શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બ્રિક્સ સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી; શ્રમ, કૌશલ્ય અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મજબૂત સહયોગ માટે આહ્વાન કર્યું

प्रविष्टि तिथि: 15 JUL 2026 8:57PM by PIB Ahmedabad

ભારતની બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા 2026 હેઠળ હૈદરાબાદમાં 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રમ, રોજગાર અને સામાજિક સુરક્ષા સંબંધિત મુખ્ય મુદ્દાઓ કે જે કાર્યના ભવિષ્યને આકાર આપી રહ્યા છે, તેના પર વિચાર-વિમર્શ કરવા માટે બ્રિક્સ દેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓ, પ્રતિનિધિમંડળના વડાઓ, એમ્પ્લોયર્સ અને કામદારોના સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ નોલેજ પાર્ટનર્સ એકઠા થયા હતા.

આ બેઠક બાદ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્ડોનેશિયા, ઇરાન, રશિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યોરિટી એસોસિએશન (ISSA) ના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.

નેતાઓએ શ્રમ બજારોને વધુ સમાવેશી અને કાર્યક્ષમ બનાવવા માટે ડિજિટલ સોલ્યુશન્સનો ઉપયોગ કરવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ભારતે સામાજિક સુરક્ષા, રોજગાર સેવાઓ અને આંતરરાષ્ટ્રીય શ્રમ ગતિશીલતાને પ્રોત્સાહન આપતા અગ્રણી ડીપીઆઈ (DPI) તરીકે ભારતના ઇ-શ્રમ (e-Shram) અને નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર પ્રકાશ પાડ્યો હતો. કૌશલ્ય વિકાસ, વર્કફોર્સ પ્લાનિંગ (કાર્યબળનું આયોજન) અને ડિજિટલ નવીનતા (ઇનોવેશન) માં સહયોગને પ્રોત્સાહન આપવા માટે 'બ્રિક્સ કનેક્ટ' (BRICS CONNECT) દ્વારા દક્ષિણ-દક્ષિણ (સાઉથ-સાઉથ) સહયોગને મજબૂત કરવા પર પણ ચર્ચાઓ કેન્દ્રિત કરવામાં આવી હતી.

ડૉ. અબ્દુલ રહેમાન અલ અવાર (Minister of Human Resources and Emiratisation, UAE): ચર્ચાઓ શ્રમ ગતિશીલતાને મજબૂત કરવા અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) માં ભારતીય પ્રગતિ તેમજ આ ક્ષેત્રમાં વધુ સહયોગની સંભાવનાઓ પર કેન્દ્રિત હતી. યુએઈ (UAE) ને વ્યવસાયોના આંતરરાષ્ટ્રીય સંદર્ભ વર્ગીકરણના વિકાસ માટે ચાલી રહેલા ભારત-આઈએલઓ (India-ILO) સંભવિતતા અભ્યાસ (ફિઝિબિલિટી સ્ટડી) નો હિસ્સો બનવા માટે પણ આમંત્રિત કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે સુસંગત વ્યાવસાયિક વર્ગીકરણ માળખું વિકસાવવામાં સહયોગી પ્રયાસોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

શ્રી એન્ટોન કોત્યાકોવ (શ્રમ અને સામાજિક સુરક્ષા મંત્રી, રશિયા): વધુ નીતિવિષયક સંવાદ, કૌશલ્ય વિકાસમાં સહયોગ અને શ્રમ બજારના શાસન માટે ડિજિટલ સોલ્યુશન્સ શેર કરવા દ્વારા રોજગાર અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે ભારત-રશિયા જોડાણને વધારવા પર ચર્ચાઓ કેન્દ્રિત રહી હતી. રશિયાને વ્યવસાયોના આંતરરાષ્ટ્રીય સંદર્ભ વર્ગીકરણના વિકાસ માટે ભારત-આઈએલઓ સંભવિતતા અભ્યાસમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યું હતું. આગળ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે બંને દેશો વચ્ચે સામાજિક સુરક્ષા કરાર (SSA) પર હસ્તાક્ષર કરવાની સંભાવનાઓ પણ શોધી શકાય છે.

શ્રી યાસિઅરલી (માનવશક્તિ મંત્રી, ઇન્ડોનેશિયા): આ બેઠક રોજગાર, કાર્યબળ વિકાસ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં ભારત-ઇન્ડોનેશિયા સહયોગ વિસ્તારવા પર કેન્દ્રિત હતી. ભારતે ડિજિટલ પબ્લિક ગુડ્સના વિકાસમાં તેના અનુભવો શેર કરવાની ઓફર કરી હતી અને શ્રમ તેમજ રોજગાર સેવાઓને મજબૂત કરવા માટે ડિજિટલ ટેકનોલોજીનો લાભ લેવામાં ઇન્ડોનેશિયા સાથે સહયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મહામહિમ ડૉ. અહમદ મેદારી (સહકારી, શ્રમ અને સામાજિક કલ્યાણ મંત્રી, ઇરાન): આ બેઠકે રોજગાર, શ્રમ વહીવટ અને ડિજિટલ પરિવર્તનના ક્ષેત્રોમાં ભારત-ઇરાન સહયોગને ગાઢ બનાવવાની તકોની સમીક્ષા કરી હતી. ભારતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં તેનો અનુભવ શેર કર્યો હતો અને શ્રમ તેમજ રોજગાર સેવાઓને મજબૂત કરવા માટે ટેકનોલોજી-આધારિત ઉકેલો અપનાવવાની ગતિ વધારવા માટે ઇરાન સાથે સહયોગ કરવાની તેની તત્પરતા વ્યક્ત કરી હતી.

