PIB Backgrounder
azadi ka amrit mahotsav

પ્લેરૂમ્સથી વૈશ્વિક બજારો સુધી: ટોય બિઝ 2026માં ભારતની ટોય સ્ટોરી

प्रविष्टि तिथि: 07 JUL 2026 7:12PM by PIB Ahmedabad

જ્યાં કલ્પના અને ઉદ્યોગનો મિલાપ થાય છે

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FTJX.png

ભારત મંડપમ ખાતે યોજાયેલા 17મા ટોય બિઝ ઇન્ટરનેશનલ B2B એક્સ્પોમાં વધુ એક ઉત્સાહભર્યો દિવસ જોવા મળ્યો. પ્રદર્શન હોલમાં પ્રવેશતા મુલાકાતીઓનું રંગબેરંગી પઝલ્સ, STEM કિટ્સ, બાંધકામ વાહનોના રમકડાં અને શૈક્ષણિક રમકડાં દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ખરીદદારો, રિટેલર્સ, ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકો એક સ્ટોલથી બીજા સ્ટોલ પર જઈને વિવિધ ઉત્પાદનોનું અવલોકન કરતાં અને પરસ્પર વિચારોની આપ-લે કરતાં સમગ્ર પ્રદર્શન સ્થળે સક્રિય જોવા મળ્યા હતા.

વહેલી સવારની વ્યાપારિક બેઠકોથી લઈને લાઈવ પ્રોડક્ટ પ્રદર્શનો સુધી, આ દિવસ ખૂબ જ ઉત્સાહભર્યા વેગ સાથે આગળ વધ્યો. શાળાના પ્રતિનિધિઓએ શિક્ષણ સહાયક સામગ્રીઓનું પરીક્ષણ કર્યું, વિદેશી ખરીદદારોએ નિકાસની તકો વિશે ચર્ચા કરી, જ્યારે ઉદ્યોગસાહસિકોએ ઉત્સાહપૂર્વક તેમની નવીનતમ શોધ રજૂ કરી. ઉત્પાદન ડિઝાઇન, ઉત્પાદન, નિકાસ અને ઇનોવેશનની આસપાસ જ બધી ચર્ચાઓ કેન્દ્રિત હતી, જે ભારતના રમકડા ઉદ્યોગની વધતી જતી વિવિધતા દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00463KW.jpg

આ સંદેશ એકદમ સરળ છે: રમકડાંને હવે માત્ર રમવા માટેની ચીજવસ્તુઓ તરીકે જોવામાં આવતા નથી. સમગ્ર પ્રદર્શન સ્થળ પર એ સ્પષ્ટ દેખાતું હતું કે રમકડાં હવે શિક્ષણ, સર્જનાત્મકતા અને ઇનોવેશન માટેના સાધનો તરીકે ઉભરી આવ્યા છે. આ સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારતીય બ્રાન્ડ્સ બનાવવા પર સરકારના સતત ભારને પ્રતિબિંબિત કરે છે. અહીં માત્ર વિચારોનું પ્રદર્શન જ નહોતું, પરંતુ તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું, તેના પર ચર્ચા થઈ અને તેને વર્ગખંડો, ઘરો તેમજ વિશ્વભરના બજારો માટે ઉપયોગી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા.

ઇનોવેશન અને સાહસિકતાની આ જ ભાવના દ્વારા આ પ્રદર્શન એક પરંપરાગત વ્યાપાર મેળાથી આગળ વધે છે. સમગ્ર ભારત અને વિદેશમાંથી ઉત્પાદકો, સ્ટાર્ટઅપ્સ, શિક્ષકો, ડિઝાઇનર્સ, રિટેલર્સ અને નિકાસકારોને એકસાથે લાવીને, ટોય બિઝ દેશની વિસ્તરતી રમકડાંની ઇકોસિસ્ટમને પ્રતિબિંબિત કરે છે.

પ્રદર્શનના દરેક માર્ગમાં એક અલગ જ વાર્તા જોવા મળે છે. આ તમામ મળીને એવા ઉદ્યોગનું ચિત્ર રજૂ કરે છે, જે પરંપરાગત કારીગરી, આધુનિક ટેક્નોલોજી અને સ્વદેશી ઉત્પાદનને વૈશ્વિક મહત્વાકાંક્ષા સાથે સફળતાપૂર્વક સતત આગળ વધી રહ્યો છે.

ફેક્ટરીના ફ્લોરથી પ્રદર્શન હોલ સુધી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005NGBD.jpg

આ પ્રદર્શનમાં સૌથી વ્યસ્ત સ્ટોલ પૈકીનો એક બેટરીથી ચાલતા બાંધકામના વાહનો, રમકડાંની ટ્રકો અને રિમોટ-કંટ્રોલ મશીનો પ્રદર્શિત કરનારો છે. મુલાકાતીઓ લાઈવ પ્રદર્શનો જોવા માટે થોભે છે જ્યારે રિટેલર્સ ડિઝાઇનની તુલના કરે છે અને પ્રદર્શકો સાથે વ્યાપારની તકો વિશે ચર્ચા કરે છે.

કેન્દ્રમાં vu toys - ધ ઇન્ડિયન ટોય્ઝ કંપની છે. તે જયપુર સ્થિત કંપની છે જેણે છેલ્લા ચાર વર્ષ ભારતીય રમકડા બજારમાં પોતાની હાજરી મજબૂત કરવામાં વિતાવ્યા છે. પ્રદર્શનમાં રાખવામાં આવેલી પ્રોડક્ટ્સની રંગબેરંગી શ્રેણી તરફ ઈશારો કરતા કંપનીના સ્થાપક અને સીઈઓ શ્રી પંકજ શર્મા કહે છે, "તમે અહીં જે કંઈ પણ જુઓ છો તે ભારતમાં બનેલું છે. મોલ્ડ બનાવવાથી લઈને ઇન્જેક્શન મોલ્ડિંગ સુધીનું બધું જ અમારા દ્વારા કરવામાં આવે છે." કંપનીની સંપૂર્ણ સંકલિત ઉત્પાદન પ્રક્રિયાએ તેને સતત પોતાની બ્રાન્ડ બનાવવામાં મદદ કરી છે. ટોય બિઝ દેશભરના ખરીદદારો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

કંપનીના વિકાસને માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસ માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ (CGTMSE) જેવી પહેલો દ્વારા પણ ટેકો મળ્યો છે. તેણે ઉત્પાદન વિસ્તરણ સક્ષમ બનાવ્યું, જ્યારે પ્રદર્શનમાં ભાગ લેવા માટે સરકારના સમર્થને ઉત્પાદનોને વિશાળ પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં મદદ કરી.

બજારની ગતિશીલતા તરફ ચર્ચા વળતાં, શ્રી શર્મા અન્ય એક દ્રશ્યમાન પરિવર્તન તરફ ઈશારો કરે છે. "અગાઉ, મોટાભાગના રમકડાં આયાત કરવામાં આવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ ભારતની તરફેણમાં બદલાઈ રહી છે. આજે, ભારતીય ઉત્પાદકો સ્પર્ધાત્મક ભાવો પર ઉચ્ચ ગુણવત્તાવાળા રમકડાંનું ઉત્પાદન કરી રહ્યા છે," તેઓ કહે છે. આ ઘણા પ્રદર્શકો દ્વારા વ્યક્ત કરાયેલા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે જેઓ સ્વદેશી બ્રાન્ડ્સ માટે વધતી તકો જોઈ રહ્યા છે.

