વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેબિનેટે સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ ઓથોરિટીની સ્થાપનાને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 06 OCT 2026 3:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે પરિવહન અને લોજિસ્ટિક્સના વ્યાપક ક્ષેત્રોમાં સંશોધન, આયોજન, મૂલ્યાંકન, મોનિટરિંગ અને અસર આકારણીને મજબૂત કરવા માટે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV), એટલે કે સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ ઓથોરિટી (ITLA) ની સ્થાપનાને મંજૂરી આપી છે.

આ મંજૂરી પરિવહન સાથે સંકળાયેલા વિવિધ મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચેના વિભાજિત આયોજન અને અમલીકરણમાંથી ઉદ્ભવતી લાંબા સમયની પડકારરૂપ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. વધુ સારા સંકલન અને મલ્ટિ-મોડલ એકીકરણને પ્રોત્સાહન આપીને, ITLA ભારતમાં પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ક્ષમતા, ટકાઉપણું અને અસરકારકતામાં વધારો કરશે તેવી અપેક્ષા છે.

ITLA ની મુખ્ય ભૂમિકાઓ અને જવાબદારીઓ નીચે મુજબ રહેશે:

રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા: ITLA સંકલિત પરિવહન અને લોજિસ્ટિક્સ આયોજન, સંશોધન, પ્રોજેક્ટ મૂલ્યાંકન અને મોનિટરિંગ, નીતિગત સહાય અને ડેટા એનાલિટિક્સ માટેની સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્ય કરશે.

દીર્ઘકાલીન રાષ્ટ્રીય પરિવહન માસ્ટર પ્લાન: ITLA રસ્તા, રેલવે, બંદરો અને શિપિંગ, નાગરિક ઉડ્ડયન, આંતરિક જળમાર્ગો, દરિયાકાંઠાનું શિપિંગ, શહેરી ગતિશીલતા અને લોજિસ્ટિક્સને આવરી લેતો દસ વર્ષ કે તેથી વધુ સમયગાળાનો વ્યાપક રાષ્ટ્રીય પરિવહન માસ્ટર પ્લાન તૈયાર કરશે.

સંકલિત આયોજન માળખું: ITLA રાષ્ટ્રીય પરિવહન માસ્ટર પ્લાન સાથે સુસંગતતા અને સંરેખણ સુનિશ્ચિત કરવા તથા મલ્ટિ-મોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રોત્સાહન આપવા માટે પરિવહન મંત્રાલયોના ટૂંકા ગાળાના ક્ષેત્રીય પ્લાન (5 વર્ષ કે તેથી વધુ) અને વાર્ષિક પ્લાનનું મૂલ્યાંકન કરશે.

મુખ્ય પ્રોજેક્ટ્સનું ટેકનિકલ મૂલ્યાંકન: ITLA ભારત સરકારના રૂ. 500 કરોડ કે તેથી વધુ ખર્ચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ટેકનિકલ મૂલ્યાંકન કરશે. નાણાકીય મૂલ્યાંકન હાલની નાણાકીય મૂલ્યાંકન પ્રણાલીઓ દ્વારા હાથ ધરવામાં આવતું રહેશે.

મોનિટરિંગ અને અસર આકારણી: ITLA રૂ. 500 કરોડથી વધુના પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણનું નિરીક્ષણ કરશે અને સમસ્યાના નિવારણ માટે સંકલિત પ્રણાલી પૂરી પાડશે તેમજ આ પ્રોજેક્ટ્સના અમલીકરણ પછીની અસરનું આકારણી કરશે.

રાષ્ટ્રીય પરિવહન ડેટા રિપોઝિટરી (NTDR): ITLA GSTN ઈ-વે બિલ, ફાસ્ટેગ (FASTag), વાહન (Vahan), GPS-આધારિત સિસ્ટમ્સ, શહેરી ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને અન્ય સંબંધિત ડેટાબેઝ સહિત અનેક સ્રોતોમાંથી સંબંધિત પરિવહન અને લોજિસ્ટિક્સ ડેટાસેટ્સ મેળવીને એકીકૃત પરિવહન ડેટા રિપોઝિટરીનું નિર્માણ કરશે અને આયોજન, મોનિટરિંગ અને અસર આકારણી માટે ડેટા એનાલિટિક્સ (જેમ કે ફ્રેટ ફ્લો/O-D એનાલિટિક્સ) હાથ ધરશે.

રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (2022) ની સમીક્ષા અને અપડેટ કરવા માટે સલાહ અને સહાય પૂરી પાડવી.

લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ.

પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતાઓને (ઈનોવેશન) પ્રોત્સાહન આપવું.

ITLAની સ્થાપના મલ્ટિમોડલ કનેક્ટિવિટીને મજબૂત કરીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતામાં સુધારો કરીને, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને અને ભારતની વૈશ્વિક લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતા વધારીને ભારત વિઝન 2047ને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ITLA સંશોધન, આયોજન, બિગ ડેટા એકીકરણ, પ્રોજેક્ટ મોનિટરિંગ અને મૂલ્યાંકન માટે સંસ્થાકીય ક્ષમતાનું નિર્માણ કરશે, સાથે ક્ષમતા નિર્માણ અને આંતરરાષ્ટ્રીય ઉત્કૃષ્ટ પદ્ધતિઓને અપનાવવામાં ટેકો આપશે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2319542) મુલાકાતી સંખ્યા : 9