કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

પરાળ વ્યવસ્થાપનને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની સંયુક્ત સમીક્ષા



પરાળ સમસ્યા નથી, ખેડૂતની આવક અને જમીનની ફળદ્રુપતાનો ઉકેલ: કૃષિ ભવનમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રાલય બેઠક

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણનો રાજ્યોને સ્પષ્ટ સંદેશ - પરાળ સળગાવવાની રોકથામ માટે યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતરો, હવે સમય ખૂબ ઓછો છે

માટી પણ બચાવવાની છે, ખેડૂતને સમૃદ્ધ પણ બનાવવાના છે - કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

મશીનો ખેતરમાં ચાલે, કાગળો પર નહીં: જૂના મશીનોની મરામત અને નાના ખેડૂતોને રાહત દરે ઉપલબ્ધતા અનિવાર્ય - શ્રી શિવરાજ સિંહ

કેન્દ્ર સરકાર રાજ્યોને આપી રહી છે હર સંભવ આર્થિક સહાય; પંજાબ ઉપયોગિતા પ્રમાણપત્ર (UC) ત્વરિત મોકલે જેથી આગામી હપ્તો જારી કરી શકાય - શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

કલેક્ટર્સ ફિલ્ડમાં ઉતરે, માઈક્રો-પ્લાનિંગથી કામ કરે: પરાળને ધુમાડો બનાવવાના બદલે વીજળી, બાયો-સીએનજી અને ખાતરમાં બદલવાનો રોડમેપ તૈયાર - શ્રી શિવરાજ સિંહ

પોસ્ટેડ ઓન: 13 OCT 2026 8:43PM by PIB Ahmedabad

ડાંગર કાપણીની વર્તમાન સીઝનમાં પરાળ વ્યવસ્થાપનને મિશન મોડમાં અમલમાં મૂકવા માટે આજે કૃષિ ભવન, નવી દિલ્હી ખાતે મહત્વપૂર્ણ આંતર-મંત્રાલય ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકની સહ-અધ્યક્ષતા કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી ભગીરથ ચૌધરી, દિલ્હી-એનસીઆર સહિત મુખ્ય રાજ્યો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કૃષિ મંત્રીશ્રીઓ, કેન્દ્રીય કૃષિ સચિવ શ્રી અતીશ ચંદ્રા, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન સચિવ શ્રી નરેન્દ્ર ભૂષણ સહિત કેન્દ્ર અને રાજ્યોના સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં બંને કેન્દ્રીય મંત્રીઓએ બે-ટૂક શબ્દોમાં કહ્યું કે પાક કાપણી અને રવિ વાવેતર વચ્ચે સમય ખૂબ ઓછો બચ્યો છે, તેથી વહીવટી તંત્રએ ફાઈલોમાંથી બહાર નીકળીને સીધા જમીન પર યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. જિલ્લા સ્તરે જિલ્લા અધિકારીઓની ત્વરિત બેઠકો યોજીને કડક દેખરેખ અને વ્યવહારિક ઉકેલ સુનિશ્ચિત કરવાના કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.

પરાળ સમસ્યા નથી, ખેડૂતની આવક અને જમીનની ફળદ્રુપતા સુધારવાનું માધ્યમ: શ્રી શિવરાજ સિંહ

બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે ડાંગરની કાપણી ચાલી રહી છે અને ખેડૂતને આગામી પાકના વાવેતરની ઉતાવળ છે. આવી સ્થિતિમાં માત્ર એવું કહી દેવું કે પરાળ ન સળગાવો, પૂરતું નહીં થાય. આપણે ખેડૂતને સરળ, સુલભ અને સસ્તો વિકલ્પ આપવો પડશે. પરાળ સળગાવવાથી માત્ર વાયુ પ્રદૂષણ જ નથી થતું, પરંતુ માટીના મિત્ર કીટકો અને પોષક તત્વો બળીને રાખ થઈ જાય છે. આપણે આપણી ધરતી માતા અને માટીની સેહતને બચાવવાની છે. પરાળ ખેતરમાં ભળે તો જૈવિક ખાતર બને છે અને ખેતરની બહાર જાય તો બાયો-સીએનજી, બાયો-ઈથેનોલ, વીજળી અને ચારાના રૂપમાં ખેડૂતની વધારાની આવકનું સાધન બને છે.

