યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. મનસુખ માંડવિયાએ ભારતના 2036ના ઓલિમ્પિક રમતવીરોનો સમૂહ તૈયાર કરવા માટે ઝડપી પ્રતિભા ઓળખ (ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન) માટે આહ્વાન કર્યું


SAI ની 63મી ગવર્નિંગ બોડીની બેઠકમાં પ્રતિભા શોધો (ટેલેન્ટ સ્કાઉટિંગ), કોચિંગ અને રમતગમતના માળખાકીય સુવિધાઓના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

प्रविष्टि तिथि: 20 AUG 2026 6:38PM by PIB Ahmedabad

લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી રમતગમત પ્રતિભા શોધની કરવામાં આવેલી જાહેરાતને આગળ ધપાવતા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે 2036 ઓલિમ્પિક્સ માટે ભારતનું રમતવીર સમૂહ તૈયાર કરવા માટે એક ઝડપી અને વ્યાપક પ્રતિભા ઓળખ રોડમેપ બનાવવા આહ્વાન કર્યું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ની 63મી ગવર્નિંગ બોડીની બેઠકની અધ્યક્ષતા કરતા ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી દાયકામાં ભારતની રમતગમતની આકાંક્ષાઓ માટેનું પાયાનું કામ અત્યારથી જ શરૂ થઈ જવું જોઈએ. માનનીય મંત્રીએ જણાવ્યું હતું કે, "આપણા દેશમાં ઓલિમ્પિક્સનું આયોજન થાય તે પહેલાંના આગામી 10 વર્ષનું આયોજન આ ક્ષણથી જ પૂર્ણ ઝડપે શરૂ થવું જોઈએ."

દેશભરમાં રમતગમતની પ્રતિભાઓને ઓળખવા અને તેને પ્રોત્સાહિત કરવા માટેના પ્રધાનમંત્રીના આહ્વાનને અનુરૂપ, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે SAI એ તેની પ્રતિભા શોધવાની સિસ્ટમ (ટેલેન્ટ સ્કાઉટિંગ મિકેનિઝમ) ને મજબૂત કરવી જોઈએ અને સર્વોચ્ચ સ્તર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતા રમતવીરોને ઓળખવા માટે એક માળખાકીય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે, "પ્રતિભાની ઓળખ બે અલગ-અલગ તબક્કામાં થવી જોઈએ: પ્રથમ, રાજ્ય અને જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કરતા રમતવીરોની ઓળખ કરવી, અને પછી તે રમતવીરોનું મૂલ્યાંકન કરવું જેથી એ જાણી શકાય કે તેઓ આગામી સ્તર સુધી પહોંચવા માટે જરૂરી ફિટનેસ, ઝૂનૂન, સમર્પણ અને ક્ષમતા ધરાવે છે કે નહીં."

તેમણે જણાવ્યું હતું કે પ્રતિભાની ઓળખ શાળાઓ, જિલ્લાઓ અને કોલેજો સહિત સમગ્ર રમતગમત પ્રણાલીને આવરી લેતી હોવી જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, "ધ્યેય એક વ્યાપક પ્રતિભા ભંડાર (ટેલેન્ટ રિપોઝિટરી) બનાવવાનો હોવો જોઈએ જે બાદમાં સ્પોર્ટ્સ સ્કૂલો અને ઉચ્ચ સ્તરની તાલીમ પ્રણાલીઓને રમતવીરો પૂરા પાડી શકે."

ડૉ. માંડવિયાએ ટ્રેનિંગ ઇકોસિસ્ટમનાં વિસ્તરણ માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આવા માળખા હેઠળ, રાજ્ય અને જિલ્લા કક્ષાની ટેલેન્ટ હંટ દ્વારા ઓળખાયેલા રમતવીરોને વિશિષ્ટ તાલીમ માટે યોગ્ય એકેડમીમાં મોકલી શકાય છે.

તેમણે કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) માં વધુ ભાગીદારી દ્વારા રમતગમતના વિકાસને વિસ્તારવામાં કોર્પોરેટ ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. આવી ભાગીદારીથી સરકારી સુવિધાઓ ઉપરાંત દેશની તાલીમ ક્ષમતામાં વધારો થશે અને ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમમાંથી ઉભરતા રમતવીરો માટે એકેડમીનું મોટું નેટવર્ક ઊભું થશે.

કોચિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે, ગવર્નિંગ બોડીએ નેશનલ કોચ એક્રેડિટેશન બોર્ડ (NCAB) ની સ્થાપનાને મંજૂરી આપી હતી. પુનઃશરૂ કરાયેલી 'ખેલો ઇન્ડિયા યોજના'નું એક મુખ્ય અંગ, NCAB કોચ એક્રેડિટેશન અને વિકાસ માટે એક વધુ સુવ્યવસ્થિત માળખું પૂરું પાડશે.

ગવર્નિંગ બોડીએ SAI માં ડેપ્યુટેશનના આધારે આસિસ્ટન્ટ કોચ (પે લેવલ-6) ની પોસ્ટ પર નિમણૂક માટેના ભરતીના નિયમોમાં સૂચિત સુધારાને પણ મંજૂરી આપી હતી.

ભારતના રમતગમત ઇકોસિસ્ટમના વિકાસમાં વેગ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકતા ડૉ. માંડવિયાએ કહ્યું, "ઘણા બધા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને આપણે આ ગતિને જાળવી રાખવાની છે તથા આપણા રમતગમતના પ્રોજેક્ટ્સને વધુ ઝડપી બનાવવા માટે આપણે ત્રણ ગણી ઝડપે આગળ વધવું પડશે."

તેમણે ઉમેર્યું હતું કે સરકાર પાસેથી વધી રહેલી અપેક્ષાઓ અને ભારતીયોમાં રમતગમત પ્રત્યે વધી રહેલા ઉત્સાહને કારણે દેશે પોતાના પ્રયાસો ઝડપી બનાવવાની જરૂર છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, "આપણે નવી પેઢી માટેના નવા વિઝનને પૂર્ણ કરવાનું છે અને તેને સતત જાળવી રાખવાની જરૂર છે."

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2301680) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी