PIB Backgrounder
azadi ka amrit mahotsav

નક્સલમુક્ત ભારત


એકીકૃત વ્યૂહરચનાઓએ ડાબેરી ઉગ્રવાદને પરાજિત કર્યો

प्रविष्टि तिथि: 19 JUN 2026 1:38PM by PIB Ahmedabad
31 માર્ચ 2026 ના રોજ, ભારતે એક ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું. લગભગ છ દાયકાની હિંસા પછી, દેશ અસરકારક રીતે ડાબેરી ઉગ્રવાદથી મુક્ત બન્યો. આ સિદ્ધિ સરકાર દ્વારા બાર વર્ષના સતત પ્રયાસોની પરાકાષ્ઠા દર્શાવે છે. આ પરિવર્તન ‘વિશ્વાસ’, ‘નિર્માણ’ અને ‘જન કલ્યાણ’ ના સ્તંભો દ્વારા માર્ગદર્શિત હતું. એક સંતુલિત વ્યૂહરચનામાં નિર્ણાયક સુરક્ષા કામગીરીને વિકાસ અને કલ્યાણકારી પહેલો સાથે જોડવામાં આવી હતી. ટેકનોલોજી-સક્ષમ હસ્તક્ષેપોએ ગુપ્તચર માહિતી, દેખરેખ અને સંકલનને મજબૂત બનાવ્યું. પુનર્વસન નીતિઓએ હજારો કેડરોને શરણાગતિ સ્વીકારવા અને સમાજમાં પુનઃ જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. આ પ્રયાસોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર થયો અને જાહેર સેવાઓ સુધીની પહોંચમાં સુધારો થયો. તેમણે શાસનમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો અને લોકશાહી ભાગીદારીને મજબૂત કરી. સૌથી અગત્યનું, તેમણે તમામ મુખ્ય સૂચકાંકોમાં હિંસામાં તીવ્ર અને સતત ઘટાડો લાવ્યો. 'નક્સલ મુક્ત ભારત' ની સફળતા સ્થાયી શાંતિ અને વિકાસ માટે સમગ્ર સરકારી અભિગમ (હોલ-ઓફ-ગવર્મેન્ટ એપ્રોચ) ની શક્તિ દર્શાવે છે.

શાંતિ અને સુરક્ષાનો નવો યુગ

લગભગ છ દાયકાઓ સુધી, ભારત ડાબેરી ઉગ્રવાદ (LWE) સામે ઝઝૂમતું રહ્યું. આ કોઈ દૂરનો કે અમૂર્ત પડકાર નહોતો, પરંતુ લાખો આદિવાસી પરિવારો, રસ્તાઓ, શાળાઓ અને વ્યાપક સર્વસમાવેશી વિકાસના વચનથી વંચિત ગામડાઓ માટે એક જીવંત વાસ્તવિકતા હતી. હિંસા સતત ચાલતી હતી, અને અનિશ્ચિતતા રોજિંદા જીવનને વ્યાખ્યાયિત કરતી હતી.

31 માર્ચ 2026 ના રોજ આ બદલાયું, જે ભારતની આંતરિક સુરક્ષા યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થયું કારણ કે દેશ અસરકારક રીતે નક્સલવાદથી મુક્ત થયો. જ્યારે વર્તમાન સરકારે મે 2014 માં કાર્યભાર સંભાળ્યો ત્યારે 'રેડ કોરિડોર' સૌથી ગંભીર આંતરિક સુરક્ષા પડકારોમાંનો એક હતો. અગાઉના અભિગમો મોટાભાગે ખંડિત અને ઘટના-આધારિત હતા, જે સમસ્યાના માળખાકીય મૂળને સંબોધવાને બદલે માત્ર લક્ષણોનું સંચાલન કરતા હતા. ત્યારબાદ તેનો ઉકેલ લાવવા માટે વધુ વ્યાપક અને સંકલિત વ્યૂહરચના અપનાવવામાં આવી હતી.

છેલ્લા બાર વર્ષોમાં, આ પરિવર્તન ત્રણ વ્યાખ્યાયિત સ્તંભો - વિશ્વાસ, નિર્માણ અને જન કલ્યાણ દ્વારા માર્ગદર્શિત હતું. 'વિશ્વાસ' એ મજબૂત સુરક્ષા કામગીરી, બહેતર આંતર-એજન્સી સંકલન, સુવ્યવસ્થિત શરણાગતિ અને પુનર્વસન માળખા અને સતત સામુદાયિક આઉટરીચ દ્વારા વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 'નિર્માણ' એ ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટીના વિસ્તરણ, અંતરિયાળ વિસ્તારોમાં શાસનની હાજરી સુધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા ટકાઉ આર્થિક તકો ઊભી કરવા પર ભાર મૂક્યો. 'જન કલ્યાણ' એ ગૌરવ, કલ્યાણ વિતરણ, સાંસ્કૃતિક સમાવેશ અને પ્રભાવિત સમુદાયોને રાષ્ટ્રીય વિકાસ પ્રક્રિયાના મુખ્ય પ્રવાહમાં લાવવાને અગ્રતા આપી.

