નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

DRIએ મિઝોરમમાં રૂ. 8.64 કરોડની કિંમતની 43 લાખથી વધુ વિદેશી મૂળની તસ્કરી કરેલી સિગારેટ જપ્ત કરી; એકની ધરપકડ


ચંપાઈ-આઈઝોલ રોડ પર ઇન્ટેલિજન્સ આધારિત ઇન્ટરસેપ્શનથી મ્યાનમારથી શંકાસ્પદ સિગારેટની તસ્કરીનો ફરી એકવાર પર્દાફાશ થયો

પોસ્ટેડ ઓન: 19 OCT 2026 8:52PM by PIB Ahmedabad

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં સરહદ પારથી સિગારેટની તસ્કરી સામે એક મોટી કાર્યવાહી કરી છે. આજે મિઝોરમમાં ઇન્ટેલિજન્સ આધારિત એક ઓપરેશનમાં રૂ. 8.64 કરોડની કિંમતની વિદેશી મૂળની સિગારેટના 43.2 લાખ સ્ટીક્સ (નંગ) જપ્ત કરવામાં આવ્યા છે. મ્યાનમારથી તસ્કરી કરીને લાવવામાં આવ્યો હોવાની શંકા ધરાવતો આ જથ્થો આઈઝોલ તરફ પરિવાહિત કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

એક ટ્રકમાં વિદેશી મૂળની સિગારેટનો મોટો જથ્થો આઈઝોલ તરફ લઈ જવામાં આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને, ડીઆરઆઈ (DRI) આઈઝોલ પ્રાદેશિક એકમના અધિકારીઓએ ચંપાઈ-આઈઝોલ રોડ પર વોચ ગોઠવી હતી. તુઇરિયલ ગામ પાસે વાહનને આંતરવામાં આવ્યું હતું. ટ્રકની ઝીણવટભરી તપાસ કરતાં “પેટ્રોન” (Patron) બ્રાન્ડની વિદેશી મૂળની સિગારેટના 43,20,000 સ્ટીક્સ ધરાવતા 432 કેસ (બોક્સ) મળી આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે સિગારેટના પેકેટો પર સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરાત અને વેપાર તથા વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠો અને વિતરણનું નિયમન) અધિનિયમ, 2003 હેઠળ નિર્ધારિત ફરજિયાત ચિત્રત્મક અને આરોગ્ય વિષયક ચેતવણીઓ નહોતી. કસ્ટમ્સ એક્ટ, 1962 ની કલમ 110 હેઠળ ટ્રક સાથે સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસ સૂચવે છે કે આ સિગારેટ મિઝોરમ-મ્યાનમાર સરહદના ઝોખાવથાર સેક્ટર દ્વારા મ્યાનમારથી મિઝોરમમાં તસ્કરી કરીને લાવવામાં આવી હતી, જે વિદેશી મૂળના તમાકુ ઉત્પાદનોની ગેરકાયદે હિલચાલ માટે સરહદ પારના માર્ગોના ઉપયોગને રેખાંકિત કરે છે.

આ મહત્વપૂર્ણ જપ્તી સરહદ પારના તસ્કરી નેટવર્કને તોડી પાડવા, વિદેશી મૂળના સામાનની ગેરકાયદેસર હિલચાલને અટકાવવા અને સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદી માર્ગો પર અમલીકરણને મજબૂત કરવા માટે ડીઆરઆઈ (DRI) ના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2325293) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English