પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહિલા અને બાળ વિકાસ અંગેની રાષ્ટ્રીય વિભાગીય શિખર પરિષદના સમાપન સત્રની અધ્યક્ષતા કરી


જનભાગીદારી પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ આંગણવાડી કેન્દ્રોને સામુદાયિક સહભાગિતાનાં કેન્દ્રો બનાવવાનું આહ્વાન કર્યું

પ્રધાનમંત્રીએ સૂચવ્યું કે યુનિવર્સિટીઓ નજીકનાં આંગણવાડી કેન્દ્રોને દત્તક લઈ સામાજિક પ્રભાવનો અભ્યાસ કરી શકે છે

મહિલાઓની સુરક્ષા અંગે પ્રધાનમંત્રીએ વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસો દ્વારા નિવારક પગલાં લેવા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ કિશોરીઓના સ્વાસ્થ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું આહ્વાન કર્યું

પોસ્ટેડ ઓન: 09 OCT 2026 9:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ સુષ્મા સ્વરાજ ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ અંગેની બે દિવસીય રાષ્ટ્રીય વિભાગીય શિખર પરિષદના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પિત વિભાગીય શિખર પરિષદોની શ્રેણીના ભાગરૂપે યોજાયેલી આ પરિષદમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ એકત્ર થયા હતા. તેમાં પોષણ અને પ્રારંભિક બાળ સંભાળ, બાળ સુરક્ષા, મહિલાઓની સલામતી અને સશક્તિકરણ તથા વધુ સારા સંકલન દ્વારા સેવાઓની પહોંચ અને અમલીકરણને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર કેન્દ્રિત ચર્ચા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ સઘન ચર્ચા-વિચારણાની પ્રશંસા કરી અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે સહયોગી નિર્ણય લેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચવ્યું કે રાજ્યો જિલ્લા સ્તરે તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્તરે પણ આવી જ ચિંતન શિબિરોનું આયોજન કરીને આ મોડેલને આગળ વધારી શકે છે. તેમણે આંગણવાડી કાર્યકરો માટે પણ વિશેષ ચિંતન શિબિરો યોજવાનું સૂચન કર્યું, જેથી તેઓ જમીની સ્તરે પોતાના અનુભવો, નવીન પ્રયોગો અને વ્યવહારુ ઉકેલોની આપ-લે કરી શકે.

જનભાગીદારી પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આંગણવાડી કેન્દ્ર માત્ર એક અલગ સંસ્થા તરીકે કાર્ય ન કરે, પરંતુ સામુદાયિક સહભાગિતાનું કેન્દ્ર બને. તેમણે કહ્યું કે આંગણવાડી કેન્દ્રોની આસપાસ રહેતા પરિવારોને પણ ખાસ પ્રસંગોએ બાળકો માટે પૌષ્ટિક ખોરાક, રમકડાં અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વસ્તુઓનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ આંગણવાડી કેન્દ્રો સાથે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની વધુ ગાઢ ભાગીદારીનું આહ્વાન કર્યું હતું. યુનિવર્સિટીઓ નજીકનાં આંગણવાડી કેન્દ્રોને દત્તક લઈ સામાજિક પ્રભાવના અભ્યાસ હાથ ધરી શકે છે. આનાથી વિદ્યાર્થીઓને યોગદાન આપવાની તક મળશે અને સાથે સાથે સેવાઓના અમલીકરણમાં સુધારા માટે ઉપયોગી માહિતી પણ પ્રાપ્ત થશે. તેમણે જણાવ્યું કે તબીબી વિદ્યાર્થીઓ તેમજ એનએસએસ અને એનસીસીના સ્વયંસેવકોને પણ આંગણવાડી કેન્દ્રો અને સામુદાયિક પહેલો સાથે જોડી શકાય છે. તેમણે કિશોરીઓના સ્વાસ્થ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ આહ્વાન કર્યું હતું.

મહિલાઓની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ બાળકો માટે મહિલાઓની સુરક્ષા, ગૌરવ અને સશક્તિકરણ અંગે વયને અનુરૂપ અભ્યાસક્રમો વિકસાવવાનું સૂચન કર્યું હતું. તેમણે વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસો દ્વારા નિવારક પગલાં લેવા પર પણ ભાર મૂક્યો હતો.

સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પોષણ વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કરતાં પ્રધાનમંત્રીએ દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગોને સ્વચ્છતા અભિયાનની સક્રિય જવાબદારી સંભાળવા આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સારું સ્વાસ્થ્ય અને પોષણ સ્વચ્છતાથી શરૂ થાય છે અને આંગણવાડી કેન્દ્રો તથા તેની આસપાસનાં સમુદાયો આ વર્તણૂકમાં પરિવર્તન લાવવા માટે મહત્ત્વનાં માધ્યમ બની શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણ માટે વોકલ ફોર લોકલ અને એક જિલ્લા એક ઉત્પાદન (ODOP) જેવા રાષ્ટ્રીય અભિયાનોને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે મહિલાઓનાં સંગઠનો અને સામુદાયિક સંસ્થાઓ સ્થાનિક ઉત્પાદનો, આજીવિકા અને આર્થિક સશક્તિકરણને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા રાજ્યોમાં તેના સમકક્ષ વિભાગોને સમાજના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ વર્ગોમાંના એકને સ્પર્શતી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આજે આંગણવાડી કેન્દ્રોમાં ઉછરી રહેલાં બાળકો આવતીકાલે એવા યુવાનો અને નાગરિકો બનશે, જેઓ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપશે.

 

SM/IJ/GP/JT


(રીલીઝ આઈડી: 2321612) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , हिन्दी