પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
મહાનદી ઓફશોર બેસિનમાં પ્રથમ એપ્રેઇઝલ કૂવા MN-DWN18-1-HD નું ડ્રિલિંગ શરૂ થયું
ડ્રિલ કરવામાં આવેલો પ્રત્યેક મીટર આપણને આયાત નિર્ભરતા ઘટાડવા, આત્મનિર્ભરતા મજબૂત કરવા અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા તરફ વધુ નજીક લાવે છે: શ્રી હરદીપ સિંહ પુરી
प्रविष्टि तिथि:
25 JUL 2026 1:26PM by PIB Ahmedabad
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ આજે મહાનદી ઓફશોર બેસિનમાં પ્રથમ એપ્રેઇઝલ વેલ, MN-DWN18-1-HD ના ડ્રિલિંગની શરૂઆત કરી હતી. આ પ્રસંગને "ઊર્જા સુરક્ષા તરફની ભારતની યાત્રામાં એક નવા અધ્યાયની શરૂઆત" તરીકે વર્ણવતા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડ્રિલિંગનો પ્રારંભ એ એક દાયકાના વિઝનરી સુધારાઓનું પરિણામ પ્રતિબિંબિત કરે છે જેણે ભારતના એક્સપ્લોરેશન અને પ્રોડક્શન (અન્વેષણ અને ઉત્પાદન) ક્ષેત્રનું ચિત્ર બદલી નાખ્યું છે.
મહાનદી ઓફશોર બેસિનમાં આજે સ્પડ (ડ્રિલ) કરવામાં આવી રહેલો MN-DWN18-1-HD એપ્રેઇઝલ વેલ એ આયોજિત ચાર ડીપવોટર કૂવાઓમાંથી પ્રથમ છે જે ભારતના સૌથી વધુ આશાસ્પદ ઓફશોર બેસિનમાંથી એકનું વ્યવસ્થિત રીતે મૂલ્યાંકન કરશે. ડ્રિલિંગ પ્રોગ્રામ નવા હાઇડ્રોકાર્બન સંસાધનોને અનલોક કરવા અને ભારતની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવા માટે વિશ્વસ્તરીય ડીપવોટર ડ્રિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં, સરકારે સીમાચિહ્નરૂપ નીતિગત અને નિયામક સુધારાઓ દ્વારા એક્સપ્લોરેશન અને પ્રોડક્શન ઇકોસિસ્ટમમાં મૂળભૂત પરિવર્તન કર્યું છે.
તેમણે હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ લાયસન્સિંગ પોલિસી (HELP) ની રજૂઆત, નોમિનેશન-આધારિત અભિગમના સ્થાને ઓપન એકરેજ લાયસન્સિંગ પ્રોગ્રામ (OALP) ના અમલીકરણ, પારદર્શક રેવેન્યુ શેરિંગ ફ્રેમવર્ક અપનાવવા અને અન્વેષણ માટે અગાઉના ઓફશોર "નો-ગો" વિસ્તારો પૈકી લગભગ 99% વિસ્તારોને ખુલ્લા મૂકવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ભારતની સક્રિય એક્સપ્લોરેશન એકરેજના લગભગ 81% ક્ષેત્રફળ 2014 પછી એનાયત કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ સુધારાઓએ રોકાણકારો અને અન્વેષકો બંનેમાં કેટલો વિશ્વાસ જગાવ્યો છે.
વૈજ્ઞાનિક અન્વેષણના મહત્વ પર ભાર મૂકતા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારે મિશન અન્વેષણ, નેશનલ સિસ્મિક પ્રોગ્રામ, એક્સ્ટેન્ડેડ કોન્ટિનેન્ટલ શેલ્ફ સર્વે, નેશનલ ડેટા રિપોઝિટરી અને હાઇડ્રોકાર્બન રિસોર્સ એસેસમેન્ટ સ્ટડી જેવી પહેલો દ્વારા જીઓસાયન્ટિફિક ડેટા જનરેશનમાં સતત રોકાણ કર્યું છે, જેનાથી ભારતના ફ્રન્ટિયર બેસિનને અનલોક કરવા માટે વિશ્વના સૌથી વ્યાપક જીઓસાયન્ટિફિક ડેટાબેઝમાંથી એકનું નિર્માણ થયું છે.
સરકારના એક્સપ્લોરેશન સુધારાઓ હેઠળ હાંસલ કરેલી પ્રગતિ પર પ્રકાશ પાડતા, શ્રી પુરીએ જણાવ્યું હતું કે OALP હેઠળ, લગભગ 3.8 લાખ ચોરસ કિલોમીટરને આવરી લેતા 172 એક્સપ્લોરેશન બ્લોક્સ USD 4.3 બિલિયનથી વધુના પ્રતિબદ્ધ રોકાણો સાથે એનાયત કરવામાં આવ્યા છે. એકલા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન, આશરે 674 કૂવા ડ્રિલ કરવામાં આવ્યા હતા, પાંચ નવી શોધો કરવામાં આવી હતી અને સાત શોધોનું મોનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારની વ્યૂહરચના બેવડી છે—નવા હાઇડ્રોકાર્બન સંસાધનોની શોધ કરવાની સાથે હાલની રાષ્ટ્રીય સંપત્તિઓમાંથી મહત્તમ ઉત્પાદન મેળવવું. તેમણે ઉમેર્યું હતું કે અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા જૂના ઉત્પાદક ક્ષેત્રોને પુનર્જીવિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.
મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનું ઊર્જા ભવિષ્ય માત્ર એક જ શોધ દ્વારા સુરક્ષિત થશે નહીં, પરંતુ સતત સુધારાઓ, અદ્યતન ટેકનોલોજી, વૈજ્ઞાનિક અન્વેષણ અને હજારો ભૂસ્તરશાસ્ત્રીઓ, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને ઓફશોર વ્યાવસાયિકોના સમર્પણ દ્વારા સુરક્ષિત થશે.
"આજે જ્યારે આપણે આ પ્રથમ કૂવાનું કામ શરૂ કરી રહ્યા છીએ, ત્યારે આપણે માત્ર દરિયાઈ તળમાં ડ્રિલિંગ નથી કરી રહ્યા—અમે ભારતના ભવિષ્યની ઊર્જા સુરક્ષામાં ડ્રિલિંગ કરી રહ્યા છીએ. ડ્રિલ કરવામાં આવેલો પ્રત્યેક મીટર આપણને આયાત નિર્ભરતા ઘટાડવા, આત્મનિર્ભરતા મજબૂત કરવા અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા તરફ વધુ નજીક લાવે છે," તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ONGC, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ, ટેકનિકલ ભાગીદારો અને સમગ્ર એક્સપ્લોરેશન બિરાદરીને અભિનંદન આપતાં, શ્રી પુરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજનો ડ્રિલિંગનો પ્રારંભ ભારતના ઓફશોર એક્સપ્લોરેશન પ્રયાસોને વધુ મજબૂત કરશે અને દેશની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા તેમજ ઊર્જા આત્મનિર્ભરતાના લક્ષ્યમાં યોગદાન આપશે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2289363)
आगंतुक पटल : 4