ડૉ. મોહમ્મદ અઝમાન (ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યોરિટી એસોસિએશન): સામાજિક સુરક્ષા પ્રણાલીઓને આગળ વધારવામાં અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે ભારત અને આઈએસએસએ (ISSA) વચ્ચે સહયોગ મજબૂત કરવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. માનનીય મંત્રીએ વર્ષ 2025 માં સામાજિક સુરક્ષા કવરેજના વિસ્તરણમાં ભારતની ઉત્કૃષ્ટ સિદ્ધિઓની માન્યતામાં એનાયત કરાયેલા આઈએસએસએ (ISSA) એવોર્ડ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે ભારતમાં સામાજિક સુરક્ષા કવરેજ હવે 2026 માં એક અબજ (1,000 મિલિયન) લોકોને વટાવી ગયું છે, જે સાર્વત્રિક અને સર્વસમાવેશક સામાજિક સુરક્ષા પ્રત્યે સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

એકંદરે, દ્વિપક્ષીય બેઠકો અને વ્યસ્તતાઓએ વહેવારુ સહયોગને આગળ વધારવા, શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાન અને સમાવેશી, સ્થિતિસ્થાપક તેમજ ભવિષ્ય માટે સજ્જ શ્રમ બજારોના વિકાસ માટેના પ્લેટફોર્મ તરીકે 'બ્રિક્સ કનેક્ટ' (BRICS CONNECT) માટેના વ્યાપક સમર્થન પર વધુ ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે દ્વારા યોજાયેલી દ્વિપક્ષીય બેઠકોમાં નીચે મુજબના મુદ્દાઓ ઉભરી આવ્યા હતા.

મહામહિમ શ્રી ફ્રાન્સિસ્કો મેસેના દા સિલ્વા (શ્રમ અને રોજગાર નાયબ મંત્રી, બ્રાઝિલ સંઘીય પ્રજાસત્તાક): કૌશલ્ય વિકાસ, ડિજિટલ રોજગાર સેવાઓ, શ્રમ બજાર માહિતી પ્રણાલીઓ અને સામાજિક સુરક્ષામાં સહયોગ દ્વારા ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. વ્યવસાયોના આંતરરાષ્ટ્રીય સંદર્ભ વર્ગીકરણ માટે ચાલી રહેલા સંભવિતતા અભ્યાસમાં બ્રાઝિલની ભાગીદારીની પ્રશંસા કરવામાં આવી હતી અને બંને પક્ષોએ જ્ઞાનની વહેંચણી અને ક્ષમતા નિર્માણ દ્વારા 'બ્રિક્સ કનેક્ટ' ને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા પુનઃપુષ્ટ કરી હતી.

મહામહિમ શ્રી યુ જિયાદોંગ (નાયબ મંત્રી, માનવ સંસાધન અને સામાજિક સુરક્ષા મંત્રાલય, ચીન): ભવિષ્યના કૌશલ્યો, ડિજિટલ રોજગાર સેવાઓ, શ્રમ બજાર શાસન અને સામાજિક સુરક્ષામાં સહયોગ વધારવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. મહિલાઓની કાર્યબળમાં ભાગીદારી વધારવા અને શ્રમ શાસન માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટેની ભારતની પહેલોને સ્વીકારવામાં આવી હતી. બંને પક્ષોએ 'બ્રિક્સ કનેક્ટ' ને આગળ વધારવા અને સમાવેશી તેમજ ભવિષ્ય માટે સજ્જ શ્રમ બજારોને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતા પણ પુનઃપુષ્ટ કરી હતી.

જાહેરાતના સફળ સ્વીકાર અને 'બ્રિક્સ કનેક્ટ' ની શરૂઆત શ્રમ અને રોજગાર ક્ષેત્રે બ્રિક્સ સહયોગને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આ બેઠક સામાજિક ન્યાય, યોગ્ય રોજગારી, નવીનતા, સ્થિતિસ્થાપકતા અને સૌના માટે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપતી કાર્યકારી દુનિયા માટે સામૂહિક રીતે કામ કરવાનું ચાલુ રાખવાના સહિયારા સંકલ્પ સાથે સમાપ્ત થઈ હતી.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2285166) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English