ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી માસ્ટર્સ ઇન ફાઇનાન્સિયલ એન્ડ ઇકોનોમિક સિક્યોરિટીની બીજી બેચ શરૂ કરશે

પોસ્ટેડ ઓન: 28 SEP 2026 8:44PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગૃહ મંત્રાલય, ભારત સરકાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (IICA), કોર્પોરેટ બાબતોના મંત્રાલય સાથે મળીને નવેમ્બર 2026 માં તેના માસ્ટર્સ ઇન ફાઇનાન્સિયલ એન્ડ ઇકોનોમિક સિક્યોરિટી (MFES) પ્રોગ્રામની બીજી બેચ શરૂ કરવા માટે તૈયાર છે. આ પ્રોગ્રામ તેની પ્રથમ બેચની સફળ પૂર્ણાહુતિ પછી શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં બેંકિંગ, કાયદા અમલીકરણ, તપાસ, શિક્ષણ, સાહસિકતા અને કાનૂની સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોના 40 થી વધુ વ્યાવસાયિકો (પ્રોફેસનલ્સ) નો સમાવેશ થતો હતો.

ખાસ કરીને નોકરીયાત વ્યાવસાયિકો માટે ડિઝાઇન કરાયેલ, આ એક વર્ષનો પ્રોગ્રામ હાઇબ્રિડ મોડમાં ઓફર કરવામાં આવે છે, જે સહભાગીઓને નાણાકીય અને આર્થિક સુરક્ષામાં વિશિષ્ટ જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્યો મેળવવાની સાથે તેમની વ્યાવસાયિક જવાબદારીઓ ચાલુ રાખવા માટે સક્ષમ બનાવે છે. આ પ્રોગ્રામ વ્યવહારુ શિક્ષણ, હાથોહાથ તાલીમ (hands-on training) અને નાણાકીય તથા આર્થિક સુરક્ષામાં સમકાલીન પડકારોના સંપર્ક પર ભારે ભાર મૂકે છે.

ઉભરતા નાણાકીય અને આર્થિક જોખમો માટે ક્ષમતા વર્ધન

પરસ્પર જોડાયેલા વૈશ્વિક અર્થતંત્રમાં નાણાકીય સુરક્ષા અને આર્થિક અખંડિતતા વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. નાણાકીય ટેકનોલોજી, ડિજિટલ અસ્કયામતો અને સીમાપારની નાણાકીય પ્રવૃત્તિઓના ઝડપી વિકાસથી નાણાકીય અપરાધ અને આર્થિક વિક્ષેપ માટે નવા માર્ગો પણ ઉભા થયા છે. તેથી ઉભરતા નાણાકીય અને આર્થિક અપરાધોને સમજવા, અટકાવવા અને તેનો પ્રતિભાવ આપવા માટે સક્ષમ વ્યાવસાયિકોનું એક વિશિષ્ટ કેડર બનાવવાની વધતી જરૂરિયાત છે, જેનાથી ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતા મજબૂત થાય અને આંતરરાષ્ટ્રીય શાંતિ, સ્થિરતા અને સુરક્ષામાં યોગદાન આપી શકાય.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), મુંબઈ ખાતે બોલતા, સ્કૂલ ઓફ ક્રિમિનલ લો એન્ડ મિલિટરી લો, RRU ના ડિરેક્ટર શ્રી સુનીલ કવિશ્વરે નાણાકીય પ્રણાલીઓની અખંડિતતા અને સ્થિતિસ્થાપકતાને સુરક્ષિત કરવાના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે નાણાકીય અપરાધો સતત વિકસિત થઈ રહ્યા છે, જે પરંપરાગત સ્વરૂપોથી આગળ વધીને વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો, ટેરર ફાઇનાન્સિંગ (આતંકવાદી ભંડોળ), પ્રોલિફરેશન ફાઇનાન્સિંગ અને ટેકનોલોજી-સક્ષમ નાણાકીય અપરાધો જેવા ઉભરતા ક્ષેત્રોમાં આવી રહ્યા છે. ગુનાહિત નેટવર્ક્સ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીના વધતા ઉપયોગથી અમલીકરણ, નિયમનકારી અને નાણાકીય સંસ્થાઓ માટે નવા પડકારો ઉભા થયા છે.

