કાપડ મંત્રાલય
કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરીરાજ સિંહે CCIના 56મા સ્થાપના દિવસે ભારતના કપાસ ઇકોસિસ્ટમને પુનઃજીવિત કરવાની સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
કપાસના ખેડૂતોને સમયસર સલાહ આપવા માટે 'કપાસ દર્શન' બુલેટિન લોન્ચ કરવામાં આવ્યું
વૈજ્ઞાનિક અને દૂષણમુક્ત કપાસની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો અને FPOs ને આધુનિક કૃષિ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું
ગુણવત્તાના ધોરણો, બજાર પહોંચ અને આબોહવા-અનુકૂળ કપાસની ખેતીની પદ્ધતિઓને મજબૂત કરવા માટે ચાર MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
प्रविष्टि तिथि:
01 AUG 2026 7:13PM by PIB Ahmedabad
ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના સાહસ ધ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CCI) એ આજે છત્રપતિ સંભાજીનગર, મહારાષ્ટ્ર ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરીરાજ સિંહની ઉપસ્થિતિમાં તેનો 56મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રી શ્રી સંજય શિરસાટ; મહારાષ્ટ્ર સરકારના કાપડ મંત્રી શ્રી સંજય સાવકારે; મહારાષ્ટ્ર સરકારના અન્ય પછાત બહુજન કલ્યાણ, ડેરી વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને દિવ્યાંગ કલ્યાણ મંત્રી શ્રી અતુલ સાવે; સંયુક્ત સચિવ (ફાઇબર), ટેક્સટાઇલ કમિશનર અને ભારત સરકાર તથા મહારાષ્ટ્ર સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, ICAC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સંશોધકો, વૈજ્ઞાનિકો, કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) અને કપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

સભાને સંબોધતા, કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરીરાજ સિંહે કપાસને ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા, આત્મનિર્ભરતા અને કૃષિ સમૃદ્ધિના આધારસ્તંભ તરીકે વર્ણવ્યો હતો અને કપાસના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની અડગ કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કપાસ સિઝન 2025–26 દરમિયાન CCIની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે CCI એ તેના ઇતિહાસમાં સૌથી મોટા એમએસપી ઓપરેશન્સ પૈકીનું એક હાથ ધરીને લગભગ 24 લાખ ખેડૂતોના વ્યવહારો દ્વારા 522 લાખ ક્વિન્ટલથી વધુ બીજવાળા કપાસની ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી કરી હતી, જ્યારે રૂ. 41,530 કરોડ સીધા ખેડૂતોના આધાર-લિંક્ડ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.


મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કપાસ સિઝન 2026–27 માટે બીજવાળા કપાસના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) માં લગભગ 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે દેશભરના કપાસ પકવતા ખેડૂતો માટે પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરે છે અને તેમની આવકની સુરક્ષાને મજબૂત કરે છે. તાજેતરમાં મંજૂર કરાયેલા કોટન પ્રોડક્ટિવિટી મિશન – 'કપાસ ક્રાંતિ' નો ઉલ્લેખ કરતા શ્રી ગિરીરાજ સિંહે જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં રૂ. 5,659 કરોડના બજેટ સાથેનું આ મિશન કપાસની ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા, કપાસ પ્રોસેસિંગના માળખાકીય સુવિધાઓનું આધુનિકીકરણ કરવા, કસ્તૂરી કોટન ભારત દ્વારા બ્રાન્ડિંગ અને ટ્રેસેબિલિટીને પ્રોત્સાહન આપવા અને ટકાઉ તથા આબોહવા-અનુકૂળ કપાસની ખેતીની પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી એક પરિવર્તનકારી પહેલ છે. મંત્રીશ્રીએ નોંધ્યું કે કસ્તૂરી કોટન ભારત એ પ્રમાણીકરણ, ટ્રેસેબિલિટી અને ટકાઉપણાના આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો દ્વારા પ્રીમિયમ ભારતીય કપાસને "ફાર્મ થી ફેશન થી ગ્લોબલ માર્કેટ" સુધી લઈ જવાના ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
ધ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને રાષ્ટ્ર માટે 56 વર્ષની સમર્પિત સેવા પૂર્ણ કરવા બદલ અભિનંદન આપતાં, શ્રી ગિરીરાજ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકાર, ખેડૂતો, ઉદ્યોગ અને સંશોધન સંસ્થાઓના સામૂહિક પ્રયાસો ભારતના કપાસ ક્ષેત્રના વિકાસને વેગ આપશે અને વિકસિત ભારત @2047 ના વિઝનને સાકાર કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે, જ્યારે ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસમાં વૈશ્વિક લીડર તરીકે ભારતના સ્થાનને વધુ મજબૂત કરશે.
