વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે 2030 સુધીમાં $100 બિલિયનનો દ્વિપક્ષીય વેપાર હાસલ કરવા માટે ભારત-રશિયા આર્થિક ભાગીદારીને ઝડપી બનાવવાનું આહ્વાન કર્યું
શ્રી પિયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ અને ખાદ્ય ઉત્પાદનોમાં રશિયા ખાતે ભારતની નિકાસ વિસ્તારવાની તકો પર પ્રકાશ પાડ્યો
શ્રી ગોયલે રશિયન વ્યવસાયોને ભારતમાં ઉત્પાદન કરવા માટે ભારતના પ્લગ-એન્ડ-પ્લે ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું
પોસ્ટેડ ઓન:
10 SEP 2026 7:10PM by PIB Ahmedabad
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે આજે ભારત-રશિયા આર્થિક અને ઔદ્યોગિક ભાગીદારીને ઝડપી બનાવવાનું આહ્વાન કર્યું હતું, અને બંને દેશોના વ્યવસાયોને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારમાં $100 બિલિયન અને દ્વિમાર્ગી રોકાણમાં $50 બિલિયનનો લક્ષ્યાંક હાસલ કરવા તરફ કામ કરવાનો આગ્રહ કર્યો હતો. નવી દિલ્હીમાં રશિયાના ઉદ્યોગ અને વેપાર મંત્રી શ્રી એન્ટન અલીખનોવ સાથે INNOPROM INDIA 2026 કો-ચેર પ્લેનરી સેશનને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને દેશોના વડાઓ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકો બંને સરકારો અને વ્યવસાયોની કામગીરીનું માપદંડ બનશે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય વેપારને આશરે $60 બિલિયનના વર્તમાન આધારથી વધારીને $100 બિલિયન કરવા માટે આગામી ચાર વર્ષમાં લગભગ $40 બિલિયન ઉમેરવા પડશે અને વર્ષ દર વર્ષ સતત બે આંકડાની વૃદ્ધિ જરૂરી બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ હાસલ કરવા માટે માત્ર સરકારો તરફથી જ નહીં પરંતુ બંને દેશોના વ્યવસાયો તરફથી પણ સમાન રીતે નોંધપાત્ર પ્રયાસોની જરૂર પડશે.
દ્વિપક્ષીય વેપારમાં વિવિધતા લાવવાની તકો પર પ્રકાશ પાડતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે માંસ અને ખાદ્ય માંસ ઉત્પાદનોની ભારત દ્વારા નિકાસ $36 મિલિયનથી વધીને $97 મિલિયન થઈ ગઈ છે, જે લગભગ 170 ટકાનો વધારો છે. માછલી અને જળચર ઉત્પાદનો $123 મિલિયનથી વધીને $159 મિલિયન થયા છે, જે લગભગ 30 ટકાનો વધારો છે, જ્યારે ખાદ્ય શાકભાજીની નિકાસ $38 મિલિયનથી વધીને $54 મિલિયન થઈ છે, જે 40 ટકાનો વધારો છે. કોફી, ચા અને મસાલાની નિકાસ 13 ટકા વધીને $116 મિલિયન થઈ છે, જ્યારે ફ્લોર મિલિંગ ઉદ્યોગના ઉત્પાદનો લગભગ બમણા થઈ ગયા છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ આંકડા રશિયન માર્કેટમાં ભારતીય ખેડૂતો, ફૂડ પ્રોસેસર્સ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને એમએસએમઈ નિકાસકારોના ઉત્પાદનોની વધતી જતી માંગને દર્શાવે છે. તેમણે નોંધ્યું હતું કે અત્યાર સુધી ક્ષમતાનો માત્ર એક નાનો હિસ્સો જ ઉપયોગમાં લેવાયો છે. બંને અર્થતંત્રો વચ્ચેની પૂરકતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એવા