શ્રી કવિશ્વરે રેખાંકિત કર્યું હતું કે RRU એ નાણાકીય અને આર્થિક સુરક્ષાના ઉભરતા ક્ષેત્રમાં ક્ષમતા વર્ધન, વિશિષ્ટ તાલીમ અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે વૈશ્વિક મંચ વિકસાવવામાં આઘેવાની લીધી છે. યુનિવર્સિટી આ ક્ષેત્રમાં વિશિષ્ટ સમજણ અને વ્યવહારુ ક્ષમતાઓને મજબૂત કરવા માટે સંબંધિત ક્ષેત્રોના વ્યાવસાયિકો, નિષ્ણાતો અને સંસ્થાઓને એકસાથે લાવવાની દિશામાં કામ કરી રહી છે.

તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે MFES પ્રોગ્રામ માત્ર શિક્ષણવિદોને જ નહીં પરંતુ અનુભવી પ્રેક્ટિશનરો અને નોકરીયાત વ્યાવસાયિકોને પણ એકસાથે લાવે છે જેઓ ક્ષેત્રમાંથી સીધો અનુભવ લાવે છે અને પ્રોગ્રામમાં ફેકલ્ટી અને રિસોર્સ પર્સન તરીકે યોગદાન આપશે.

RRU ના ટીચિંગ કમ રિસર્ચ ઓફિસર શ્રી હર્ષિત સિંહે ઉભરતા નાણાકીય અને આર્થિક સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સજ્જ વિશિષ્ટ વ્યાવસાયિક કેડર વિકસાવવાના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા તાલીમબદ્ધ વ્યાવસાયિકો ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા, ટકાઉ રાષ્ટ્રીય વિકાસને ટેકો આપવા અને વૈશ્વિક નાણાકીય સુરક્ષા અને સ્થિરતામાં દેશના યોગદાનને વધારવામાં મદદ કરી શકે છે.

આ પ્રોગ્રામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047 ના વ્યાપક વિઝન સાથે પણ સુસંગત છે, જે નાણાકીય પ્રણાલીઓનું રક્ષણ કરવા, સંસ્થાકીય ક્ષમતા મજબૂત કરવા અને ઉભરતા આર્થિક અને સુરક્ષા જોખમોનો અસરકારક રીતે જવાબ આપવા માટે સક્ષમ કુશળ વ્યાવસાયિકોના વિકાસમાં યોગદાન આપે છે. જેમ જેમ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક નાણાકીય પ્રણાલીઓ સાથે વધુને વધુ એકીકૃત થઈ રહ્યું છે, આવી વિશિષ્ટ કુશળતા સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને ટકાઉ વિકાસને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

બીજી બેચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ માટે ખુલ્લી છે, જે વિવિધ અધિકારક્ષેત્રો અને ક્ષેત્રોના વ્યાવસાયિકોને નાણાકીય અને આર્થિક સુરક્ષાના સમકાલીન મુદ્દાઓ સાથે શીખવાની અને જોડાવાની તક પૂરી પાડે છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) પણ આ પ્રોગ્રામમાં નોલેજ પાર્ટનર (જ્ઞાન ભાગીદાર) છે.

રસ ધરાવતા વ્યાવસાયિકો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકૃત પ્રવેશ પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકે છે. આ પ્રોગ્રામનો હેતુ શૈક્ષણિક નિર્દેશન, વ્યવહારુ અનુભવ અને ક્ષેત્રના નિષ્ણાતો સાથેના વાર્તાલાપ દ્વારા સહભાગીઓને નાણાકીય અને આર્થિક સુરક્ષાની બહુવિધ વિષયી (multidisciplinary) સમજ પૂરી પાડવાનો છે.

વધુ માહિતી અને નોંધણી માટે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2316232) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English