સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્ય મંત્રી ડો. ચંદ્ર શેખર પેમ્માસાનીની ઉપસ્થિતિમાં ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન્સ એસોસિએશન (GSMA)ના બોર્ડ સભ્યો સાથે સંવાદનું નેતૃત્વ કર્યું
ટેકનોલોજી સમાવેશી અને ટકાઉ વિકાસનું સાધન બનવી જોઈએ: પ્રધાનમંત્રી
સાયબર છેતરપિંડીનો સામનો કરવા માટે ટેકનોલોજી-સંચાલિત ઉકેલોની જરૂર છે: પ્રધાનમંત્રી
GSMA બોર્ડના સભ્યોએ ભારતની ડિજિટલ પરિવર્તન યાત્રા અને વધતી જતી વૈશ્વિક ટેકનોલોજી ભાગીદારીની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
07 OCT 2026 5:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2026 અગાઉ સેવા તીર્થ ખાતે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કમ્યુનિકેશન્સ એસોસિએશન (GSMA) ના બોર્ડ સભ્યો સાથે સંવાદ કર્યો હતો. GSMA એ એક વૈશ્વિક સંસ્થા છે જે મોબાઇલ ઓપરેટરો તેમજ મોબાઇલ ઇકોસિસ્ટમ અને સંલગ્ન ઉદ્યોગોના સંગઠનોનું પ્રતિનિધિત્વ કરીને સમગ્ર મોબાઇલ ઇકોસિસ્ટમને એકત્રિત કરે છે.

કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડો. પેમ્માસાની ચંદ્ર શેખર અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેકનોલોજી સમાવેશી અને ટકાઉ વિકાસનું સાધન બનવી જોઈએ. તેમણે ભાર આપ્યો હતો કે સમાજનો કોઈ પણ વર્ગ પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનું લોકશાહીકરણ આવશ્યક છે. તેમણે ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે ટેકનોલોજી અને ડિજિટલ સેવાઓને પરવડે તેવી અને સુલભ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, અને ડિજિટલ વિભાજનને વધતું અટકાવવા માટે ટેકનોલોજીને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ની સંભવિત ક્ષમતાને ખાસ કરીને વિકાસશીલ દેશો માટે એક પરિવર્તનકારી બળ તરીકે રેખાંકિત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે વિશ્વના કેટલાક નેતાઓ સાથે DPI પરની ચર્ચાએ તેની વધતી વૈશ્વિક સુસંગતતા દર્શાવી છે અને કહ્યું કે આવા પ્લેટફોર્મ ગ્લોબલ સાઉથના દેશો માટે એક મજબૂત આધાર બની શકે છે.

ડિજિટલ અને સાયબર છેતરપિંડીના વધતા જતા પડકારને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સમસ્યા માટે ટેકનોલોજી-સંચાલિત ઉકેલોની જરૂર છે. તેમણે લોકોને સંભવિત છેતરપિંડીવાળા કોલ્સ વિશે ચેતવણી આપવા માટે વપરાશકર્તાઓને સતત જાગૃતિ સંદેશાઓ મોકલવાનું સૂચન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ઉભરતી ટેકનોલોજી માટે વૈશ્વિક ધોરણો અને સામાન્ય નિયમોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ડીપફેક્સ અને AI-જનરેટેડ કન્ટેન્ટના વધતા જતા ખતરા પર, તેમણે યુઝર્સને તેની ઉત્પત્તિ તરત જ ઓળખવા માટેની પ્રણાલીઓ શોધવાનું સૂચન કર્યું હતું.
GSMA બોર્ડ સભ્યોએ ભારતનું ડિજિટલ પરિવર્તન સ્વીકાર્યું
GSMA બોર્ડના સભ્યોએ ડિજિટલ અને મોબાઇલ કનેક્ટિવિટીમાં વૈશ્વિક લીડર તરીકે ભારતના ઉદ્ભવને રેખાંકિત કર્યો હતો. તેમણે 4G અને 5G ના ઝડપી વિસ્તરણ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યાપ અને ભારતના ટેલિકોમ તેમજ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની વૃદ્ધિની નોંધ લીધી હતી.
તેમણે ભારતના રોકાણ-અનુકૂળ નીતિગત માળખાની પ્રશંસા કરી હતી અને સતત ડિજિટલ વૃદ્ધિને ટેકો આપવામાં સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને વિશ્વસનીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
બોર્ડ સભ્યોએ 5G, 6G, AI, સાયબર સુરક્ષા, ડિજિટલ સમાવેશન અને સેટેલાઇટ કનેક્ટિવિટી સહિતના ક્ષેત્રોમાં ભારત સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની વધતી જતી તકો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું વૈશ્વિક ટેલિકોમ જોડાણ ભારતના ટેકનોલોજી ભાગીદારીને મજબૂત બનાવે છે આ સંવાદ એવા સમયે થયો છે જ્યારે ભારત નવી દિલ્હીમાં વૈશ્વિક ટેકનોલોજી અને ટેલિકોમ લીડર્સને એકસાથે લાવતી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 10મી આવૃત્તિનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટી અને ડિજિટલ ટેકનોલોજી પર ભારતના આંતરરાષ્ટ્રીય જોડાણનું નેતૃત્વ કરી રહ્યા છે. બાર્સિલોના ખાતે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2026 માં, તેમણે વૈશ્વિક ટેલિકોમ ઇકોસિસ્ટમ સાથે ભારતના જોડાણોનું નેતૃત્વ કર્યું હતું અને કનેક્ટિવિટીને વધુ પરવડે તેવી, સમાવેશી અને ભવિષ્ય માટે સજ્જ બનાવવા પર GSMA મંત્રીસ્તરીય કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
વૈશ્વિક ટેકનોલોજી લીડર્સ સાથે ભારતનું જોડાણ 6G નો વિકાસ, સુરક્ષિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વૈશ્વિક સ્તરે આંતર-ઓપરેબલ ટેકનોલોજી ધોરણો સહિત ટેલિકોમના ભવિષ્યને ઘડવામાં દેશની વધતી જતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટી અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વૈશ્વિક ચર્ચાઓમાં ભારત ઉત્તરોત્તર વધુ યોગદાન આપી રહ્યું છે ત્યારે, GSMA બોર્ડ સાથેનો આ સંવાદ વૈશ્વિક મોબાઇલ ઇકોસિસ્ટમ સાથે ભારતના સબંધો અને ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.
ટ્વિટ લિંક: https://x.com/JM_Scindia/status/2107491794518999394
વધુ માહિતી માટે DoT ના હેન્ડલ્સ ફોલો કરો: - X - https://x.com/DoT_India Insta- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ== Fb - https://www.facebook.com/DoTIndia Youtube: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2320357)
મુલાકાતી સંખ્યા : 7