ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય
પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝરની કચેરીએ TRL કંપાસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું અને ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (DSCI) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
प्रविष्टि तिथि:
29 JUN 2026 6:15PM by PIB Ahmedabad
ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝરની કચેરી (OPSA) એ, ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (DSCI) ના સહયોગથી, ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર પ્રો. અજય કુમાર સૂદના અધ્યક્ષપદ હેઠળ 29 જૂન 2026ના રોજ વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજી રેડીનેસ લેવલ (TRL) મૂલ્યાંકનને પ્રમાણભૂત બનાવવા માટે TRL કંપાસ પ્લેટફોર્મ (TRL Compass Platform) લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ વૈશ્વિક સ્તરે સ્વીકૃત નવ-સ્તરીય TRL સ્કેલને ભારતના સંશોધન અને નવીનતા (ઇનોવેશન) ઇકોસિસ્ટમની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ બનાવે છે અને સરકારી ભંડોળ (પબ્લિક ફંડિંગ) મેળવવા માંગતા પ્રોજેક્ટ્સના મૂલ્યાંકન માટે એક સામાન્ય રાષ્ટ્રીય ધોરણ પૂરું પાડે છે. આ લોન્ચિંગમાં OPSAના સાયન્ટિફિક સેક્રેટરી ડૉ. પરવિન્દર મૈની; ANRFના CEO ડૉ. શિવકુમાર કલ્યાણરામન; નેસકોમ (NASSCOM) ના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને CSO સંગીતા ગુપ્તા તેમજ OPSA, DSCI અને CSIRના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

TRL કંપાસ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF) અને રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન (RDI) ફંડ જેવી મુખ્ય રાષ્ટ્રીય પહેલોના અસરકારક અમલીકરણને ટેકો આપશે. તેમાં હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ તેમજ સોફ્ટવેર માટે ક્ષેત્ર-વિશિષ્ટ પરિશિષ્ટો (એન્કેસર્સ) શામેલ છે, જે સંબંધિત ક્ષેત્ર આધારિત વિશિષ્ટ મૂલ્યાંકનને સક્ષમ બનાવે છે. આ પ્લેટફોર્મ પ્રોજેક્ટના મૂલ્યાંકનને વ્યક્તિગત અભિપ્રાયને બદલે ટેકનોલોજી, ઉત્પાદન, ગુણવત્તા અને કાર્યક્રમ સંબંધી સજ્જતાના વલણ આધારિત એક ઉદ્દેશ્યપૂર્ણ, દસ્તાવેજીકરણ-સમર્થિત મૂલ્યાંકનમાં પરિવર્તિત કરે છે.

પ્રો. સૂદે નોંધ્યું હતું કે, ભારત જેમ જેમ વિકસિત ભારત 2047ના વિઝન તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દેશની વૈજ્ઞાનિક શક્તિનું મૂલ્યાંકન સંશોધનને ઉપયોગમાં લઈ શકાય તેવી અને વ્યાવસાયિક રીતે વ્યવહારુ ટેકનોલોજીમાં રૂપાંતરિત કરવાની તેની ક્ષમતા દ્વારા કરવામાં આવશે. તેમણે ટેકનોલોજીની સજ્જતાનું મૂલ્યાંકન કરવા, જાહેર રોકાણને માર્ગદર્શન આપવા અને વ્યાવસાયિકરણને ટેકો આપવા માટે એક સામાન્ય માળખાની (ફ્રેમવર્ક) જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સંસ્થાઓને ભંડોળ આપવા, સમીક્ષા કરવા અને ટેકનોલોજી વિકસાવવા માટે પ્રમાણભૂત માળખા તરીકે TRL કંપાસને અપનાવવાની સલાહ પણ આપી હતી.

OPSAના સાયન્ટિફિક સેક્રેટરી ડૉ. પરવિન્દર મૈનીએ હાઇલાઇટ કર્યું હતું કે, ઘણી ભારતીય નવીનતાઓને પ્રયોગશાળામાંથી બજાર સુધી લઈ જવામાં મુશ્કેલી પડે છે કારણ કે ટેકનોલોજીની પરિપક્વતાનું મૂલ્યાંકન કરવા માટે કોઈ સામાન્ય પદ્ધતિ ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું હતું કે TRL કંપાસ એક સહિયારું અને ઉદ્દેશ્યપૂર્ણ માળખું પૂરું પાડે છે જે શિક્ષણ જગત (એકેડેમિયા), ઉદ્યોગ અને ભંડોળ પૂરી પાડતી એજન્સીઓને એક પ્લેટફોર્મ પર લાવશે, ટેકનોલોજી ટ્રાન્સફરને સરળ બનાવશે અને વાસ્તવિક દુનિયાના પરિણામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરશે.

OPSAના ચીફ ટેક્નોલોજી ઓફિસર શ્રી રોહિત ગુપ્તાએ TRL કંપાસની પ્રસ્તુતિ કરી હતી અને સમજાવ્યું હતું કે તે કેવી રીતે વૈશ્વિક સ્તરે સ્વીકૃત ટેકનોલોજી રેડીનેસ લેવલ (TRL) પદ્ધતિને ભારતના ઇનોવેશન ઇકોસિસ્ટમની જરૂરિયાતોને અનુરૂપ બનાવે છે. તેમણે દેશમાં રાષ્ટ્રીય સંશોધન અને ડીપ-ટેકનોલોજી પહેલોના વિસ્તરણની સાથે સાથે આ પ્લેટફોર્મના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
DSCIના CEO શ્રી વિનાયક ગોડસેએ જણાવ્યું હતું કે, DSCIએ લાંબા સમયથી ટેકનોલોજી ફોરકાસ્ટિંગ, હોરાઇઝન સ્કેનિંગ અને કેપેબિલિટી મેપિંગ દ્વારા ઉભરતી ટેકનોલોજીને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ડીપ-ટેક સંશોધન અને ઇનોવેશનમાં ભારતના વધતા રોકાણને આવકાર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષાઓ માટે ટેકનોલોજી સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે એક મજબૂત માળખાની જરૂર છે, જે TRL કંપાસને એક સમયસરની યોગ્ય પહેલ બનાવે છે.

DSCIના CEO શ્રી વિનાયક ગોડસે અને OPSAના એડવાઇઝર/સાયન્ટિસ્ટ 'G' ડૉ. પ્રીતિ બંઝલે અનુક્રમે DSCI અને OPSA વતી સમજૂતીજ્ઞાપન (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ MoU ટેકનોલોજી સજ્જતા મૂલ્યાંકન, ક્ષમતા મેપિંગ (કેપેબિલિટી મેપિંગ) અને ટેકનોલોજી રડાર પદ્ધતિના વિકાસ પર સહયોગની સુવિધા પ્રદાન કરે છે. આ ભાગીદારી TRL મૂલ્યાંકન માટે પ્રશિક્ષિત મૂલ્યાંકનકારોનો એક સમૂહ તૈયાર કરવા અને ભારતના સંશોધન તેમજ ઇનોવેશન ઇકોસિસ્ટમમાં TRL કંપાસનો સ્વીકાર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
આ સંપૂર્ણ માળખું, તેની મૂલ્યાંકન પ્રશ્નાવલિ અને સહાયક માર્ગદર્શન સહિત, હવે દેશભરના સંશોધકો, પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર્સ, સમીક્ષકો અને ભંડોળ આપતી એજન્સીઓ માટે મુક્તપણે ઉપલબ્ધ છે અને તેને www.trlcompass.in પર એક્સેસ કરી શકાય છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2279190)
आगंतुक पटल : 9