પ્રધાનમંત્રીનું કાર્યાલય
'મન કી બાત’ના 137મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.08.2026)
પોસ્ટેડ ઓન:
30 AUG 2026 11:36AM by PIB Ahmedabad
મારા વ્હાલા દેશવાસીઓ,
નમસ્કાર. મન કી બાતની આ નવી કડીમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરૂં છું. આપ સૌ જાણો છો કે, આ એક એવો મંચ છે, જયાં આપણે નવા પ્રયાસોને સામે લાવીએ છીએ. દેશવાસીઓના નવીનતાસભર વિચારો પર ચર્ચા કરીએ છીએ. એમાંથી કેટલાય એવા વિચારો હોય છે, જેની પાછળ લોકોએ જીવનની અથાક ઉર્જા લગાવી હોય છે.
સાથીઓ,
થોડા સમય પહેલાં સોશિયલ મિડિયા પર કોઇએ લખ્યું હતું, “અષાઢી એકાદશીના પાવન અવસર પર મને એ જણાવતા અત્યંત ખુશી થઇ રહી છે કે, ઇતિહાસને રસપ્રદ બનાવવાના મારા પ્રયાસનો હું શુભારંભ કરી રહ્યો છું”. તેમણે આગળ જણાવ્યું કે, આ વિચાર ખૂબ જ સરળ છે. આપ આ વેબસાઇટ પર જાઓ અને કોઇપણ એક વર્ષ પસંદ કરી લો. ત્યાં આપને જાણવા મળશે કે, તે સમયે ભારતના કયા ભાગ પર કોનું શાસન હતું. મને પણ એ ખૂબ રસપ્રદ લાગ્યું. મેં વિચાર્યું કે, આના વિષે વધુ જાણકારી લેવી જોઇએ. મને જાણવા મળ્યું, આ કામ મુંબઇમાં રહેતા શ્રી કૃષ્ણા શેષાદ્રીજીએ કર્યું છે. મજાની વાત એ છે કે, કૃષ્ણાજીએ વેબસાઇટનું નામ પણ ખૂબ સરળ રાખ્યું છે. www.bharatrajya.com તેમણે જે પ્રયત્ન કર્યો છે તેના જાણકારી તમારા બધા સુધી પણ જરૂર પહોંચવી જોઇએ. એટલે મે વિચાર્યું કે, કેમ કૃષ્ણાજી સાથે સીધી વાત કરવામાં ન આવ.
સાથીઓ,
કૃષ્ણાજી આપણી સાથે ફોન પર જોડાઇ રહ્યા છે.
પ્રધાનમંત્રીઃ- કૃષ્ણાજી નમસ્તે.
કૃષ્ણા શેષાદ્રીઃ- નમસ્તે સર.. નમસ્તે..
પ્રધાનમંત્રીઃ- કૃષ્ણાજી નમસ્તે. ભાઇ, મને જાણવા મળ્યું છે કે, તમે માત્ર ટેકનિક્લ દુનિયામાંથી જ નથી. કે નથી તમે ઇતિહાસના શિક્ષક. તો પણ તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇતિહાસની એક સાઇટ બનાવી નાંખી છે. તો મને જાણવાની બહુ ઉત્સુક્તા છે કે આ બધું કેવી રીતે થયું.
કૃષ્ણા શેષાદ્રીઃ- ધન્યવાદ સર. આપની સાથે વાત કરવા મળી, એ મારૂં બહુ મોટું સૌભાગ્ય છે. તો સર, મારા વિશે જો હું થોડી વાત કરું, તો સર, હું એક એન્જિનિયર હતો, પછી મે એમ.બી.એ. કર્યું, પછી હું માર્કેટીંગના ક્ષેત્રમાં જતો રહ્યો. પરંતુ આ બધું હું જ્યારે પણ કરતો હતો, ત્યારે પણ મને બાળપણથી ઇતિહાસમાં બહુ રસ હતો. તો હું હંમેશા ઇતિહાસ પર કંઈક કરવા માંગતો હતો, તેને રસપ્રદ કેવી રીતે બનાવવું, મને એવું પણ લાગતું હતું કે, આપણે જે રીતે ઇતિહાસ શીખવીએ છીએ, તેમાં ઘણોબધો સુધારો કરી શકીએ છીએ. તેમાં બહુ મોટો બદલાવ લાવી શકીએ છીએ. અને ઇતિહાસને એક વાર્તા બનાવીને લોકો સુધી પહોંચાડી શકીએ છીએ.
પ્રધાનમંત્રીઃ- કૃષ્ણાજી ભારતીય ઇતિહાસનું એવું ક્યું પાસું છે, જેના વિશે આપને લાગ્યું કે, તેની જાણકારી વધુમાં વધુ લોકોને હોવી જોઇએ.
