પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન ગેમ્સ 2026ના સહભાગીઓ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
15 OCT 2026 7:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રમતગમત રાજ્ય મંત્રી બહેન રક્ષા ખડસેજી, આપ સૌ યુવા એથ્લેટ્સ, કોચ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
આપ સૌની વચ્ચે આવવું, એ મને પણ ઊર્જાથી ભરી દે છે. આટલા બધા પદકવીર અને તે બધાને એક સાથે મળવું, આ કોઈ સામાન્ય વાત નથી. આ ખૂબ જ સુખદ અનુભવ હોય છે. આપ સૌ યુવા એથ્લેટ્સ આ વાતનું ઉદાહરણ છો, કે જુસ્સો જ્યારે જીતમાં બદલાય છે, ત્યારે તે કેવી રીતે મેડલ્સની સાથે-સાથે, ચહેરાની ચમક પણ લઈને આવે છે. અને દેશ તો ચમકે જ છે.
સાથીઓ,
તમે 140 કરોડ દેશવાસીઓને ગર્વની તક આપી છે. કારણ કે સૌથી મોટી સફળતા, અને સફળતા જો કંઈક હોય છે, તો તે છે તિરંગાની શાન વધારવી. તમે તિરંગાની શાન વધારી છે, તિરંગાનું માન વધાર્યું છે, અને એટલા માટે તમારી સફળતા કેવળ તમારી નથી, આ દેશના કરોડો-કરોડો નાગરિકોની સફળતા છે. હું તમામ દેશવાસીઓ તરફથી અને આપ સૌને એકવાર ફરીથી ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. આ સાથે જ તમારા કોચ, તમારા સપોર્ટ સ્ટાફ અને તમારા પરિવારનો પણ, હું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન કરું છું.
સાથીઓ,
આજે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામજીની જન્મજયંતિ પણ છે. તેમનું જીવન અને તેમનું વિઝન, આપણા સૌ માટે પ્રેરણા છે. હું તેમને પણ સાદર નમન કરું છું.
સાથીઓ,
આ વખતે એશિયન ગેમ્સ અનેક બાબતોમાં આપણા માટે યાદગાર રહ્યા છે. આપણી હોકીની મહિલા અને પુરુષ, બંને ટીમો અહીં ઉપસ્થિત છે. બંને ટીમોએ આ વખતે ગોલ્ડ મેડલ જીત્યો છે. અને ખાસ કરીને આપણી મહિલા હોકી ટીમ, તમે તો ગોલ્ડ લાવીને 44 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યા છો. ક્રિકેટમાં આપણી બંને ટીમોએ સતત બીજી વાર મેડલ જીત્યો છે, અને એટલું જ નહીં, પોતાનો જ રેકોર્ડ દોહરાવ્યો છે. કબડ્ડીમાં પણ આપણા પુરુષ અને મહિલા બંનેએ, બંને ટીમોએ ગોલ્ડ જીત્યો છે. આ જ રીતે તીરંદાજીમાં પાંચ ગોલ્ડ, અને જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, શૂટિંગમાં શાનદાર પ્રદર્શન, બોક્સિંગમાં, કુસ્તીમાં મોટી-મોટી સફળતા, એથ્લેટિક્સમાં નવા રેકોર્ડ, અઠ્ઠાવીસ (28) વર્ષ પછી વેઈટલિફ્ટિંગમાં મેડલ, 1982 પછી પહેલીવાર મેરેથોનમાં ભારતને મળેલી સફળતા, આ ખરેખર ખૂબ જ સુખદ છે.
સાથીઓ,
હું આપણી દીકરીઓની ખાસ કરીને પ્રશંસા કરવા માંગુ છું. ભારતે જે 85 મેડલ જીત્યા છે, તેમાંથી 38 મેડલ આપણી મહિલા એથ્લેટ્સએ જીત્યા છે. અને આમાં 11 ગોલ્ડ મેડલ પણ સામેલ છે. અને આ મેડલ્સ કેવળ એક સંખ્યા નથી, આ નવા ભારતનું એક સશક્ત ચિત્ર છે. આજે ભારત એવી રમતોમાં પણ મેડલ જીતી રહ્યું છે, જેમાં એશિયન ગેમ્સના ઈતિહાસમાં આપણને પહેલા ક્યારેય મેડલ મળ્યો ન હતો. મિક્સ્ડ માર્શલ આર્ટ્સ, સોફ્ટ ટેનિસ, અને સેલિંગની કેટલીક સ્પર્ધાઓ, આમાં આપણા ખેલાડીઓએ પહેલીવાર મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે.
