શ્રમ અને રોજગાર મંત્રાલય
EPFO એ નુકસાની/દંડ સંબંધિત વિવાદોના પરસ્પર ઉકેલ માટે "વિશ્વાસ, 2026" શરૂ કર્યું
प्रविष्टि तिथि:
17 JUL 2026 1:31PM by PIB Ahmedabad
શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ‘કર્મચારી ભવિષ્ય નિધિ અને પ્રકીર્ણ જોગવાઈઓ અધિનિયમ, 1952’ ની કલમ 14B અને ‘સામાજિક સુરક્ષા સંહિતા, 2020’ ની કલમ 128 હેઠળ નુકસાની/દંડ લાદવા સંબંધિત વિવાદોના સૌહાર્દપૂર્ણ નિપટારાની સુવિધા માટે એક વખતની વિવાદ નિવારણ પહેલ "VISHWAS, 2026" લોન્ચ કરી છે.
આ યોજનાને EPF સ્કીમ, 2026 ના ભાગ રૂપે 29 જૂન 2026 ના રોજ G.S.R. 525(E) દ્વારા અધિસૂચિત કરવામાં આવી છે અને તે 29 જૂન 2026 થી અમલમાં આવી છે. તે અધિસૂચનાની તારીખથી છ મહિનાની મુદત માટે કાર્યરત રહેશે.
VISHWAS, 2026 સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવા, દાવાઓ ઘટાડવા અને કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાની સાથે દંડ/નુકસાની સંબંધિત લાંબા સમયથી બાકી રહેલા વિવાદોના ઝડપી નિપટારાને સક્ષમ કરવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ યોજના એમ્પ્લોયર્સને એક પારદર્શક, સંપૂર્ણ ડિજિટલ અને સમયબદ્ધ પ્રક્રિયા દ્વારા પાત્ર કેસોનો ઉકેલ લાવવાની તક પૂરી પાડે છે.
આ યોજના મુખ્યત્વે ચાર શ્રેણીના કેસોને આવરી લે છે:
- એવા કેસો જ્યાં દંડ/નુકસાની માટેના આદેશો જ્યુડિશિયલ ફોરમ સમક્ષ પડકાર હેઠળ છે;
- આખરી નુકસાની/દંડના આદેશો જ્યાં વસૂલાત બાકી છે અથવા માત્ર અંશતઃ કરવામાં આવી છે, જેમાં રિકવરી સર્ટિફિકેટ (RRC) ના કેસો સામેલ છે;
- એવા કેસો જ્યાં નોટિસો જારી કરવામાં આવી છે પરંતુ નુકસાની/દંડ માટેના અંતિમ આદેશો હજુ પસાર થવાના બાકી છે; અને
- એવા કેસો જ્યાં દંડ/નુકસાની માટેની નોટિસો જારી કરવાની બાકી છે.
VISHWAS, 2026 હેઠળ, 14 જૂન 2024 પહેલાના સમયગાળા માટેની ડિફોલ્ટ સંબંધિત નુકસાની/દંડની ગણતરી નોંધપાત્ર રીતે ઘટાડેલા દરે ફરીથી કરવામાં આવશે, એટલે કે બે મહિના સુધીના ડિફોલ્ટ માટે દર મહિને 0.25%, બે થી ચાર મહિના કરતા ઓછા સમયના ડિફોલ્ટ માટે દર મહિને 0.50%, અને ચાર મહિનાથી વધુના ડિફોલ્ટ માટે દર મહિને 1.00%. આ રાહત દરો એમ્પ્લોયર્સને બાકી રહેલા વિવાદોનો સત્વરે ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આશય ધરાવે છે.
યોજનાના લાભો મેળવવા માટે, એમ્પ્લોયર્સે અરજી સબમિટ કરતા પહેલા EPF & MP એક્ટ, 1952 ની કલમ 7Q અથવા સામાજિક સુરક્ષા સંહિતા, 2020 ની કલમ 127 હેઠળ ચૂકવવાપાત્ર સંપૂર્ણ વ્યાજ સંપૂર્ણપણે જમા કરાવેલ છે તેની ખાતરી કરવાની રહેશે. અરજદારોએ એવી બાંહેધરી પણ આપવાની રહેશે કે યોજના હેઠળ નિકાલ કરવામાં આવેલા વિવાદ સંબંધમાં આગળ કોઈ અપીલ કરવામાં આવશે નહીં.
આ યોજનામાં નુકસાની અથવા દંડ પેટે અગાઉ ચૂકવેલી રકમના એડજસ્ટમેન્ટ, અપીલ ફાઇલ કરવા માટે કરવામાં આવેલી વૈધાનિક પ્રી-ડિપોઝિટના નિયમન અને બાકી કેસોના ન્યાયી અને પારદર્શક રીતે નિકાલ અંગેની વિગતવાર જોગવાઈઓ છે. જો કે, જે સ્થાપનોમાં દંડ/નુકસાની અગાઉથી પૂરેપૂરી વસૂલ કરવામાં આવી છે, છેતરપિંડી, ગોટાળા અથવા રેકોર્ડમાં ઇરાદાપૂર્વક ખોટી માહિતી આપવાના કેસો, અને એવા કેસો કે જ્યાં લાગુ પડતું વૈધાનિક વ્યાજ સંપૂર્ણપણે જમા કરવામાં આવ્યું નથી તેમને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
VISHWAS, 2026 હેઠળની અરજીઓ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) અથવા e-Sign નો ઉપયોગ કરીને EPFO એમ્પ્લોયર પોર્ટલ દ્વારા ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. આ પ્રક્રિયા ફાઇલિંગમાં સરળતા, ઓનલાઈન ચકાસણી, ડિજિટલ પ્રોસેસિંગ અને વ્યાખ્યાયિત સમયમર્યાદામાં સેટલમેન્ટ ઓર્ડર જારી કરવાનું સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
સરળ અમલીકરણની સુવિધા માટે, EPFO એ તેની તમામ ઝોનલ, પ્રાદેશિક અને જિલ્લા કચેરીઓને વિગતવાર ઓપરેશનલ માર્ગદર્શિકા જારી કરી છે. એમ્પ્લોયરોને સહાય કરવા, અરજીઓનો ઝડપથી નિકાલ કરવા અને સમયસર સેટલમેન્ટ સુનિશ્ચિત કરવા માટે તમામ ફિલ્ડ ઓફિસોમાં સમર્પિત VISHWAS સેલ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. યોજનાનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે ઝોનલ અને હેડ ઓફિસ સ્તરે નિયમિત દેખરેખ રાખવામાં આવશે.
EPFO તમામ પાત્ર એમ્પ્લોયર્સને બાકી રહેલા નુકસાની અથવા દંડ-સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવા, પાલન નિયમિત કરવા અને વધુ કાર્યક્ષમ અને મુકદ્દમા-મુક્ત સામાજિક સુરક્ષા વહીવટમાં યોગદાન આપવા માટે આ એક વખતની તકનો પૂરો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે.
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2285678)
आगंतुक पटल : 14