તેમણે કહ્યું કે આપણો ઉદ્દેશ્ય માત્ર પરાળની આગ અટકાવવાનો નથી, પરંતુ એક એવી સશક્ત સિસ્ટમ વિકસિત કરવાનો છે જેથી ખેડૂતને પરાળ સળગાવવાની આવશ્યકતા જ ન પડે અને પર્યાવરણ અનુકૂળ ખેતી દ્વારા કાર્બન ક્રેડિટ જેવી સંભાવનાઓનો લાભ પણ અન્નદાતાઓને મળે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઘટનાઓ પર ચિંતા, યુદ્ધના ધોરણે કામ કરવાના નિર્દેશ

બેઠક દરમિયાન રજૂ કરાયેલા આંકડાઓના વિશ્લેષણ પર બોલતા શ્રી ચૌહાણે કહ્યું કે રાહતની વાત છે કે 15 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબરના સમયગાળામાં ગત વર્ષની સરખામણીએ હરિયાણામાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં 53.3% અને ઉત્તર પ્રદેશમાં લગભગ 32% નો નોંધપાત્ર ઘટાડો થયો છે, તેમજ પંજાબમાં પણ કેટલાક ઘટાડો નોંધાયો છે, પરંતુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પરાળ સળગાવવાના મામલામાં થયેલા વધારાને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આ બંને રાજ્યોને કહ્યું કે પ્રભાવિત જિલ્લાઓ અને ગામોની ઓળખ કરીને ત્વરિત વિશેષ કાર્યયોજના લાગુ કરવામાં આવે. તેમણે કહ્યુ કે જ્યારે, હજુ કાપણીનો મોટો હિસ્સો બાકી છે, તેથી જે રાજ્યોમાં ઘટનાઓ ઓછી થઈ છે, તેઓ પણ બિલકુલ ઢીલાશ ન રાખે અને પૂરી સાવચેતી રાખે.

મશીનોનો શત-પ્રતિશત ઉપયોગ થાય, જૂના મશીનો બંધ ન પડે

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે મશીનોની કાર્યક્ષમતા પર વિશેષ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી રાજ્યોને 3.54 લાખથી વધુ પાક અવશેષ વ્યવસ્થાપન મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં 26,109 વધુ નવા મશીનો આપવામાં આવ્યા છે. શ્રી ચૌહાણે નિર્દેશ આપ્યા કે નવા મશીનો વહેંચવાની સાથે-સાથે જૂના બંધ પડેલા મશીનોની ત્વરિત મરામત કરાવીને તેમને ચાલુ કરવામાં આવે, અન્યથા મશીનોની અછતનું સંકટ ઊભું થશે. તેમણે કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (CHCs) ને સક્રિય કરવા પર ભાર મૂકતા કહ્યું કે નાના અને સીમાંત ખેડૂતોને સસ્તા દરે મશીનો મળવું દરેક હાલમાં સુનિશ્ચિત કરવામાં આવે.

કેન્દ્ર તરફથી ભરપૂર આર્થિક મદદ; પંજાબ જલદી મોકલે યુટિલાઈઝેશન સર્ટિફિકેટ

ફંડ્સની ઉપલબ્ધતાનો ઉલ્લેખ કરતા બેઠકમાં જણાવવામાં આવ્યું કે પાક અવશેષ વ્યવસ્થાપન (CRM) યોજના હેઠળ વર્ષ 2018-19 થી 2025-26 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને 4,266.47 કરોડ રૂપિયાની માતબર રકમ જારી કરવામાં આવી છે (જેમાં પંજાબને ₹2,056.50 કરોડ, હરિયાણાને ₹1,171.71 કરોડ, ઉત્તર પ્રદેશને ₹868.67 કરોડ અને મધ્ય પ્રદેશને ₹59 કરોડ સામેલ છે). ચાલુ વર્ષ 2026-27 માટે પણ 592.57 કરોડ રૂપિયાની ફાળવણી નક્કી કરીને 430.87 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. જોકે, ફાળવેલ રકમના ધીમા ઉપયોગ પર કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ખેડૂતને સમયસર સાધનો મળવા જોઈએ. વિશેષ રૂપે પંજાબ સરકારને આગ્રહ કરવામાં આવ્યો કે તે અગાઉ જારી થયેલી રકમનું ઉપયોગિતા પ્રમાણપત્ર (યુસી) ત્વરિત કેન્દ્રને મોકલે જેથી યોજનાનો આગામી હપ્તો કોઈપણ અડચણ વગર તરત જ જારી કરી શકાય.

