ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
સંશોધન, નવીનતા અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ ભારતની પ્રગતિની ચાવી: ઉપરાષ્ટ્રપતિ
યુવાનોએ મૂળભૂત શિક્ષણથી આગળ સંશોધન-ઓરિએન્ટેડ શિક્ષણ તરફ વધવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ
યુવાનોએ એઆઈ, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર્સ અને ક્વોન્ટમ ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રો માટે પોતાને સજ્જ કરવા જોઈએ: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને ઈરોડ ખાતે કોંગુ વેલ્લાલર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટ્રસ્ટના સ્થાપક દિવસની ઉજવણીમાં હાજરી આપી
પોસ્ટેડ ઓન:
29 AUG 2026 4:04PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર મૂળભૂત શિક્ષણ આપવાથી આગળ વધીને જ્ઞાન, સંશોધન અને નવીનતાના વૈશ્વિક કેન્દ્રો તરીકે વિકસવું જોઈએ. તેઓ પેરુંદુરાઈ, ઈરોડ ખાતે કોંગુ વેલ્લાલર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (KVIT) ટ્રસ્ટના સ્થાપક દિવસની ઉજવણી અને 'અરિવુકોડમ' (Arivukoodam) ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિએ 41 સ્થાપકોના વિઝનની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે KVIT સંસ્થાઓ દ્વારા લગભગ એક લાખ લોકોએ શિક્ષણ મેળવ્યું છે. તેમણે કહ્યું કે તેમના યોગદાનથી કોંગુ પ્રદેશમાં શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ છે અને જર્મની, યુએસ, ફ્રાન્સ તથા જાપાન સહિતના દેશો સાથેના આંતરરાષ્ટ્રીય જોડાણો માટે સંસ્થાઓની પ્રશંસા કરી હતી.
શ્રી સી. પી. રાધાકૃષ્ણને યુવાનોને પોતાના જ્ઞાનને સતત અપગ્રેડ કરવા અને મૂળભૂત શિક્ષણથી સંશોધન-ઓરિએન્ટેડ શિક્ષણ તરફ આગળ વધવા વિનંતી કરી હતી. તેમણે યુવાનોને સંશોધન, નવીનતા અને પેટન્ટ્સમાં જોડાવા તથા AI, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને ડિજિટલ ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રો માટે પોતાને તૈયાર કરવા આહ્વાન કર્યું હતું.
"પરિવર્તન એ જ એકમાત્ર શાશ્વત સત્ય છે" તેના પર ભાર મૂકતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને યુવાનોને પોતાની શક્તિઓને ઓળખવા, સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા અને અન્ય લોકો સાથે સરખામણી કર્યા વિના સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે માનસિક શાંતિ અને તીવ્ર બુદ્ધિ માટે યોગ અને ધ્યાનનું મહત્વ પણ રેખાંકિત કર્યું હતું અને સ્વામી વિવેકાનંદના શબ્દો ટાંક્યા હતા: "તમે જે વિચારો છો, તે જ તમે બનો છો."
ઉપરાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'અરિવુકોડમ' સંશોધન, નવીનતા અને જ્ઞાન સર્જનનું કેન્દ્ર બનશે, જે સામાજિક પરિવર્તન અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપતી વૈશ્વિક જ્ઞાન સંસ્થાઓ તરીકે આ સંસ્થાઓને મજબૂત કરશે.
શ્રી સી. પી. રાધાકૃષ્ણને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સતત પ્રગતિ માટે સંશોધન, નવીનતા અને મજબૂત ઉદ્યોગ-શૈક્ષણિક (industry-academia) સહયોગ અત્યંત આવશ્યક છે. તેમણે કોંગુ એન્જિનિયરિંગ કોલેજના ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા આયોજિત એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી જેમાં નવીન પ્રોજેક્ટ્સ અને તકનીકી ઉકેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં, એન્કર ઈન્ડસ્ટ્રીઝ અને અરિવુકોડમ - એ રિસર્ચ પાર્ક વચ્ચે MoU ની આપ-લે કરવામાં આવી હતી, જે ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવે છે અને સંશોધન તથા નવીનતાને પ્રોત્સાહન આપે છે.
શ્રી સી. પી. રાધાકૃષ્ણને કોલેજ અને ટ્રસ્ટ સાથે જોડાયેલી વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કર્યું હતું. તેમણે અરિવુકોડમ – એ રિસર્ચ પાર્ક, ફાર્મસી કોલેજ, કોંગુ નેચરોપથી એન્ડ યોગા મેડિકલ કોલેજ અને KVITT ના ક્લાઉડ કિચનની શિલાન્યાસની તકતીઓનું પણ અનાવરણ કર્યું હતું.
તમિલનાડુ અને કેરળના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ. એમ. સુંદરેશ, KVIT ટ્રસ્ટના ચેરમેન શ્રી દેવરાજન સહિત અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2304513)
મુલાકાતી સંખ્યા : 18