યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શ્રી સત્ય સાઈના 100 વર્ષની ઉજવણી નિમિત્તે ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ની દેશવ્યાપી 80મી આવૃત્તિનું નેતૃત્વ કર્યું
"ભારતમાં દર 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ વધારે વજન (ઓવરવેઈટ) ધરાવે છે. તમામ નાગરિકો માટે ફિટનેસ આવશ્યક છે": ડૉ. મનસુખ માંડવિયા
"હું તમામ ભારતીયોને વિનંતી કરીશ કે તેઓ તેમની મોબાઇલ સ્ક્રીનથી એક કલાક અલગ રાખે અને રમતગમતની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને તે સમય તેમના વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સમર્પિત કરે": કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયા
प्रविष्टि तिथि:
05 JUL 2026 2:44PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતેથી ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ની દેશવ્યાપી 80મી આવૃત્તિનું નેતૃત્વ કર્યું હતું.
આ આવૃત્તિનું આયોજન શ્રી સત્ય સાઈ સેવા સંસ્થાઓ (Sri Sathya Sai Seva Organisations) ના સહયોગથી આધ્યાત્મિક નેતા શ્રી સત્ય સાઈના 100 વર્ષની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય રાજધાનીમાં ઝુમ્બા અને યોગ સત્રો ઉપરાંત કોમ્યુનિટી રન અને રાઈડમાં 9,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. દેશમાં અન્ય સ્થળોએ, આ સાયકલિંગ ડ્રાઇવનું આયોજન આર્ટ ઓફ લિવિંગ, હાર્ટફુલનેસ અને ઇશા ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.

બાળકોને જોડવા માટે લાઇફ-સાઇઝ ચેસ (મોટા કદની શતરંજ) અને લુડો તેમજ કેરમ, ટેબલ ટેનિસ, ફુત્સલ અને બેડમિન્ટન ધરાવતો એક સમર્પિત ગેમ ઝોન પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

વર્ષ 2047 માં વિકસિત ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને બળ આપતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, "કોઈપણ દેશને વિકસિત રાષ્ટ્ર તરીકે ગણવા માટે તેના નાગરિકોનું સ્વાસ્થ્ય આવશ્યક છે, હું તમામ ભારતીયોને વિનંતી કરીશ કે તેઓ તેમની મોબાઇલ સ્ક્રીનથી ઓછામાં ઓછો એક કલાક અલગ રાખે અને રમતગમતની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને તે સમય તેમના વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સમર્પિત કરે."
જનમેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "ભારતમાં દર 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ વધારે વજન ધરાવે છે જે તમામ નાગરિકો માટે ફિટનેસને આવશ્યક બનાવે છે."
આ કોમ્યુનિટી ફિટનેસ રાઈડની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને ડૉ. માંડવિયાની સાથે શ્રી સત્ય સાઈ સેવા સંસ્થાના અખિલ ભારતીય પ્રમુખ નિમિષ ગુલાબરાઈ પંડ્યા, સચિવ (રમતગમત) શ્રી હરિ રંજન રાવ, સચિવ (કોર્પોરેટ અફેર્સ) દીપ્તિ મુખર્જી અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. આ પછી કોમ્યુનિટી ફિટનેસ રાઈડ શરૂ થાય તે પહેલા નશા મુક્ત ભારતની જાહેર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ પ્રસંગે બોલતા પંડ્યાએ જણાવ્યું હતું કે, "ફિટ ઇન્ડિયાનો હેતુ દરેક ભારતીય નાગરિકને ફિટ અને સ્વસ્થ બનાવવાનો છે જ્યારે શ્રી સત્ય સાઈ સેવા સંસ્થાનો હેતુ 'સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો' (love all, serve all) નો છે. આ બંને સંસ્થાઓનું એકસાથે આવવું એ એક ઉત્તમ સંયોજન છે." જાણીતા અભિનેતા નસીર અબ્દુલ્લાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ પહેલની પ્રશંસા કરી હતી.
ડૉ. માંડવિયા દ્વારા ડિસેમ્બર 2024 માં શરૂ કરાયેલ ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ હવે એક જન આંદોલન બની ગયું છે જે તમામ વય જૂથના નાગરિકોને "ફિટનેસ કી ડોઝ, આધા ઘંટા રોઝ" (ફિટ રહેવા માટે દરરોજ 30 મિનિટ સમર્પિત કરો) માટે પ્રોત્સાહિત કરે છે. અત્યાર સુધીમાં દેશભરમાં હજારો સ્થળોએ આ કાર્યક્રમમાં 30 લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે.
આ કાર્યક્રમનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI), યોગાસન ભારત, રાહગીરી ફાઉન્ડેશન અને માય ભારત (MY Bharat) ના સહયોગથી કરવામાં આવે છે. સાયકલિંગ ડ્રાઇવ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક સાથે ચલાવવામાં આવે છે, જેમાં સાઈ (SAI) પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCOEs), સાઈ ટ્રેનિંગ સેન્ટર્સ (STCs), ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (KISCEs) અને ખેલો ઇન્ડિયા સેન્ટર્સ (KICs) નો સમાવેશ થાય છે.

SM/JD
(रिलीज़ आईडी: 2281340)
आगंतुक पटल : 21