સાથીઓ,
હવે આપણે રમતોમાં હજુ પણ મોટી ઊંચાઈઓ સુધી જવાનું છે. જવાનું છે ને? અને વધુ કરવાનું છે ને? હું કેટલાક સંકલ્પો તમારી સામે મૂકીશ. અને આપ સૌએ પૂરા જોશથી કહેવાનું છે, આપણે તે કરી બતાવીશું! (We will Do it!) તો મારી સાથે બોલો- દરેક મેદાન પર તિરંગાની શાન, આપણે તે કરી બતાવીશું! દરેક મેદાન પર તિરંગાની શાન, આપણે તે કરી બતાવીશું! રમતોમાં ભારતની નવી ઓળખ, આપણે તે કરી બતાવીશું! દરેક રમતમા નવા ચેમ્પિયન્સ, આપણે તે કરી બતાવીશું! આપણા નામ અને નવા રેકોર્ડ્સ, આપણે તે કરી બતાવીશું!
સાથીઓ,
આપણે અત્યારે જે સ્ટેડિયમમાં છીએ, તે મેજર ધ્યાનચંદજીના નામ પર છે. હોકી પ્રત્યે તેમનું સમર્પણ એટલું બધું હતું કે તેઓ રાતભર કલાકો સુધી હોકીની પ્રેક્ટિસ કરતા હતા. તેમનો આ પરિશ્રમ આપણને વારંવાર યાદ અપાવે છે કે, સંકલ્પ અને સપનાં એક દિવસમાં પૂરા થતા નથી. આ માટે વર્ષોનો ધૈર્ય અને સતત પરિશ્રમ, આ અનિવાર્ય હોય છે.
સાથીઓ,
ભારતે પણ છેલ્લા 12 વર્ષોમાં ખૂબ જ ધૈર્ય અને પરિશ્રમ સાથે, પોતાના સ્પોર્ટ્સ-પર્સન અને સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ પર, ખૂબ લગનથી કામ કર્યું છે. તમે જુઓ, એક સમય એવો હતો જ્યારે મોટી ટુર્નામેન્ટ્સમાં ભારત માત્ર ગણ્યા-ગાંઠ્યા મેડલ જ લાવી શકતું હતું. કેટલીય રમતો વિશે તો દેશમાં ખબર જ હોતી નથી કે આ પણ રમાય છે, પહેલા ઓલમ્પિક જેવી મોટી ઇવેન્ટ થતી હતી, અને અડધાથી વધુ રમતોમાં આપણા દેશનું કોઈ પ્રતિનિધિત્વ જ હોતું ન હતું. તમે વિચારો, જો આપણે compete જ નહીં કરીએ તો મેડલ ક્યાંથી લાવીશું?
સાથીઓ,
આપણે આ સંકલ્પ લીધો, આપણે આ નિરાશાવાદી માનસિકતાને દૂર કરીશું! અને પરિણામ એ છે કે આજે, દરેક ગ્લોબલ પ્લેટફોર્મ પર આપણું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે.
સાથીઓ,
દેશમાં આ બદલાવ આવ્યો કેવી રીતે? આ બદલાવ આવ્યો છે, તે જ ભાવના (સ્પિરિટ) થી જેને કારણે તમે સફળતા હાંસલ કરી છે. છેલ્લા 10-12 વર્ષોમાં દેશે લગન, નિષ્ઠાથી સતત પ્રયાસો કર્યા, એક દૂરગામી વિઝન સાથે કામ કર્યું, રમતો માટે એક પારદર્શી અને આધુનિક ઈકોસિસ્ટમ બનાવી. જેમ કે તમે બધા જાણો છો, આપણે ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ સ્કીમ શરૂ કરી. આપણે ‘ખેલો ઈન્ડિયા સ્કીમ’ શરૂ કરી. સમયની સાથે, તેનો વ્યાપ વધુ વ્યાપક બનાવ્યો. ખેલો ઈન્ડિયાના વિસ્તાર અને સ્પોર્ટ્સ ફેડરેશન્સને મજબૂત કરવા માટે, જેવું હમણાં મનસુખભાઈએ જણાવ્યું, 36 હજાર કરોડ રૂપિયાથી વધુ ફાળવણી કરી છે.
સાથીઓ,
આજે દેશમાં એક હજારથી વધુ ખેલો ઈન્ડિયા સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. સ્ટેડિયમ અને મિની સ્ટેડિયમ, મલ્ટી-પર્પઝ હોલ સ્પોર્ટ્સ માટે તૈયાર કર્યા છે. એથ્લેટિક્સ ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, હોકી ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, હજારો આવા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાના-મોટા શહેરોમાં બની રહ્યા છે. આ સ્કીમ અંતર્ગત ખેલાડીઓને પણ સીધી મદદ આપવામાં આવી રહી છે. તેમને Out-of-Pocket Allowance આપવામાં આવી રહ્યો છે. TOPS સ્કીમ અંતર્ગત ખેલાડીઓને 50 હજાર રૂપિયા મહિને મળી રહ્યા છે. જો કોઈ રમતમા કોચિંગ માટે દેશની બહાર જવાની જરૂર છે, તો સરકાર તેને પણ facilitate કરી રહી છે, તેના માટે આર્થિક સહાયતા આપી રહી છે.
સાથીઓ,
યુવાનોને રમવા અને compete કરવા માટે વધુમાં વધુ તકો મળે, માટે વિન્ટર ગેમ્સ જેવા events શરૂ કરવામાં આવ્યા, સાંસદ ખેલ સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી. દેશે નવી સ્પોર્ટ્સ પોલિસી, ખેલો ભારત નવી નીતિ બનાવી. આપણા દિવ્યાંગ ખેલાડીઓ પણ પોતાની પ્રતિભા અને સામર્થ્યથી દેશનું ગૌરવ વધારી રહ્યા છે. તેમના માટે પણ રમતોમાં શ્રેષ્ઠ તકો અને આધુનિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. અને એટલા માટે જ, આજે દરેક ખેલાડીને આ ભરોસો હોય છે કે તેની પૂરી સફરમાં દેશ તેની સાથે ઊભો છે. અને, જ્યારે ખેલાડીને આ અહેસાસ રહે છે, ત્યારે, તે દેશ માટે શું કરીને બતાવે છે, તમે બધા ખુદ આના ઉત્તમ ઉદાહરણ છો.
સાથીઓ,
આ વખતે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ એવા પણ હતા, જેમની ઉંમર 15-17 વર્ષ જ છે. એટલી નાની ઉંમરમાં આ ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે. દેશવાસીઓનું દિલ જીત્યું છે. આ બતાવે છે કે, સફળતા માટે ઉંમર કોઈ બંધન હોતી નથી. બલ્કે, રમતોમાં તો નાની ઉંમરથી કરેલી શરૂઆત એક added advantage (વધારાનો ફાયદો) હોય છે. એટલા માટે, આપણો પ્રયાસ છે કે રમતોમાં પ્રતિભાની ઓળખ નાની ઉંમરથી જ થાય. પાંચથી પંદર વર્ષના બાળકોમાં રમત પ્રતિભાઓની ઓળખ અને તેમની તાલીમ પર આપણું વિશેષ ફોકસ છે. આવનારા વર્ષોમાં હજારો નવા ખેલાડીઓને ખેલો ઈન્ડિયા, અને ઉભરતા ખેલો ઈન્ડિયાના માધ્યમથી આગળ વધવાની તકો મળશે. આપણે આવનારી રમત સ્પર્ધાઓની તૈયારીને વધુ મજબૂત કરવાની છે. 2028માં લોસ એંજિલિસ ઓલમ્પિક્સ છે. 2030માં ભારત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. અને 2036માં ઓલમ્પિક્સની યજમાની કરવી પણ ભારતની આકાંક્ષા છે. આને ધ્યાનમાં રાખીને મેં લાલ કિલ્લાથી talent hunt (પ્રતિભા શોધ) અભિયાન ચલાવવાની વાત કહી છે. આજે ગામેગામ સુધી જઈને પ્રતિભાઓને તલાશવામાં આવી રહી છે, અને તેમને તારાશવામાં પણ આવી રહી છે. આ જ ખેલાડીઓ આવનારા સમયમાં ભારત માટે મેડલ્સ લઈને આવશે.
સાથીઓ,
આપણા સપનાં મોટા છે, આપણા સંકલ્પો પણ મોટા છે, અને તેમને પૂરા કરવાનો આત્મવિશ્વાસ પણ આજ હિન્દુસ્તાન પાસે છે, દરેક હિન્દુસ્તાની પાસે છે. અને એટલા માટે, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું- ભારતમાં મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, આપણે તે કરી બતાવીશું! ભારતમાં મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, આપણે તે કરી બતાવીશું! ભારતમાં મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, આપણે તે કરી બતાવીશું! ટોપ સ્પોર્ટિંગ નેશન્સમાં ભારત, આપણે તે કરી બતાવીશું! ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બને ભારત, આપણે તે કરી બતાવીશું! ભારતમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આપણે તે કરી બતાવીશું! ભારતના હર ખૂણેથી એક ચેમ્પિયન, આપણે તે કરી બતાવીશું!
સાથીઓ,
એશિયન ગેમ્સમાં આપણી સફળતા દેશના બદલાતા મિજાજનું પણ ઉદાહરણ છે. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે, આજે દેશનો યુવા દરેક બુલંદીને સ્પર્શવા માટે અધીર છે. એવો કોઈ મુકામ નથી, જે ભારતના યુવાઓના હોંસલાથી મોટું હોય! એવું કોઈ લક્ષ્ય નથી, જે આપણી યુવાશક્તિના સામર્થ્યની બહાર હોય! સંભાવનાઓનું અસીમ આકાશ સામે છે, અને મંજીલ ભારતનો યુવા ખુદ નક્કી કરી રહ્યો છે. એટલા માટે, જોતજોતામાં, ભારત આજે દુનિયાનું ત્રીજું મોટું, ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ecosystem બની ગયું છે. આપણા યુવાઓ આજે સ્પેસ સેક્ટરમાં પોતાની કંપનીઓ બનાવી રહ્યા છે, સેટેલાઈટ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે, આ જ યુવાઓ, ડિફેન્સ સેક્ટરમાં નવી તકનીક વિકસિત કરી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નવા પ્રયોગ કરી રહ્યા છે. અને આ બદલાવ કેવળ મોટા શહેરો સુધી સીમિત નથી, જેમ રમતોમાં આજે દૂર-દરાજના પ્રતિભાઓને પણ તક મળી રહી છે, એમ જ, આજે સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ અને બીજા ઉદ્યોગોમાં પણ, નાના શહેરો અને ગામડાઓના યુવા નવા વિચારો (આઈડિયા) લઈને આગળ આવી રહ્યા છે. આ આત્મવિશ્વાસ પાછળ એક મોટો ભરોસો છે. છેલ્લા એક દાયકામાં દેશે જે વ્યવસ્થાઓ વિકસિત કરી છે, તેનાથી યુવાઓને ભરોસો મળ્યો છે કે, તેઓ મોટા સપનાં જોઈ શકે છે. તેમને વિશ્વાસ છે કે તેમના સપનાંઓને આગળ વધારવા માટે દેશનું પૂરું સામર્થ્ય તેમની સાથે ઊભું છે.
સાથીઓ,
આપણા પ્રયાસોનો લાભ કેવળ મેદાનમાં રમવાવાળા ખેલાડીઓ સુધી સીમિત નથી. સ્પોર્ટ્સ કોચિંગ, ફિજિયોથેરેપી, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ જેવા ક્ષેત્રોમાં પણ યુવાઓ માટે નવી કારકિર્દીની તકો બની રહી છે. રમતોના વિકાસની સાથે-સાથે તેનાથી જોડાયેલા અનેક વ્યવસાયો પણ આગળ વધી રહ્યા છે. આનાથી યુવાઓ માટે રોજગારી અને ઉદ્યોગના નવા રસ્તા બન્યા છે.
