યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

“ભારતના રમતગમતના નકશા પર કેરલમ એક વિશેષ સ્થાન ધરાવે છે”: તિરુવનંતપુરમમાં 2026 આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ફન રનમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા


“આજે, કેરલમના 115 એથ્લેટ્સ ખેલો ઈન્ડિયા કાર્યક્રમનો ભાગ છે, જેઓ ભારતના ભાવિ ચેમ્પિયન બનવા માટે તાલીમ લઈ રહ્યા છે”: ડૉ. માંડવિયાએ ઐતિહાસિક એશિયન ગેમ્સ ફન રનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

“પીએમ મોદીએ વર્ષ 2036 સુધીમાં ભારતને ટોચના 10 રમતગમત દેશોમાં અને 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે”: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા

“એશિયન ગેમ્સ 2026 માં ભારતના પ્રદર્શન અને પોડિયમ ફિનિશ (મેડલ જીતવા) માં કેરલમના એથ્લેટ્સની મોટી ભૂમિકા હશે”: ડૉ. મનસુખ માંડવિયા

તિરુવનંતપુરમમાં ભારતે સૌપ્રથમવાર 2026 આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ફન રનની યજમાની કરી, 40,000 થી વધુ સહભાગીઓએ ઈતિહાસ રચ્યો

प्रविष्टि तिथि: 23 JUN 2026 6:02PM by PIB Ahmedabad

ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાનીએશિયન ગેમ્સ ફોર ઓલપહેલ હેઠળ ભારતે આજે તિરુવનંતપુરમ, કેરલમ ખાતે સૌપ્રથમવાર 2026 આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ફન રનનું આયોજન કર્યું હતું, જેમાં 40,000થી વધુ સહભાગીઓએ જોડાઈને ઈતિહાસ રચ્યો હતો.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેરલમના માનનીય રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, કેરલમના માનનીય મુખ્યમંત્રી શ્રી વી. ડી. સતીશન, વિરોધ પક્ષના નેતા શ્રી પિનારાયી વિજયન, ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ સુશ્રી પી. ટી. ઉષા, કેરલમના માનનીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી . જે. જનીશ કુમાર અને અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી સ્ટેડિયમ ખાતે ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

સભાને સંબોધતા ડૉ. માંડવિયાએ કાર્યક્રમના આયોજનમાં સામેલ ભારતીય ઓલિમ્પિક સંઘ, કેરલમ ઓલિમ્પિક સંઘ અને તમામ હિસ્સેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યની રમતગમત સંસ્કૃતિ અને જનભાગીદારીની પ્રશંસા કરતા તેમણે નોંધ્યું હતું કે, “ભારતના રમતગમતના નકશા પર કેરલમ એક વિશેષ સ્થાન ધરાવે છે. રમતગમત પ્રત્યેનો તેનો જુસ્સો માત્ર તેના ચેમ્પિયનોમાં નહીં પરંતુ ત્યાંના લોકોમાં પણ દેખાય છે.”

રાજ્યમાં એથ્લેટ્સ વિકાસ કાર્યક્રમોની અસર પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું હતું કે, “આજે કેરલમના 115 એથ્લેટ્સ, જેમાં 69 મહિલા એથ્લેટ્સનો સમાવેશ થાય છે, તેઓ ખેલો ઈન્ડિયા કાર્યક્રમનો ભાગ છે અને ભારતના ભાવિ ચેમ્પિયન બનવા માટે તાલીમ મેળવી રહ્યા છે. ઉપરાંત, કેરલમના 17 એથ્લેટ્સ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) નો ભાગ છે, જેઓ વિશ્વ કક્ષાની તાલીમ મેળવી રહ્યા છે.”

ફન રનમાં કેરલમની શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમત મંડળો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ઇન્ડિયન આર્મી બેન્ડ દ્વારા પ્રદર્શન, ઝુમ્બા સત્રો, બોડી બિલ્ડિંગ પ્રદર્શન અને યોગ તેમજ જિમ્નાસ્ટિક્સના એથ્લેટ્સ દ્વારા ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

ભારતની રમતગમતની આકાંક્ષાઓ વિશે વાત કરતા ડૉ. માંડવિયાએ કહ્યું કે, “ભારતને વર્ષ 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના અધિકારો મળ્યા છે. અમે ભારતમાં વર્ષ 2036 ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પણ દાવેદારી (બિડ) નોંધાવી છે. પીએમ મોદીએ ભારતને વર્ષ 2036 સુધીમાં વિશ્વના ટોચના 10 રમતગમતના દેશોમાં અને જ્યારે આપણે આપણી આઝાદીના 100 વર્ષની ઉજવણી કરીશું તેવા વર્ષ 2047 સુધીમાં ટોચના 5 દેશોમાં સામેલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.”

આગામી એશિયન ગેમ્સમાં ભારતના પ્રદર્શન અંગે વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, “મને પૂરો વિશ્વાસ છે કે જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માં આપણે એક નવો રેકોર્ડ સ્થાપિત કરીશું. મને એવો વિશ્વાસ છે કે દેશના પ્રદર્શન અને પોડિયમ ફિનિશમાં કેરલમના એથ્લેટ્સ મુખ્ય ભૂમિકા ભજવશે.”

ફન રન બાદ, એક હજારથી વધુ બાળકો અને યુવાનોની ભાગીદારી સાથે રોલર સ્કેટર, ઇલેક્ટ્રિક સ્કૂટર અને બુલેટ મોટરસાયકલ ધરાવતી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે રંગારંગ સમાપન સમારોહ સાથે ઉજવણીનું સમાપન થયું હતું.

ઐતિહાસિક કાર્યક્રમે રાજધાની શહેરને રમતગમતની ભાવના, ફિટનેસ, યુવા જોડાણ અને સામુદાયિક ભાગીદારીની જીવંત ઉજવણીમાં ફેરવી દીધું હતું, જેમાં વિદ્યાર્થીઓ, એથ્લેટ્સ, કોચ, એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, સશસ્ત્ર દળોના જવાનો, કેરલમ પોલીસ, આબકારી વિભાગના કર્મચારીઓ અને સામાન્ય જનતા એકસાથે આવ્યા હતા.

2026 આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ફન રનનું સફળ સંચાલન રમતગમતના અગ્રણી રાજ્ય તરીકે કેરલમના સ્થાનને પુનઃપુષ્ટ કરે છે અને રમતગમત, યુવા જોડાણ તેમજ ઓલિમ્પિક ચળવળના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સરકારો, રમતગમત સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકોની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

 

SM/DK/JD


(रिलीज़ आईडी: 2277219) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Malayalam , Urdu , हिन्दी , Tamil