નીતિ આયોગ
ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવા માટેના મુખ્ય ક્ષેત્રો પર નીતિ આયોગનો અહેવાલ
ભારતની મેન્યુફેક્ચરિંગ આકાંક્ષાઓને મજબૂત કરવી: ભારતના વિકાસની ગાથાને આગળ ધપાવનારા મુખ્ય ક્ષેત્રો
ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવા માટેના મુખ્ય ક્ષેત્રો: વ્યૂહાત્મક મહત્વ, વેલ્યુ ચેઈન પ્લે અને ઓપરેશનલ કાર્યક્ષમતા
મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને આગળ ધપાવવા માટે અસરકારક હસ્તક્ષેપો દ્વારા વિકસિત ભારતના વિઝનને આગળ વધારવું
प्रविष्टि तिथि:
13 AUG 2026 4:56PM by PIB Ahmedabad
નીતિ આયોગે “Key Sectors to Position India as a Global Manufacturing Hub” (ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવા માટેના મુખ્ય ક્ષેત્રો) શીર્ષક હેઠળ એક અહેવાલ બહાર પાડ્યો છે, જે એક સંરચિત અને ડેટા-સંચાલિત માળખા દ્વારા વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનવાની ભારતની આકાંક્ષાને વેગ આપી શકે તેવા મુખ્ય ક્ષેત્રોને ઓળખે છે. આ અહેવાલમાં ચાર ક્ષેત્રો અર્થાત કેમિકલ્સ (રસાયણો), ટેલિકોમ અને નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ્સ, ટેક્સટાઇલ્સ (કાપડ) અને સોલર ફોટો વોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગનું વ્યાપક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ આકારણી વૈશ્વિક પ્રવાહો, ક્ષેત્રીય વિકાસની તકો અને વૈશ્વિક બેંચમાર્કના સંદર્ભમાં ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે બજારની ક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતા, નીતિગત સહયોગ, કાચા માલની ઉપલબ્ધતા, ટેકનોલોજીની સજ્જતા, રોજગારીની ક્ષમતા અને વેલ્યુ ચેઈનમાં ભારતની વર્તમાન સ્થિતિ સહિત મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મકતાને અસર કરતા પરિબળોની પણ તપાસ કરે છે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એવા ક્ષેત્રોની ઓળખ કરવાનો છે જ્યાં ભારત પાસે વૃદ્ધિની નોંધપાત્ર ક્ષમતા છે અને જ્યાં લક્ષીત હસ્તક્ષેપ સ્થાનિક ક્ષમતાઓને મજબૂત કરી શકે છે, સ્પર્ધાત્મકતા અને મુલ્યવર્ધન (value addition) માં વધારો કરી શકે છે અને નિકાસ-લક્ષી મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિને વેગ આપી શકે છે. આ અભ્યાસ મુખ્ય પડકારોને ઉકેલવા અને ઓળખાયેલા ક્ષેત્રોમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ક્ષેત્ર-વિશિષ્ટ ભલામણો વિકસાવવા માટે અગ્રણી મેન્યુફેક્ચરિંગ દેશોના અનુભવો પર પણ આધાર રાખે છે.
અભ્યાસને ચાર અલગ-અલગ તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવ્યો હતો:
- તબક્કો 1: સાપેક્ષ આકર્ષકતાના આધારે ક્ષેત્રોની શોર્ટલિસ્ટિંગ: સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોમાં બજારના કદ અને વૃદ્ધિની સંભાવનાઓના આધારે ઉચ્ચ વિકાસ ક્ષમતા ધરાવતા ક્ષેત્રોની ઓળખ.
- તબક્કો 2: શોર્ટલિસ્ટેડ ક્ષેત્રોનું વ્યાપક મૂલ્યાંકન: શોર્ટલિસ્ટેડ ક્ષેત્રોની બજાર ક્ષમતા, સ્પર્ધાત્મકતા અને વ્યાપક વ્યૂહાત્મક સુસંગતતા મૂલવવા માટે તેમનું વિગતવાર, ત્રિ-પાંખીય મૂલ્યાંકન.
- તબક્કો 3: આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓનું બેંચમાર્કિંગ: ભારતના શોર્ટલિસ્ટેડ ક્ષેત્રો માટે સંબંધિત વ્યૂહરચનાઓ અને પાઠો ઓળખવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા દેશો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સફળ અભિગમોનું વિશ્લેષણ.
