સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રક્ષા સચિવ અને જાપાનના આંતરરાષ્ટ્રીય બાબતોના સંરક્ષણ ઉપમંત્રીએ ટોક્યોમાં 8મી ભારત-જાપાન સંરક્ષણ નીતિ વાર્તાની સહ-અધ્યક્ષતા કરી


મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી

प्रविष्टि तिथि: 13 JUL 2026 2:27PM by PIB Ahmedabad

ભારત અને જાપાન વચ્ચે 13 જુલાઈ 2026 ના રોજ જાપાનના ટોક્યો ખાતે 8મો સંરક્ષણ નીતિ સંવાદ યોજાયો હતો. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રક્ષા સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને જાપાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય બાબતોના સંરક્ષણ ઉપમંત્રી શ્રી કાનો કોજી દ્વારા કરવામાં આવ્યું હતું. બંને પક્ષોએ અગાઉની સંરક્ષણ નીતિ વાર્તા પછી દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી હતી અને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને દેશોએ પ્રવર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા વાતાવરણ પર વ્યાપક ચર્ચા કરી હતી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. આ વાર્તા દરમિયાન લશ્કર-થી-લશ્કર આદાનપ્રદાન, સંયુક્ત મુખ્યાલયો વચ્ચે સહયોગ, દરિયાઈ સહયોગ, સંરક્ષણ કવાયતો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ ટેકનોલોજી સહિત સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી સહયોગ અને સંસ્થાકીય ક્રિયાપ્રતિક્રિયાઓમાં વધારો કરવા સહિતના દ્વિપક્ષીય સંરક્ષણ જોડાણોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

બંને પક્ષોએ સંરક્ષણ સહયોગના સતત થઈ રહેલા વિસ્તરણને આવકાર્યું હતું અને નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન તથા વાર્તા પ્રણાલી જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ ચાલુ વર્ષના અંતમાં યોજાનારી 2+2 બેઠક સહિત આગામી મંત્રી સ્તરની મુલાકાતોના સંભવિત પરિણામો અંગે ચર્ચા કરી હતી.

બંને પ્રતિનિધિમંડળોએ સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, તકનીકી નવીનતા (ટેકનોલોજીકલ ઇનોવેશન), સાયબર સુરક્ષા, અવકાશ અને સહિયારા વ્યૂહાત્મક હિતના અન્ય ક્ષેત્રો સહિત ઉભરતા ક્ષેત્રોમાં સહકારને વધુ ઊંડો બનાવવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી. બંને પક્ષોએ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર ભારત અને જાપાન વચ્ચે વધી રહેલી સમાનતા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઈન્ડો-પેસિફિકમાં નજીકથી કામ કરવાનું જાળવી રાખવા સંમતિ વ્યક્ત કરી હતી. તેઓએ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેના આદર પર આધારિત મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

રક્ષા સચિવે સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથે જાપાનના સતત જોડાણની પ્રશંસા કરી હતી અને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના માળખા હેઠળ વ્યવહારિક સહયોગને મજબૂત કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી કાનો કોજીએ અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં ભારત સાથે સંરક્ષણ સંબંધોને વધુ વિસ્તૃત કરવાની જાપાનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ અગાઉ દિવસ દરમિયાન, રક્ષા સચિવે જાપાનના સંરક્ષણ મંત્રી શ્રી શિન્જીરો કોઇઝુમી સાથે મુલાકાત કરી હતી અને રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને પક્ષોએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની વધી રહેલી ગતિને પુનઃપુષ્ટ કરી હતી. તેમણે જાપાનના સંરક્ષણ મંત્રીને વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે રક્ષા મંત્રી વતી આમંત્રણ પણ પાઠવ્યું હતું.

રક્ષા સચિવે ટોક્યોમાં સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસ મેમોરિયલ સ્ટોન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને પોતાની મુલાકાતની શરૂઆત કરી હતી અને પોતાના દેશની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા જાપાન સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે વધી રહેલા અને ઊંડા થતા સંરક્ષણ સંબંધો, પરસ્પર આદર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા તરફની સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

 

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2284077) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi