અંતરિક્ષ વિભાગ
azadi ka amrit mahotsav

Vikram-1ની સફળતા સાથે ભારત વૈશ્વિક અંતરિક્ષ શક્તિ તરીકે સ્થાપિત


ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ ઐતિહાસિક મિશન પ્રધાનમંત્રી મોદીના ઐતિહાસિક અંતરિક્ષ સુધારાઓને સાબિત કરે છે

"ભારત માટે, આકાશ હવે મર્યાદા નથી": ડૉ. જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રીએ સ્કાયરૂટ એરોસ્પેસ, ઈસરો અને ઇન-સ્પેસને અભિનંદન પાઠવ્યા કારણ કે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું છે

વિક્રમ-1 મિશન વૈશ્વિક વ્યાપારી બજારમાં ભારતની સ્થિતિને મજબૂત કરે છે: ડૉ. જિતેન્દ્ર સિંહ

प्रविष्टि तिथि: 18 JUL 2026 5:15PM by PIB Ahmedabad

ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ, વિક્રમ-1નું સફળ પ્રક્ષેપણ, ઝડપથી વિસ્તરી રહેલી વૈશ્વિક અંતરિક્ષ અર્થવ્યવસ્થામાં એક ગંભીર વૈશ્વિક ખેલાડી તરીકે ભારતના ઉભરવાને ચિહ્નિત કરે છે અને દેશના અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખોલવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણયની શક્તિશાળી સાબિતી તરીકે ઊભું છે, તેમ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને પ્રધાનમંત્રી કાર્યાલય, પર્સોનલ, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા વિભાગ અને અંતરિક્ષ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું.

ડૉ. જિતેન્દ્ર સિંહ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટા ખાતે મિશન આગમનના સફળ પ્રક્ષેપણના સાક્ષી બન્યા હતા, જ્યાં સ્કાયરૂટ એરોસ્પેસએ વિક્રમ-1 ને તેની નિર્ધારિત લો અર્થ ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે અને તે ભારતીય ધરતી પરથી ઓર્બિટલ લોન્ચ સિદ્ધ કરનારી પ્રથમ ભારતીય ખાનગી કંપની બની છે. આ મિશન ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નિર્ણાયક માઈલસ્ટોન દર્શાવે છે અને અંતરિક્ષ વિભાગ, ઈસરો (ISRO), ઇન-સ્પેસ (IN-SPACe) અને ભારતના જીવંત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમના સહયોગી પ્રયાસો દ્વારા સક્ષમ બનેલા દેશના જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલની વધતી જતી તાકાત દર્શાવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસની ટીમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેને ભારતના વિસ્તરી રહેલા અંતરિક્ષ ઇકોસિસ્ટમ માટે ગૌરવપૂર્ણ માઈલસ્ટોન અને દેશની વધતી જતી વૈજ્ઞાનિક ક્ષમતા, સાહસિક ભાવના અને નવીનતા-સંચાલિત વિકાસનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.

સ્કાયરૂટ એરોસ્પેસના સ્થાપકો પવન કુમાર ચંદના અને ભરત ડાકાને અભિનંદન આપતાં ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી સાહસો માટે ખોલવાનો સાહસિક નિર્ણય ન લીધો હોત, તો દેશે આ ઐતિહાસિક સિદ્ધિ ન જોઈ હોત. તેમણે કહ્યું કે આ સુધારાઓએ ભારતીય ઇનોવેટર્સની અપાર ક્ષમતાઓને મુક્ત કરી છે, તેમને રાષ્ટ્રીય અંતરિક્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચ પૂરી પાડી છે અને એક એવી ઇકોસિસ્ટમ બનાવી છે જ્યાં વિશ્વસનીય વિશ્વ કક્ષાની ટેકનોલોજી હવે સંપૂર્ણપણે ભારતમાંથી જ કલ્પના કરી શકાય છે, વિકસાવી શકાય છે અને લોન્ચ કરી શકાય છે.

મંત્રીએ ઇન-સ્પેસ ઈસરો અને અંતરિક્ષ વિભાગને એક સીમલેસ જાહેર-ખાનગી ભાગીદારીનું માળખું બનાવવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા જેણે ભારતના અંતરિક્ષ ઇકોસિસ્ટમને બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે વિક્રમ-1ની સફળતા એ દર્શાવે છે કે કેવી રીતે દૂરંદેશી નીતિ નિર્માણ, વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા અને સાહસિક પ્રતિભા સાથે મળીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક તકનીકી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.

