યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મજબૂત ઉદ્યોગ–યુવા ભાગીદારી માટે આહ્વાન કર્યું


માય ભારત પ્લેટફોર્મ દરેક યુવા ભારતીયને તકો સાથે જોડી શકે છે: રાજ્ય મંત્રી રક્ષા ખડસે

ઇન્ડસ્ટ્રી એસોસિએશન કોન્ક્લેવે યુવા વિકાસ માટે સરકાર–ઉદ્યોગ ભાગીદારીને વધુ મજબૂત બનાવી

प्रविष्टि तिथि: 03 JUL 2026 4:51PM by PIB Ahmedabad

યુવા વિકાસ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહયોગને મજબૂત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગ દ્વારા નવી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે 'ઇન્ડસ્ટ્રી એસોસિએશન કોન્ક્લેવ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20થી વધુ અગ્રણી ઉદ્યોગ સંગઠનો (ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ), કોર્પોરેટ્સ, જાહેર ક્ષેત્રના સાહસો, CSR સંસ્થાઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને માય ભારત (મેરા યુવા ભારત) ઇકોસિસ્ટમ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે એક મંચ પર લાવવામાં આવ્યા હતા. આ કોન્ક્લેવ વિકસિત ભારત@2047 ના વિઝનને આગળ ધપાવવાની સાથે કૌશલ્ય વર્ધન (સ્કિલિંગ), સ્વયંસેવા (વોલન્ટિયરિંગ), ઇન્ટર્નશિપ, સાહસિકતા (એન્ટરપ્રિન્યોરશિપ), નવીનતા (ઇનોવેશન) અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) દ્વારા યુવાનો માટે તકોના વિસ્તરણ પર કેન્દ્રિત હતી.

આ ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે, યુવા બાબતોના વિભાગના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલ, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ સુશ્રી દીપ્તિ ગૌર મુખર્જી, યુવા બાબતોના વિભાગના અધિક સચિવ શ્રી નિતેશ કુમાર મિશ્રા, તેમજ અગ્રણી ઉદ્યોગ સંગઠનો અને CSR સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધિત કરતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતનો વસ્તી વિષયક લાભાંશ ત્યારે જ આપણી સૌથી મોટી તાકાત બની શકે છે જ્યારે સરકાર અને ઉદ્યોગ વચ્ચેની સક્રિય ભાગીદારી દ્વારા યુવાનોને સાર્થક તકો સાથે જોડવામાં આવે. "ભારતની આશરે 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. આપણા યુવાનો ભારતની સૌથી મોટી તાકાત અને સોફ્ટ પાવર છે. તેમને માય ભારત પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગ જગત સાથે જોડીને આપણે તેમની ક્ષમતાઓને ઉજાગર કરી શકીએ છીએ અને વિકસિત ભારત@2047 તરફની યાત્રાને વેગ આપી શકીએ છીએ."

કેન્દ્રીય મંત્રીએ રેખાંકિત કર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિકલ્પિત માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ, એક સિંગલ વિન્ડો પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે યુવાનોને શિક્ષણ, સ્વયંસેવા, નવીનતા, કૌશલ્ય વિકાસ અને નેતૃત્વની તકો સાથે જોડે છે. તેમણે ઉદ્યોગ સંગઠનોને વિનંતી કરી હતી કે તેઓ યુવાનો માટે સંરચિત તકો ઊભી કરવા, સાહસિકતા અને પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવા, ઔદ્યોગિક ક્લસ્ટરોની આસપાસ યુવા જોડાણને મજબૂત કરવા અને માય ભારતના સ્વયંસેવકો સાથે વાઇબ્રન્ટ વિલેજીસ (Vibrant Villages) ના વિકાસમાં ભાગીદાર બનવા માટે તેમની CSR પહેલોનો સક્રિયપણે લાભ ઉઠાવે. યુવાનોમાં માદક દ્રવ્યોના સેવનની સમસ્યાનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા, તેમણે યુવાનોની ઊર્જાને રચનાત્મક રાષ્ટ્રનિર્માણ તરફ વાળવા માટે સરકાર, ઉદ્યોગ અને નાગરિક સમાજ દ્વારા સામૂહિક પગલાં લેવા આહ્વાન કર્યું હતું.

