અનેક સ્વરૂપો, એક વિઝન: MIFF રાઉન્ડ ટેબલ બેઠકમાં ફિલ્મ ફેસ્ટિવલના દિગ્ગજોએ ફિલ્મ ઉત્સવોમાં વિવિધતા, ઇનોવેશન અને સમુદાય પર પ્રકાશ પાડ્યો
અધિકૃત અવાજો અને માતૃભાષામાં વાર્તાલાપ (સ્ટોરીટેલિંગ) વૈશ્વિક સિનેમાને નવો આકાર આપી રહ્યા છે: આનંદ વરદરાજ
ફિલ્મ ફેસ્ટિવલ સમુદાય સ્તરે ફિલ્મો જોવાની પ્રવૃત્તિને ટકાવી રાખે છે અને ફિલ્મ સંસ્કૃતિને મજબૂત કરે છે: પ્રેમેન્દ્ર મઝુમદાર
એનિમેશનને વધુ ઓળખ, સમર્થન અને વૈશ્વિક તકોની જરૂર છે: સાવિત્રી હરિ
સ્થાનિક પરંપરાઓ અને ભાષાઓમાં મૂળ ધરાવતી ફિલ્મોની વધતી જતી ઓળખ એ વાતનો પુરાવો છે કે અધિકૃતતા ભૌગોલિક સરહદોથી પર હોઈ શકે છે: દીપક કુમાર બેશરા
ડોક્યુમેન્ટરીઝ જાહેર સંવાદને વેગ આપે છે અને ઐતિહાસિક ચેતનાને સાચવે છે: નિલોત્પલ મજુમદાર
ફિલ્મ ફેસ્ટિવલ પ્રાયોગિક (એક્સપેરિમેન્ટલ) અને બિન-વ્યાવસાયિક સિનેમા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે: પેટ્રિશિયા સાંચેઝ મોરા
19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) ની સાથે આજે આયોજિત “અનેક સ્વરૂપો, એક વિઝન: ફિલ્મ ફેસ્ટિવલોમાં વિવિધતાની ઉજવણી” (Many Forms, One Vision: Celebrating Diversity in Film Festivals) નામના રાઉન્ડ ટેબલ ચર્ચા સત્ર દરમિયાન વક્તાઓએ અવલોકન કર્યું હતું કે, ફિલ્મ ફેસ્ટિવલ વિવિધ અવાજોની ઉજવણી કરવામાં, ઊભરતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવામાં, સિનેમેટિક વારસાને સાચવવામાં અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ફિલ્મ નિર્માતાઓ, વિવેચકો, ફેસ્ટિવલ ડિરેક્ટર્સ અને ઉદ્યોગના વ્યાવસાયિકોને એકસાથે લાવનારી આ ચર્ચામાં ટેકનોલોજીકલ ઇનોવેશન, બદલાતી પ્રેક્ષકોની આદતો અને અધિકૃત સ્ટોરીટેલિંગની વધતી માંગના આ યુગમાં ફિલ્મ ફેસ્ટિવલ કેવી રીતે સતત વિકસિત થઈ રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી.
આ સત્રનું સંચાલન કરતાં એવોર્ડ વિજેતા અભિનેત્રી શીના ચોહાને વિવિધ સંસ્કૃતિઓ અને અનુભવો ધરાવતા લોકોને જોડવામાં સ્ટોરીટેલિંગની શક્તિ પર ભાર મૂક્યો હતો. ચર્ચાની શરૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ ફેસ્ટિવલ પ્રેક્ષકોને વિવિધ દ્રષ્ટિકોણથી વિશ્વને જોવાની અને સમજણ તેમજ સહાનુભૂતિ વધારી શકે તેવી વાર્તાઓ સાથે જોડાવાની તક આપે છે. તેમણે નોંધ્યું હતું કે, જે ફિલ્મો ક્રેડિટ્સ રોલ થયા પછી પણ લાંબા સમય સુધી દર્શકોના મનમાં રહે છે, તે ઘણીવાર સ્થાનિક અનુભવો દ્વારા વૈશ્વિક સત્યોને વ્યક્ત કરતી ફિલ્મો હોય છે.