સૂકા વિસ્તારોમાં પરાળ ચારાનો સહારો બને, ઉદ્યોગો સાથે સીધા જોડાય ખેડૂત

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે નિર્દેશ આપ્યા કે જે વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ છે, ત્યાં પરાળને ચારાના રૂપમાં સુરક્ષિત સંગ્રહિત કરીને પશુઓ સુધી પહોંચાડવામાં આવે. આ સાથે જ, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં પરાળ પેલેટ્સની કો-ફાઈરિંગ, કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) અને 2G બાયો-ઈથેનોલ પ્લાન્ટ્સ સાથે ખેડૂતોની સીધી સપ્લાય ચેઈન જોડવામાં આવે. તેમણે રાજ્યોને કહ્યું કે મંજૂર કરાયેલી સપ્લાય પરિયોજનાઓને વગર વિલંબના જમીન પર શરૂ કરાવવામાં આવે. પૂસા-44 જેવી વધુ સમય લેતી જાતોના સ્થાન પર ટૂંકા ગાળાની ઉન્નત જાતો (જેવી કે પૂસા 2090, PR126 વગેરે) ને પ્રોત્સાહન આપવામાં આવે જેથી કાપણી પછી ખેતર ખાલી કરવાનો પૂરતો સમય મળી શકે.

રાજ્યોને હર સંભવ સહાયતાનો ભરોસો

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે જમીની સ્તરે અમલીકરણની મુખ્ય જવાબદારી રાજ્યોની છે, પરંતુ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ટેકનિકલ, વહીવટી અને આર્થિક મોરચે દરેક પગલે રાજ્યો અને અન્નદાતાઓ સાથે ખભાથી ખભો મિલાવીને ઊભી છે. તેમણે તમામ ભાગીદાર મંત્રાલયો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) અને જિલ્લા વહીવટીતંત્રોને આહ્વાન કર્યું કે તેઓ તેને એક સંયુક્ત રાષ્ટ્રીય સંકલ્પ માનીને કાર્ય કરે જેથી આપણા ખેતરો પ્રદૂષણમુક્ત અને ખેડૂત ખુશહાલ બની શકે.

બપોરે 3 વાગ્યા પછી સેટેલાઈટ ગેપ પર કડક દેખરેખના નિર્દેશ: શ્રી ભૂપેન્દ્ર યાદવ

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે પરાળ સળગાવવાની ઘટનાઓને રોકવા માટે જમીની સ્તરે દેખરેખ અને અમલવારી સંબંધી કાર્યવાહી તેજ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે પંજાબના મુખ્ય જિલ્લાઓ જેમાં સંગરૂર, તરણતારણ, અમૃતસર, પટિયાલા અને ગુરદાસપુર સામેલ છે તથા હરિયાણાના કૈથલ, કરનાલ, કુરુક્ષેત્ર, અંબાલા અને ફતેહાબાદ જેવા જિલ્લાઓમાં વિશેષ દેખરેખ રાખવાનું આહ્વાન કર્યું જેથી પાક કાપણીના વલણોનું આકલન કરી શકાય અને પરાળ સળગાવવાની સંભવિત ઘટનાઓનું પૂર્વ અનુમાન લગાવી શકાય.

શ્રી યાદવે અસરકારક દેખરેખ માટે પરાળ સળગાવવા સંબંધિત આંકડાઓને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) સાથે જોડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પાક કાપણીના સંભવિત સમયનું પૂર્વ અનુમાન ઉપલબ્ધ કરાવવું અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વાયુ પ્રદૂષણના સ્તરને પ્રભાવિત કરતી હવામાન સંબંધિત પરિસ્થિતિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે જેથી તદનુસાર આવશ્યક કાર્યવાહી કરી શકાય. તેમણે હસ્તક્ષેપોના પ્રભાવનું અસરકારક આકલન કરવા અને ઉભરતી પડકારોનો સામનો કરવા માટે સુધારાત્મક ઉપાયોની ઓળખ કરવા માટે પણ આહ્વાન કર્યું.

આ વાત પર ભાર મૂકતા કે દેખરેખ માત્ર ઉપગ્રહ આંકડાઓ પર જ નિર્ભર ન હોવી જોઈએ, શ્રી યાદવે કહ્યું કે જિલ્લા કલેક્ટરોએ જમીની સ્તરે આકલન કરવું જોઈએ અને અમલવારી સંબંધી કાર્યવાહીને મજબૂત બનાવવી જોઈએ જેથી પાક અવશેષો સળગાવવાની ઘટનાઓને રોકવાના પ્રયાસો વધુ અસરકારક બની શકે. તેમણે રેખાંકિત કર્યું કે ઉપગ્રહ દેખરેખમાં બપોરે 3 વાગ્યા પછી આવતા અંતરાલ દરમિયાન ગ્રાઉન્ડ પેટ્રોલિંગ અને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા પરાળ સળગાવવા પર કડક નજર રાખવામાં આવે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2323005) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी