ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ DNHDDને "મિની ઇન્ડિયા" તરીકે બિરદાવ્યું, પીએમ નરેન્દ્ર મોદી અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ હેઠળના પરિવર્તનકારી વિકાસની પ્રશંસા કરી


ડીએનએચડીડી લોકોની સક્રિય ભાગીદારી સાથે લોક-કેન્દ્રિત વિકાસના મોડેલ તરીકે ઉભરી રહ્યું છે: ઉપરાષ્ટ્રપતિ

"ડીએનએચડીડીનું પરિવર્તન વિકસિત ભારત 2047 ના વિઝનમાં યોગદાન આપી રહ્યું છે": ઉપરાષ્ટ્રપતિ

આરોગ્ય સંભાળ, શિક્ષણ, પ્રવાસન અને કનેક્ટિવિટી કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તનને દોરી રહ્યા છે: ઉપરાષ્ટ્રપતિ

પોસ્ટેડ ઓન: 11 SEP 2026 5:31PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ગવર્નમેન્ટ કોલેજ, સિલવાસા ખાતે એક જાહેર કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

આ પ્રસંગે, ઉપરાષ્ટ્રપતિનું માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ અને માનનીય સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકર સહિતના જાહેર પ્રતિનિધિઓ, તેમજ જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, ઉદ્યોગ અને હોટેલ એસોસિએશનો, વિવિધ કોલેજોના ટોપર વિદ્યાર્થીઓ અને તમિલ સંગમના પ્રતિનિધિઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પીએમ વિશ્વકર્માના લાભાર્થીઓને ટૂલકિટ્સ અને નવ નિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો પણ વહેંચ્યા હતા.

સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ એ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે નાવીન્યપૂર્ણ સુશાસન અને લોકોની ભાગીદારી પરિવર્તનકારી વિકાસને દોરી શકે છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સતત પ્રયાસો દ્વારા, લોકોની સક્રિય ભાગીદારી સાથે છેલ્લા એક દાયકામાં હાંસલ કરેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકા દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં ₹13,000 કરોડથી વધુના મૂલ્યના 450 થી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ₹4,000 કરોડથી વધુના ખર્ચે લગભગ 800 કિમીના રસ્તાઓનો સમાવેશ થાય છે.

આરોગ્ય સંભાળમાં આવેલા પરિવર્તન પર પ્રકાશ પાડતા, તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ, જેમાં 2019 પહેલાં એક પણ મેડિકલ કોલેજ ન હતી, ત્યાં હવે 177 સીટો ધરાવતી એક મેડિકલ કોલેજ છે, આ ઉપરાંત સિલવાસામાં 450 બેડની નામો (NAMO) હોસ્પિટલ અને દમણમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલી 350 બેડની નામો હોસ્પિટલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ટીબીના કેસોમાં 57% અને કુપોષણમાં 58%નો ઘટાડો થયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ અને સંસ્થાકીય ડિલિવરીનું 100 ટકા સંતૃપ્તિ (સેચ્યુરેશન) તેમજ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ પૂર્ણ નોંધણી પણ હાંસલ કરી છે.

શિક્ષણ અંગે, ઉપરાષ્ટ્રપતિએ ₹700 કરોડથી વધુના રોકાણ સાથે 21 નવી શાળાઓના નિર્માણ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાંથી 16 વધુ નિર્માણાધીન છે, આ ઉપરાંત સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ્સ પણ છે. તેમણે NIFT, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓની સ્થાપના અને કેમ્પસની નોંધ લીધી, જેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં યુવાનો માટે તકોનો વિસ્તાર થયો છે.

પ્રવાસનના વધતા મહત્વ પર પ્રકાશ પાડતા, ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે પ્રવાસીઓની સંખ્યા 2021 માં લગભગ 6 લાખથી વધીને 2025 માં લગભગ 50 લાખ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે દમણ નાઇટ માર્કેટ, રામ-સેતુ સીફ્રન્ટ, પુનઃસ્થાપિત હેરિટેજ સાઇટ્સ, બીચ, વોટર સ્પોર્ટ્સ અને ઇકો-ટૂરિઝમ પ્રોજેક્ટ્સ જેવી પહેલો પ્રદેશની સમૃદ્ધ વારસો અને પ્રાકૃતિક સુંદરતા દર્શાવવાની સાથે નવી તકો ઊભી કરી રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્રશાસિત પ્રદેશની ઔદ્યોગિક શક્તિ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં 7,500 થી વધુ ઉત્પાદન એકમો અને MSME ક્ષેત્ર દ્વારા 2.8 લાખથી વધુ રોજગારીની તકો છે. નામો એરપોર્ટ, દમણના ઉદ્ઘાટને દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સાથે હવાઈ કનેક્ટિવિટી વધુ મજબૂત કરી છે. તેમણે સરકારી ઈમારતોનું 100% સોલરાઈઝેશન હાંસલ કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશની પ્રશંસા કરી, જેમાં લગભગ 12 મેગાવોટની સ્થાપિત ક્ષમતા છે.

ગુજરાતના ત્રણ પ્રતિકાત્મક નેતાઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના યોગદાનનો સંદર્ભ આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતુ કે ગાંધી અહિંસા અને સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિનિધિત્વ કરે છે, સરદાર પટેલ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશની સામાજિક વિવિધતા, સાંસ્કૃતિક વારસો અને સદ્ભાવનાની ભાવના તેને "મિની ઇન્ડિયા" બનાવે છે. તેમણે જણાવ્યું હતુ કે દેશના વિવિધ ભાગોના લોકો આ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે અને સૌહાર્દપૂર્ણ રીતે એકસાથે રહી રહ્યા છે.

SM/JD


(રીલીઝ આઈડી: 2309303) મુલાકાતી સંખ્યા : 37
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Malayalam