કૃષ્ણા શેષાદ્રીઃ- સર, આપણે જો, ભારતીય ઇતિહાસ જે રીતે આપણી શાળાઓ અથવા કોલેજોમાં શીખવવામાં આવે છે, તે રીતે આપ જુઓ તો, કોઇ એક સામ્રાજ્ય અથવા રાજય વિશે તેના દ્રષ્ટિકોણથી તેની નજરે શીખવવામાં આવે છે. અને તે સામ્રાજ્ય પ્રત્યે અયોગ્ય ધ્યાન જાય છે. આ ચક્કરમાં બાકીના ઘણાબધા જે આપણા સામ્રાજ્ય હતા, જે મહાન સામ્રાજ્ય હતા જેમ કે, ચૌલ, પલ્લવ, કરકોટા વંશ હતો. કાશ્મીરમાં અહોમ્સ હતા. જેમણે 600 વર્ષ સુધી આસામમાં પોતાની સંસ્કૃતિ પોતાની મૂલ્ય વ્યવસ્થાને ટકાવી રાખી હતી. આ બધા વિશે આપણે નથી જાણતા. તો મે વિચાર્યું કે, કોઇ એવી સાઇટ બનાવવામાં આવે, જે આવા મહાન સામ્રાજ્યોથી પણ લોકોને પરિચિત કરાવવામાં આવે,
પ્રધાનમંત્રીઃ- કૃષ્ણાજી તમે આટલી મહેનત કરો છો, તો હું તમને એમ જ એક કાલ્પનિક સવાલ પૂછું છું. જો તમને ભારતીય ઇતિહાસના કોઇ ત્રણ પાત્રો સાથે વાત કરવાની તક મળે તો તમે કોની સાથે વાત કરવા ઇચ્છશો અને શા માટે ?
કૃષ્ણાજી શેષાદ્રીઃ- હા સર, તો પહેલાં હું વાત કરીશ, રાજારાજા ચૌલ એટલે કે, રાજેન્દ્ર ચૌલ વિશે. સર જે ચૌલ સામ્રાજ્યના સૌથી વધુ શક્તિશાળી અથવા સૌથી મહત્વના રાજાઓમાંથી એક હતા. તો હું તેમની પાસેથી એ જાણવા ઇચ્છીશ કે, પહેલાં એમને ક્યાંથી સૂઝ્યું કે, મંદિરો બનાવવામાં આવે. તેમણે બૃહદેશ્વર મંદિર અથવા ગંગઇકોંડા ચૌલપુરમ જે મોટા મોટા મંદિરો છે, અને શિવજીના મંદિરો છે. તે બંધાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને તેનું આયોજન કેવી રીતે કર્યું. તેમને એ વિચાર ક્યાંથી આવ્યો કે, આપણે એવું કંઇક બનાવીને જઇએ જે, આવતાં હજાર કે, બે હજાર વર્ષ સુધી બીજા લોકોને પ્રેરિત કરી શકે. તો તે મારે તેમની પાસેથી જાણવું છે. બીજા જે મહાનુભાવ છે તે, હકીકતમાં મારા માનવા મુજબ ભારતીય ઇતિહાસમાં બહુ ઓછા વખણાયેલા મહાનુભાવ છે. સર, તેમનું નામ છે. હેમુ, તો આપણે તેમના વિશે ભારતીય ઇતિહાસમાં બે કે ત્રણ વાક્યો જ ભણીએ છીએ. આપણને એ ખબર જ નથી કે, જે હેમુ હતા તે એક સામાન્ય માનવી હતા. એક સાધારણ માણસ હતા, તેઓ એક વેપારી હતા. અને ત્યાંથી લઇને તેમણે એક સામ્રાજ્ય ઉભું કર્યું, એટલું જ નહિં, તેઓ સામ્રાજ્યના નિર્માતા તો હતા જ. પરંતુ એક લશ્કરી વિચારક હતા. લશ્કરી મહાજ્ઞાની હતા. જે પોતાની કારકીર્દીમાં 23 લડાઇઓ લડ્યા અને તેમાંથી 22 લડાઇઓ જીત્યા હતા. તો એમની વિચારવાની રીત કેવી હતી, અને તેઓ કઇ રીતે એક સામાન્ય માનવીમાંથી આટલા મોટા રાજા બન્યા, હું તેમની આ જીવનયાત્રામાંથી આ બધું જાણવામાં ખૂબ રસ ધરાવું છું સર. અને ત્રીજા જે મહાનુભાવ છે તે ખૂબ રસપ્રદ વ્યકિતત્વ છે. કેમ કે, તેઓ એક મહિલા હતા સર, ત્રિભુવન મહાદેવી, જે ઓરિસ્સાનું એક રાજ્ય છે જેનું નામ હતું ભૌમાકારા વંશ. તો તેમની પણ વાત બહુ રસ પડે તેવી છે. તેમણે જ્યારે ઇસવીસન 850 આસપાસ તેમના પાડોશી રાજય પાલા સામ્રાજયએ તેમના રાજ્ય પર ચડાઇ કરી અને તેના રાજા જે ત્રિભુવન મહાદેવી ના પતિ હતા, તેઓ આ લડાઇમાં શહીદ થઇ ગયા હતા. તેના કારણે તે રાજ્ય બહુ નાનું થઇ ગયું. અને તેના જે સરદાર હતા, તેના જે નેતાઓ હતા તે બધા રાજ્ય છોડીને જવા લાગ્યા હતા. ત્યારે આ જે ત્રિભુવન મહાદેવી જે એક મહિલા હતા. પરંતુ તેમણે સરકાર સંભાળી અને તે ભારતના ઇતિહાસમાં પ્રથમ સ્વતંત્ર શાસકોમાંની એક બન્યાં. અને તેમણે સરકારને માત્ર સ્થિર કરી એટલું જ નહિં, પરંતુ તેને શક્તિશાળી બનાવી દીધી કે જે, પછીના 100 વર્ષ સુધી કલિંગ અને તે વિસ્તારમાં રાજ્ય કરતા રહ્યા. તો આ ત્રણ એવા રસપ્રદ મહાનુભાવો છે જેમને હું ઇતિહાસમાં ફરી મળવા ઇચ્છું છું.