દરેક સ્તંભે એકબીજાને મજબૂત કર્યા. સુરક્ષાએ વિકાસ માટે જગ્યા બનાવી. વિકાસે વિશ્વાસને વધુ ગાઢ બનાવ્યો. વિશ્વાસે કલ્યાણ વિતરણને વેગ આપ્યો. આ કોઈ ક્રમ નહોતો; તે પ્રગતિની એક અવિભાજ્ય કડી હતી.

વિશ્વાસ — રાજ્યમાં શ્રદ્ધાની પુનઃસ્થાપના

'વિશ્વાસ' એ સંવેદનશીલ અને અંતરિયાળ વિસ્તારોમાં સતત રાજ્યની હાજરી દ્વારા વિશ્વાસના પુનઃનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે અસરકારક પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા એજન્સીઓ અને શાસન સંસ્થાઓ વચ્ચેના સંકલનને મજબૂત બનાવ્યું. આ અભિગમે સમુદાયો અને રાજ્ય વ્યવસ્થા વચ્ચેના લાંબા સમયના અંતરને દૂર કર્યું.

2014 પહેલાં હિંસાની પરાકાષ્ઠા અને વ્યૂહાત્મક નબળાઈઓ

ડાબેરી ઉગ્રવાદ (LWE)ની શરૂઆત 1967 માં પશ્ચિમ બંગાળના નક્સલબારી બળવા પરથી થઈ હતી, જે માઓવાદી વિચારધારા અને સશસ્ત્ર ક્રાંતિના સિદ્ધાંતથી પ્રેરિત હતી. તેનો માર્ગદર્શક સિદ્ધાંત સરળ અને હિંસક હતો: સત્તા બંદૂકની નાળમાંથી વહે છે. નક્સલવાદીઓના લગભગ 92 ટકા હથિયારો સીધા પોલીસ શસ્ત્રાગારમાંથી લૂંટવામાં આવ્યા હતા. સમય જતાં, 2004 માં સીપીઆઈ (માઓવાદી) હેઠળ સંખ્યાબંધ ઉગ્રવાદી સંગઠનો વિલીન થઈ ગયા, જે ભારતના સૌથી મોટા આંતરિક સુરક્ષા પડકાર તરીકે ઉભરી આવ્યા.

2004 થી 2014 નોં દાયકો ડાબેરી ઉગ્રવાદના ઇતિહાસમાં સૌથી હિંસક દાયકાઓ પૈકીનું એક હતું. હિંસા 2010 માં તેની ચરમસીમાએ પહોંચી હતી જેમાં એક જ વર્ષમાં 1,936 ઘટનાઓ અને 720 નાગરિકોના મોત થયા હતા. સમગ્ર દાયકામાં 17,542 હિંસક ઘટનાઓ, 1,913 સુરક્ષા દળોના મોત અને 5,019 નાગરિકોના મૃત્યુ નોંધાયા હતા.

કોઈ સુસંગત રાષ્ટ્રીય નીતિ નહોતી. રાજ્ય સરકારો અલગ-અલગ રહીને કામ કરતી હતી. તે સમયની સરકારે પણ 2009 માં જાહેરમાં સ્વીકાર્યું હતું કે નક્સલવાદ એ ભારત સામેનો સૌથી મોટો આંતરિક સુરક્ષા પડકાર છે, જે ભૌગોલિક ફેલાવામાં કાશ્મીર અને ઉત્તર-પૂર્વ કરતાં પણ વધુ વ્યાપક હતો.

નીતિગત પરિવર્તન: છૂટાછવાયા પ્રતિભાવથી સંયુક્ત વ્યૂહરચના તરફ

પ્રથમ નિર્ણાયક પગલું 2015માં ડાબેરી ઉગ્રવાદને સંબોધવા માટેની રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજના (નેશનલ પોલિસી એન્ડ એક્શન પ્લાન)ની મંજૂરી સાથે લેવામાં આવ્યું હતું. આણે અગાઉના એડ-હોક અભિગમને એક સુવ્યવસ્થિત, સમગ્ર સરકારી માળખામાં બદલી નાખ્યો. તેણે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF)ને તૈનાત કર્યા, વિશિષ્ટ તાલીમ પૂરી પાડી અને સુરક્ષા સંબંધિત ખર્ચ (SRE), વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના (SIS) અને વિશેષ કેન્દ્રીય સહાય (SCA) યોજનાઓ દ્વારા ભંડોળની ફાળવણી કરી, જ્યારે સુરક્ષાની સાથે સામાજિક-આર્થિક મૂળભૂત કારણોને પણ સંબોધિત કર્યા.

પહેલીવાર, ભારતે ડાબેરી ઉગ્રવાદ સામે ત્રિ-સ્તરીય વ્યૂહરચના - સંવાદ, સુરક્ષા અને સંકલન પર આધારિત એક સુવ્યવસ્થિત અને વ્યાપક અભિગમ અમલમાં મૂક્યો. સરકારનો પ્રતિભાવ ગૃહ મંત્રાલય હેઠળ વધુ કેન્દ્રિય સંકલિત માળખા દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યો હતો, જેનાથી નીતિ અમલીકરણમાં વધુ સુસંગતતા આવી.