આ પ્રસંગે, કપાસના ખેડૂતોને હવામાન, બજારો, વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિઓ, ગુણવત્તા વ્યવસ્થાપન અને વિવિધ સરકારી પહેલો અંગે સમયસર સલાહ આપવા માટે 'કપાસ દર્શન' બુલેટિન લોન્ચ કરવામાં આવ્યું હતું. દૂષણ નિયંત્રણ, 'કપાસ કિસાન મોબાઇલ એપ' અને કોટન પ્રોડક્ટિવિટી મિશન – 'કપાસ ક્રાંતિ' પર માહિતીપ્રદ ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક, ટકાઉ અને દૂષણમુક્ત કપાસની ખેતીને પ્રોત્સાહન આપવા માટે, કપાસ પ્લકર મશીનો, કોટન સ્ટોક શ્રેડર મશીનો અને કન્ટેમિનેશન કંટ્રોલ કિટ્સ સહિતના આધુનિક કૃષિ સાધનો કપાસના ખેડૂતો અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ને વિતરિત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતના કપાસ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ચાર સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કરવાનું હતું:
- CCI અને ICAR-CIRCOT એ જિનિંગ અને પ્રેસિંગ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને ગુણવત્તા સુધારણા માટે MoU પર હસ્તાક્ષર કર્યા.
- CCI અને GIZ એ ટકાઉપણું, ગુણવત્તા આશ્વાસન અને ટ્રેસેબિલિટીને પ્રોત્સાહન આપીને કસ્તૂરી કોટન ભારત દ્વારા કપાસના ખેડૂતો માટે બજાર પહોંચ વધારવા માટે ભાગીદારી કરી.
- CITI, ICAC અને MERAGO/GEOCLARA એ ક્લાઇમેટ-સ્માર્ટ અને ટકાઉ કપાસની ખેતીની પદ્ધતિઓ દ્વારા કાર્બન ક્રેડિટ જનરેશનને પ્રોત્સાહન આપવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા.
- TEXPROCIL અને મનજીત કોટન પ્રાઇવેટ લિમિટેડે કસ્તૂરી કોટન ભારત પ્રોગ્રામ હેઠળ 30,000 કપાસની ગાંસડીઓ (20,000 લોંગ સ્ટેપલ અને 10,000 એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ) ના ઉત્પાદન અને પ્રમાણીકરણ માટે સહયોગ કરવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા, જે ટ્રેસેબિલિટી, ગુણવત્તાના ધોરણોનું પાલન અને પ્રીમિયમ, ટ્રેસેબલ કપાસ સપ્લાય ચેઇનના વિકાસને સુનિશ્ચિત કરશે.
ઉજવણીની શરૂઆત 'ફાર્મર ઓરિએન્ટેશન પ્રોગ્રામ' સાથે થઈ હતી, જેમાં કોટન સ્ટોક શ્રેડર મશીનો, કપાસ પ્લકર મશીનોનો ઉપયોગ, દૂષણ નિયંત્રણ પદ્ધતિઓ અને કોટન પ્રોડક્ટિવિટી મિશન – 'કપાસ ક્રાંતિ' અંગેના જાગૃતિ સત્રો પરની ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કપાસના ખેડૂતોમાં વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ગુલાબી ઇયળ (Pink Bollworm) નિયંત્રણ અંગેનો એક સંગીતમય કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.
સભાને સંબોધતા, કાપડ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફાઇબર) મિસીસ પદ્મિની સિંગલા, IAS એ જણાવ્યું હતું કે ભારતનું કપાસ ક્ષેત્ર નવીનતા, ટકાઉપણું અને ઉત્પાદકતામાં વધારા દ્વારા સંચાલિત એક પરિવર્તનકારી તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. તેમણે નોંધ્યું કે કોટન પ્રોડક્ટિવિટી મિશન – 'કપાસ ક્રાંતિ' ઉત્પાદકતાને વેગ આપશે, કસ્તૂરી કોટન ભારત દ્વારા વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત કરશે અને સમગ્ર કપાસ મૂલ્ય શ્રૃંખલામાં ટકાઉ કુદરતી રેસાઓને પ્રોત્સાહન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાપડ મંત્રાલય સમગ્ર કપાસ મૂલ્ય શ્રૃંખલાને — ફાર્મ થી ફાઇબર, ફાઇબર થી ફ્રેબ્રિક અને ફેબ્રિક થી ફેશન સુધી — મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ખેડૂત-અનુકૂળ MSP કામગીરી અને ડિજિટલ પહેલોએ કપાસની ખરીદીમાં પારદર્શિતા, સુલભતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે, જ્યારે ઉત્પાદકતા વધારવી, ગુણવત્તા સુનિશ્ચિત કરવી અને વૈશ્વિક બ્રાન્ડિંગ ભારતની કપાસ વિકાસ વ્યૂહરચનાના કેન્દ્રમાં રહેશે.
મહાનુભાવોનું સ્વાગત કરતા, CCI ના ચેરમેન-કમ-મેનેજિંગ ડિરેક્ટર શ્રી લલિત કુમાર ગુપ્તાએ પારદર્શક, ટેકનોલોજી-સંચાલિત અને ખેડૂત-કેન્દ્રિત પહેલો દ્વારા કપાસના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં છેલ્લા 56 વર્ષોમાં કોર્પોરેશનની નોંધપાત્ર સફર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા, ગુણવત્તાયુક્ત કપાસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારત @2047 ના વિઝનમાં યોગદાન આપવા માટે CCI ની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2293084)
आगंतुक पटल : 11