પ્રધાનમંત્રીઃ- કૃષ્ણાજી મને હવે એવું લાગે છે કે, એ ઇતિહાસને તમે જીવી રહ્યા છો. તેમાં પૂરેપૂરા ડૂબી ચૂક્યા છો. જો મે પણ ઉત્સુક્તાથી તમારી સાઇટ જોઇ છે. અને મને સૌથી રસપ્રદ એ લાગ્યું છે કે, તમારી સાઇટ પર એક એવી પણ ટેબ છે, જ્યાંથી લોકો સુધારા અને સૂચનો પણ આપી શકે છે. આવા રચનાત્મક પ્રતિભાવો માટે ખુલ્લું રહેવું એ પોતાનામાં જ બહુ મોટી વાત છે. શું તમને લોકો તરફથી સૂચનો મળવાના શરૂ થયા છે ખરા ? અને તમે તેના પર કેવી રીતે કામ કરો છો.
કૃષ્ણા શેષાદ્રીઃ- હા સર, લોકો પાસેથી ઘણા સૂચનો આવે છે. સૂચનો બે પ્રકારના આવે છે, એક પ્રકારના સૂચન એવા આવે છે જે અમને સુધારા સૂચવે છે. જેમ કે, આ પ્રદેશમાં આ સમયે આ રાષ્ટ્રમાં આ રાજા હતા, અથવા તો, આ સમયે આ યુદ્ધ થયું હતું. તો એવા કેટલાક સૂચનો આવે છે. બીજા સૂચનો એવા આવે છે કે, તમે આ વેબસાઇટમાં આવું ફીચર નાંખી શકો છો, અથવા તો, પેલું ફીચ ઉમેરી શકો છો. તો, અમને બંને પ્રકારના સૂચનો મળે છે. અને જો અમને કોઇ એવું સૂચન આવે કે, આ પ્રદેશમાં, આ રાજાએ, આ સમયે રાજ કર્યું હતું. તો અમે તે સૂચનને સ્વીકારી લઇએ છીએ. જે, અમારા માટે માહીતીનો સ્ત્રોત છે. જેમ કે, અમને કોઇએ સૂચન મોકલ્યું હતું કે, તમે ભારતને તો, બતાવી દીધું, પરંતુ પ્રદેશના સ્તરે પણ બતાવી શકો તો સારૂં થશે. તો અમે એ ફીચર ઉમેરી દીધું અને પછી બીજા કેટલાક ફીચરના સૂચનો આવ્યા હતા. જેમાં અમે એક હુકમના પત્તા જેવું બનાવ્યું હતું. જેમાં બધા સામ્રાજ્યોની માહીતી અને આંકડા આપીએ. જેથી તે બાળકો સુધી પહોંચી શકે. તો કોઇએ એવું સૂચન કર્યું હતું કે, આ માહીતીને એક જગ્યાએ લઇ આવો. જેથી અમે બધા ડાઉનલોડ કરીને બીજા બધાને મોકલી શકીએ. તો આ બધા ફીચર્સ અમે ઉમેરી રહ્યા છીએ. તો અમારે એટલું જાણવું મહત્વનું છે કે, અમે ભૂલ કરશું કારણ કે, અમે સર્વશ્રેષ્ઠ નથી. અને તે જાણીને જ અમે સુધારાની ટેબ મૂકી છે. જેથી આપણા બધાની સાઇટ બને અને આગળ જઇને બધાના યોગદાનથી એક એવી સાઇટ બનાવીએ જે આવતા કેટલાંક વર્ષો સુધી ઇતિહાસને એક મજા આવે તેવો વિષય બનાવે.
પ્રધાનમંત્રીઃ- કૃષ્ણાજી તમે ખરેખર એક બહુ મોટું કામ કર્યું છે. સારૂં ઇતિહાસ સિવાય પણ તમારા ઘણા શોખ હશે, અને બીજું પણ ઘણું બધું તમે કરતા હશો. .
કૃષ્ણા શેષાદ્રીઃ- નહિં સર. હું થોડો કંટાળાજનક પ્રકારનો આદમી છું સર. (પ્રધાનમંત્રી હસે છે.) મને ટેકનોલોજીમાં બહુ રસ છે સર, અને ઇતિહાસમાં પણ રસ ધરાવું છું. એટલે હવે જ્યારે ટેકનોલોજી અને ઇતિહાસ મળી ગયા તેમાં હું આખો દિવસ ડૂબેલો રહું છું.
પ્રધાનમંત્રીઃ- ચાલો કૃષ્ણાજી તમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમે એક સારી શરૂઆત કરી છે. અને તમારી રીત પણ એવી છે કે, લોકો તેની સાથે જોડાશે. મને પૂરો વિશ્વાસ છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સાથીઓ,
કૃષ્ણાજીનો આ પ્રયાસ કેવળ ઇતિહાસના વિદ્યાર્થીઓને જ નહિં, પરંતુ આપણને બધાને પોતાનો ભૂતકાળ રસપ્રદ રીતે જાણવામાં મદદ કરશે. તમારી પાસે પણ આવા પ્રયાસો વિશે જાણકારી હોય તો, તેને ચોક્કસ શેર કરશો.
