રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
એનએચઆરસી, ભારતે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય પુરુષ સાથે રહેવા બાબતે ગુસ્સે ભરાયેલા પતિ અને પરિવારના સભ્યો દ્વારા એક મહિલા સાથે કરાયેલા હુમલા અને અમાનવીય વર્તનના અહેવાલ પર સ્વતઃ સંજ્ઞાન લીધું
સુરેન્દ્રનગરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો
અહેવાલમાં પીડિતાની આરોગ્ય વિષયક સ્થિતિ અને તેને ચૂકવવામાં આવેલા વળતર, જો કોઈ હોય તો, નો સમાવેશ કરવાનો રહેશે
પોસ્ટેડ ઓન:
16 OCT 2026 5:50PM by PIB Ahmedabad
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC - રાષ્ટ્રીય માનવ અદિકાર આયોગ), ભારતે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય પુરુષ સાથે રહેતી એક પરણિત મહિલા સાથે તેના પતિ અને પરિવાર દ્વારા આચરવામાં આવેલા ક્રૂર અને અમાનવીય વર્તનના મીડિયા અહેવાલ પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. અહેવાલો મુજબ, મહિલા અને તે પુરુષને શોધી કાઢવામાં આવ્યા હતા અને 'શુદ્ધિકરણ વિધિ' કરવાના બહાને પરત લાવવામાં આવ્યા હતા. મહિલાને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો, લાતો મારવામાં આવી હતી અને ઝાડ સાથે બાંધી દેવામાં આવી હતી. આરોપીઓએ તેની સાથે રહેલા પુરુષને તેના પર બળાત્કાર કરવા માટે પણ કથિત રીતે મજબૂર કર્યો હતો.
આયોગે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની વિગતો, જો સાચી હોય તો, માનવ અહિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઊભો કરે છે. તદનુસાર, તેણે સુરેન્દ્રનગરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટને નોટિસ જારી કરીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ આપવા જણાવ્યું છે. તેમાં પીડિતાની આરોગ્ય સ્થિતિ અને તેને ચૂકવવામાં આવેલા વળતર, જો કોઈ હોય તો, નો સમાવેશ કરવાની અપેક્ષા છે.
8 ઓક્ટોબર 2026ના રોજ પ્રકાશિત થયેલા મીડિયા અહેવાલ મુજબ, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2324451)
મુલાકાતી સંખ્યા : 15