કાયદો અને ન્યાય મંત્રાલય
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે નોટરીની નિમણૂક માટે ઓનલાઇન ફ્રેશ એપ્લિકેશન મોડ્યુલ લોન્ચ કર્યું
प्रविष्टि तिथि:
29 JUN 2026 8:04PM by PIB Ahmedabad
કાયદા અને ન્યાય મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી અર્જુન રામ મેઘવાલે આજે નોટરીઝ એક્ટ, 1952 અને નોટરીઝ રૂલ્સ, 1956 ની જોગવાઈઓ હેઠળ નોટરી પબ્લિક તરીકે નિમણૂક માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવા માટે હાલના નોટરી પોર્ટલ પર "ફ્રેશ એપ્લિકેશન મોડ્યુલ" (Fresh Application Module) લોન્ચ કર્યું છે.
આ નવું લોન્ચ કરાયેલું મોડ્યુલ પાત્રતા ધરાવતા કાનૂની વ્યવસાયીઓ/વકીલોને (લીગલ પ્રેક્ટિશનર્સ/એડવોકેટ્સ) નોટરી પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની સુવિધા આપે છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના સહયોગથી કાનૂની બાબતોના વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ) દ્વારા વિકસાવવામાં આવેલ આ મોડ્યુલ અરજી પ્રક્રિયાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને નાગરિક-અનુકૂળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
નોટરી પોર્ટલની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડતા, કાનૂની બાબતોના વિભાગ અને કાયદાકીય વિભાગના સચિવ ડૉ. રાજીવ મણીએ જણાવ્યું હતું કે, ફ્રેશ એપ્લિકેશન મોડ્યુલને હાલના પોર્ટલ સાથે એકીકૃત (ઇન્ટિગ્રેટ) કરવામાં આવ્યું છે, જે નોટરીઓની નિમણૂક સંબંધિત વિવિધ ઓનલાઇન સેવાઓ પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, અરજીઓનું સરળ અને કાર્યક્ષમ પ્રોસેસિંગ સુનિશ્ચિત કરવા માટે આ મોડ્યુલમાં સ્વચાલિત કાર્યપ્રવાહ (ઓટોમેટેડ વર્કફ્લો) અને વપરાશકર્તા-અનુકૂળ ઇન્ટરફેસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ મોડ્યુલનું લોન્ચિંગ પેપરલેસ, પારદર્શક અને નાગરિક-કેન્દ્રી શાસન પ્રણાલીને પ્રોત્સાહન આપીને માનનીય પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પિત ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ યુઝર-ફ્રેન્ડલી મોડ્યુલ અરજી પ્રક્રિયાને સરળ બનાવશે અને નોટરી બનવા ઈચ્છતા ઉમેદવારો માટે એક્સેસની સુવિધામાં વધારો કરશે.
કાનૂની બાબતોના વિભાગ દ્વારા નોટરીઝ એક્ટ, 1952 અને નોટરીઝ રૂલ્સ, 1956 હેઠળની જરૂરિયાતોને આધારે સમયસમય પર આ મોડ્યુલ દ્વારા અરજીઓ આમંત્રિત કરવામાં આવશે. અરજીઓ સબમિટ કરવા માટેની વિગતવાર સૂચનાઓ અને માર્ગદર્શિકા નોટરી પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફ્રેશ એપ્લિકેશન મોડ્યુલનું લોન્ચિંગ નોટરી તરીકે નિમણૂક માટેની અરજીઓની પ્રક્રિયા માટે એક સુવ્યવસ્થિત, પારદર્શક અને કાર્યક્ષમ પ્રણાલી પ્રદાન કરીને ડિજિટલ ગવર્નન્સને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

SM/DK/JD
(रिलीज़ आईडी: 2279198)
आगंतुक पटल : 11