મારા વ્હાલા દેશવાસીઓ,
“વિકસિત ભારત માટે, નશામુક્ત યુવા” અભિયાન હાલ સમગ્ર દેશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેનું લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ છે – નશામુક્ત યુવા, નશીલા પદાર્થો મુક્ત ભારત. ઘણાબધા લોકો ખાસ કરીને આપણા યુવાનો બહુ મોટી સંખ્યામાં તેનો હિસ્સો બની રહ્યા છે. આખરે આ અભિયાન ભારતના યુવાઓનું આરોગ્ય તેમની ખુશી અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો આપણો સામૂહિક સંકલ્પ છે.
સાથીઓ,
નશાની લત માત્ર એક વ્યક્તિને પોતાની ઝાળમાં નથી લેતી, પરંતુ તેના દુષ્પરિણામ પૂરા પરિવાર અને સમાજે પણ સહન કરવા પડે છે. જેઓ કેફીપદાર્થો વિરૂદ્ધ જાગૃત છે. અને નશાની લત સામે લડી રહેલા લોકોની મદદમાં આગળ આવે છે. તેવા લોકોની હું પ્રશંસા કરૂં છું. નશામુક્ત ભારત માટે શું તમે કોઇ પ્રભાવશાળી સૂત્ર બનાવી શકો છો ? શું આપણા યુવા સંગીત કારો એવા ગીતો બનાવી શકે છે, જેમાં નશામુક્ત જીવનનો સંદેશ હોય. શું વિદ્યાર્થીઓ અને રંગમંચના જૂથો હૃદયસ્પર્શી એવા લઘુનાટકો લખી શકે છે. જેમાં કેફીપદાર્થોના જોખમોની સાથે સાથે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ હોય. આપણા દેશમાં ખૂબ સારા જાણકારી સર્જકોની પણ ખોટ નથી. મારો આગ્રહ છે કે, તેઓ જુદીજુદી ભાષાઓમાં એવું લખાણ તૈયાર કરે જેમાં આ દિશામાં સમાજને મદદ મળે. તમે તમારા પ્રયાસોને હેશટેગની સાથે સોશિયલ મિડિયા પર પણ ચોક્કસથી શેર કરજો. ઘણીવાર સર્જનાત્મક પ્રયાસો વિધિવત્ ઝુંબેશો કરતાં વધુ અસરકારક હોય છે. આવો ભારતના યુવાઓને નશાથી દૂર રાખવા, નશાથી મુક્ત કરવાના આ પવિત્ર કાર્યમાં આપણે બધા પોતાની ભૂમિકા નિભાવીએ. તમે તમારા પ્રયાસને #નશામુક્ત યુવાની સાથે સોશિયલ મિડિયા પર પણ ચોક્કસ શેર કરજો.
મારા વ્હાલા દેશવાસીઓ,
ઓગસ્ટ મહિનામાં આપણને ચારેતરફ દેશભક્તિના અનેક રંગ જોવા મળે છે. આ સમયે દરેક વ્યક્તિના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ થઇ જાય છે. “રાષ્ટ્રીય હાથશાળ” દિવસ “ભારત છોડો આંદોલન”ની વર્ષગાંઠથી લઇને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તેને ખાસ બનાવે છે. “સ્વતંત્ર્તા દિવસ” અને “અંતરિક્ષ દિવસ”ના અવસરે તો દરેક દેશવાસીને ગૌરવથી ભરપૂર બનાવ દે છે. “હર ઘર તિરંગા અભિયાન” આ ભાવનાને વધુ મજબૂત બનાવે છે. “વંદે માતરમ”ના 150 વર્ષ પૂરા થયા તે વર્ષ આ વખતે વધુ ખાસ બની ગયું છે. આ વખતે આઠ કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ થઇ અને તિરંગાનો આ ઉત્સવ માત્ર ભારત સુધી જ સિમીત નથી રહ્યો. આ વર્ષે “સૂર્યપથ તિરંગા” દ્વારા આપણો તિરંગો દુનિયાભરની એક અનોખી યાત્રા ઉપર નિકળ્યો. ફીઝીના સુવામાં સૂર્યના પહેલા કિરણની સાથે તિરંગો ફરકાવવામાં આવ્યો. ત્યારપછી એશિયા, આફ્રિકા, યુરોપ અને પછી અમેરિકાના સાનફ્રાન્સિસકો સુધી ભારતીય દુતાવાસો અને કચેરીઓ પર તિરંગો લહેરાતો ગયો. તમે કલ્પના કરી શકો છો કે, આ દ્રશ્ય કેટલા અદભૂત રહ્યા હશે. જેમ જેમ દુનિયાભરમાં સૂરજ આગળ વધતો ગયો તેમતેમ ભારતીય તિરંગો પણ લહેરાતો ગયો. આવા પ્રયત્નો સમાજને એક સૂત્રમાં પરોવે છે. તેનાથી દેશની સાથે પણ આપણો લગાવ વધુ ગાઢ બને છે. આ પ્રયાસોમાં સામેલ થનાર સૌ લોકોને મારા ખૂબ ખૂબ ધન્યાવાદ.
મારા વ્હાલા દેશવાસીઓ,
આપણા શહેરો અને નગરોના રસ્તાઓ પર રોજ સવારથી સાંજ સુધી લાખો મહિલાઓ પોતપોતાના કામમાં લાગેલી રહે છે. કોઇ શાકભાજી વેચે છે, કોઇ ફળ, કોઇ ચાની લારી કરે છે, તો કોઇ ફૂલ, દિવા, અને પૂજાની સામગ્રી વેચે છે, ઘણીવાર નાની એવી મૂડીનો અભાવ તેમનો કારોબાર આગળ વધતો રોકી દે છે. પરંતુ હવે એવી લાખો માતાઓ, બહેનોને “પીએમ સ્વનિધી યોજના”થી નવી તાકાત મળી રહી છે. “મહિલા શશક્તિકરણ”ના આ પાસાની ચર્ચા જેટલી થવી જોઇએ તેટલી થતી નથી. “પીએમ સ્વનિધી યોજના”ના લાભાર્થીઓમાં લગભગ 46 ટકા મહિલાઓ છે. એટલે કે, દેશભરમાં લગભગ 35 લાખ મહિલાઓ આ યોજના સાથે જોડાઇને પોતાનો ધંધો રોજગાર આગળ વધારી રહી છે.
સાથીઓ,
ગાજિયાબાદથી બબિતા શર્માજી તેનું ખૂબ સારૂં ઉદાહરણ છે. બબિતાજી પૂજાની સામગ્રીનો એક નાનો એવો સ્ટોલ કરતા હતા. ફૂલ, દિવા, અગરબત્તી, નારિયેળ જેવી વસ્તુઓ વેચીને તેઓ પોતાના પરિવારની આજીવિકામાં સાથ આપતા હતા. મહેનત ખૂબ હતી, પરંતુ કારોબાર આગળ વધારવા માટે મૂડીની જરૂર હતી. પીએમ સ્વનિધીથી તેમને આર્થિક મદદ મળી. તેમણે પોતાના સ્ટોલ ઉપર સામાન વધાર્યો. ધંધાનો વિસ્તાર કર્યો. ગ્રાહકો વધ્યા, આવક વધી, અને ધીરેધીરે રસ્તાના કિનારે તેમનો નાનોએવો સ્ટોલ એક દુકાનમાં બદલાઇ ગયો.
સાથીઓ,
બેંગલુરૂના ટી.એસ.નિન્ગમ્માજીનું ઉદાહરણ પણ બહુ પ્રેરક છે. નિન્મગમ્માજી અને તેમના પતિએ મળીને ઇડલી, ઢોંસા અને સાંભાર વેચવાનું નાનકડું કામ શરૂ કર્યું. કામ ચાલવા લાગ્યું. પરંતુ તેને આગળ વધારવા માટે મૂડીની જરૂર હતી. નિન્ગમ્માજીને પણ પીએમ સ્વનિધી દ્વારા સહયોગ મળ્યો. તેમણે પોતાની લારીને સુધરાવી. સામાન જથ્થાબંધમાં ખરીદવાનું શરૂ કર્યું. અને મેનુમાં પણ કેટલીયે નવી વાનગીઓ ઉમેરી. ગ્રાહકો વધ્યા, કમાણી વધી, અને પરિવારની આર્થિક સ્થિતિ બહેતર થઇ. આજે તેઓ પોતાના 3 બાળકોને વધુ સારૂં શિક્ષણ અપાવવા માટે સક્ષમ બન્યા છે.
સાથીઓ,
જ્યારે એક મહિલાનો ધંધો રોજગાર વધે છે. તો તેની સાથે પૂરા પરિવારનું ભવિષ્ય પણ આગળ વધે છે. બાળકોનું શિક્ષણ વધુ સારૂં બને છે. ઘરની જરૂરિયાતો પૂરી થાય છે. અને મહિલાની અંદર આત્મવિશ્વાસ વધુ મજબૂત થાય છે. આ જ તો છે, મહિલા શશક્તિકરણનું એક જીવંત રૂપ. લારીગલ્લાના કામ સાથે જોડાયેલા તમામ બહેનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ,
સ્વચ્છતાની એક બહુ મોટી ખૂબી હોય છે. જ્યારે કોઇ જગ્યાને સ્વચ્છ રાખવાનો સંકલ્પ ત્યાંના લોકોનો પોતાનો સંકલ્પ બની જાય છે. તો, પરિવર્તન માત્ર સાફસફાઇ પૂરતું મર્યાદિત રહેતું નથી. તેનાથી તે જગ્યાની પૂરી ઓળખ બદલાઇ જાય છે. દેશના અલગઅલગ ભાગોમાં સ્વચ્છતા માટેના આવા પ્રયાસો આપણને સતત પ્રેરણા આપે છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં એક ગામ છે - પટવાઇ. ત્યાં આકાશ અને રોહન નામના બે દોસ્તોએ જોયું કે, તેમની આસપાસનો વિસ્તાર ગંદકીથી ખદબદે છે. બસ, પછી તો શું. આકાશ અને રોહને કચરાના થેલા ઉપાડ્યા. અને સફાઇ માટે નીકળી પડ્યા. ધીરેધીરે બીજા યુવાનો પણ તેમની સાથે જોડાવા લાગ્યા. એક ટીમ પણ બની ગઇ. જેનું નામ છે – ક્લીનઅપ પટવાઇ. આ યુવાઓ અત્યારસુધીમાં ચાર ગંગાઘાટોની સફાઇ કરી ચૂક્યા છે. એક ટનથી વધારે પ્લાસ્ટીકનો કચરો દૂર કરી ચૂક્યા છે. તેમણે ઘણાબધા તળાવો અને સાર્વજનિક સ્થાનોની પણ સફાઇ કરી છે.
સાથીઓ,
આ વખતે શ્રી અમરનાથજી યાત્રામાં પણ સ્વચ્છતા અને લોકભાગીદારીના પ્રેરક દ્રશ્યો જોવા મળ્યા. મુશ્કેલ માર્ગો પર હજારો સ્વચ્છતા કાર્યકરો દિવસ રાત સેવામાં જોડાઇ રહ્યા. આ વર્ષે યાત્રા દરમિયાન ચારસો મેટ્રિક ટનથી વધુ કચરાને એકઠો કરીને તેના પર પ્રક્રિયા કરવામાં આવી. મને આ પ્રયાસની એક વાત વિશેષરૂપે સારી લાગી. સ્વચ્છતાના આ અભિયાનમાં શ્રદ્ધાળુઓ પણ ભાગીદાર બન્યા. 16 હજારથી વધુ યાત્રીકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો. 10 હજારથી વધુ યાત્રીકોને જવાબદાર યાત્રી પ્રમાણપત્ર આપવામાં આવ્યું. અહિં એક બહુ અનોખો પ્રયોગ પણ થયો. યાત્રામાં ઘોડા અને ખચ્ચરોની લાદને બાયોગેસમાં બદલવામાં આવી અને તે સ્વચ્છ ઉર્જાથી સ્વચ્છ જ્યોત જલાવવામાં આવી. એટેલે કે, બાબા બર્ફાનીની આ પવિત્ર યાત્રામાં સ્વચ્છતા પણ સેવા અને આસ્થાનું એકરૂપ બની ગઇ.
સાથીઓ,
આપણું ગામ હોય કે, શહેર, આપણી નદીઓ હોય કે, તીર્થસ્થળ. તેની ઓળખ આપણા વહેવારથી પણ બને છે. અને જ્યારે સ્વચ્છતા આ વ્યવહારમાં સામેલ થઇ જાય છે ત્યારે તે સ્થાનની શોભા ઔર વધી જાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
કોઇકોઇ વાર આપણો એક નાનો એવો શોખ જીવનમાં એક મોટી સંભાવનાનો માર્ગ ખોલી દે છે. નાગાલેન્ડના ફેક જીલ્લાની વેસાલુપુરોજીની યાત્રા પણ કંઇક એવી જ છે. વેસાલુજી ખેડૂત કુટુંબમાં જન્મયા અને મોટા થયા. બાળપણમાં તેમણે પોતાના માતાપિતાને ખેતી કરતા જોયા હતા. અને તેમને પોતાને પણ ફૂલો સાથે ખૂબ લગાવ હતો. વર્ષ 2021માં તેમણે આ શોખની સાથે નાના પાયે ફૂલ ઉગાડવાની શરૂઆત કરી. ધીરેધીરે તેમને એમાં એક સંભાવના દેખાવા લાગી. તેમણે જોયું કે, લગ્નનો કોઇ પ્રસંગ હોય કે, પછી બીજો કોઇ તહેવાર, ફૂલોની માંગ હંમેશા યથાવત રહેતી હતી. વેસાલુજીએ પોતાના આ શોખને આગળ વધારવાનો નિર્ણય કર્યો. આ સફરમાં તેમને સ્થાનિક કૃષિવિજ્ઞાન કેન્દ્રમાંથી ફૂલોની વૈજ્ઞાનિક ખેતીની તાલિમ મળી. પછી તેમણે માત્ર ¼ પા એકર જમીન પર તલવારલીલીના હજારો છોડ વાવ્યા. પહેલા જ પ્રયત્નમાં પાંચ હજારથી વધુ ફૂલ ખીલી ઉઠ્યા. સાથીઓ, આ સફળતા વેસાલુજી માટે એક નવી શરૂઆત બની ગઇ. તેમણે ફૂલોની ખેતીને હજી વધુ આગળ વધારી. જે ફૂલ ક્યારેક સ્થાનિક બજારમાં રહી જતા હતા, જે આજે નાગાલેન્ડથી નીકળીને દિલ્હી અને મુંબઇ જેવા શહેરો સુધી જઇ રહ્યા છે. વેસાલુપૂરોજીની આ વિકાસયાત્રા આપણને એ દર્શાવે છે કે, શોખ જ્યારે મહેનત અને યોગ્ય માર્ગદર્શન સાથે જોડાય છે, તો તે નવી સંભાવનાના દ્વાર ખોલી શકે છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આપણી આસપાસ એવા કેટલાય લોકો છે, જે એક નાના એવા પ્રયાસથી શરૂ કરે છે. અને જોતજોતામાં તેમનો પ્રયાસ સંખ્યાબંધ લોકોના જીવનમાં પરિવર્તનનો માર્ગ બનાવી દે છે. ઓડિશાના દેબરીગઢમાં એક ગામ છે - “ધોડરો કુસુમ” થોડા વરસ પહેલાં સુધી આ ગામના મૈથીલી ભૂએજી લગભગ દરરોજ જંગલમાં જતા હતા – ક્યારેક રસોઇના લાકડા લેવા, ક્યારેક મહુડાની ડોડીઓ તો ક્યારેક ટીમરૂના પાન વીણવા માટે, તો કોઇ વાર વાંસની કૂંપળો અને બીજી વનઉપજ લાવવા માટે. તેમની અને ત્યાંના બીજા અનેક પરિવારોની ઘણીબધી જરૂરિયાતો આ જંગલમાંથી પૂરી થતી હતી. પરંતુ પછી મૈથીલીજી દેબરીગઢ પર્યાવરણીય પર્યટન સાથે જોડાયા. ત્યાંથી જંગલની સાથે તેમનો નાતો એક નવી દિશામાં બદલાઇ ગયો. હવે, જંગલનું સંરક્ષણ પણ તેની આજિવિકાનું માધ્યમ બની ગયું. સાથીઓ, મૈથીલીજીના જીવનમાં આવેલા આ પરિવર્તને બીજી મહિલાઓને પણ પ્રેરીત કરી. આજે 60 થી વધુ મહિલાઓ જંગલના સંરક્ષણમાં જોડાઇ ચૂકી છે. કોઇ વન્યજીવોના સંરક્ષણની જવાબદારી નિભાવી રહી છે, કોઇ ઘાસિયા મેદાનોના વિકાસ સાથે જોડાયેલી છે, તો કેટલીક મહિલાઓ પર્યાવરણીય પ્રવાસન પ્રવૃત્તિઓમાં યોગદાન આપી રહી છે. સાથીઓ, મૈથીલીજી અને દેબરીગઢની આ બહેનોએ બતાવી આપ્યું છે કે, પ્રકૃતિનું રક્ષણ પણ થઇ શકે છે, અને જીવનમાં સમૃદ્ધિ પણ આવી શકે છે. આ બધી બહેનોના પ્રયાસ આપણા બધા માટે બહુ મોટી પ્રેરણા છે.