સ્કાયરૂટ ટીમ સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં, ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે તેમણે શરૂઆતથી જ કંપનીના સ્થાપકોની સફરને નજીકથી નિહાળી છે અને તેઓ હંમેશા તેમના તકનીકી આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને નવીન અભિગમની પ્રશંસા કરતા આવ્યા છે. તેમણે કહ્યું કે આજની સફળતા એ વર્ષોની દ્રઢતા, વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અંતરિક્ષ ટેકનોલોજી બનાવવા માટે ભારતના યુવા સાહસિકોના સંકલ્પનું પરિણામ છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિક્રમ-1એ પ્રથમ ઓર્બિટલ મિશન માટે ટેકનોલોજીકલ પરિપક્વતાનું અસાધારણ સ્તર દર્શાવ્યું છે. વિશ્વભરમાં થતા ઘણા પ્રથમ પ્રક્ષેપણો કે જે ફક્ત ડમી માસ લઈ જાય છે તેનાથી વિપરીત, વિક્રમ-1 ભ્રમણકક્ષામાં અદ્યતન તકનીકોની ચકાસણી કરવા માટે ડિઝાઇન કરાયેલ પ્રાયોગિક પેલોડ્સ લઈ ગયું હતું. આ મિશનમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોના કસ્ટમર પેલોડ્સ અને ટેકનોલોજી પ્રદર્શનો પણ ઉડાવવામાં આવ્યા હતા, જે ભારતની વ્યાપારી પ્રક્ષેપણ ક્ષમતાઓમાં વૈશ્વિક અંતરિક્ષ સમુદાયના વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે 2020 માં રજૂ કરાયેલા ઐતિહાસિક સુધારાઓ પછી ભારતના અંતરિક્ષ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. થોડા વર્ષો પહેલા વર્ચ્યુઅલી કોઈ ખાનગી પ્રક્ષેપણ ઇકોસિસ્ટમ ન હોવા છતાં, આજે ભારતમાં 400થી વધુ સ્પેસ સ્ટાર્ટ-અપ્સ છે, તેનું પ્રથમ સ્પેસ યુનિકોર્ન છે, અને અંતરિક્ષ અર્થવ્યવસ્થા લગભગ 9 અબજ યુએસ ડોલર સુધી પહોંચી રહી છે, જેમાં આગામી દાયકામાં તેને આશરે 44 અબજ યુએસ ડોલર સુધી વિસ્તૃત કરવાનું રાષ્ટ્રીય વિઝન છે. તેમણે કહ્યું કે વિક્રમ-1 ની સફળતા દર્શાવે છે કે કેવી રીતે નીતિગત સુધારાઓ નવીનતાને વેગ આપી શકે છે, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સાહસો બનાવી શકે છે અને ભારતને વિશ્વના અગ્રણી અંતરિક્ષ ધરાવતા રાષ્ટ્રોમાં સ્થાન અપાવી શકે છે.

સંપૂર્ણપણે ભારતમાં બનેલ અને વિકસિત, વિક્રમ-1 એ દેશનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે જે લો અર્થ ઓર્બિટમાં 350 કિલોગ્રામ સુધીનું વજન સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આશરે 22 મીટર ઊંચું આ લોન્ચ વ્હીકલ કેટલીય સ્વદેશી તકનીકી સિદ્ધિઓ ધરાવે છે, જેમાં ભારતનું પ્રથમ ઓલ-કાર્બન કમ્પોઝિટ ઓર્બિટલ રોકેટ, તેના ઓર્બિટલ એડજસ્ટમેન્ટ મોડ્યુલને પાવર આપતું 100 ટકા 3D-પ્રિન્ટેડ લિક્વિડ એન્જિન, અદ્યતન અલ્ટ્રા-લો-શોક ન્યુમેટિક સેપરેશન સિસ્ટમ્સ અને દેશના સૌથી લાંબા મોનોલિથિક કાર્બન-કમ્પોઝિટ રોકેટ સ્ટેજીસમાંથી એકનો સમાવેશ થાય છે. આ સફળ મિશને મહત્વપૂર્ણ પ્રપોઝન, એવિઓનિક્સ, ટેલિમેટ્રી, નેવિગેશન અને ફ્લાઇટ-કંટ્રોલ સિસ્ટમ્સની ચકાસણી કરી છે, જે ભારતમાંથી ભવિષ્યની વ્યાપારી ઓર્બિટલ લોન્ચ સેવાઓ માટે મજબૂત પાયો નાખે છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિક્રમ-1નું સફળ પ્રક્ષેપણ માત્ર એક સિંગલ (એકલ) મિશનની સફળતા કરતાં ઘણું વધારે છે. તે એક નવા યુગના આગમનને ચિહ્નિત કરે છે જેમાં સાહસિક નીતિ સુધારાઓ અને મજબૂત જાહેર-ખાનગી સહયોગ દ્વારા સમર્થિત ભારતીય નવીનતા, વૈશ્વિક અંતરિક્ષ અર્થવ્યવસ્થાના ભવિષ્યને વધુને વધુ આકાર આપશે. તેમણે કહ્યું કે આ મિશન આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ ક્ષેત્રમાં એક વિશ્વાસુ, વિશ્વસનીય અને તકનીકી રીતે અદ્યતન ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે.

"ભારત માટે, આકાશ હવે મર્યાદા નથી," ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું.

 

SM/JY/JD


(रिलीज़ आईडी: 2286131) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Telugu , Malayalam