નક્સલવાદના ડર અને હિંસાથી ભારતને મુક્ત કરવાનું લક્ષ્ય કેન્દ્રિત આયોજન અને સંકલિત કાર્યવાહી દ્વારા પ્રાપ્ત થયું હતું. 24 ઓગસ્ટ 2024ના રોજ, ભારત સરકારે 31 માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. તીવ્ર સુરક્ષા કામગીરી, મજબૂત સંકલન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને ઝડપી વિકાસ આઉટરીચ દ્વારા આ લક્ષ્ય સમયપત્રક મુજબ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.

સુરક્ષા ગ્રીડનું નિર્માણ

સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ, વિશિષ્ટ દળો અને સુધારેલા ઓપરેશનલ સંકલન દ્વારા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા શૂન્યાવકાશને વ્યવસ્થિત રીતે ભર્યો. આ સંકલિત અભિગમે રેડ કોરિડોરમાં રાજ્યની હાજરી, ગતિશીલતા, ઇન્ટેલિજન્સ શેરિંગ અને કાઉન્ટર-ઇન્સર્જન્સી ક્ષમતાઓમાં વધારો કર્યો.

2014 પહેલાં માત્ર 66 ની સરખામણીમાં 597 ફોર્ટિફાઇડ પોલીસ સ્ટેશનો બનાવવામાં આવ્યા હતા. નક્સલી ઘટનાઓની જાણ કરતા પોલીસ સ્ટેશનોની સંખ્યા 333 થી ઘટીને 16 થઈ ગઈ છે. વધુમાં, છેલ્લા સાત વર્ષોમાં, સુરક્ષા ગ્રીડને ચુસ્ત કરવા, વિસ્તાર પ્રભુત્વ સુધારવા અને અંતરિયાળ જંગલ વિસ્તારોમાં સતત કામગીરી જાળવી રાખવા માટે 408 નવા CAPF સુરક્ષા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા હતા. અંતરિયાળ વિસ્તારોમાં ઝડપી તૈનાતી માટે 68 નાઇટ-લેન્ડિંગ હેલિપેડ બનાવવામાં આવ્યા હતા, જે સૈનિકોની હિલચાલ, જાનહાનિના સ્થળાંતર અને દેખરેખને સક્ષમ બનાવે છે. સુરક્ષા દળોને 400 બુલેટ-પ્રૂફ અને બ્લાસ્ટ-પ્રૂફ વાહનો પૂરા પાડવામાં આવ્યા હતા, અને તેમના કલ્યાણ અને તબીબી સહાય માટે 5 હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વિશેષ દળોનું સંકલન: કોબ્રા (CoBRA), ડીઆરજી (DRG), એસટીએફ (STF) અને ગ્રેહાઉન્ડ્સ

એક સ્તરીય, વિશિષ્ટ સુરક્ષા આર્કિટેક્ચર વિકસાવવામાં આવ્યું હતું, જે કોબ્રા (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન), સીઆરપીએફ (CRPF), ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), અને ઝારખંડ જગુઆર, છત્તીસગઢ પોલીસ યુનિટ્સ અને આંધ્રપ્રદેશના ગ્રેહાઉન્ડ્સ જેવા વિશેષ રાજ્ય એકમોને એકસાથે લાવ્યા. ડીઆરજી, એસટીએફ, સીઆરપીએફ અને કોબ્રા વચ્ચેની સંયુક્ત તાલીમે સ્પષ્ટ કમાન્ડ સ્ટ્રક્ચર સાથે એક સંકલિત, ઇન્ટરઓપરેબલ ફોર્સની રચના કરી.

ટેકનોલોજી: ગેમ ચેન્જર

2014 પછી, કેન્દ્ર સરકારે આધુનિક ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ દ્વારા નક્સલ વિરોધી કામગીરીમાં પરિવર્તન આણ્યું. અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV), ડ્રોન, સેટેલાઇટ ઇમેજરી અને AI-આધારિત ડેટા વિશ્લેષણે રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને ચોક્કસ દેખરેખ સક્ષમ કરી. અદ્યતન લોકેશન-ટ્રેકિંગ સિસ્ટમ્સ, વૈજ્ઞાનિક કોલ-લોગ વિશ્લેષણ, મોબાઇલ ડેટા એનાલિટિક્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ કાર્યરત કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયે હિલચાલ પર નજર રાખવા, સંચાર પેટર્નનું વિશ્લેષણ કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજી-આધારિત ઇનપુટ્સનો ઉપયોગ કર્યો.

ટ્રેસ, ટાર્ગેટ, ન્યુટ્રિલાઇઝ કરવા માટેની સીમાચિહ્નરૂપ કામગીરી

સરકારના "ટ્રેસ, ટાર્ગેટ, ન્યુટ્રિલાઇઝ" (શોધો, લક્ષ્ય બનાવો, નિષ્ક્રિય કરો) સિદ્ધાંતે નોંધપાત્ર પરિણામો આપ્યા. સતત સુરક્ષા કામગીરી અને કેન્દ્રિત ઇન્ટેલિજન્સ-આધારિત વ્યૂહરચનાઓ દ્વારા, સરકારે એવા વિસ્તારો પાછા મેળવ્યા જે ત્રણ દાયકાથી વધુ સમયથી ડાબેરી ઉગ્રવાદના પ્રભાવ હેઠળ હતા.

ઓપરેશન બ્લેક ફોરેસ્ટ, ઓપરેશન ઓક્ટોપસ, ઓપરેશન ડબલ બુલ, ઓપરેશન થન્ડરસ્ટોર્મ, ઓપરેશન ભીમબર્ગ અને ઓપરેશન ચક્રબંધા સહિતની સંકલિત કામગીરીની શ્રેણીએ પ્રભાવિત વિસ્તારોમાં માઓવાદી નેટવર્કને નોંધપાત્ર રીતે નબળું પાડ્યું. તેમાંથી, ઓપરેશન બ્લેક ફોરેસ્ટ એક મોટી સફળતા તરીકે ઉભરી આવ્યું, જેણે એક મુખ્ય માઓવાદી ગઢને ધ્વસ્ત કર્યો, જેના કારણે 30થી વધુ માઓવાદીઓનો સફાયો થયો, અને ધરપકડ તથા શરણાગતિમાં તીવ્ર ઉછાળો આવ્યો. ઓપરેશન ડબલ બુલના પરિણામે ગુમલા, લોહરદગા અને લાતેહાર જિલ્લાઓ નક્સલમુક્ત બન્યા. સામૂહિક રીતે, આ કામગીરીઓએ લાંબા સમયથી પ્રભાવિત વિસ્તારોમાં રાજ્યની હાજરી પુનઃસ્થાપિત કરી, ઉગ્રવાદી પ્રભાવ ઘટાડ્યો અને સુધારેલી સુરક્ષા, શાસન અને વિકાસ આઉટરીચ માટેની સ્થિતિ ઊભી કરી.

સપોર્ટ સિસ્ટમનું ગળું દબાવવું

કેન્દ્ર સરકારે માત્ર સશસ્ત્ર કેડરોને જ નહીં પરંતુ તેમને ટેકો આપતી સમગ્ર ઇકોસિસ્ટમને લક્ષ્ય બનાવીને વ્યાપક ઓલ-એજન્સી અભિગમ અપનાવ્યો. વિકાસ માટે, આનો અર્થ સમગ્ર સરકારી અભિગમ હતો. સુરક્ષા કામગીરી માટે, તેનો અર્થ સમગ્ર એજન્સી વ્યુહરચના હતો.

નક્સલ ધિરાણ નેટવર્કને ખોરવી નાખવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની અંદર એક સમર્પિત વર્ટિકલ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2025 સુધીમાં, NIA ₹40 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ₹12 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી, જ્યારે રાજ્યની એજન્સીઓએ વધારાની ₹40 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ડિસેમ્બર 2025 સુધીમાં, 111 ડાબેરી ઉગ્રવાદ (LWE) ના કેસોની તપાસ કરવામાં આવી હતી અને 98 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જૂન 2026 સુધીમાં, NIA ના કુલ કેસોની સંખ્યા 112 પર પહોંચી ગઈ છે, જેમાં 100 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

શરણાગતિ સ્વીકારનારાઓ માટે રેડ કાર્પેટ

સરકારના મજબૂત સુરક્ષા પ્રતિભાવને પુનર્વસન-કેન્દ્રિત અભિગમ દ્વારા પૂરક બનાવવામાં આવ્યો હતો. તેનો સંદેશ સ્પષ્ટ રહ્યો: "જેઓ પોતાના હથિયારો નીચે મૂકે છે, તેમના માટે રેડ કાર્પેટ છે." શરણાગતિ સ્વીકારનારા કેડરોને ઉચ્ચ હોદ્દા ધરાવતા કેડરો માટે ₹5 લાખ અને અન્યો માટે ₹2.5 લાખની તાત્કાલિક ગ્રાન્ટ, સાથે 36 મહિના માટે ₹10,000 નું માસિક સ્ટાઇપેન્ડ મળતું હતું. શરણાગતિ માટે ₹50,000 નું વધારાનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું, જે જૂથ શરણાગતિના કિસ્સામાં બમણું કરવામાં આવ્યું હતું, જેમાં હથિયારો જમા કરાવવા માટે વધારાનું વળતર આપવામાં આવ્યું હતું.