સાથીઓ,
આજે આપણી દિકરીઓના સપનાની ઉડાન ધરતીથી નીકળીને અંતરિક્ષ સુધી પહોંચી રહી છે. અને આપને એ જાણીને ગૌરવ થશે કે, ભારત એવા સપના જોવાવાળી દુનિયાની હજારો દિકરીઓને એકસાથે જોડી રહ્યું છે. આ પ્રયાસનું નામ છે - મિશન શક્તિસેટ તેના માધ્યમથી 108 દેશોની 12 હજાર વિદ્યાર્થીનીઓને ઉપગ્રહ ટેકનોલોજી શીખવા અને નવીનીકરણના ક્ષેત્રમાં આગળ વધવાની તક મળી રહી છે. 23 ઓગસ્ટના રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસે આ અભિયાનનું એક સુંદર દ્રશ્ય ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં જોવા મળ્યું. ગૌતમબુદ્ધ વિશ્વવિદ્યાલયમાં મિશન શક્તિસેટના બીજા તબક્કાની શરૂઆત થઇ. આ પ્રસંગે દુનિયાના જુદાજુદા દેશો અને ભારતમાંથી આવેલી લગભગ 100 વિદ્યાર્થીનીઓ એક સાથે જોડાઇ. ભારતના દૂરસુદૂરના વિસ્તારોમાંથી પસંદ કરવામાં આવેલી વિદ્યાર્થીનીઓ પણ તેમાં ભાગ લઇ રહી છે. આ પૂરા પ્રયાસનું લક્ષ્ય પણ બહુ ખાસ છે. સમગ્ર રીતે વિદ્યાર્થીનીઓની ભાગીદારીથી તૈયાર કરાયેલા એક ઉપગ્રહને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવાની તૈયારી છે. સાથીઓ, મને વિશ્વાસ છે કે, આમાંથી અનેક વિદ્યાર્થીનીઓ આગામી સમયમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં પોતાની નવી ઓળખ બનાવશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આજકાલ એવોકાડો ફળ ખૂબ ચર્ચામાં છે. આ ફળને અગાઉ ભાગ્યે જ કોઇ ઓળખતું હતું. તેની કિંમત અને માંગ બંને ઓછી હતી. પરંતુ આજે તેને ભોજનના ટેબલ પર બહુ જોવામાં આવે છે. આજે આ ફળ આરોગ્ય અને મોંઘા બજારની પસંદ બની ગયું છે. આપણા ખેડૂત ભાઇઓ-બહેનો માટે પણ તે બહુ મદદરૂપ છે. તેમાં આંધ્રપ્રદેશમાં કડપાના વરદરાજજીનું ઉદાહરણ છે. તેઓ વર્ષોથી પોતાના ખેતરમાં ટામેટાં અને કેળાની ખેતી કરતા હતા. એક દિવસ તેમણે પોતાના દોસ્તો સાથે ખેતરમાં એવોકાડોનો પાક જોયો. ત્યારપછી તેમણે યુ ટ્યુબ પર તેના વિશે જાણકારી મેળવી. અત્યાર સુધીમાં તેઓ લગભગ 4 ટન એવોકાડોનું ઉત્પાદન કરી ચૂક્યા છે. આજે તેઓ સીધા સ્થાનિક દુકાનોને એવોકાડો પહોંચાડે છે. નવો પાક, વૈજ્ઞાનિક સલાહ અને સીધા વેચાણથી તેમના નાના એવા ખેતરની કમાણી પૂરી રીત બદલાઇ ગઇ છે. તમિળનાડુના કોડાઇકેનાલના ખેડૂત ચંદ્રશેખરજીએ અર્ધો હેકટર જમીન પર એવોકાડો ઉગાડવાનું શરૂ કર્યું. તેમને તેના સારા ભાવ મળી રહ્યા છે. અને કમાણી પણ વધી છે. કર્ણાટકમાં ચીકમંગલૂરૂના કેટલાક ખેડૂત ભાઇબહેનોએ તો કોફીના બગીચાની વચ્ચે એવોકાડો વાવ્યા છે. તેનાથી તેમને કોફી અને કાળા મરીની સાથે વધારાની કમાણી પણ થઇ રહી છે.