ઘણા ઉત્પાદનો છે જ્યાં રશિયા વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ આયાતકાર છે અને ભારત એક મહત્વપૂર્ણ નિકાસકાર છે, પરંતુ ભારત હજુ સુધી રશિયા માટે મહત્વપૂર્ણ નિકાસકાર નથી. તેમણે શોધવાની બાકી રહેલી તકોમાં ફાર્માસ્યુટિકલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, ટ્રેક્ટર્સ અને ખાદ્ય ઉત્પાદનોની ઓળખ કરી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો નોન-એનર્જી વેપાર તેની ક્ષમતા કરતાં ઘણો ઓછો રહ્યો છે અને તે તે જગ્યા દર્શાવે છે જેને દ્વિપક્ષીય વેપારને $60 બિલિયનથી $100 બિલિયન તરફ લઈ જવા માટે ભરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ સામાન, રસાયણો, ટેક્સટાઇલ્સ, ખાદ્ય ઉત્પાદનો, મરીન ઉત્પાદનો અને ઓટો ઉત્પાદનોની વધુ ભારતીય નિકાસ દ્વારા દ્વિપક્ષીય વેપારને પુનઃસંતુલિત કરવો એ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે કેન્દ્રીય બાબત બની રહેશે.
રોકાણ અંગે શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત-રશિયા અગ્રતા રોકાણ પ્રોજેક્ટ્સ મિકેનિઝમ હાલમાં અદ્યતન ઉત્પાદન, ઊર્જા, ખાણકામ, રેલ્વે અને ઉભરતી ટેકનોલોજીમાં 40 સક્રિય રોકાણ પ્રોજેક્ટ્સને ટ્રૅક કરી રહ્યું છે. તેમણે રશિયન પક્ષને ફાર્માસ્યુટિકલ્સ, આઇટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેવાઓ, એન્જિનિયરિંગ અને રેલ્વેમાં રશિયામાં ભારતીય રોકાણો માટે દરવાજા વધુ પહોળા કરવામાં મદદ કરવા આહ્વાન કર્યું, જેથી $50 બિલિયનનો રોકાણ લક્ષ્યાંક વાસ્તવિક રીતે દ્વિમાર્ગી રસ્તો બની શકે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે રોકાણના સ્થળોને આખરી ઓપ આપતી વખતે બંને પક્ષોના રોકાણકારોને તેઓ ઇચ્છતા હોય તેવી કાનૂની નિશ્ચિતતા પૂરી પાડવા માટે ભારત અને રશિયા નવા દ્વિપક્ષીય રોકાણ સંધિને ફાસ્ટ-ટ્રેક કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને રશિયા, બેલારુસ, કઝાકિસ્તાન, આર્મેનિયા અને કિર્ગીઝ રિપબ્લિક ધરાવતા યુરેશિયન ઇકોનોમિક યુનિયને ગયા વર્ષે ઔપચારિક મુક્ત વેપાર વાટાઘાટો શરૂ કરી હતી અને ભારત તેનો વહેલો અંત લાવવા માટે કટિબદ્ધ છે, જેથી ઉદ્યોગો અને ખાસ કરીને એમએસએમઈ માટે નવા બજારો ખૂલી શકે.
મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશો રાષ્ટ્રીય અને સ્થાનિક ચલણ સેટલમેન્ટ મિકેનિઝમને મજબૂત કરવાનું ચાલુ રાખે છે, એ નોંધતા કે ટેરિફ કરતાં વધુ ઘણીવાર પેમેન્ટ ફ્રિક્શન પાયાના સ્તરે વેપારને ધીમો પાડે છે. તેમણે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર અને ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક મેરીટાઇમ કોરિડોર સહિત દ્વિપક્ષીય સંબંધોના ભૌતિક બેકબોનમાં રોકાણો પર પણ પ્રકાશ પાડ્યો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કનેક્ટિવિટી એ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પણ વેપાર નીતિનો એક ભાગ છે.
શ્રી ગોયલે બંને દેશોના વ્યવસાયો અને અધિકારીઓ માટે પાંચ વિશિષ્ટ માંગણીઓની રૂપરેખા આપી હતી. પ્રથમ, તેમણે વ્યવસાયોને દિલ્હી છોડતા પહેલા ઓછામાં ઓદા એક સોદાને આખરી ઓપ આપવા, એક નવા મિત્ર અને ભાગીદારની ઓળખ કરવા અને ઓછામાં ઓછા એક કોંક્રિટ પ્રોજેક્ટને આગળ ધપાવવા વિનંતી કરી હતી. બીજું, તેમણે વ્યવસાયોને તેમની વેપાર અને રોકાણ યોજનાઓમાં ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ સામાન, રસાયણો, ઓટો કમ્પોનન્ટ્સ, ટ્રેક્ટર પાર્ટ્સ, ટેક્સટાઇલ્સ, ખાદ્ય, એગ્રી-ટેક અને મરીન ઉત્પાદનોમાં નવી નોન-એનર્જી લાઇન ઉમેરવા આહ્વાન કર્યું હતું, અને જણાવ્યું હતું કે આ ક્ષેત્રો $100 બિલિયનના દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
ત્રીજું, શ્રી ગોયલે રશિયન ઉદ્યોગને ભારતમાં માત્ર વેચાણ કરવાને બદલે ભારતમાં ઉત્પાદન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતના રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વૈશ્વિક ભાગીદારો માટે ઉપલબ્ધ પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રોકાણ માટે તૈયાર છે. તેમણે ભારતની યુવા ક્ષમતા અને કુશળ શ્રમને રશિયન કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ સંસાધન તરીકે પ્રકાશિત કર્યા હતા, અને નોંધ્યું હતું કે આવો કુશળ શ્રમ રશિયામાં મળવો મુશ્કેલ હોઈ શકે છે.
ચોથું, તેમણે ભારતીય ઉદ્યોગને માત્ર મુલાકાતીઓ તરીકે જ નહીં પરંતુ રોકાણકારો અને નિકાસકારો તરીકે રશિયા જવા અને મિત્રતા, નવી ભાગીદારી અને નવી વ્યવસાયિક ક્ષમતાઓ વિકસાવવા આગ્રહ કર્યો હતો.
પાંચમું, શ્રી ગોયલે બંને પક્ષોના અધિકારીઓને ઉદ્યોગોનું સાંભળવા અને વેપાર તેમજ રોકાણને અવરોધતા પરિબળોને ઓળખવા આહ્વાન કર્યું હતું. તેમણે તેમને પરીક્ષણ કરવા કહ્યું કે શું ચુકવણી પ્રણાલીઓ, પ્રમાણપત્ર આવશ્યકતાઓ, ધોરણો, લોજિસ્ટિક્સ, વિઝા એક્સેસ કે મંજૂરીઓ મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. તેમણે રશિયન પક્ષને આશ્વાસન આપ્યું હતું કે તેઓ અને તેમના સાથીદારો આખી મુસાફરીને સીમલેસ, સરળ અને રોમાંચક બનાવવામાં મદદ કરવા માટે તૈયાર છે.
રોકાણ અને ઉત્પાદન સ્થળ તરીકે ભારતની તાકાત પર પ્રકાશ પાડતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્કીમ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સહિતની પહેલો હેઠળ સ્કેલ અને ઝડપથી વિસ્તરતો ઔદ્યોગિક ઉત્પાદન આધાર પૂરો પાડે છે. તેમણે કહ્યું કે ભારત નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે અને એરપોર્ટ, પોર્ટ, એક્સપ્રેસવે, રેલવે, અંતરદેશીય જળમાર્ગો, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં તેની ક્ષમતા મજબૂત કરવા માટે દર વર્ષે $130 બિલિયનનું રોકાણ કરે છે. તેમણે કહ્યું કે ભારતમાં વૈશ્વિક ભાગીદારોનું આતિથ્ય કરવા માટે યોગ્ય ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મજબૂત ડ્રાઇવ છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત તેના વૈશ્વિક ભાગીદારો સાથે ઇનોવેટ, ડિઝાઇન અને કો-ડિઝાઇન, કો-ક્રિએટ અને કો-મેન્યુફેક્ચર કરવા માટે તૈયાર યુવા અને મહત્વાકાંક્ષી વસ્તીની સાથે વિપુલ પ્રમાણમાં ક્ષમતા અને કૌશલ્ય પૂરું પાડે છે. તેમણે કહ્યું કે રશિયા દાયકાઓની એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા લાવે છે, ખાસ કરીને એરોસ્પેસ, મેટલર્જી, ન્યુક્લિયર ટેકનોલોજી અને માઇનિંગમાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે ભારત અને રશિયાની શક્તિઓ એકસાથે આવે છે, ત્યારે આ સંબંધ વેપારથી આગળ વધી શકે છે અને બંને અર્થતંત્રોમાં સ્થિતિસ્થાપકતા લાવી શકે છે.
લાંબા સમયથી ચાલી રહેલા ભારત-રશિયા સંબંધોનો ઉલ્લેખ કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે તેણે બદલાતી દુનિયાના સાત દાયકાઓનો સામનો કર્યો છે. તેમણે કહ્યું કે હવે બંને દેશો સમક્ષ કાર્ય માત્ર નિરંતરતાનું નથી પરંતુ ઝડપ લાવવાનું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટાંકીને તેમણે કહ્યું હતું કે, “ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત વિશ્વાસમાં રહેલી છે. આ વિશ્વાસ આપણા સંયુક્ત પ્રયાસોને દિશા અને વેગ બંને પૂરા પાડે છે અને નવા સપના અને મહત્વાકાંક્ષાઓને પ્રેરણા આપતા લોંચપેડ તરીકે કામ કરે છે.”
શ્રી ગોયલે જણાવ્યું હતું કે INNOPROM ની તેના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતમાં ઉપસ્થિતિ નોંધપાત્ર હતી. તેમણે નોંધ્યું હતું કે એક દાયકાથી વધુ સમયથી, વૈશ્વિક ઔદ્યોગિક ટેકનોલોજી પ્રદર્શન, INNOPROM એવા મંચ તરીકે કામ કરી રહ્યું છે જ્યાં રશિયન એન્જિનિયરિંગ અને ઉત્પાદને વિશ્વ સમક્ષ પોતાને રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે આ મંચને ભારતમાં લાવવું એ દર્શાવે છે કે બંને રાષ્ટ્રો હવે ક્યાં ઊભા છે અને "પ્રોટોકોલથી પ્રોડક્શન તરફ, ઇન્ટેન્ટથી ઇન્ડસ્ટ્રી તરફ" જવા માટે તેમની સજ્જતા દર્શાવે છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને મંત્રાલયો આર્થિક અને ઔદ્યોગિક સહયોગને ગાઢ બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી નજીકથી કામ કરી રહ્યા છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રશિયાના ઉદ્યોગ અને વેપાર મંત્રી શ્રી એન્ટન અલીખનોવની મુલાકાત આ પ્રગતિને ઝડપી બનાવશે.
પોતાના સંબોધનને પૂર્ણ કરતા શ્રી ગોયલે મંત્રી અલીખાનોવ અને સમગ્ર રશિયન પ્રતિનિધિમંડળનો તેમની ભાગીદારી બદલ આભાર માન્યો હતો અને ઈનોપ્રોમ ઈન્ડિયા 2026 અને પ્રદર્શનમાં પ્રતિનિધિત્વ ધરાવતા તમામ વ્યવસાયોને ઉત્પાદક આખરી તબક્કા માટે શુભેચ્છા પાઠવી હતી.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2308941)
મુલાકાતી સંખ્યા : 8