ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

બાળકોની ઑનલાઇન સુરક્ષા માટે નીતિ અને કાનૂની માળખાની સમીક્ષા કરતી વખતે સરકાર વૈશ્વિક વિકાસનું પરીક્ષણ કરે છે


IT અધિનિયમ, IT નિયમો અને DPDP અધિનિયમ ડિજિટલ સુખાકારી, વપરાશકર્તા સુરક્ષા અને બાળકોની ઑનલાઇન ગોપનીયતાના રક્ષણ માટે માળખું પ્રદાન કરે છે

प्रविष्टि तिथि: 05 AUG 2026 4:41PM by PIB Ahmedabad

જ્યારે ડિજિટલ ટેકનોલોજીએ શિક્ષણ, સંચાર અને નવીનતા સુધીની પહોંચમાં નોંધપાત્ર વધારો કર્યો છે, ત્યારે સરકાર બાળકોની ઑનલાઇન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જોખમોથી પણ વાકેફ છે, જેમાં હાનિકારક સામગ્રીના સંપર્કમાં આવવું, સાયબર બુલિંગ, ઑનલાઇન શોષણ અને ડિજિટલ વ્યસનનો સમાવેશ થાય છે.

સરકાર ડિજિટલ વાતાવરણમાં બાળકોના રક્ષણ માટે વિવિધ અધિકારક્ષેત્રો દ્વારા અપનાવવામાં આવેલા પગલાં સહિત ઑનલાઇન સુરક્ષા સંબંધિત વૈશ્વિક વિકાસ અને વિકસતા આંતરરાષ્ટ્રીય નિયામક અભિગમો વિશે પોતાની જાતને માહિતગાર રાખે છે. ભારતના બંધારણીય માળખા, કાનૂની જરૂરિયાતો, ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ અને વપરાશકર્તાની સુરક્ષા, નવીનતા, ગોપનીયતા અને ડિજિટલ સમાવેશ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્થાનિક નીતિ અને કાનૂની માળખાની રચના કરતી વખતે અથવા તેની સમીક્ષા કરતી વખતે આવા વિકાસનું સમયાંતરે પરીક્ષણ કરવામાં આવે છે.

તમામ વપરાશકર્તાઓ માટે ઓપન, સેફ અને ટ્રસ્ટેડ તથા એકાઉન્ટેબલ ઇન્ટરનેટ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે, સરકાર ડિજિટલ ઇકોસિસ્ટમને સંચાલિત કરતા કાનૂની અને નિયામક માળખાને લગતી બાબતોમાં પરામર્શકારી અભિગમ અપનાવે છે અને ટેકનોલોજીકલ વિકાસ અને જાહેર હિતના પ્રકાશમાં સાયબર સ્પેસમાં ઉભરતા મુદ્દાઓને લગતા કાનૂની, નીતિગત અને સંસ્થાકીય માળખાની તપાસ કરવા માટે સંબંધિત હિતધારકો સાથે નિયમિતપણે જોડાય છે.

ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (“IT એક્ટ) અને ઇન્ફર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, 2021 (“IT રૂલ્સ), બંનેએ મળીને ડિજિટલ વેલ-બીઇંગ, યુઝર સેફગાર્ડ્સ અને જવાબદાર ડિજિટલ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કર્યું છે.

IT નિયમો હેઠળ મધ્યસ્થીઓએ તેમની ફરજો બજાવતી વખતે યોગ્ય સાવચેતી (Due Diligence)નું પાલન કરવું જરૂરી છે. તેમજ તેમણે કમ્પ્યુટર સંસાધનોના વપરાશકર્તાઓને સૂચિત કરવું પડશે કે તેઓ એવી કોઈપણ માહિતી હોસ્ટ, પ્રદર્શિત, અપલોડ, ફેરફાર, પ્રકાશિત, પ્રસારિત, અપડેટ અથવા શેર ન કરે જે બાળકો માટે હાનિકારક હોય અથવા હાલ અમલમાં રહેલા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરતી હોય.

મધ્યસ્થીઓના કિસ્સામાં, જ્યાં ઉલ્લંઘનમાં હાલમાં અમલમાં રહેલા કોઈપણ કાયદા હેઠળ ગુનાનો સમાવેશ થતો હોય, જેમ કે ભારતીય ન્યાય સંહિતા, 2023 ને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 સાથે વાંચતા અથવા બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપતો અધિનિયમ, 2012 હેઠળનો ગુનો, જેમાં રિપોર્ટ કરવાનું ફરજિયાત હોય છે, ત્યાં લાગુ પડતા કાયદાની જોગવાઈઓ અનુસાર આવા ગુનાની જાણ સંબંધિત સત્તાધિકારીને કરવી આવશ્યક છે.

IT નિયમોમાં તાજેતરના સુધારા મુજબ સક્ષમ અધિકારક્ષેત્ર ધરાવતી અદાલતના આદેશ અથવા યોગ્ય સરકાર અથવા તેની એજન્સી દ્વારા કારણસરની જાણકારી મળ્યાના ત્રણ કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય મધ્યસ્થીઓએ ગેરકાયદેસર સામગ્રી દૂર કરવી જરૂરી છે.

વધુમાં, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ, 2023 (“DPDP અધિનિયમ) ઘડવામાં આવ્યો છે, જે ડિજિટલ વ્યક્તિગત ડેટાની પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે કાનૂની માળખું સ્થાપિત કરે છે. DPDP અધિનિયમ બાળકોની ઑનલાઇન ગોપનીયતાના રક્ષણ માટે કાનૂની માળખું પ્રદાન કરે છે. આ અધિનિયમ બાળકોના વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા માટે માતા-પિતા અથવા વાલી દ્વારા સંમતિ લેવાનું ફરજિયાત બનાવે છે અને બાળકોના કલ્યાણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ, જેમ કે ટ્રેકિંગ, વર્તણૂકનું નિરીક્ષણ અથવા બાળકોને લક્ષિત જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (MeitY) માહિતી સુરક્ષામાં માનવ સંસાધનોનું સર્જન કરવા અને જનતામાં સાયબર હાઇજીન અને સાયબર સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે સામાન્ય જાગૃતિ લાવવા માટે 'ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA)' પ્રોજેક્ટનો અમલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 6,650 જાગૃતિ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળા/કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કાયદા અમલીકરણ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને સામાન્ય જનતા સહિત 11.37 લાખથી વધુ પ્રતિભાગીઓને આવરી લેવામાં આવ્યા છે.

વધુમાં, હેન્ડબુક, ટૂંકા વીડિયો, પોસ્ટર્સ, બ્રોશર્સ, બાળકો માટે કાર્ટૂન વાર્તાઓ વગેરેના સ્વરૂપમાં બહુભાષી જાગૃતિ સામગ્રી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, સોશિયલ મીડિયા અને www.isea.gov.in તથા https://staysafeonline.in/ દ્વારા પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવે છે.

ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) પણ તેની અધિકૃત વેબસાઇટો અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નિયમિતપણે સુરક્ષા ટિપ્સ અને જાગૃતિ પોસ્ટર્સ, ઇન્ફો-ગ્રાફિક્સ અને વીડિયો શેર કરે છે અને તેનો ઉદ્દેશ્ય બાળકો માટેના ઑનલાઇન સુરક્ષા પગલાં સહિત સાયબર સુરક્ષા હુમલાઓ અને છેતરપિંડીઓ વિશે ઇન્ટરનેટ વપરાશકર્તાઓને જાગૃત કરવાનો છે.

શિક્ષણ મંત્રાલયે જુલાઈ 2020માં ડિજિટલ એજ્યુકેશન પર પ્રજ્ઞાતા (PRAGYATA) માર્ગદર્શિકા બહાર પાડી હતી, જે વિદ્યાર્થીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા અને સોશિયલ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના જવાબદાર ઉપયોગ સહિત સુરક્ષિત અને અસરકારક ઑનલાઇન શિક્ષણ માટે એક માળખું પૂરું પાડે છે. CBSEએ ડિજિટલ શિષ્ટાચાર અંગેની માર્ગદર્શિકા, શિક્ષકો માટે સાયબર-સુરક્ષા તાલીમ, 'સાયબર સિક્યોરિટી હેન્ડબુક' ના પ્રકાશન અને સાયબર સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે સાયબર ક્લબની સ્થાપના કરવા માટે શાળાઓને સલાહ આપીને આ પ્રયાસોને પૂરક બનાવ્યા છે.  NCERTએ પણ તેના પાઠ્યક્રમમાં સાયબર સુરક્ષાનો સમાવેશ કર્યો છે, જેમાં ધોરણ XI અને XIIમાં "સોસાયટલ ઇમ્પેક્ટ્સ" (Societal Impacts) પરના પ્રકરણનો સમાવેશ થાય છે, અને CIET-NCERTએ સાયબર સુરક્ષા અંગે સંસાધન સામગ્રી વિકસાવી છે અને તેનું પ્રસારણ કર્યું છે.

આ માહિતી કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 05.08.2026ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવી હતી.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2294966) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Kannada