પુનર્વસન નીતિની સફળતા શરણાગતિની વધતી સંખ્યામાં પ્રતિબિંબિત થઈ હતી. એકલા 2025 માં, 2,337 નક્સલવાદીઓએ તેમના હથિયારો હેઠા મૂક્યા હતા, જ્યારે 2024થી માર્ચ 2026 વચ્ચે 3,927 કેડરોએ શરણાગતિ સ્વીકારી હતી. નાગરિક સમાજના સભ્યો, પત્રકારો, સામુદાયિક નેતાઓ અને જનપ્રતિનિધિઓના પ્રયાસો દ્વારા આ પરિણામો મજબૂત બન્યા હતા, જેમણે પુનર્વસનના પગલાંમાં વિશ્વાસ વધારવામાં અને પ્રભાવિત વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં પાછા આવવા પ્રોત્સાહિત કરવામાં મદદ કરી હતી.

'વિશ્વાસ' અંતર્ગત મળેલી સિદ્ધિઓ સુરક્ષાના પરિણામોથી આગળ વિસ્તરી છે. તેમણે લાંબા ગાળાના વિકાસ અને રાજ્યની આગેવાની હેઠળના પરિવર્તનનો પાયો નાખ્યો. દરેક ફોર્ટિફાઇડ પોલીસ સ્ટેશન, દરેક CAPF કેમ્પ અને દરેક આત્મસમર્પણ કરનાર કેડરે અગાઉ દુર્ગમ વિસ્તારોમાં શાસનની પહોંચનો વિસ્તાર કર્યો. સુરક્ષાએ આદિવાસી સમુદાયો સુધી રસ્તાઓ, શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ, બેંકિંગ સેવાઓ અને ડિજિટલ કનેક્ટિવિટી પહોંચાડવાના દ્વાર ખોલ્યા. સ્થિરતા અને વિશ્વાસની આ પુનઃસ્થાપના જ હતી જેણે પરિવર્તનના આગામી સ્તંભ - 'નિર્માણ' માટેનો આધાર તૈયાર કર્યો.

નિર્માણ — નવા ભવિષ્યનું ઘડતર

નક્સલવાદને ખતમ કરવાનો સંકલ્પ ક્યારેય માત્ર નક્સલવાદીઓને ખતમ કરવા પૂરતો નહોતો. તે એ સુનિશ્ચિત કરવા વિશે હતું કે મોટા શહેરોમાં ઉપલબ્ધ દરેક સુવિધા આ પ્રદેશના ગરીબ આદિવાસીઓ સુધી પહોંચે, જેથી તેમના બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની શકે. 'નિર્માણ' એ અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને શાસનની પહોંચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે આવશ્યક સેવાઓ, રસ્તાઓ અને ડિજિટલ નેટવર્ક્સ સુધીની પહોંચમાં સુધારો કર્યો. આ પ્રયાસોએ અગાઉ વંચિત રહેલા વિસ્તારોને મુખ્ય પ્રવાહના વિકાસ અને શાસન પ્રણાલીઓ સાથે સાંકળવામાં મદદ કરી.

  • રોડ કનેક્ટિવિટી: 2014 થી ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં 12,249 કિમીથી વધુ લાંબા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ₹20,557 કરોડના ખર્ચે કુલ 17,319 કિમીના પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા હતા.
  • ડિજિટલ અને મોબાઇલ કનેક્ટિવિટી: આધુનિક સમાજમાં ટેલિકોમ કનેક્ટિવિટી પ્રગતિના પાયાના પથ્થર તરીકે ઉભરી આવી છે. ગ્રામીણ આદિવાસી સમુદાયોના કિસ્સામાં તે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે સામાજિક-આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ ઉદ્દીપક તરીકે કામ કરે છે, ડિજિટલ વિભાજનને દૂર કરે છે, શિક્ષણ અને આરોગ્ય સુધી પહોંચ પ્રદાન કરે છે અને આર્થિક તકોને પ્રોત્સાહન આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ટેલિકોમ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ 9,600 થી વધુ મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં, 96% ગામડાઓ (46,592 માંથી 44,728 ગામડાઓ) માં હવે મોબાઇલ કનેક્ટિવિટી છે, જે શિક્ષણ, સેવાઓનું ઓનલાઇન વિતરણ અને આર્થિક વૃદ્ધિના દ્વાર ખોલે છે.
  • નાણાંકીય સમાવેશ (ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન): કેન્દ્ર સરકારે છેલ્લા બાર વર્ષોમાં ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓમાં નાણાકીય સમાવેશનો નોંધપાત્ર વિસ્તાર કર્યો છે. એપ્રિલ 2015 થી માર્ચ 2026 દરમિયાન 1,804 બેંક શાખાઓ ખોલવામાં આવી, 1,321 એટીએમ સ્થાપિત કરવામાં આવ્યા, 74,720 બેંકિંગ કોરેસ્પોન્ડન્ટ્સ નિયુક્ત કરવામાં આવ્યા અને 6,025 પોસ્ટ ઓફિસો સ્થાપવામાં આવી.
  • શિક્ષણ અને કૌશલ્ય વિકાસ: છેલ્લા બાર વર્ષોમાં, ભારત સરકાર દ્વારા 259 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) મંજૂર કરવામાં આવી છે, અને 179 EMRS વિકસાવવામાં આવી છે. વધુમાં, આ વિસ્તારોમાં 46 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અને 49 કૌશલ્ય વિકાસ કેન્દ્રો (SDCs) પણ વિકસાવવામાં આવ્યા હતા. આ બધું મળીને લગભગ ₹800 કરોડના રોકાણ સાથે કરવામાં આવ્યું છે. આનાથી આદિવાસી યુવાનો માટે શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને રોજગારીની તકો વિસ્તરી, જેનાથી અંતરિયાળ સમુદાયોને મુખ્ય પ્રવાહના અર્થતંત્ર સાથે સાંકળવામાં મદદ મળી. 90,000 થી વધુ યુવાનો અને મહિલાઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી.
  • નાગરિક નિકાલ કાર્યક્રમો (સિવિક એક્શન પ્રોગ્રામ્સ): સિવિક એક્શન પ્રોગ્રામ્સ હેઠળ, ભારત સરકારે આરોગ્ય શિબિરો અને દવાઓના વિતરણ માટે ₹212 કરોડના કાર્યો હાથ ધર્યા હતા, અને મીડિયા પ્લાન સ્કીમ હેઠળ ₹50.45 કરોડના ખર્ચે સમુદાયો સાથે જોડાણ ઊંડું કરવા માટે આદિવાસી યુવા આદાનપ્રદાન કાર્યક્રમો (ટ્રાઇબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ્સ) યોજ્યા હતા.

