરાજિત કરવા પડશે. અને રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ લેતા, સૌએ એક સાથે આવવું પડશે. મને વિશ્વાસ છે, અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ‘રામ સે રાષ્ટ્ર’ અને ‘દેવ સે દેશ’ની જે સંકલ્પના આપણે કરી છે, તેને આપણે જરૂર પૂરું કરીશું. હું એકવાર ફરી તમામ દેશવાસીઓને દશેરાની ખૂબ-ખૂબ વધાઈ આપું છું.

જય સિયા રામ! જય સિયા રામ! જય સિયા રામ! ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ-ખૂબ ધન્યવાદ.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2325585) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी