જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

જલ સંચય જન ભાગીદારી – કેચ ધ રેઇન’ એન્થમ રિલીઝ કરાયું

પોસ્ટેડ ઓન: 15 SEP 2026 8:57PM by PIB Ahmedabad

જલ શક્તિ મંત્રાલયે આજે “જલ સંચય જન ભાગીદારી – કેચ ધ રેઇન” માટેનું એન્થમ (ગાન) રિલીઝ કર્યું છે, જે લોકોની ભાગીદારી દ્વારા જળ સંરક્ષણ અને વર્ષા જળ સંચય માટેના દેશવ્યાપી આંદોલનને એક સંગીતમય અવાજ આપે છે.

પ્રખ્યાત ગાયક-સંગીતકાર શંકર મહાદેવન દ્વારા ગવાયેલું આ એન્થમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્પષ્ટ આહ્વાનને રેખાંકિત કરે છે: “કેચ ધ રેઇન – વેર ઇટ ફોલ્સ, વ્હેન ઇટ ફોલ્સ” (વરસાદના પાણીનો સંગ્રહ કરો – જ્યાં પડે, જ્યારે પડે). એક ઊર્જાસભર અને યાદગાર સંદેશ દ્વારા, તે દેશભરના નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને જળ સંચયને દૈનિક જીવનનો એક ભાગ બનાવવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે.

पकड़ें हम, पकड़ें हम, बारिश का पानी,
लिखें हम, लिखें हम, एक नई कहानी

આ એન્થમ એક સરળ પરંતુ શક્તિશાળી વિચારને રજૂ કરે છે: જળ એ જ જીવન છે, અને તેનું સંરક્ષણ કરવું એ સૌની સહિયારી જવાબદારી છે. વર્ષા જળ સંચય માત્ર સરકારની જવાબદારી ન હોઈ શકે. સ્થાયી જળ સુરક્ષા ત્યારે જ હાંસલ કરી શકાય જ્યારે દરેક નાગરિક, પરિવાર, સમુદાય, સંસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને ઉદ્યોગ આ પ્રયાસમાં સક્રિય ભાગીદાર બને.

જલ સંચય જન ભાગીદારી જળ સંરક્ષણને એક કાર્યક્રમમાંથી જન-સંચાલિત આંદોલનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે. તે ભવિષ્ય માટે જળ સુરક્ષિત કરવાના દેશના પ્રયાસોના કેન્દ્રમાં જન ભાગીદારીને રાખીને, વર્ષા જળ સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માળખાઓના નિર્માણ અને પુનરુદ્ધારને પ્રોત્સાહિત કરે છે.

આ એન્થમનો હેતુ પ્રધાનમંત્રીના સંદેશને દરેક ગામ, શહેર, શાળા, સંસ્થા અને ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે, ખાસ કરીને યુવાનોને જળ સંરક્ષણના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે પ્રેરિત કરવાનો છે. તે નાગરિકોને યાદ અપાવે છે કે આજે સંગ્રહિત કરાયેલું વરસાદનું દરેક ટીપું મજબૂત ભૂગર્ભ જળ અનામત, વધુ સક્ષમ સમુદાયો અને જળ-સુરક્ષિત ભવિષ્યમાં યોગદાન આપે છે.

જલ શક્તિ મંત્રાલય દેશભરના નાગરિકોને આ આંદોલનમાં જોડાવા અને એન્થમના સંદેશને અમલમાં મૂકવા માટે આહ્વાન કરે છે. વરસાદનું પાણી જ્યાં પડે, જ્યારે પડે ત્યાં તેનો સંગ્રહ કરીને અને જળ સંરક્ષણને એક ટેવ તથા જીવનશૈલી બનાવીને, ભારત જળ સંચયને જન ભાગીદારીથી સંચાલિત એક સાચું જન આંદોલન બનાવી શકે છે.

એન્થમ જુઓ: https://youtu.be/NBkodAkSKoE

કેચ ધ રેઇન – વેર ઇટ ફોલ્સ, વ્હેન ઇટ ફોલ્સ

જળ સંચયને જન આંદોલન બનાવો — દરેક ટીપું બચાવો, ભવિષ્ય સુરક્ષિત બનાવો.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2310683) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , हिन्दी