પર્યાવરણ અને વન મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ‘ધ ફ્યુચર ઓફ એન્વાયરન્મેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ’ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું; NGT મોબાઇલ એપ્લિકેશન રિલીઝ કરી
કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે સમતા (ઇક્વિટી), અમલીકરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં આધારિત ક્લાઇમેટ એક્શન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો
બે-દિવસીય પરિષદ વૈશ્વિક પર્યાવરણીય અને જળવાયુ સંબંધિત તાકીદના પડકારો પર સહયોગાત્મક કાર્યવાહી માટે વૈશ્વિક હિતધારકોને એકસાથે લાવે છે
પોસ્ટેડ ઓન:
19 SEP 2026 2:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ની ‘ધ ફ્યુચર ઓફ એન્વાયરન્મેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ’ વિષય પરની બે-દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સત્રમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્ય કાંત, ભારતના એટોર્ની જનરલ શ્રી આર. વેંકટરમણી, કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ પ્રકૃતિ સાથે રાષ્ટ્રના ઊંડા ઐતિહાસિક જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો, અને એ વાત પર ભાર મૂક્યો હતો કે કેવી રીતે પ્રાચીન સાંસ્કૃતિક જ્ઞાન આધુનિક જળવાયુ ઉકેલોને સક્રિયપણે આકાર આપી રહ્યું છે અને વૈશ્વિક સામૂહિક કાર્યવાહીને પ્રેરણા આપી રહ્યું છે. તેમણે આ જટિલ મિશનને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પ્રશંસા કરી હતી અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. (લિન્ક: https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2312353®=48&lang=1)

પોતાનું ઉદ્ઘાટન સંબોધન કરતાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્ય કાંતે ભારતની લાંબા સમયથી ચાલી આવતી પર્યાવરણીય ન્યાયશાસ્ત્રની પરંપરા પર પ્રકાશ પાડ્યો હતો, અને નોંધ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે, દાયકાઓથી, પ્રદૂષણ મુક્ત પર્યાવરણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી છે અને સાવચેતીનો સિદ્ધાંત (પ્રિકોશનરી પ્રિન્સિપલ), પ્રદૂષક ચૂકવણી કરે તેનો સિદ્ધાંત (પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ), સંપૂર્ણ જવાબદારી (એબ્સોલ્યુટ લાયબિલિટી) અને જાહેર ટ્રસ્ટ સિદ્ધાંત (પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન) સહિતના સિદ્ધાંતો વિકસાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ભારતીય જળવાયુ ન્યાયશાસ્ત્રે જળવાયુ સંબંધિત અધિકારોને વધુ સ્પષ્ટ બંધારણીય ફોકસમાં આણ્યા છે, અને માન્યતા આપી છે કે જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરો સમાનતા, આજીવિકા અને સ્વાસ્થ્ય સંબંધિત મૂળભૂત અધિકારોને અસર કરી શકે છે.
તેમણે વૈશ્વિક પર્યાવરણીય સંભાળને મજબૂત બનાવવા માટે સામૂહિક ન્યાયિક જ્ઞાન, વૈજ્ઞાનિક જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સહયોગનું આહ્વાન કર્યું હતું. મહાનુભાવોની આ સભાને સંબોધિત કરતા, શ્રી ભૂપેન્દ્ર યાદવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની જળવાયુ પ્રતિબદ્ધતાઓને રેખાંકિત કરી હતી, અને નોંધ્યું હતું કે નોન-ફોસિલ (બિન-અશ્મિભૂત) સ્ત્રોતો હવે સ્થાપિત વીજ ક્ષમતાના 54.18 ટકા હિસ્સો ધરાવે છે, જે 2030 ના 50 ટકાના લક્ષ્યાંકને સમયપત્રકથી નવ વર્ષ પહેલાં વટાવી ગયો છે.
તેમણે કહ્યું કે ભારત પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે અને વિશ્વનું બીજું સૌથી મોટું સોલર ગ્રોથ માર્કેટ છે, જે દર્શાવે છે કે આર્થિક વૃદ્ધિ અને જળવાયુ કાર્યવાહી એકસાથે આગળ વધી શકે છે. શ્રી યાદવે વન્યજીવ અને નિવસનતંત્ર (ઇકોસિસ્ટમ) સંરક્ષણમાં ભારતની ઉપલબ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં સફળ ચિત્તા પુનર્વસન કાર્યક્રમ અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમથી લઈને વૂડલેન્ડ્સ, ઘાસચારાની જમીન અને વેટલેન્ડ્સના સંરક્ષણ અને પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારતનું વન અને વૃક્ષ આચ્છાદન 8.27 લાખ ચોરસ કિલોમીટર સુધી પહોંચી ગયું છે અને UN FAO ના ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ એસેસમેન્ટ 2025 નો ઉલ્લેખ કર્યો હતો, જે મુજબ ભારતે વાર્ષિક શુદ્ધ વન-વિસ્તાર મેળવવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.
અંતાલ્યા ખાતે UNFCCC COP31 તરફ આગળ જોતાં, તેમણે કહ્યું કે ભારત સમતા (ઇક્વિટી), અમલીકરણ અને સંવેદનશીલ દેશોની જરૂરિયાતો પર કેન્દ્રિત ક્લાઇમેટ એક્શનની હિમાયત કરવાનું ચાલુ રાખશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એવા સમયે જ્યારે પર્યાવરણીય પડકારો રાષ્ટ્રીય સીમાઓને વટાવી જાય છે, ત્યારે વિશ્વભરના ન્યાયાધીશો, નીતિ ઘડવૈયાઓ, વૈજ્ઞાનિકો, પ્રેક્ટિશનરો અને નિષ્ણાતોને એકસાથે લાવતા મંચો અત્યંત મહત્વપૂર્ણ છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વ સામેની પસંદગી વિકાસ અને પર્યાવરણ વચ્ચેની નથી, પરંતુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જે ટકી ન શકે તેવા વિકાસ વચ્ચેની છે. મંત્રીએ કહ્યું કે પર્યાવરણીય જવાબદારી પ્રત્યે ભારતનો દ્રષ્ટિકોણ તેની સાંસ્કૃતિક વિચારધારામાં રહેલો છે, જે પૃથ્વીને એક સહિયારી વિરાસત અને પવિત્ર ટ્રસ્ટ તરીકે જુએ છે, અને એક સસ્ટેનેબલ, સ્થિતિસ્થાપક અને ન્યાયી ભવિષ્ય તરફ સામૂહિક કાર્યવાહી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પોતાના વક્તવ્યમાં, ભારતના એટર્ની જનરલ શ્રી આર. વેંકટરમણીએ કહ્યું કે કોઈ પણ દેશ એકલો પર્યાવરણીય પડકારનો ઉકેલ લાવી શકતો નથી અને વૈશ્વિક કાર્યવાહી ઘોષણાઓથી આગળ વધીને વ્યવહારુ અને અમલમાં મૂકી શકાય તેવા તંત્ર તરફ આગળ વધવી જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના એ આહ્વાનનો ઉલ્લેખ કરતા કે “વૈશ્વિક કાર્યવાહી વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે મેળ ખાતી હોવી જોઈએ”,
તેમણે કહ્યું કે ભારતે વિકાસ અને પર્યાવરણ સુરક્ષાને સાધતી વખતે જે સંતુલનનો માર્ગ પસંદ કર્યો છે તેના દ્વારા તે ઉદાહરણો પૂરા પાડી શકે છે. તેમણે પર્યાવરણીય ન્યાયને સંબોધવા માટે એક નવા વૈશ્વિક પર્યાવરણીય નિયમનકારી માળખા અને મજબૂત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું આહ્વાન કર્યું હતું, જ્યારે ઊર્જા અને ખાદ્ય સુરક્ષા, આવાસ, આરોગ્ય, પાણી, નિવસનતંત્ર અને આર્થિક તકો સંબંધિત ચિંતાઓને સાંકળી લેવામાં આવે. અગાઉ ડેલિગેટ્સનું સ્વાગત કરતા, NGT અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય શાસન પ્રત્યે ભારતના વ્યાપક દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતની પહેલો માત્ર રાષ્ટ્રીય કાર્યવાહી માટે જ નહીં પરંતુ વૈશ્વિક પર્યાવરણીય સહયોગ પ્રત્યે પણ દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જસ્ટિસ શ્રીવાસ્તવે કહ્યું કે આ પહેલો સ્વચ્છ, હરિયાળા, વધુ સ્થિતિસ્થાપક અને સસ્ટેનેબલ ભારતની એક મોટા વિઝનને પ્રતિબિંબિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ એ કોઈ એક સંસ્થા કે ક્ષેત્રની જવાબદારી નથી, પરંતુ એક સામૂહિક રાષ્ટ્રીય અને વૈશ્વિક જવાબદારી છે, જેમાં પર્યાવરણીય અવગણનાના પરિણામો ઘણીવાર તેમના પર સૌથી વધુ ગંભીરતાથી પડે છે, જેઓ તેના માટે સૌથી ઓછા જવાબદાર છે.

પ્રધાનમંત્રીએ પરિષદના ઉદ્ઘાટન સત્ર દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. આ બે-દિવસીય પરિષદ વિશ્વભરના 17 દેશોના ન્યાયશાસ્ત્રીઓ, વિદ્વાનો, નીતિ ઘડવૈયાઓ, વૈજ્ઞાનિકો, પર્યાવરણ નિષ્ણાતો અને અન્ય હિતધારકોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ યુનાઇટેડ નેશન્સ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામ (UNEP) અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ને એકસાથે લાવી રહી છે. આ કાર્યક્રમ સંવાદ, ન્યાયિક, વૈજ્ઞાનિક, નીતિગત અને સંસ્થાકીય ઉત્તમ પદ્ધતિઓ પર જ્ઞાનના આદાનપ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે પર્યાવરણીય અને જળવાયુ સંબંધિત તાકીદના પડકારો પર સહયોગાત્મક કાર્યવાહીને પ્રોત્સાહિત કરે છે. આ પરિષદમાં પર્યાવરણીય અને જળવાયુ શાસનના મુખ્ય પાસાઓને આવરી લેતા ચાર ટેકનિકલ સત્રો સામેલ છે, જેમાંથી બે આજે યોજાયા હતા. ટેકનિકલ સત્ર-I - ‘ક્લાઇમેટ જસ્ટિસ, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન: ફ્રોમ પ્રિન્સિપલ્સ ટુ એક્શન’ - ક્લાઇમેટ એક્શનમાં સમતા અને સમાવેશીતા, પર્યાવરણીય અને સામાજિક સુરક્ષાત્મક પગલાં, અને જળવાયુ પરિવર્તન તથા પર્યાવરણીય અવગણનાની પરસ્પર જોડાયેલી અસરો પર કેન્દ્રિત હતું.
ટેકનિકલ સત્ર-II - ‘ધ ફ્યુચર ઓફ એન્વાયરન્મેન્ટલ લો એન્ડ ગવર્નન્સ’ - સંસ્થાઓ અને અમલીકરણ તંત્રને મજબૂત બનાવવા, સસ્ટેનેબલ અને જીવવા યોગ્ય શહેરો, એનર્જી ટ્રાન્ઝિશન, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન ફાઇનાન્સ પર ચર્ચા કરી હતી. આ પરિષદ પર્યાવરણીય કાયદા અને સંસ્થાઓને મજબૂત કરવા, ક્લાઇમેટ જસ્ટિસ અને આંતર-પેઢીગત સમતાને આગળ વધારવા, સસ્ટેનેબલ અને સ્થિતિસ્થાપક શહેરોને પ્રોત્સાહન આપવા, ન્યાયી એનર્જી ટ્રાન્ઝિશન સુગમ બનાવવા અને સીમાપારના પર્યાવરણીય પડકારો પર સહયોગાત્મક કાર્યવાહીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. તેણે સંશોધન, ઉત્તમ પદ્ધતિઓ અને નવીન ઉકેલો શેર કરવા, ભાગીદારી બનાવવા અને ભવિષ્યના સહયોગ માટે અમલીકરણ યોગ્ય ભલામણો તથા રોડમેપ વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2312467)
મુલાકાતી સંખ્યા : 30