સાથીઓ,
આજે આપણે જે કોઈ પણ ક્ષેત્રમાં છીએ, આપણે આપણી સફળતા માટે પરિશ્રમ તો કરવાનો જ છે, સાથે જ, નવી પેઢીને ઘડવાની જવાબદારી પણ ઉપાડવાની છે. હવે તમારી પાસે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો પણ અનુભવ છે, અને એટલા માટે, મારો આગ્રહ રહેશે, તમે થોડો સમય તે બાળકોને જરૂર આપો, જે તમારી જેમ આગળ વધવાનું સપનું જોઈ રહ્યા છે. તમારા પરસેવાથી તેમના સપનાંઓને સીંચવાના છે, સફળતા ત્યારે આવે છે. જ્યારે પણ તક મળે, તમારા ગામ, તમારા શહેરના બાળકોને મળો. અલગ-અલગ સ્કૂલોમાં જાઓ. જે મેદાનો પર તમે રમવાનું શરૂ કર્યું હતું, ત્યાં જરૂર જાઓ. તમારા અનુભવો તે બાળકોના ખૂબ કામ આવી શકે છે. બની શકે છે, તમારી એક નાની વાત કોઈ બાળકને રમતોમાં આગળ વધારવાનો હોંસલો આપી દે.
સાથીઓ,
દેશના યુવાઓને તમારાથી કેવળ સ્પોર્ટ્સની જ પ્રેરણા નથી મળતી. કારણ કે, રમતની ભૂમિકા કેવળ મેદાન સુધી જ સીમિત નથી. રમત આપણને જીવનમાં શિસ્ત શીખવે છે, જીવનમાં પડીને ફરીથી ઊભા થવાની, હારીને જીતવાની શીખ રમતોમાંથી મળે છે. એક લક્ષ્ય માટે કેવી રીતે લાંબા સમય સુધી અટલ રહેવું, કેવી રીતે પરિસ્થિતિઓ પ્રમાણે જાતને ઢાળવી, સ્પોર્ટ્સથી આ આપણા રોજ-બ-રોજની જિંદગીનો હિસ્સો બની જાય છે. આ જ સ્પોર્ટ્સપર્સન સ્પિરિટ આખી જિંદગી કામ આવે છે.
સાથીઓ,
હું હંમેશા કહું છું, જે રમશે, તે ખીલશે. તમે પણ રમતા રહો, ખીલતા રહો, આવનારી સ્પર્ધાઓ અને ભવિષ્યના તમામ પ્રયાસો માટે, એકવાર ફરી મારી તરફથી તમને અનેક-અનેક શુભેચ્છાઓ. તમારો આ ઉત્સાહ, આ આત્મવિશ્વાસ, આ જ નવા ભારતની સૌથી મોટી તાકાત છે. આ જ આત્મવિશ્વાસ સાથે આપણે ભારતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું છે. તો ચાલો, એકવાર ફરી પૂરી તાકાત સાથે મારી સાથે બોલો - વિકસિત ભારત, આપણે તે કરી બતાવીશું! વિકસિત ભારત 2047 સુધીમાં, આપણે તે કરી બતાવીશું! આપણે તે કરી બતાવીશું! ટોપ થ્રી ઈકોનોમી, આપણે તે કરી બતાવીશું! ટોપ થ્રી ઈકોનોમી, આપણે તે કરી બતાવીશું! આત્મનિર્ભર ભારત, આપણે તે કરી બતાવીશું! આત્મનિર્ભર ભારત, આપણે તે કરી બતાવીશું! ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ, આપણે તે કરી બતાવીશું! ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ, આપણે તે કરી બતાવીશું! ટેકનોલોજીમાં ભારતની લીડરશિપ, આપણે તે કરી બતાવીશું! અંતરિક્ષમાં પગલું, આપણે તે કરી બતાવીશું! ઓલમ્પિક્સનું આયોજન, આપણે તે કરી બતાવીશું! નવી રમતોમાં મેડલ્સ, આપણે તે કરી બતાવીશું! હા, આપણે તે કરી બતાવીશું!
ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2324104)
મુલાકાતી સંખ્યા : 12