સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

KVIC ના ચેરમેન શ્રી મનોજ ગોયલે ભારતના સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ ઇવેન્ટ 'ભારત ટેક્સ 2026' માં 'ખાદી ઇન્ડિયા પેવેલિયન' નું ઉદ્ઘાટન કર્યું અને મુલાકાત લીધી


KVIC ના ચેરમેને ઇનોવેશન અને સમકાલીન ડિઝાઇનને રેખાંકિત કરતા, 'નવા ભારતની નવી ખાદી' ના આધુનિક અર્થઘટનની પ્રશંસા કરી

KVIC ના ચેરમેને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ, ખાદી ભારતનો સમૃદ્ધ વારસો, આત્મનિર્ભરતા, ટકાઉ વિકાસ અને ગ્રામીણ આજીવિકાના સશક્તિકરણના એક શક્તિશાળી પ્રતીક તરીકે ઉભરી આવી છે

प्रविष्टि तिथि: 15 JUL 2026 12:56PM by PIB Ahmedabad

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) ના ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC)ના ચેરમેન શ્રી મનોજ ગોયલે મંગળવારે ભારત ટેક્સ 2026 ના હોલ નંબર 10માં 'ખાદી ઇન્ડિયા પેવેલિયન' નું ઉદ્ઘાટન કર્યું હતું અને પેવેલિયનનું નિરીક્ષણ કરીને પ્રદર્શકો, કારીગરો અને ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. ભારત ટેક્સ 2026, ભારતનો સૌથી મોટો વૈશ્વિક ટેક્સટાઇલ્સ ઇવેન્ટ, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહ્યો છે. KVIC દ્વારા સ્થાપિત આ પેવેલિયન, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોની વ્યાપક શ્રેણી, ડિઝાઇન-આધારિત ઇનોવેશન અને દેશભરની ખાદી સંસ્થાઓ દ્વારા પ્રસ્તુત વિશિષ્ટ કલેક્શન પ્રદર્શિત કરે છે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી ગોયલે વિવિધ રાજ્યોની ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને કારીગરો સાથે વાતચીત કરી હતી અને તેમના અનુભવો તેમજ ઇનોવેશન્સ વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે KVIC અને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખાદી (CoEK) ના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી મનોજ ગોયલે ખાદી હોમ લીનન અને હોમ ડેકોર ઉત્પાદનો, સમકાલીન વસ્ત્રો, ઇનોવેશન-આધારિત ખાદી ઉત્પાદનો અને ખાદી ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પરંપરાગત સાધનોની વ્યાપક શ્રેણીનું અવલોકન કર્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ, ખાદી—મહાત્મા ગાંધીનો વારસો—એક ફેબ્રિક તરીકેની તેની પરંપરાગત ઓળખથી આગળ વધીને ભારતનો સમૃદ્ધ વારસો, આત્મનિર્ભરતા, ટકાઉપણું)  અને લાખો ગ્રામીણ કારીગરોના સશક્તિકરણનું એક શક્તિશાળી પ્રતીક બની ગઈ છે.

ચેરમેને પશ્ચિમ બંગાળની ઘોરાનાશ સિલ્ક ખાદી ગ્રામોદ્યોગ સમિતિ દ્વારા પ્રદર્શિત 'મૂલા' જામદાની સાડી અને એપેરલ (વસ્ત્ર) કલેક્શન પર વિશેષ ધ્યાન આપ્યું હતું. સંસ્થાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતી વખતે, તેમણે પરંપરાગત જામદાની વણવાની તકનીકને સમકાલીન ડિઝાઇન સાથે જોડવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે આવા ઇનોવેશન્સ વૈશ્વિક બજારમાં ભારતીય ખાદી અને હસ્તકલા માટે નવી ઓળખ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે, તે આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ અને વિકસિત ભારત 2047 ના વિઝનને સાકાર કરવા માટે એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદી માત્ર એક ફેબ્રિક નથી પરંતુ તે લાખો કારીગરો અને વણકરોની આજીવિકા, ભારતનો સાંસ્કૃતિક વારસો અને ટકાઉ વિકાસ માટેની તેની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

KVIC ના ચેરમેને જણાવ્યું હતું કે ખાદી ઇન્ડિયા પેવેલિયન દર્શાવે છે કે કેવી રીતે સંશોધન, ડિઝાઇન અને ઇનોવેશન દ્વારા, નવી પેઢીની પસંદગીઓ અને વૈશ્વિક બજારની જરૂરિયાતોને અનુરૂપ 'નવા ભારતની નવી ખાદી' તૈયાર કરવામાં આવી રહી છે. આજે ખાદી વસ્ત્રોથી ઘણી આગળ વિસ્તરી ચૂકી છે અને તેણે સમકાલીન જીવનશૈલીના ઉત્પાદનો અને વૈશ્વિક ફેશન ઉદ્યોગમાં એક વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

ખાદી ઇન્ડિયા પેવેલિયન "ખાદી રીઇમેજિન્ડ: ટ્રેડિશન ફોર કન્ટેમ્પરરી લિવિંગ" થીમ હેઠળ ખાદીના વિવિધ આયામો દર્શાવે છે. પેવેલિયનની મુખ્ય આકર્ષણોમાં સમકાલીન હોમ ડેકોર પ્રોડક્ટ્સ, સ્વદેશી ફાઇબર્સ પર આધારિત ઇનોવેશન્સ, પરંપરાગત ખાદી સાધનોનું પ્રદર્શન અને "નવા ભારતની નવી ખાદી – ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન, ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન" થીમ હેઠળ યુવા પેઢી માટે વિકસાવવામાં આવેલી નવી ખાદી પ્રોડક્ટ્સની વિશિષ્ટ શ્રેણીનો સમાવેશ થાય છે.

એક નિવેદનમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સ્વપ્નદ્રષ્ટા વિચારસરણી અને નીતિઓના પરિણામે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. નાણાંકીય વર્ષ 2025–26 દરમિયાન, આ ક્ષેત્રે રૂ.1.87 લાખ કરોડથી વધુનું ટર્નઓવર નોંધાવ્યું છે, જ્યારે દેશભરમાં 2.04 કરોડ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રનો સતત વિકાસ તેને આગામી વર્ષોમાં રૂ.2.51 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવા માટે સક્ષમ બનાવશે.

ભારત ટેક્સ 2026 નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે 14 થી 17 જુલાઈ 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. આ વૈશ્વિક ઇવેન્ટે ભારત અને વિદેશના હજારો ખરીદદારો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ડિઝાઇનર્સ, સાહસિકો અને નીતિ નિર્માતાઓને એક મંચ પર એકત્રિત કર્યા છે. ખાદી ઇન્ડિયા પેવેલિયન દ્વારા, KVIC વૈશ્વિક શ્રોતાઓ સમક્ષ ભારતનો સમૃદ્ધ ખાદી વારસો, ઇનોવેશન, ડિઝાઇન શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને અસરકારક રીતે પ્રદર્શિત કરી રહ્યું છે.

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2284739) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Kannada