- તબક્કો 4: વ્યવહારુ ભલામણો અને આગળનો માર્ગ વિકસાવવો: સ્પર્ધાત્મકતા મજબૂત કરવા, વૃદ્ધિની ક્ષમતાને અનલોક કરવા અને ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવા માટે ક્ષેત્ર-વિશિષ્ટ, વ્યવહારુ ભલામણો અને એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવો.
અહેવાલની આ આવૃત્તિ ચાર ઉચ્ચ-ક્ષમતા ધરાવતા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, ટેલિકોમ અને નેટવર્ક ઇક્વિપમેન્ટ અને સોલર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગ. આ પછી વધુ 8 ક્ષેત્રો પરના અહેવાલો આવશે.
કેમિકલ ક્ષેત્ર:
સ્થાનિક રસાયણ ઉદ્યોગ વ્યાપકપણે ત્રણ મુખ્ય વપરાશ વિભાગો દ્વારા સંચાલિત થાય છે: પેટ્રોકેમિકલ્સ અને ઓર્ગેનિક કેમિકલ્સ, સ્પેશિયાલ્ટી કેમિકલ્સ અને ઇનઓર્ગેનિક કેમિકલ્સ. પેટ્રોકેમિકલ્સ અને ઓર્ગેનિક કેમિકલ્સ સૌથી મોટો વિભાગ બનાવે છે અને તેમાં પોલિમર, સિન્થેટિક ફાઇબર, પરફોર્મન્સ પ્લાસ્ટિક, બિલ્ડિંગ બ્લોક્સ, ઇન્ટરમીડિયેટ્સ અને અંતિમ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
ભારતના રસાયણ ઉદ્યોગમાં ડાઉનસ્ટ્રીમ ઉત્પાદન વિસ્તારીને અને ફીડસ્ટોક વપરાશમાં સુધારો કરીને સ્થાનિક મૂલ્યવર્ધન વધારવાની નોંધપાત્ર ક્ષમતા છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, સ્પર્ધાત્મકતામાં રોકાણ અને મુક્ત વેપાર કરારો (FTAs) નો વ્યૂહાત્મક ઉપયોગ આયાત નિર્ભરતા ઘટાડવામાં, ડાઉનસ્ટ્રીમ ક્ષમતાઓને મજબૂત કરવામાં અને ટકાઉ ઉદ્યોગ વૃદ્ધિને ટેકો આપવામાં મદદ કરી શકે છે.
ટેક્સટાઇલ (કાપડ) ક્ષેત્ર:
ભારતનો કાપડ અને પોશાક ઉદ્યોગ (T&A) દેશના સૌથી મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાંથી એક છે, જે રાષ્ટ્રીય જીડીપીમાં અંદાજે 2%, મેન્યુફેક્ચરિંગ GVA માં 11% અને મર્ચેન્ડાઇઝ નિકાસમાં 9% યોગદાન આપે છે. આ ક્ષેત્ર કૃષિ પછી બીજા ક્રમનું સૌથી મોટું રોજગારદાતા પણ છે, જે 4.5 કરોડથી વધુ લોકોને આજીવિકા પૂરી પાડે છે અને વ્યાપક MSME-સંચાલિત ઔદ્યોગિક વિકાસને ટેકો આપે છે. નાણાકીય વર્ષ 2025 માં, ભારતે 37.7 અબજ યુએસ ડોલર મૂલ્યના કાપડ ઉત્પાદનોની નિકાસ કરી હતી અને વૈશ્વિક કાપડ અને પોશાક નિકાસમાં 4.1% હિસ્સો ધરાવતો હતો, જે તેને વૈશ્વિક સ્તરે છઠ્ઠો સૌથી મોટો કાપડ નિકાસકાર બનાવે છે.
ભારતના કાપડ ઉદ્યોગમાં કાચા માલની ઉપલબ્ધતા સુધારીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ દ્વારા મેન્યુફેક્ચરિંગનું પ્રમાણ વધારીને અને વધુ ઊંડા વેપાર સંકલન દ્વારા બજારની પહોંચ વિસ્તારીને તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત કરવાની નોંધપાત્ર ક્ષમતા છે. ટેકનિકલ ટેક્સટાઇલ, MMF-આધારિત ઉત્પાદનો, સસ્ટેનેબલ ટેક્સટાઇલ અને પ્રીમિયમ ભારતીય વણાટને પ્રોત્સાહન આપતી વખતે કૌશલ્ય, ટેકનોલોજી અપનાવવાની પ્રક્રિયા અને ઉત્પાદકતા વધારવાથી મુલ્યવર્ધન અને વૈશ્વિક વૃદ્ધિને વધુ વેગ મળી શકે છે.
ટેલિકોમ અને નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ ક્ષેત્ર:
1.2 અબજથી વધુ ગ્રાહકો, અંદાજે 85% ટેલિકોમ પેનિટ્રેશન અને લગભગ 75% ઇન્ટરનેટ વપરાશ સાથે ભારત હાલમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ટેલિકોમ્યુનિકેશન માર્કેટ છે. આ ક્ષેત્રની પરિવર્તનકારી ક્ષમતાને ઓળખીને, નેશનલ ટેલિકોમ પોલિસી 2025 (NTP-25) 2030 સુધીમાં જીડીપીમાં આ ક્ષેત્રના યોગદાનને બમણું કરવાનો, ટેલિકોમ ઉત્પાદનો અને સેવાઓની નિકાસ બમણી કરવાનો, 10 લાખ નવી નોકરીઓનું સર્જન કરવાનો અને રોકાણ તથા R&D ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવાનો લક્ષ્યાંક રાખે છે.
ભારતના ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં લોકલાઇઝેશનને વધુ મજબૂત કરીને અને સ્થાનિક ઘટક ઉત્પાદનને મજબૂત બનાવીને તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાની નોંધપાત્ર ક્ષમતા છે. મુખ્ય પ્રાથમિકતાઓમાં સંયુક્ત સાહસો (JVs) અને ટેકનોલોજી ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવું, એકીકૃત ઔદ્યોગિક ક્લસ્ટરો વિકસાવવા, ઉચ્ચ સંભવિત નિકાસ વિભાગોનો વિસ્તાર કરવો અને સ્કેલ, નવીનતા અને ઉત્પાદકતાને ટેકો આપવા માટે ટેસ્ટિંગ, સર્ટિફિકેશન અને કૌશલ્ય વિકાસને મજબૂત કરવાનો સમાવેશ થાય છે.
સોલર PV ક્ષેત્ર:
ભારતે માર્ચ 2025 સુધીમાં 106 GW સોલર ક્ષમતા સ્થાપિત કરી લીધી હતી અને 280 GW સોલર ક્ષમતાના 2030 ના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે લગભગ 174 GW ઉમેરવાની જરૂર છે. રૂ. 32,400 કરોડ / $3.7 અબજ અંદાજિત સ્થાનિક PV બજાર, યુટિલિટી-સ્કેલ સોલર, રૂફટોપ સોલર, ઓપન-એક્સેસ પ્રોજેક્ટ્સ અને ગ્રીન હાઇડ્રોજન-સંકળાયેલ માંગના સમર્થનથી નાણાકીય વર્ષ 2023 અને નાણાકીય વર્ષ 2030 વચ્ચે 17-20% CAGR થી વધવાની ધારણા છે.
ભારતની સોલર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં અપસ્ટ્રીમ ક્ષમતાઓને મજબૂત કરીને અને આયાત નિર્ભરતા ઘટાડીને સ્થાનિક મૂલ્યવર્ધનને મજબૂત કરવાની તીવ્ર ક્ષમતા છે. મુખ્ય પ્રાથમિકતાઓમાં ટેકનોલોજી ભાગીદારી અને સંયુક્ત સાહસો, વધુ R&D અને પર્ફોર્મન્સ-લિંક્ડ સપોર્ટ, એકીકૃત ક્લીન-ટેક ક્લસ્ટરોનો વિકાસ અને ઉદ્યોગ-સંચાલિત કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે. વેપાર ભાગીદારી અને G2G માળખાને મજબૂત કરવાથી નિકાસની તકોનો પણ વિસ્તાર થઈ શકે છે અને વૈશ્વિક બજારમાં પહોંચ સુનિશ્ચિત થઈ શકે છે.
આ અહેવાલ એક એવા સાધન તરીકે પ્રકટ કરવામાં આવ્યો છે જે પસંદગીના ક્ષેત્રોને સમય જતાં તેમની મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં માર્ગદર્શન આપશે. વર્તમાન પડકારોને દૂર કરવા માટે કસ્ટમાઇઝ કરેલા વિશિષ્ટ હસ્તક્ષેપો દ્વારા ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા માટે ઉદ્યોગ અને સરકાર સહયોગ કરી શકે છે. આ સંદર્ભમાં સમન્વયિત પ્રયાસ દેશને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉચ્ચ વૃદ્ધિનો માર્ગ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
અહેવાલ અહીંથી મેળવી શકાશે: https://www.niti.gov.in/sites/default/files/2026-08/Key-Sectors-to-Position-India-as-a-Global-Manufacturing-Hub.pdf
SM/JD
(रिलीज़ आईडी: 2299213)
आगंतुक पटल : 10