'નિર્માણ' હેઠળ બનેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરે - ગામડાઓને જોડતા રસ્તાઓ, સંચાર સક્ષમ કરતા મોબાઇલ ટાવર્સ, આર્થિક ભાગીદારીની સુવિધા આપતી બેંકો, આદિવાસી યુવાનો માટેના દ્વાર ખોલતી શાળાઓએ - સીધા જ 'જન કલ્યાણ' માં પરિવર્તિત કર્યું. તેણે ભૌતિક અને સંસ્થાકીય પ્લેટફોર્મ ઊભું કર્યું જેના પર વાસ્તવિક કલ્યાણ, ગૌરવ અને સાંસ્કૃતિક પુનરુત્થાન આખરે પહોંચાડી શકાયું.

સમગ્ર પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા પ્રાદેશિક એકીકરણને મજબૂત બનાવે છે. સુધારેલી કનેક્ટિવિટી આર્થિક તકો અને ગતિશીલતા વધારે છે. લાંબા ગાળાના રોકાણો ટકાઉ અને સર્વસમાવેશી વિકાસના માર્ગો સુનિશ્ચિત કરે છે.

જન કલ્યાણ — લોકોનું કલ્યાણ અને ગૌરવ

'જન કલ્યાણ' ગૌરવ અને સર્વસમાવેશીતા સાથે કલ્યાણ વિતરણ પર ભાર મૂકે છે. તે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે લાસ્ટ માઇલ સુધી સેવા વિતરણને મજબૂત બનાવે છે. આ અભિગમ આવશ્યક જાહેર સેવાઓ સુધી સમાન પહોંચ સુનિશ્ચિત કરે છે.

આદિવાસી આજીવિકા મજબૂત કરવી

વિકાસનો વિસ્તાર કરીને, તકો સુધીની પહોંચ સુધારીને અને આદિવાસી સમુદાયો તથા લોકશાહી સંસ્થાઓ વચ્ચેના જોડાણને મજબૂત કરીને ડાબેરી ઉગ્રવાદના પ્રભાવને ઘટાડવામાં આદિવાસી કલ્યાણ પરના સતત ધ્યાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સુરક્ષાના પગલાંની સાથે, સરકારે સુધારેલા શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સંભાળ, આવાસ અને આજીવિકા સહાય દ્વારા વિકાસ અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે.

આત્મસમર્પણ કરનારા કેડરો માટેના પુનર્વસન માળખાએ કૌશલ્ય વિકાસ, આજીવિકા સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ સહાય અને સ્વ-રોજગાર માટે નાણાંકીય સહાય દ્વારા મુખ્ય પ્રવાહના સમાજમાં તેમના એકીકરણને પ્રોત્સાહિત કર્યું છે. જે ગામોએ નક્સલ પ્રભાવ નાબૂદ કર્યો અને લોકશાહી ઢબે ચૂંટાયેલી પંચાયતોની સ્થાપના કરી તેમને વિકાસ ગ્રાન્ટ પૂરી પાડવામાં આવી હતી. આત્મસમર્પણ કરનારા કેડરોના બાળકોને ધોરણ XII સુધી મફત શિક્ષણ આપવામાં આવ્યું હતું, જે પરિવારોને વધુ સુરક્ષિત ભવિષ્ય બનાવવામાં મદદ કરે છે.

કેટલીક લક્ષિત પહેલોએ આ પરિવર્તનને વેગ આપ્યો. રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજનામાં સુરક્ષા, વિકાસ અને સામુદાયિક અધિકારોના રક્ષણનો સમન્વય કરવામાં આવ્યો હતો. વિશેષ કેન્દ્રીય સહાય દ્વારા સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં મહત્વપૂર્ણ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ (આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ) એ આરોગ્ય, શિક્ષણ, નાણાંકીય સમાવેશ અને કનેક્ટિવિટીના પરિણામો સુધારવા માટે બહુવિધ કલ્યાણ યોજનાઓનું એકીકરણ કર્યું.

શિક્ષણ પરિવર્તનના મુખ્ય સ્તંભ તરીકે ઉભરી આવ્યું. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) માટેના ઉન્નત સહયોગે અનુસૂચિત જનજાતિના બાળકો માટે ગુણવત્તાયુક્ત નિવાસી શિક્ષણ સુધીની પહોંચ વિસ્તારી, જેમાં ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત પ્રદેશોના બાળકો પણ સામેલ છે. પીએમ-જનમન (PM-JANMAN) પહેલે વિશેષ રીતે નબળા આદિવાસી જૂથો (PVTGs) પર આવાસ, સુરક્ષિત પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આવશ્યક કનેક્ટિવિટી સુધીની પહોંચ સુધારીને ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનાથી વંચિત સમુદાયોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ મળી.

'ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન' ની શરૂઆતથી આદિવાસી ગામોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને દૂર કરવાના પ્રયાસો વધુ મજબૂત બન્યા. બહુવિધ મંત્રાલયો દ્વારા સંકલિત હસ્તક્ષેપો દ્વારા, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જીવનધોરણ સુધારવા, આર્થિક તકોનો વિસ્તાર કરવા અને આદિવાસી સમુદાયો ભારતની વિકાસ યાત્રામાં સંપૂર્ણ ભાગ લે તે સુનિશ્ચિત કરવાનો છે.

કેસ સ્ટડી: છત્તીસગઢની નક્સલવાદથી વિકાસ તરફની સફર

દાયકાઓ સુધી, છત્તીસગઢનું બસ્તર દેશના સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંનું એક રહ્યું. મર્યાદિત કનેક્ટિવિટી, નબળી વહીવટી હાજરી અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે ઉગ્રવાદી જૂથો મજબૂત પગપેસારો સ્થાપિત કરવામાં સફળ રહ્યા હતા. છેલ્લા 12 વર્ષોમાં, સુરક્ષા, વિકાસ અને આદિવાસીઓની ભાગીદારીને જોડતી સંકલિત વ્યૂહરચનાએ આ પ્રદેશની દિશા બદલી નાખી.

એક નિર્ણાયક તબક્કો 2017 માં 'બસ્તરિયા બટાલિયન' ની રચના સાથે આવ્યો. આ બટાલિયનમાં બીજાપુર, સુકમા અને દંતેવાડાના આશરે 400 સ્થાનિક યુવાનો સહિત 1,143 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. સ્થાનિક ભાગીદારીએ ઇન્ટેલિજન્સ નેટવર્કને મજબૂત બનાવ્યું, સુરક્ષા દળો અને આદિવાસી સમુદાયો વચ્ચે વિશ્વાસ સુધાર્યો અને રાજ્યની સંસ્થાઓમાં આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી.

જેમ જેમ સુરક્ષાની સ્થિતિ સુધરી તેમ વિકાસે ગતિ પકડી. બસ્તર પ્રદેશમાં બસ્તર, બીજાપુર, દંતેવાડા, સુકમા, નારાયણપુર, કાંકેર અને કોંડાગાંવ જિલ્લાઓને આવરી લેતા 3,240 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. ડિજિટલ કનેક્ટિવિટી સુધારવા માટે 889 મોબાઇલ ટાવર પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા. જે ગામો એક સમયે અલગ પડી ગયા હતા તેઓ બજારો, શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ, બેંકિંગ સેવાઓ અને સરકારી કાર્યક્રમો સાથે જોડાઈ ગયા.

સરકારે પુનર્વસન અને પુનઃ એકીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. લગભગ 3,000 આત્મસમર્પણ કરનારા કેડરો માટે એક સમર્પિત યોજના તૈયાર કરવામાં આવી હતી, જેને કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને આજીવિકાની તકો માટે ₹20 કરોડની પ્રારંભિક ફાળવણી દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય હિંસાના ચક્રને આર્થિક સશક્તિકરણના માર્ગો સાથે બદલવાનો હતો.

મે 2026માં, સુરક્ષાના લાભોને સ્થાયી વિકાસમાં ફેરવવા માટે 'શહીદ વીર ગુંડા ધુર સેવા ડેરા' પહેલ શરૂ કરવામાં આવી હતી. આશરે 70 CAPF કેમ્પોને સેવા કેન્દ્રોમાં ફેરવવામાં આવી રહ્યા છે જે સરકારી યોજનાઓ, આરોગ્ય સંભાળ, બેંકિંગ, કૃષિ સહાય, કૌશલ્ય વિકાસ અને અન્ય નાગરિક સેવાઓ સુધી પહોંચ પ્રદાન કરે છે. વીર ગુંડાધુરના જન્મસ્થળ નેતાનારમાં કોમન સર્વિસ સેન્ટરની સ્થાપના, એક સમયે ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં શાસનની વાપસીનું પ્રતીક છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણની સાથે, 'બસ્તર પંદુમ' અને 'બસ્તર ઓલિમ્પિક્સ' જેવી સાંસ્કૃતિક પહેલોએ સામુદાયિક ભાગીદારી અને આદિવાસી ઓળખને મજબૂત કરી. આ પ્લેટફોર્મ્સે લાખો આદિવાસી યુવાનો અને કલાકારોને એકસાથે લાવ્યા, સામાજિક એકીકરણને પ્રોત્સાહન આપ્યું અને જોડાણ તથા નેતૃત્વ માટે નવી તકો ઊભી કરી.

બસ્તરનું પરિવર્તન દર્શાવે છે કે સ્થાયી શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે સુરક્ષાના પગલાં પછી વિકાસ, કલ્યાણ વિતરણ અને સામુદાયિક સશક્તિકરણ કરવામાં આવે. છત્તીસગઢનો અનુભવ દર્શાવે છે કે કેવી રીતે સતત સરકારી હાજરી, સ્થાનિક ભાગીદારી અને સર્વસમાવેશી વિકાસ સંઘર્ષ પ્રભાવિત પ્રદેશને વિકાસ અને સમૃદ્ધિના માર્ગમાં ફેરવી શકે છે.

પરિવર્તનના એક દાયકાના પરિણામો

2014 માં, ભારતભરના 126 જિલ્લાઓ ડાબેરી ઉગ્રવાદ (LWE) થી પ્રભાવિત હતા. 2026 સુધીમાં, આ સંખ્યા ઘટીને માત્ર 2 જિલ્લાઓ થઈ ગઈ છે. વધુમાં, સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ 35 થી ઘટીને શૂન્ય થઈ ગઈ છે, જે સુરક્ષા પરિદ્રશ્યમાં એક નિર્ણાયક પરિવર્તન દર્શાવે છે.

તેની અસર હિંસાના તમામ મુખ્ય સૂચકાંકોમાં દેખાવા લાગી. વર્ષ 2010 નક્સલવાદના ઇતિહાસમાં સૌથી ઘાતક તબક્કાઓ પૈકીનું એક હતું, જેમાં 1,936 નક્સલ સંબંધિત ઘટનાઓ અને 1,005 મૃત્યુ નોંધાયા હતા. ત્યારથી, સતત સુરક્ષા કામગીરી, વિકાસલક્ષી હસ્તક્ષેપો અને સુધારેલા શાસને ડાબેરી ઉગ્રવાદ (LWE) ના નેટવર્કને નોંધપાત્ર રીતે નબળું પાડ્યું. નક્સલ સંબંધિત ઘટનાઓ 2014 ના 870 થી ઘટીને 2025 માં 234 થઈ ગઈ છે. મૃત્યુઆંક પણ 2014 ના 310 થી તીવ્રપણે ઘટીને 2025 માં 100 થયો છે. હિંસામાં સતત ઘટાડો નક્સલ જૂથોની નબળી પડતી ઓપરેશનલ ક્ષમતાઓ અને પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા, કનેક્ટિવિટી અને જાહેર વિશ્વાસની ક્રમિક પુનઃસ્થાપના દર્શાવે છે.

આ વલણ સુરક્ષા વાતાવરણમાં નોંધપાત્ર સુધારો પ્રતિબિંબિત કરે છે. એક સમયે વારંવાર થતી હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને જાહેર સલામતીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

ભારતની સુરક્ષા અને વિકાસની વાર્તાનું એક વ્યાખ્યાયિત પ્રકરણ

31 માર્ચ 2026 ના રોજ 'નક્સલમુક્ત ભારત' ની ભારતની સિદ્ધિ દેશના સ્વતંત્ર ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ આંતરિક સુરક્ષા સફળતાઓમાંની એક છે. તે નિર્ણાયક નેતૃત્વ, સતત નીતિ અમલીકરણ અને સુરક્ષા, વિકાસ અને પુનર્વસનને જોડતી બહુ-પરિમાણીય વ્યૂહરચનાની અસર દર્શાવે છે.

છેલ્લા દાયકામાં, ભારતે ડાબેરી ઉગ્રવાદ પ્રત્યેના પોતાના અભિગમમાં પ્રતિક્રિયાત્મક નિયંત્રણથી બદલીને સક્રિય નાબૂદી (પ્રોએક્ટિવ એલિમિનેશન) તરફ પરિવર્તન આણ્યું છે. આગામી સફર શરૂ થઈ ચૂકી છે. 'નક્સલમુક્ત ભારત' ની સિદ્ધિ માત્ર એક બળવાખોરીનો અંત નથી. તે ભારતના કેટલાક સૌથી સંવેદનશીલ સમુદાયો માટે શાંતિ, સમાવેશ અને પ્રગતિના નવા પ્રકરણની શરૂઆત છે.

સંદર્ભ:

Click here for pdf file

SM/DK/JD


(रिलीज़ आईडी: 2275234) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Tamil