સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

કર્નાટક મૈસૂર ખાતે 9 દિવસીય શિલ્પ સમાગમ મેળો 2026 સંપન્ન થયો


12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કારીગરોના પરંપરાગત હસ્તકળા અને હાથશાળ (હેન્ડલૂમ) ઉત્પાંદનોનું પ્રદર્શન કરતા મેળાની હજારો લોકોએ મુલાકાત લીધી

મેળામાં 83 સ્ટોલ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં કારીગરોને ફાળવવામાં આવેલા 80 સ્ટોલનો સમાવેશ થાય છે, તેમાં 37 મહિલા કારીગરો છે

માનનીય મંત્રી રામદાસ અઠાવલે, કેન્દ્રીય સચિવ શ્રી સુધાંશ પંતે મૈસૂર શિલ્પ સમાગમ મેળાની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 20 OCT 2026 4:47PM by PIB Ahmedabad

નવ દિવસીય શિલ્પ સમાગમ મેળો 2026 કર્નાટકના મૈસૂર ખાતેના દસરા પ્રદર્શન મેદાનમાં હજારો લોકોની મુલાકાત સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ મેળાનું આયોજન સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મેળાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગ અને સફાઈ કર્મચારીઓના લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી પરંપરાગત હસ્તકળા અને હાથશાળ (હેન્ડલૂમ) ઉત્પાદનો માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો, જેમાં મંત્રાલય હેઠળ કાર્યરત ત્રણ રાષ્ટ્રીય નિગમો, એટલે કે નેશનલ શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSFDC), નેશનલ બેકવર્ડ ક્લાસીસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NBCFDC) અને નેશનલ સફાઈ કરમચારીસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSKFDC) દ્વારા સમર્થિત કારીગરોનો સમાવેશ થાય છે.

નેશનલ બેકવર્ડ ક્લાસીસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NBCFDC) ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રજનીશ બેંકરે જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય કારીગરો માટે માર્કેટ લિન્કેજને મજબૂત કરવાનો, પરંપરાગત કારીગરીને પ્રોત્સાહન આપવાનો અને લક્ષિત જૂથો માટે ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવાનો હતો.

તેમણે જણાવ્યું હતું કે મંત્રાલય 2022 થી શિલ્પ સમાગમ મેળાનું આયોજન કરી રહ્યું છે, અને અત્યાર સુધી યોજાયેલા આવા 13 મેળાઓ દ્વારા 975 કારીગરોને લાભ થયો છે.

શ્રી બેંકરે જણાવ્યું હતું કે મૈસૂર સંસ્કરણ નાણાકીય વર્ષ 2026-27 નો પ્રથમ શિલ્પ સમાગમ મેળો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે મેળામાં કુલ 83 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાંથી 80 સ્ટોલ કારીગરોને ફાળવવામાં આવ્યા હતા, જેમાં 37 મહિલા કારીગરોનો સમાવેશ થાય છે. મુલાકાતીઓ માટે પરંપરાગત વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે મેળામાં આંધ્ર પ્રદેશ, બિહાર, કર્નાટક, કેરળ, રાજસ્થાન, પુડુચેરી, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિળનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કારીગરોએ ભાગ લીધો હતો.

ડીજીએમ (DGM) એ માહિતી આપી હતી કે પ્રદર્શનમાં હસ્તકળાની વસ્તુઓ, હાથશાળની સાડીઓ, મસાલા, અથાણાં, અગરબત્તી, મધના ઉત્પાદનો, બ્લોક-પ્રિન્ટેડ ઉત્પાદનો, કાંજીવરમ સાડીઓ, ચામડાનો સામાન, લાકડાના રમકડાં, બેગ અને પર્સ, ટેરાકોટા ઉત્પાદનો, આર્ટિફિશિયલ જ્વેલરી, રોઝવુડ વોલ હેંગિંગ્સ અને બેડ તથા ક્યુશન કવર સહિતની પરંપરાગત ઉત્પાદનોની વ્યાપક શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ પ્લેટફોર્મ કારીગરોને તેમના ઉત્પાદનો વ્યાપક પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવા અને સંભવિત ગ્રાહકો સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે, જ્યારે ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસત અને પરંપરાગત કૌશલ્યોને પ્રોત્સાહન આપે છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે શિલ્પ સમાગમ મેળો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય તથા તેના ત્રણ રાષ્ટ્રીય નિગમો—NSFDC, NBCFDC અને NSKFDC ની યોજનાઓ અને કાર્યક્રમો વિશે માહિતી પ્રસારિત કરવા માટેના પ્લેટફોર્મ તરીકે પણ કાર્ય કરે છે. આ પહેલ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાની સાથે, પાત્ર લાભાર્થીઓ માટે ઉપલબ્ધ સહાય અને વિકાસની તકો વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરે છે.

મંત્રાલયે ભારતમાં અને વિદેશમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લક્ષિત જૂથો દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનો માટે બજાર પહોંચનો વિસ્તાર કરવા ભારત ટ્યૂલપ [BHARAT TULIP - ટ્રેડિશનલ આર્ટિસન્સ અપલિફ્ટમેન્ટ લાઇવલીહુડ પ્રોગ્રામ (Traditional Artisans’ Upliftment Livelihood Programme)] પણ શરૂ કર્યો છે. આ પહેલ હેઠળ, ઉત્પાદનોની વિઝિબિલિટી (દ્રશ્યતા) વધારવા અને ઓનલાઇન વેચાણ સુગમ બનાવવા માટે તેમને 'ભારત ટ્યૂલપ' (BHARAT TULIP) તરીકે બ્રાન્ડ કરવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરંપરાગત કળા સ્વરૂપોને જાળવી રાખીને અને ભારતની સમૃદ્ધ કારીગરીને વ્યાપક પ્રેક્ષકો સુધી પ્રોત્સાહિત કરીને કારીગરોની આજીવિકાને મજબૂત કરવાનો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રાલય મફત સ્ટોલ અને મુસાફરી ખર્ચ, દૈનિક ભથ્થું, સામાનનું પરિવહન અને બપોરના તથા રાત્રિના ભોજન સહિતના ભોજનને આવરી લેતી સહાય પૂરી પાડીને કારીગરોના ભાગીદારીને સુગમ બનાવે છે. આ સહાય કારીગરોને સ્ટોલ ભાડાના ખર્ચ અને વિશિષ્ટ ભાગીદારી-સંબંધિત ખર્ચ ભોગવ્યા વિના મેળામાં ભાગ લેવા અને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં મદદ કરે છે.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રામદાસ અઠાવલેએ શિલ્પ સમાગમ મેળાની તેમની મુલાકાત દરમિયાન સામાજિક રીતે નબળા વર્ગોના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

મંત્રીશ્રીએ હસ્તકળા, હાથશાળની સાડીઓ, મસાલા, અથાણાં, અગરબત્તી, મધના ઉત્પાદનો, બ્લોક-પ્રિન્ટેડ વસ્તુઓ, ચામડાનો સામાન, લાકડાના રમકડાં, બેગ, પર્સ, ટેરાકોટા ઉત્પાદનો, આર્ટિફિશિયલ જ્વેલરી, રોઝવુડ વોલ હેંગિંગ્સ અને બેડ તથા ક્યુશન કવર સહિતની વિવિધ ઉત્પાદનોની શ્રેણી ધરાવતા સ્ટોલ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુલાકાતીઓના અનુભવમાં ઉમેરો કરતા પરંપરાગત વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના કેન્દ્રીય સચિવ શ્રી સુધાંશ પંતે પણ મેળાની મુલાકાત લીધી હતી.

મૈસૂર દસરા પ્રદર્શન મેદાનની તેમની મુલાકાત દરમિયાન, સચિવે સ્ટોલ્સનું નિરીક્ષણ કર્યું હતું અને સ્ટોલ મેનેજરો તથા મુલાકાતીઓ સાથે વાતચીત કરી હતી.

કેન્દ્રીય સચિવ રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગ સાથે અમલમાં મૂકવામાં આવી રહેલી મંત્રાલયની યોજનાઓ, કાર્યક્રમો અને પહેલોની વ્યાપક સમીક્ષા કરવા મૈસૂરની બે દિવસીય સત્તાવાર મુલાકાતે હતા.

શ્રી પંતે જણાવ્યું હતું કે આવી પહેલો દ્વારા મંત્રાલય બજાર પહોંચને મજબૂત કરવાનું, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવાનું અને વંચિત સમુદાયોના આર્થિક સશક્તિકરણને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે.

શિલ્પ સમાગમ મેળાએ મુલાકાતીઓને કારીગરોની આજીવિકાને સમર્થન આપવાની સાથે ભારતની પરંપરાગત કળા અને હાથશાળ ઉત્પાદનોને જાણવાની તક પૂરી પાડી હતી.

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન, મંત્રાલય ગુવાહાટી, નવી દિલ્હીમાં દિલ્હી હાટ, જોધપુર અને લખનઉ ખાતે વધારાના શિલ્પ સમાગમ મેળાઓનું આયોજન કરી રહ્યું છે.

મંત્રાલય અને તેના ત્રણ રાષ્ટ્રીય નિગમો 14 થી 27 નવેમ્બર 2026 દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેયર (IITF) 2026 અને ફેબ્રુઆરી 2027 માં ફરીદાબાદ ખાતે સૂરજકુંડ મેળા સહિતના મુખ્ય પ્રદર્શનોમાં પણ ભાગ લેશે.

શિલ્પ સમાગમ મેળો અને ભારત ટ્યૂલપ (BHARAT TULIP) જેવી પહેલો દ્વારા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ભારતની પરંપરાગત કળા અને હસ્તકળાની જાળવણી અને વ્યાપક માન્યતાને સમર્થન આપવાની સાથે, લક્ષિત જૂથોના કારીગરો માટે બજાર પહોંચ, ઉદ્યોગસાહસિકતા અને આજીવિકાની તકોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2325487) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Kannada