જ્યાં શિક્ષણ અને રમતનો મિલાપ થાય છે

હોલની બરાબર સામે જ વાતાવરણ બદલાઈ જાય છે. મુલાકાતીઓ લાકડાના પઝલ્સ, એક્ટિવિટી કીટ્સ અને શૈક્ષણિક રમતોની શોધખોળ કરવા માટે થોભે છે, અને શિક્ષણને વધુ આકર્ષક, પરસ્પર સંવાદાત્મક (interactive) અને આનંદપ્રદ બનાવવાની નવીન રીતો શોધે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006TTF2.jpg

પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં મુંબઈ સ્થિત EDu Edge કંપની પણ સામેલ છે, જે પ્રી-સ્કૂલ અને પ્રારંભિક શિક્ષણ માટેના રમકડાં બનાવવામાં વિશેષતા ધરાવે છે. કંપનીના સ્થાપક અને ડાયરેક્ટર શ્રીમતી બેલા દેસાઈ જણાવે છે કે તેમની કંપનીની સફરને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાંથી પ્રેરણા મળી છે. લગભગ 16 નવા STEM અને પર્યાવરણમૈત્રી શૈક્ષણિક રમકડાં રજૂ કરતાં તેઓ કહે છે, "અમારું મુખ્ય ધ્યાન હંમેશાં એવા રમકડાં બનાવવાનું રહ્યું છે, જે બાળકોને રમતાં-રમતાં શીખવામાં મદદ કરે. આ વર્ષે અમે શિક્ષણને વધુ ઇન્ટરેક્ટિવ અને રસપ્રદ બનાવે તેવા અનેક નવા ઉત્પાદનો રજૂ કર્યા છે."

શ્રીમતી બેલા દેસાઈના જણાવ્યા મુજબ, ટોય બિઝ જેવા પ્રદર્શનો શાળાઓ અને શિક્ષણવિદો સાથે સીધો સંવાદ સાધવાની ઉત્તમ તક પૂરી પાડે છે. તેઓ કહે છે, "આવા પ્રદર્શનોમાં ભાગ લેવા માટે સરકાર તરફથી MSME એકમોને મળતું સમર્થન મુસાફરી અને પ્રદર્શનના ખર્ચનું સંચાલન કરવામાં મદદરૂપ બને છે. તેના કારણે અમને વધુ મોટો સ્ટોલ મેળવવાની અને વધુ વિવિધ પ્રકારના ઉત્પાદનો રજૂ કરવાની તક મળે છે. આ સહયોગ અમને નવીનતા લાવવા, વધુ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવા અને બજારમાં અમારી હાજરી વિસ્તૃત કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "દરેક ઉત્પાદન ભારતમાં બનાવવામાં આવ્યું છે, જે સ્વદેશી ઉત્પાદન પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્થાનિક બજારમાં સેવા આપવાની સાથે, આ એન્ટરપ્રાઇઝ યુરોપમાં પણ પોતાના શૈક્ષણિક રમકડાંની નિકાસ કરે છે. આ ભારતમાં બનેલા શૈક્ષણિક ઉત્પાદનોની વધતી જતી વૈશ્વિક આકર્ષણ શક્તિ દર્શાવે છે."

સ્ટોલની આસપાસ વધી રહેલો રસ અનુભવાત્મક અને રમત-આધારિત શિક્ષણ તરફના વ્યાપક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. શૈક્ષણિક રમતો, સાયન્સ કીટ્સ અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ ટૂલ્સ સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની ક્ષમતા (problem-solving) ને પ્રોત્સાહન આપવા માટે વધુને વધુ ઓળખાઈ રહ્યા છે. આ બાળકો માટે શિક્ષણને વધુ આકર્ષક અને અર્થપૂર્ણ બનાવે છે.

ઇનોવેશનને નવું મંચ મળ્યું

થોડે આગળ વધતાં, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોનિક STEM કીટ્સ જિજ્ઞાસુ મુલાકાતીઓના અન્ય એક જૂથને આકર્ષિત કરે છે. શિક્ષકો, વિતરકો અને વિદેશી ખરીદદારો લાઈવ પ્રદર્શનોની આસપાસ એકઠા થાય છે, અને વિજ્ઞાન, ટેક્નોલોજી અને શિક્ષણનું મિશ્રણ કરતા ઉત્પાદનોની શોધખોળ કરે છે.

આ ચર્ચાની આગેવાની ડૉ. મેડીઝ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ શ્રી અનિર્બાન ગુપ્તા કરી રહ્યા છે. તે 14 વર્ષ જૂની કોલકાતા સ્થિત કંપની છે, જે શૈક્ષણિક અને ઇલેક્ટ્રોનિક રમકડાંમાં વિશેષતા ધરાવે છે. લર્નિંગ કીટ્સમાંથી એક હાથમાં લેતા શ્રી ગુપ્તા કહે છે, "ઇલેક્ટ્રોનિક સર્કિટ ડિઝાઇન અને ટૂલિંગથી લઈને મોલ્ડ ડેવલપમેન્ટ સુધી, ઉત્પાદનના દરેક તબક્કા અમારી ઇન-હાઉસ ફેક્ટરીમાં જ હાથ ધરવામાં આવે છે. મોલ્ડ પણ અમારી ફેક્ટરીમાં જ બનાવવામાં આવે છે." વર્ષોના ઇનોવેશનને કારણે કંપનીએ કેટલાક પેટન્ટ્સ, ડિઝાઇન રજીસ્ટ્રેશન અને કોપીરાઇટ્સ પણ મેળવ્યા છે. આ ભારતના રમકડા ઉદ્યોગમાં બૌદ્ધિક સંપદાના વધતા મહત્વ પર પ્રકાશ પાડે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007GIJ3.jpg

આજે કંપનીની પ્રોડક્ટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, દુબઈ અને મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ થાય છે. આ પ્રદર્શનની સફરને યાદ કરતા શ્રી ગુપ્તા કહે છે, "જ્યારે અમે પહેલીવાર ભાગ લીધો હતો, ત્યારે આશરે 60 થી 65 સ્ટોલ હતા. આજે, અહીં 400થી વધુ સ્ટોલ છે." તેમના માટે, આ પરિવર્તન ભારતના રમકડા ઉત્પાદન ઇકોસિસ્ટમના ઝડપી વિકાસને પ્રતિબિંબિત કરે છે.

તેઓ માને છે કે આ ઉદ્યોગનો આગામી તબક્કો સતત સરકારી સમર્થન દ્વારા ઇનોવેશન અને બૌદ્ધિક સંપદા માટેના મજબૂત સમર્થન પર આધારિત છે. ઉત્પાદકો સંશોધન, પ્રોડક્ટ ડિઝાઇન અને સ્વદેશી ટેક્નોલોજીમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. ટોય બિઝ પ્રદર્શન ભારતીય કંપનીઓને સમગ્ર વિશ્વમાં પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું ચાલુ રાખે છે.

યુવા સપના, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ

પ્રદર્શનના અંતિમ થોડા વિભાગોમાં મુલાકાતીઓને એક્ઝિબિશનના બીજા એક પાસાં સાથે પરિચય થાય છે — યુવા સ્ટાર્ટઅપ્સની ઊર્જા સાથે. અહીંની ચર્ચાઓ સ્થાપિત બજારો કરતાં વધુ ભવિષ્યની સંભાવનાઓ, નિકાસના નવા સ્થળો અને નવા ઉત્પાદન વિચારો પર કેન્દ્રિત છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00822D1.jpg

આવું જ એક એન્ટરપ્રાઇઝ પુણેનું કિટોય ક્રિએશન્સ છે. માંડ અઢી વર્ષ જૂની આ કંપનીએ પોતાની સફર સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરાયેલા ઉત્પાદનોની આસપાસ બનાવી છે. કિટોય ક્રિએશન્સના સીઈઓ શ્રી કાર્તિક જૈન કહે છે, " MSME હેઠળ નોંધણી કરાવવી એ અમારા વ્યવસાય માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો છે. તેણે અમને આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે સરકારી સમર્થન મેળવવામાં સક્ષમ બનાવ્યા. આ અમને અમારા ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને નવા ગ્રાહકો સાથે જોડાવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડે છે. અમે બજારમાં અમારી હાજરી મજબૂત કરવા અને વધુ તકો ઊભી કરવા માટે અન્ય સરકારી યોજનાઓ અને પહેલોની શોધખોળ કરી રહ્યા છીએ."

કંપનીના વિઝન વિશે વાત કરતાં તેઓ કહે છે, "અમારો આગામી ધ્યેય અમારા મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં લઈ જવાનો છે." સ્થાનિક સ્તરે પોતાના પદચિહ્નો મજબૂત કરવાની સાથે જ આ સ્ટાર્ટઅપ ઓલરેડી નિકાસની તકો શોધી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ઉત્પાદનો વિકસાવી રહ્યું છે.

સ્ટોલ પરનો આ આશાવાદ સમગ્ર પ્રદર્શન ફ્લોર પર ગુંજી રહ્યો છે. ઘણા યુવા ઉદ્યોગસાહસિકો માટે, ટોય બિઝ એ માત્ર એક પ્રદર્શન નથી. તે ખરીદદારોને મળવા, વૈશ્વિક બજારોને સમજવા અને આંતરરાષ્ટ્રીય આકાંક્ષાઓ ધરાવતી બ્રાન્ડ્સને આકાર આપવાની તક આપે છે. મુલાકાતીઓ ભારત મંડપમના હોલમાંથી આગળ વધતા જાય છે તેમ તેમ તેઓ ભારતીય ઉત્પાદકોની નવી પેઢીનો સામનો કરે છે. આ ઉત્પાદકો માત્ર ઉત્પાદનથી આગળ વધીને ડિઝાઇન, ઇનોવેશન અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ જુએ છે.

 

વાર્તા આગળ વધતી રહે છે

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0093NFV.jpg

ભારત મંડપમ ખાતે ટોય બિઝની વધુ એક આવૃત્તિના સમાપન પર, મુલાકાતીઓ પ્રોડક્ટ ડિસ્પ્લે પાસે થોભે છે. આ ઉપરાંત, ખરીદદારો બિઝનેસ કાર્ડ્સની આપ-લે કરે છે અને ઉદ્યોગસાહસિકો નવી તકો તરફ નજર માંડે છે. જયપુર અને મુંબઈથી લઈને કોલકાતા અને પુણે સુધી, દરેક સ્ટોલ એક અનોખી વાર્તા કહે છે. આ સંયુક્ત રીતે ઇનોવેશન, સ્વદેશી ઉત્પાદન અને સાહસ દ્વારા સંચાલિત ઉદ્યોગને પ્રતિબિંબિત કરે છે. આગામી વર્ષે ટોય બિઝ ફરી યોજાવા જઈ રહ્યું છે ત્યારે, આ પ્રદર્શને પહેલેથી જ પ્રદર્શકો, ખરીદદારો અને નવાચારીઓને નવી આશાઓ અને તકો તરફ જોવાની પ્રેરણા આપી છે.

મુલાકાતીઓ કેટલોગ્સ, નવા વિચારો અને નવા વ્યાવસાયિક જોડાણો સાથે પ્રદર્શન સ્થળેથી વિદાય લે છે. તેઓ પોતાની સાથે પરિવર્તનના માર્ગે આગળ વધી રહેલા એક ઉદ્યોગની કહાની પણ લઈને જાય છે. ટોય બિઝના દરેક વિભાગમાં એક સ્પષ્ટ સંદેશ ગુંજે છે: ભારતનો રમકડા ઉદ્યોગ હવે માત્ર રમકડાં નથી બનાવી રહ્યો. તે એવી પ્રોડક્ટ્સની ડિઝાઇન, ઇનોવેશન અને સર્જન કરી રહ્યો છે જે વિશ્વભરના ઘરો, વર્ગખંડો અને બજારોમાં સતત પોતાનું સ્થાન મેળવી રહી છે.

સંદર્ભ

અન્ય

https://newsonair.gov.in/union-minister-piyush-goyal-addresses-17th-toy-biz-international-b2b-expo-in-new-delhi/

https://hcindiatz.gov.in/wn-17-03-2026-01.php

 

પીડીએફ (PDF) જોવા માટે અહીં ક્લિક કરો

 

SM/BS/GP/JT


(रिलीज़ आईडी: 2282383) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Malayalam