ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ ઈન્ટરનેશનલ ટ્રેડ શોની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું


મોદીજીએ રાજકીય સ્થિરતાને પોતાની ઓળખ બનાવી છે, સતત ત્રણ ટર્મ સુધી દેશના પ્રધાનમંત્રી તરીકે જનતાનો વિશ્વાસ જીતીને તેમણે નીતિઓનો જમીન પર અમલ કર્યો છે

અનુભવના આધારે નીતિઓમાં ફેરફાર કરીને, નવી નીતિઓ બનાવીને અને તે બધામાં સ્પષ્ટતા દર્શાવીને મોદીજીએ ભારતને સમગ્ર વિશ્વ માટે એક આકર્ષક ઉત્પાદન કેન્દ્ર (મેન્યુફેક્ચરિંગ હબ) બનાવ્યું છે

વિશ્વભરમાં આટલી બધી ઉથલપાથલ અને અશાંતિ વચ્ચે અને અનેક અવરોધો છતાં, ભારતનો વિકાસ દર આજે વધી રહ્યો છે

જેઓ ભારતને ‘મૃત અર્થતંત્ર’ (ડેડ ઈકોનોમી) તરીકે જુએ છે, તેમની માનસિકતા પોતે જ મૃત છે — તેથી જ તેઓ ભારતની જીવંતતા અને વિકાસ જોઈ શકતા નથી

ડબલ એન્જિન સરકારના કારણે યુપી આજે ભયમુક્ત, રોકાણનું કેન્દ્ર અને દેશના વિકાસનું એન્જિન બની રહ્યું છે

અનુકૂળ રોકાણ વાતાવરણ માટે સારી કાયદો અને વ્યવસ્થા, અનુકૂળ ઔદ્યોગિક નીતિ, સક્રિય સરકાર અને સુવિધા આપવાનો ઉત્સાહ — આ ચારેય યુપીમાં હાજર છે

આ ટ્રેડ ફેર સમગ્ર યુપીના ઉત્પાદકો માટે તેમના વેપાર અને ઉત્પાદનનો વિસ્તાર કરવાનું સરળ બનાવશે અને યુપીની ઓળખને વિશ્વભરમાં લઈ જવામાં મદદ કરશે

એ જ યુપી, જેની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિએ 2013માં ઈન્વેસ્ટમેન્ટ સમિટ દિલ્હીમાં યોજવાની ફરજ પાડી હતી, તે આજે $1 ટ્રિલિયન અર્થતંત્રનો લક્ષ્યાંક નક્કી કરી રહ્યું છે — આ ડબલ-એન્જિન સરકારનો જાદુ છે

જ્યાં પહેલા વાહન ચોરી અને ચેન સ્નેચિંગનો ગૃહ ઉદ્યોગ પાંગરતો હતો, ત્યાં આજે ડિફેન્સ કોરિડોર, વાહન નિર્માણ અને મેડિકલ ડિવાઈસ પાર્ક બની રહ્યા છે

યુપીમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઈલો પાકિસ્તાનને ફફડાવતી રાખે છે, જ્યારે અમેઠીમાં ઉત્પાદિત એકે-203 એસોલ્ટ રાઈફલોએ નક્સલવાદીઓ અને આતંકવાદીઓના દિલમાં ડર પેદા કરી દીધો છે

‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ પહેલ યુવાનો, નાના સાહસિકો અને લઘુ ઉદ્યોગો માટે નોંધપાત્ર પ્રગતિ લાવી છે અને રાજ્યના આર્થિક વિકાસના મુખ્ય ચાલક તરીકે ઉભરી આવી છે

પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની 110મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે અમલમાં મૂકેલી મુક્ત વેપાર નીતિ — જે સ્વતંત્રતા પછીના યુગમાં સૌપ્રથમ હતી — તે પાછળથી દેશના વિકાસનો પાયો બની

પોસ્ટેડ ઓન: 25 SEP 2026 5:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ ઈન્ટરનેશનલ ટ્રેડ શો (UPITS) ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને અન્ય ઘણા વિશિષ્ટ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે કહ્યું કે 12 વર્ષ પહેલા, 25 સપ્ટેમ્બરના રોજ જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મેક ઈન ઈન્ડિયા’ મિશનની જાહેરાત કરી હતી. આજનો કાર્યક્રમ એવો છે જે ‘મેક ઈન ઈન્ડિયા’ માટેનો માર્ગ મોકળો કરે છે. છેલ્લા 12 વર્ષોમાં, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ મળીને ‘મેક ઈન ઈન્ડિયા’ ના માર્ગ પર ચાલીને ભારતને ઉત્પાદન, ડિઝાઇન અને ઇનોવેશનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે કામ કર્યું છે. શ્રી શાહે કહ્યું કે 12 વર્ષ પહેલા ભારતીય અર્થતંત્રની ગણના પાંચ નાજુક અર્થતંત્રોમાં થતી હતી, અને આજે ભારતીય અર્થતંત્ર ટોપ 5 માં છે, જે પ્રધાનમંત્રી મોદીની ‘મેક ઈન ઈન્ડિયા’ નીતિનું પરિણામ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે 25મી સપ્ટેમ્બર એ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની 110મી જન્મજયંતી છે. તેમણે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર દીનદયાળ ઉપાધ્યાયજીએ દેશ સામે મુક્ત વેપાર અને મુક્ત કૃષિ આધારિત આર્થિક નીતિ મૂકી હતી. એ જ આર્થિક નીતિ પાછળથી ભારતના વિકાસનો પાયો બની, પહેલા અટલજીના નેતૃત્વમાં અને ત્યારબાદ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં. દીનદયાળજીએ સંગઠન આધારિત રાજકારણનો પાયો પણ નાખ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ભયમુક્ત ઉત્તર પ્રદેશ આજે રોકાણનું કેન્દ્ર અને ભારતના વિકાસનું એન્જિન બનીને ઉભરી રહ્યું છે. ડબલ એન્જિન સરકારના કારણે આ પરિવર્તન આવ્યું છે. આ ફેરફારના કારણે આપણે ઉત્તર પ્રદેશના અર્થતંત્રને 1-ટ્રિલિયન-ડોલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે આજે ટ્રેડ ફેરમાં વિશ્વભરના ખરીદદારો ઉપસ્થિત છે, અને આનાથી ચોક્કસપણે ઉત્તર પ્રદેશમાં રોકાણ, ઉત્પાદન અને વેચાણમાં મોટો વધારો થશે. ઉત્તર પ્રદેશ ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરની આ ચોથી આવૃત્તિ છે. પ્રથમ આવૃત્તિમાં, વિશ્વને ઉત્તર પ્રદેશમાં થયેલા પરિવર્તનથી પરિચિત કરાવવામાં આવ્યું હતું. બીજી આવૃત્તિમાં, ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. ત્રીજી આવૃત્તિમાં, રોકાણકારો ઉત્તર પ્રદેશ આવ્યા, અને આજે, ટ્રેડ ફેરની ચોથી આવૃત્તિમાં, તેઓ 1-ટ્રિલિયન-ડોલરનું અર્થતંત્ર બનાવવા તરફ રાજ્યના વિકાસમાં ભાગીદાર તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે વર્ષ 2025 એ ઈમ્પેક્ટનું વર્ષ હતું, જેમાં 5 લાખથી વધુ લોકોએ ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી, 2,400 થી વધુ એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા, હજારો કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું અને વેપાર કરારો પણ સંપન્ન થયા હતા. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2026માં આયોજિત ટ્રેડ ફેરની ચોથી આવૃત્તિ 2025ના તમામ રેકોર્ડ તોડવામાં સફળ થશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે લગભગ 24 કરોડની વસ્તી ધરાવતું ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. તેની પાસે પુષ્કળ જળ સંસાધનો, જમીન, સખત મહેનતુ કારીગરો છે અને હવે ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ પણ છે. એક સમય હતો જ્યારે ઉત્તર પ્રદેશમાં માફિયાઓનું શાસન હતું, પરંતુ 2017માં અમારા પક્ષે અહીં સરકાર બનાવી અને શ્રી યોગી આદિત્યનાથ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. યોગી સરકારે સમગ્ર ઉત્તર પ્રદેશમાં માફિયાઓને નાબૂદ કર્યા છે, અને તેના કારણે જ આજે રાજ્યમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. તેમણે કહ્યું કે રોકાણના વાતાવરણ માટે પહેલી શરતો સારી કાયદો અને વ્યવસ્થા, અનુકૂળ ઔદ્યોગિક નીતિ, સક્રિય સરકાર અને ઉદ્યોગને સુવિધા આપવાનો ઉત્સાહ છે. આ ચારેય આજે ઉત્તર પ્રદેશમાં હાજર છે, તેથી જ અહીં રોકાણ માટેનું વાતાવરણ ઊભું થયું છે. પ્રધાનમંત્રી મોદીએ રાજકીય સ્થિરતાને પોતાની ઓળખ બનાવી છે. પ્રધાનમંત્રી તરીકે સતત ત્રણ ટર્મ સુધી જનતાનો વિશ્વાસ જીતીને શ્રી નરેન્દ્ર મોદીએ માત્ર નીતિઓ બનાવી નથી પરંતુ તેને જમીન પર સતત અમલમાં મૂકી છે. નીતિઓને વ્યવહારમાં મૂકવાની સાથે, પ્રધાનમંત્રી મોદીએ અનુભવના આધારે તેને સુધારી છે અને નવી નીતિઓ બનાવી છે, જેનાથી ભારત સમગ્ર વિશ્વ માટે એક આકર્ષક ઉત્પાદન કેન્દ્ર બન્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો ભારતના જીડીપી આંકડાઓ સામે વિવાદ ઊભો કરવાનો પણ પ્રયાસ કરે છે. મૂડીઝે ભારતનો વિકાસ દર અનુમાન 6% થી વધારીને 7% કર્યો છે. જાપાનની અગ્રણી રેટિંગ એજન્સી જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ભારતનું સોવરેન રેટિંગ BBB+ થી સુધારીને A- કર્યું છે. છેલ્લા ક્વાર્ટરમાં, ભારતે 7.8% નો વિકાસ દર હાંસલ કરીને પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. આજે, વિશ્વના મુખ્ય અર્થતંત્રોમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં આટલી બધી ઉથલપાથલ અને અશાંતિ વચ્ચે, અને અનેક અવરોધો છતાં, ભારતે માત્ર પોતાનો વિકાસ દર જાળવી રાખ્યો નથી પરંતુ તેને વધુ ઝડપી પણ બનાવ્યો છે. શ્રી શાહે કહ્યું કે અમે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનો પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને આપેલો સંકલ્પ પૂરો કરીશું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આપણી ઇલેક્ટ્રોનિક નિકાસ 2015ની સરખામણીમાં 11 ગણી વધી છે. જુલાઈમાં જીએસટી કલેક્શન ₹2.11 લાખ કરોડ રહ્યું હતું, જે અત્યાર સુધીનું જુલાઈ મહિના માટેનું સૌથી વધુ કલેક્શન છે. 6 રાજ્યોમાં ₹1.64 લાખ કરોડથી વધુના રોકાણ સાથે 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ કાર્યરત છે, અને અમારો કેપિટલ એક્સપેન્ડીચર (મૂડી ખર્ચ) ₹12.2 લાખ કરોડને વટાવીને રેકોર્ડ તોડી ચૂક્યો છે. આ તમામ ઉપલબ્ધિઓ ભારતના વિકાસના પાયાની સાક્ષી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને ભારતીય અર્થતંત્ર "મૃત અર્થતંત્ર" લાગે છે, પરંતુ જેમની વિચારસરણી જ મૃત છે તેઓ તેની જીવંતતા જોઈ શકતા નથી. શ્રી શાહે કહ્યું કે કેટલાક લોકો ભારતનો વિકાસ જોઈ શકતા નથી. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં, અમે મોરેશિયસ, યુએઈ, ઓસ્ટ્રિયા, ચાર યુરોપીયન દેશોના સંગઠન, યુકે, ઓમાન, ન્યુઝીલેન્ડ અને યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs) પર હસ્તાક્ષર કર્યા છે. આ FTAs એ આપણા ઉદ્યોગોની નિકાસ ક્ષમતાને અનેક ગણી વધારી દીધી છે. શ્રી શાહે કહ્યું કે વિવિધ પ્રતિકૂળતાઓ છતાં, ભારતીય અર્થતંત્રે પોતાનો વિકાસ દર જાળવી રાખ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજે ઉત્તર પ્રદેશમાં ઝાંસી, ચિત્રકૂટ, લખનૌ, આગ્રા, અલીગઢ અને કાનપુર ખાતે ડિફેન્સ કોરિડોરના છ નોડ્સમાં રોકાણ આવી રહ્યું છે. પરિણામે, માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સંરક્ષણ ઉત્પાદનો વિકસાવવામાં આવ્યા છે, અને અમારું સંરક્ષણ ઉત્પાદન ₹1,78,000 કરોડ પર પહોંચ્યું છે. 2013-14ની સરખામણીમાં, અમે સંરક્ષણ ઉત્પાદનોની નિકાસમાં 56 ગણો વધારો કર્યો છે, અને આજે ભારતીય સંરક્ષણ ઉત્પાદનો 80 દેશોમાં નિકાસ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશનો આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. યોગી સરકારે માત્ર ડિફેન્સ કોરિડોરની સ્થાપના જ નથી કરી પરંતુ તેને સુવિધાજનક બનાવવા, તેને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવા અને અનુકૂળ નીતિઓ બનાવવા માટે વ્યાપક કામ કર્યું છે. યુપીમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઈલો પાકિસ્તાનને ફફડાવતી રાખે છે, જ્યારે અમેઠીમાં ઉત્પાદિત એકે-203 એસોલ્ટ રાઈફલોએ નક્સલવાદીઓ અને આતંકવાદીઓના દિલમાં ડર પેદા કરી દીધો છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે અગાઉની સરકારોના કાર્યકાળ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં ગુનાહિત ઉદ્યોગ પાંગરી રહ્યો હતો, અને આ રાજ્ય દેશી તમંચા  અને ગેરકાયદેસર હથિયારોના નિર્માણનું કેન્દ્ર બની ગયું હતું. રાજ્યના શહેરોમાં વાહન ચોરી એક ગૃહ ઉદ્યોગની જેમ ચાલતી હતી, અને ચેન સ્નેચિંગથી યુવાનોને તેમની કુશળતા બતાવવાની તક પણ મળતી હતી. આજે, 10 વર્ષ પછી, દેશી તમંચા ઉદ્યોગનું સ્થાન ડિફેન્સ કોરિડોરે, વાહન ચોરીનું સ્થાન વાહન નિર્માણે અને ચેન સ્નેચિંગ ઉદ્યોગનું સ્થાન મેડિકલ ડિવાઈસ પાર્કે લઈ લીધું છે. તેમણે કહ્યું કે આજે ઉત્તર પ્રદેશ રોકાણને આકર્ષવા માટેનું એક મુખ્ય સ્થળ બની ગયું છે, અને આ પરિવર્તન ડબલ-એન્જિન સરકારના કારણે આવ્યું છે. તેમણે કહ્યું કે એ જ ઉત્તર પ્રદેશ - જેની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના કારણે 2013ની ઈન્વેસ્ટમેન્ટ સમિટ દિલ્હીમાં યોજવી પડી હતી - તે આજે $1 ટ્રિલિયન અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક નક્કી કરી રહ્યું છે; આ 'ડબલ-એન્જિન' સરકારનો જાદુ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે યોગી સરકાર બન્યા પછી, અગાઉની સરકારોના કાર્યકાળની ગુંડાશાહી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે, અને આનાથી અહીં ઉદ્યોગો સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. ઉત્તર પ્રદેશ તેની નફાકારક ઔદ્યોગિક નીતિ, ઉદ્યોગોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ અને સમગ્ર દેશમાંથી ઉદ્યોગોને રાજ્ય તરફ આકર્ષવા માટે રેડ કાર્પેટ પાથરીને સારા પરિણામો હાંસલ કર્યા છે. આના દ્વારા યોગી આદિત્યનાથની સરકારે રાજ્યના કરોડો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નોઈડા એરપોર્ટ, એક્સપ્રેસવે અને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સે રાજ્યમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. પરિણામે, આજે ઉત્તર પ્રદેશ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશના સાત શહેરોમાં હાલમાં મેટ્રો કાર્યરત છે, જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે. અમે અહીં ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ (ODOP) સ્કીમ શરૂ કરી છે. ODOP પહેલની સાથે પરંપરાગત હસ્તકળા અને ઉદ્યોગોના જતન થકી રાજ્યના યુવાનો, નાના સાહસિકો અને લઘુ ઉદ્યોગોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જે ઉત્તર પ્રદેશના આર્થિક વિકાસની ધરી બની ગયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે એક સમય હતો જ્યારે ઉત્તર પ્રદેશના લોકો રોજગારીની શોધમાં દેશના અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરતા હતા, અને આજે એ જ ઉત્તર પ્રદેશના યુવાનોને ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ યોજનાના કારણે તેમના પોતાના રાજ્યમાં જ રોજગારી મળી રહી છે. પછી ભલે તે ભદોહીના ગાલીચા હોય, મુરાદાબાદના પિત્તળના વાસણો હોય, ફિરોઝાબાદનો કાચ હોય, સહરાનપુરનું વૂડક્રાફ્ટ હોય, કન્નૌજનું અત્તર હોય કે બનરસની રેશમી સાડીઓ હોય — આ બધાએ સમગ્ર દેશમાં એક અનોખી ઓળખ બનાવી છે. હમણાં જ, અહીં ‘વન ડિસ્ટ્રિક્ટ, વન કુઝીન’ (ODOC) ની વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી હતી, જેના દ્વારા વારાણસીની મલાઈયો અને તિરંગા બર્ફી, આગ્રાનાં પેઠા, મથુરાનાં પેડા અને મેરઠની ગજક સમગ્ર દેશના લોકોને — કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે. શ્રી શાહે કહ્યું કે આ ટ્રેડ ફેર સમગ્ર ઉત્તર પ્રદેશના ઉત્પાદકોના વેપાર અને ઉત્પાદનને ખૂબ જ સરળ બનાવશે અને સમગ્ર વિશ્વમાં યુપીની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદ કરશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2315055) મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Tamil