કોન્ક્લેવને સંબોધતા યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસેએ ઉદ્યોગ સંગઠનો અને સંસ્થાઓને તેમની યુવા પહેલોને માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ સાથે સંકલિત કરવા હાકલ કરી હતી. "યુવા વિકાસ માત્ર કૌશલ્ય વર્ધન પૂરતો મર્યાદિત નથી; તે જવાબદાર નાગરિકો તૈયાર કરવા વિશે છે જેઓ મજબૂત અને વધુ સમાવેશી ભારતના નિર્માણમાં સક્રિયપણે ભાગ લે છે. યુવા પહેલોને માય ભારત પ્લેટફોર્મ સાથે જોડીને, આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે તકો દેશના છેવાડાના વિસ્તારો સહિત દરેક યુવા નાગરિક સુધી પહોંચે."

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માય ભારત ભૌગોલિક સીમાઓથી પર રહીને પ્રતિભાશાળી યુવાનોને તકો સાથે જોડતા સેતુ તરીકે કામ કરે છે અને સંસ્થાઓને આ પ્લેટફોર્મ દ્વારા મંત્રાલયની ફ્લેગશિપ (મુખ્ય) પહેલોને સક્રિયપણે પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. તેમણે નોંધ્યું હતું કે ઉદ્યોગ અને યુવાનો વચ્ચેનો મજબૂત સહયોગ નવીનતા, રોજગાર, સાહસિકતા અને સમુદાય વિકાસ માટે નવા માર્ગો ખુલશે.

યુવા બાબતોના વિભાગના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલે હાઇલાઇટ કર્યું હતું કે માય ભારત એક વ્યાપક ડિજિટલ ઇકોસિસ્ટમ તરીકે વિકસી રહ્યું છે જે યુવાનોની આકાંક્ષાઓને ઓળખે છે અને તેમને શિક્ષણ, સ્વયંસેવા, નવીનતા, સાહસિકતા અને રોજગારની તકો સાથે જોડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ રોજગારી આપવાથી આગળ વધીને જવાબદાર નાગરિકો અને સક્રિય રાષ્ટ્ર-નિર્માતાઓનું ઘડતર કરે છે. તેમણે ઉદ્યોગ સંગઠનોને ઇન્ટર્નશિપ, મેન્ટરશિપ, હેકાથોન, કોડિંગ સ્પર્ધાઓ, ઇનોવેશન ચેલેન્જીસ અને અન્ય જ્ઞાન-આધારિત પહેલો માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જે પ્રાયોગિક એક્સપોઝર પૂરું પાડે છે અને સાથે જ ઉદ્યોગોને ઉભરતી પ્રતિભાઓને ઓળખવામાં સક્ષમ બનાવે છે.

સભાને સંબોધિત કરતા કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ સુશ્રી દીપ્તિ ગૌર મુખર્જીએ ઉદ્યોગ અને યુવાનો વચ્ચેના સંરચિત સહયોગની અપાર ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સફળ ઇન્ટર્નશિપ અને નાગરિક જોડાણના મોડલ્સમાંથી પ્રેરણા લઈને, તેમણે ઉદ્યોગ સંગઠનોને તેમની સભ્ય સંસ્થાઓ દ્વારા સંરચિત તાલીમ, માર્ગદર્શન (મેન્ટરશિપ) અને પ્રાયોગિક શિક્ષણની તકોને સક્રિયપણે ટેકો આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી ભાગીદારી યુવાનોને વ્યવહારુ કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને સાથે જ ઉદ્યોગોને ભવિષ્યની પ્રતિભાઓને ઓળખવા અને વિકસાવવામાં સક્ષમ બનાવશે.

CII, FICCI, ASSOCHAM, NASSCOM, PHDCCI, ઇન્ડિયા SME ફોરમ, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન, IPA, ISPA, SIA, NHRDN, CAIT, WTC મુંબઈ અને AIAI સહિતના અગ્રણી ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓએ મોટી CSR સંસ્થાઓ સાથે મળીને માય ભારત ઇકોસિસ્ટમ દ્વારા સ્વયંસેવા, કૌશલ્ય વર્ધન, ઇન્ટર્નશિપ અને યુવા જોડાણના વિસ્તરણ માટેના સહયોગી મોડલ્સ પર ચર્ચા-વિચારણા કરી હતી.

આ કોન્ક્લેવ સરકાર-ઉદ્યોગ ભાગીદારીને મજબૂત કરવા, ઉદ્યોગના હિતધારકોને માય ભારત પ્લેટફોર્મ પર લાવવા અને એક મજબૂત રાષ્ટ્રીય ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતા સાથે સમાપ્ત થઈ હતી, જે વિકસિત ભારત@2047 ના વિઝનમાં યોગદાન આપવાની સાથે યુવાનો માટે તકોનો વિસ્તાર કરશે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2280823) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada