પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 48મી વર્લ્ડસ્કીલ્સ સ્પર્ધામાં ભારતની ટીમના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો


કૌશલ્ય પ્રશિક્ષણ સંસ્થાઓના મહત્ત્વ પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કૌશલ્ય તાલીમ સંસ્થાઓનું મહત્વ IIT અને IIM કરતા ઓછું નથી

પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે જેમ જેમ ટેકનોલોજી વિકસે છે, તેમ યુવાનોએ સતત નવા કૌશલ્યો પ્રાપ્ત કરવા જોઈએ અને તેમની હાલની ક્ષમતાઓને અપગ્રેડ કરવી જોઈએ

પ્રધાનમંત્રીએ ભારતને કુશળ માનવ સંસાધનોના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો

સહભાગીઓએ નવા ટૂલ્સ, સોફ્ટવેર, તકનીકી પ્રણાલીઓ અને કાર્ય પ્રક્રિયાઓ સાથે અનુકૂલન સાધવાના તેમના અનુભવો શેર કર્યા

પોસ્ટેડ ઓન: 09 OCT 2026 4:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે વર્લ્ડસ્કીલ્સ સ્પર્ધા, શાંઘાઈ 2026ની ભારતની ટીમના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો.

સંવાદ દરમિયાન, સહભાગીઓએ સ્પર્ધા દરમિયાનના તેમના અનુભવો શેર કર્યા હતા. તેઓએ વૈશ્વિક મંચ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. સહભાગીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા દરમિયાન નવા ટૂલ્સ, સોફ્ટવેર, તકનીકી પ્રણાલીઓ અને કાર્ય પ્રક્રિયાઓ સાથે અનુકૂલન સાધવા અંગે ચર્ચા કરી હતી. તેઓએ કૌશલ્ય વિકાસ તરફ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કાર્ય વિશે પણ વાત કરી જે યુવાનોને મદદ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેમને કૌશલ્ય વિકાસના એમ્બેસેડર બનવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે વ્યવહારુ કૌશલ્ય એકેડેમિક ડિગ્રી જેટલા જ મહત્વપૂર્ણ છે.

વિશિષ્ટ કૌશલ્યોના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જેમ જેમ ટેકનોલોજી ઝડપથી વિકસે છે, તેમ યુવાનોએ સતત નવા કૌશલ્યો પ્રાપ્ત કરવા જોઈએ, તેમની હાલની ક્ષમતાઓને અપગ્રેડ કરવી જોઈએ અને ઉભરતી ટેકનોલોજી સાથે અનુકૂલન સાધવું જોઈએ. તેમણે સહભાગીઓને આંતરરાષ્ટ્રીય બજારની જરૂરિયાતો અનુસાર કૌશલ્ય વિકસાવવા અને તેમના અનુભવો અને સૂચનો દ્વારા ભારતની કૌશલ્ય તાલીમ ઇકોસિસ્ટમમાં સુધારો કરવામાં યોગદાન આપવા વિનંતી કરી હતી. તેમણે ભારતને કુશળ માનવ સંસાધનોના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા માટે યુવાનો, સરકાર અને તાલીમ સંસ્થાઓ દ્વારા સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ કૌશલ્ય વિકાસ માટે એક અલગ મંત્રાલય સ્થાપવા પાછળના ઉદ્દેશ્યને રેખાંકિત કર્યો હતો અને કહ્યું હતું કે કૌશલ્ય તાલીમ સંસ્થાઓનું મહત્વ IIT અને IIM કરતા ઓછું નથી. તેમણે ભારતની કૌશલ્ય તાલીમ પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરવા માટે સહભાગીઓને સરકાર સાથે તેમના અનુભવો અને સૂચનો શેર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

વર્લ્ડસ્કીલ્સ એ વિશ્વની અગ્રણી આંતરરાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધા છે, જે સહભાગી દેશો અને પ્રદેશોના યુવા વ્યાવસાયિકોને વ્યવસાયિક અને તકનીકી કૌશલ્યોની વ્યાપક શ્રેણીમાં શ્રેષ્ઠતા દર્શાવવા માટે એકસાથે લાવે છે. વર્લ્ડસ્કીલ્સ શાંઘાઈ 2026, 48મી વર્લ્ડસ્કીલ્સ સ્પર્ધા, 22 થી 27 સપ્ટેમ્બર 2026 દરમિયાન શાંઘાઈના નેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 48મી વર્લ્ડસ્કીલ્સ સ્પર્ધા, શાંઘાઈ 2026માં 6 સિલ્વર મેડલ અને 20 મેડલ ફોર એક્સેલન્સ જીતીને 10મું સ્થાન મેળવ્યું હતું. 63 કૌશલ્યોમાં ભાગ લેતા 70 સ્પર્ધકોની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

આ સંવાદમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરી અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2321381) મુલાકાતી સંખ્યા : 12