સાથીઓ,
આપણે શહેરોના રેસ્ટોરન્ટમાં ઘણીવાર એવોકાડો ટોસ્ટ વિશે સાંભળીએ છીએ. પરંતુ આ જ એવોકાડોના માધ્યમથી આપણા પ્રગતિશીલ ખેડૂતોએ કમાણીની એક નવી રીત શોધી લીધી છે. એટલે કે, આપણા દેશના એવોકાડોથી તમારા ટોસ્ટનો સ્વાદ પણ વધ્યો અને ખેડૂતોની આવક પણ વધી ગઇ છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
થોડા દિવસોમાં 3 સપ્ટેમ્બરના રોજ આપણે મહાન અભિનેતા ઉત્તમકુમારજીની જન્મશતાબ્દિ ઉજવીશું, ઉત્તમકુમારજી બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા હતા. જે પોતાના અભિનયથી લોકોના હૃદયમાં વસી ગયા છે. ફિલ્મરસિયાઓનું માનવું છે કે, શ્રીમાન સત્યજીત રે એ ફિલ્મ - “નાયક – ધ હીરો” ની પૂરી પટકથા મહાનાયક ઉત્તમકુમારજીને ધ્યાનમાં રાખીને લખી હતી. શ્રીમાન સત્યજીત રે એ કહ્યું હતું કે, તેમનામાં ગરિમાની સાથે અદભૂત ભાવનાત્મક ઉંડાણ પણ હતું. પાત્રને જીવંત બનાવવા માટે તેઓ બહુ મહેનત કરતા હતા. ઉત્તમકુમારજી પોતાની સહજતાની સાથે, પરોપકાર માટે પણ સુવિખ્યાત હતા. તેમના જીવનમાંથી કયારેય પણ હાર ન માનવાની એક બહુ મોટી શીખ આપણને મળે છે. તેમની શરૂઆતની ફિલ્મો બહુ નહોતી ચાલી, પરંતુ તેમણે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું. અને તેનું પરિણામ એ આવ્યું કે, તેમણે આટલી ઉંચાઇ હાંસલ કરી.
સાથીઓ,
મને યાદ છે કે, જ્યારે હું કોલકાત્તામાં રેલી કરી રહ્યો હતો ત્યારે હું ઉત્તમકુમારજીના ઘરની સામેથી પસાર થયો હતો, ત્યાં મને એક વ્યક્તિએ તેમની એક તસવીર પણ ભેટ આપી હતી. હું ફરી એકવાર મહાનાયક ઉત્તમકુમારજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. તેઓ હંમેશા આપણા બધાના દિલો પર રાજ કરતા રહેશે.
“महानायक उत्तम कुमार चीरोदिन मानुषेर हृदये राज कोरबेन”
મારા વ્હાલા દેશવાસીઓ,
આપણા પર્વો અને તહેવારો, આપણી પરંપરાઓની સાથે સાથે આપણને એક બીજા સાથે જોડાવાની પણ તક આપે છે. આગામી દિવસોમાં આપણે બીજા પણ અનેક મહત્વના પર્વો ઉજવવા જઇ રહ્યા છીએ. 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનું પાવન પર્વ છે. સપ્ટેમ્બરમાં જ આપણે વિશ્વકર્મા પૂજા પણ ઉજવીશું. આ અવસરે પોતાની આસપાસના કારીગરો, શિલ્પકારો અને વિશ્વકર્મા સાથીઓનું સન્માન કરવું જોઇએ. થોડા મહિના પછી દિવાળી પણ આવી રહી છે. તેની તૈયારીઓ પણ ધીરેધીરે શરૂ થઇ રહી છે. તહેવારોની આ મૌસમમાં હું ફરી એકવાર તમને વોકલ ફોર લોકલનો આગ્રહ દોહરાવીશ અને વોકલ ફોર લોકલનો અર્થ કેવલ માટીના કોડિયા ખરીદવાનો નથી બલ્કે, એની દ્રષ્ટિ બહુ મોટી છે. આપણે પોતાના ઘર માટે જે પણ સામાન ખરીદીએ છીએ, તેને એકવાર જરૂર જોઇ લઇએ કે, તે ભારતમાં જ બનેલો છે કે, નહિં. ભારતના આત્મનિર્ભર બનવાનો માર્ગ ભારતમાં બનેલી ચીજવસ્તુઓ પર ગર્વ કરવાથી જ પ્રશસ્ત થશે. આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની પણ જવાબદારી આપની છે. આપણા સર્જનાત્મક દુનિયાના સાથીઓ, ઈનફ્લુએન્સર અને સેલિબ્રિટીઝની પણ બહુ મોટી ભૂમિકા છે. મારો આપને આગ્રહ છે કે, તમે પોતે પણ વોકલ ફોર લોકલને અપનાવો અને બીજાને પણ તેના માટે પ્રેરિત કરો.
સાથીઓ,
તમારી આસપાસ પણ, અનેક લોકો હશે, જે પોતાના નાના-નાના પ્રયાસોથી સમાજમાં મોટો બદલાવ લાવી રહ્યા છે. તમે તેમના વિષે મન કી બાત માટે જરૂર લખજો. તમારો મોકલેલો અનુભવ દેશના કોઇ ખૂણામાં, કોઇના માટે, નવી પ્રેરણા બની શકે છે. મને તમારા સૂચનો અને અનુભવોની પ્રતિક્ષા છે.
ખૂબ ખૂબ ધન્યવાદ.. નમસ્કાર...
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
(રીલીઝ આઈડી: 2304620)
મુલાકાતી સંખ્યા : 32