ફેસ્ટિવલના વાતાવરણમાં ફિલ્મો જોવાની અનોખી વિભાવના વિશે વાત કરતા બેંગલુરુ ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (BISFF) ના સ્થાપક અને કલાત્મક નિર્દેશક આનંદ વરદરાજે જણાવ્યું હતું કે, સિનેમા મૂળભૂત રીતે એક સામૂહિક અનુભવ છે. અન્ય લોકો સાથે અંધારા થિયેટરમાં ફિલ્મ જોવી એ એક વહેંચાયેલી ભાવનાત્મક સફર બનાવે છે જે બીજે ક્યાંય પુનરાવર્તિત થઈ શકતી નથી. એક શક્તિશાળી દ્રશ્ય પ્રત્યે પ્રેક્ષકોનો સામૂહિક પ્રતિભાવ એ એક કળા તરીકે સિનેમાના સારને પ્રતિબિંબિત કરે છે. તેમણે વૈશ્વિક સિનેમામાં બદલાતા પ્રવાહો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને બિન-મુખ્ય પ્રવાહની (નોન-મેઇનસ્ટ્રીમ) ભાષાઓમાં બનતી ફિલ્મોની વધતી સંખ્યા તરફ ઈશારો કર્યો હતો. ફિલ્મ નિર્માતાઓ અને લેખકો વધુને વધુ પોતાની માતૃભાષામાં સર્જન કરવાનું પસંદ કરી રહ્યા છે, જેના પરિણામે વધુ સમૃદ્ધ અને અધિકૃત વાર્તાઓ સામે આવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે ઘણી આકર્ષક ફિલ્મો હવે માત્ર મેટ્રો શહેરોને બદલે નાના નગરો અને અંતરિયાળ વિસ્તારોમાંથી ઉભરી રહી છે. આ સાથે જ, ફિલ્મ નિર્માતાઓ પોતાની વાર્તાઓ કહેવા માટે સર્જનાત્મક સાધનો તરીકે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને અપનાવી રહ્યા છે.
ટૂંકી ફિલ્મો (શોર્ટ ફિલ્મો) ની વધતી જતી લોકપ્રિયતા વિશે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે આજના પ્રેક્ષકો એવું કન્ટેન્ટ ઈચ્છે છે જે આધુનિક જીવનશૈલીમાં બંધબેસતું હોય અને સાથે અર્થપૂર્ણ સ્ટોરીટેલિંગ પણ પ્રદાન કરતું હોય. આજના સમયમાં જ્યારે સમય એક વૈભવ (લક્ઝરી) છે, ત્યારે ફિલ્મ ફેસ્ટિવલ ગુણવત્તાયુક્ત શોર્ટ-ફોર્મ સિનેમાની ઓળખ કરીને અને તેને પ્રદર્શિત કરીને એક મહત્વપૂર્ણ ક્યુરેટોરિયલ કાર્ય કરે છે. ફેસ્ટિવલો પ્રેક્ષકોને સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાઓની ઓછી જાણીતી કૃતિઓથી પરિચિત કરાવવામાં પણ મદદ કરે છે. ઋત્વિક ઘટકની શોર્ટ ફિલ્મો BISFF માં પ્રદર્શિત કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રેક્ષકો જાણી શક્યા કે આ માસ્ટરોએ અદ્ભુત શોર્ટ ફિલ્મો પણ બનાવી હતી.

19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF 2026) માં 18 જૂન 2026ના રોજ "Many Forms, One Vision: Celebrating Diversity in Film Festivals" પર રાઉન્ડ ટેબલ સત્ર દરમિયાન NFDCના MD શ્રી પ્રકાશ મગદુમ; ફિલ્મ વિવેચક અને લેખક પ્રેમેન્દ્ર મઝુમદાર; ફિલ્મ નિર્માતા નિલોત્પલ મજુમદાર; આનંદ વરદરાજ, દીપક કુમાર બેશરા, સાવિત્રી હરિ, પેટ્રિશિયા સાંચેઝ મોરા અને સંચાલક અભિનેત્રી શીના ચોહાન.
ફિલ્મ સંસ્કૃતિને આકાર આપવામાં ફિલ્મ ફેસ્ટિવલની ભૂમિકા પર પ્રકાશ પાડતા, ફિલ્મ વિવેચક અને ફેડરેશન ઓફ ફિલ્મ સોસાયટીઝ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ પ્રેમેન્દ્ર મઝુમદારે સિનેમાને એક સામૂહિક કળા અને ફિલ્મ જોવાની પ્રવૃત્તિને સમુદાયની પ્રવૃત્તિ તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું કે ફિલ્મ ફેસ્ટિવલ એ ભારતના લાંબા સમયથી ચાલી રહેલા ફિલ્મ સોસાયટી આંદોલનનું સ્વાભાવિક વિસ્તરણ છે, જેણે દેશભરમાં અર્થપૂર્ણ સિનેમાને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે ડિજિટલ ક્રાંતિએ વિશ્વભરમાં ફિલ્મ ફેસ્ટિવલોના ઝડપી વિકાસમાં ફાળો આપ્યો છે. આ વિસ્તરણથી ફિલ્મ નિર્માતાઓ માટે વધુ તકો ઊભી થઈ છે, પરંતુ તેની સાથે ગુણવત્તા અને નિયમન સંબંધિત પડકારો પણ આવ્યા છે. તેમણે કલાત્મક શ્રેષ્ઠતા અને સાંસ્કૃતિક સંવાદના પ્રોત્સાહન સહિત ફિલ્મ ફેસ્ટિવલ આંદોલનને મૂળભૂત રીતે પ્રેરિત કરનારા મૂલ્યોને સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રેમેન્દ્ર મઝુમદારે એ પણ ધ્યાન દોર્યું કે ફિલ્મ ફેસ્ટિવલ તમામ પેઢીના પ્રેક્ષકોને આકર્ષવાનું ચાલુ રાખે છે. વ્યાવસાયિક સ્ક્રીનિંગથી વિપરીત, ફેસ્ટિવલના પ્રેક્ષકોમાં ઘણીવાર ફિલ્મ નિર્માતાઓ, વિવેચકો અને સિનેમા પ્રેમીઓનો સમાવેશ થાય છે, જે ફિલ્મો સાથે ઊંડાણપૂર્વક જોડાવા માટે પ્રોત્સાહિત કરતું વાતાવરણ પૂરું પાડે છે. તેમણે ઉમેર્યું કે, ઘણા પ્રશંસનીય ફિલ્મ નિર્માતાઓએ સૌપ્રથમ ફેસ્ટિવલ સર્કિટ દ્વારા જ ઓળખ મેળવી હતી.
એનિમેશન ફિલ્મ નિર્માતાઓ સામે રહેલી તકો અને પડકારોને સંબોધતા, તેલંગાણા VFX, એનિમેશન એન્ડ ગેમિંગ એસોસિએશન (TVAGA) ના કન્સલ્ટન્ટ સાવિત્રી હરિએ અવલોકન કર્યું કે એનિમેશનને હજુ પણ ઘણીવાર પ્રાથમિક રીતે બાળકોના મનોરંજનના માધ્યમ તરીકે જોવામાં આવે છે. આ ધારણા એનિમેશનની કલાત્મક અને સ્ટોરીટેલિંગ ક્ષમતા હોવા છતાં ફાયનાન્સિંગ (નાણાકીય સહાય) અને વિતરણમાં અવરોધો ઊભા કરે છે. તેમણે નોંધ્યું કે ભારતીય એનિમેશન આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલોમાં વધુને વધુ વિઝિબિલિટી (ઓળખ) મેળવી રહ્યું છે. જો કે, ભાષાની પસંદગીઓ અને વિતરણની પદ્ધતિઓ ઘણા પ્રોજેક્ટ્સની વૈશ્વિક પહોંચને મર્યાદિત કરી શકે છે. સાવિત્રી હરિએ ફિલ્મ નિર્માતાઓને બૌદ્ધિક સંપદા (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી) વ્યૂહરચનાઓ વિકસાવીને અને આંતરરાષ્ટ્રીય બજારોને સમજીને માત્ર સર્જનાત્મક રીતે જ નહીં પરંતુ વ્યાવસાયિક રીતે પણ સજ્જ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે ફિલ્મ ફેસ્ટિવલ સર્જકોને મેન્ટર્સ, ઉદ્યોગના વ્યાવસાયિકો અને વૈશ્વિક પ્રેક્ષકો સાથે જોડવામાં મદદ કરી શકે છે.
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) ના મેનેજિંગ ડાયરેક્ટર પ્રકાશ મગદુમે ભવિષ્યની પેઢીઓ માટે ફિલ્મોના સંરક્ષણ (પ્રિઝર્વેશન)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, ફિલ્મ સંરક્ષણ એ સુનિશ્ચિત કરે છે કે સિનેમેટિક ઇતિહાસ આગામી પેઢીઓ અને નવા પ્રેક્ષકો માટે સુલભ રહે. આ જ કારણ છે કે વિશ્વભરના ઘણા મોટા ફિલ્મ ફેસ્ટિવલોમાં હવે પુનઃસ્થાપિત (રિસ્ટોર્ડ) ક્લાસિક ફિલ્મો માટે સમર્પિત વિભાગો રાખવામાં આવે છે. તેમણે ફિલ્મ નિર્માણ અને ફિલ્મ ફેસ્ટિવલ પર ટેકનોલોજીની અસરો વિશે પણ વાત કરી હતી. ડિજિટલ પ્લેટફોર્મ્સે વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા ફિલ્મ નિર્માતાઓ માટે વિશ્વભરના ફેસ્ટિવલોમાં પોતાની કૃતિઓ સબમિટ કરવાનું સરળ બનાવ્યું છે. તે જ સમયે, એનિમેશન, મોશન ગ્રાફિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એડવાન્સમેન્ટ સર્જનાત્મક શક્યતાઓનો વિસ્તાર કરી રહી છે. AI ફિલ્મો પરના MIFF ના ક્યુરેટેડ સેક્શનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પ્રેક્ષકો આખરે ફિલ્મ બનાવવા માટે વપરાયેલી ટેકનોલોજીને બદલે તેની ભાવનાત્મક અધિકૃતતાને પ્રતિભાવ આપે છે.
સોસાયટી ફોર આદિવાસી ફિલ્મ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (SAFDF) અને બારીપદા નેશનલ ઇન્ડિજિનસ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના સ્થાપક અને એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા દીપક કુમાર બેશરા માટે, પ્રેક્ષકોના જોડાણ માટે અધિકૃતતા જ મુખ્ય ચાવી છે. તેમણે કહ્યું કે ફિલ્મ ફેસ્ટિવલ સ્વદેશી અને આદિવાસી સમુદાયોને તેમની વાર્તાઓ વ્યાપક પ્રેક્ષકો સાથે શેર કરવાની અમૂલ્ય તકો પૂરી પાડે છે. દીપક કુમાર બેશરાએ નોંધ્યું હતું કે પ્રેક્ષકો ઘણીવાર એવી વાર્તાઓ સાથે સૌથી વધુ મજબૂત રીતે જોડાય છે જે તેમના પોતાના જીવન, સંસ્કૃતિ અને અનુભવોને પ્રતિબિંબિત કરે છે. તેમણે સ્થાનિક પરંપરાઓ અને ભાષાઓમાં મૂળ ધરાવતી ફિલ્મોની વધતી જતી ઓળખ તરફ ઈશારો કર્યો હતો જે એ વાતનો પુરાવો છે કે અધિકૃતતા ભૌગોલિક સરહદોથી પર હોઈ શકે છે અને વૈશ્વિક દર્શકોને આકર્ષી શકે છે.
એશિયાના પ્રથમ ડોક્યુમેન્ટરી ઇન્ક્યુબેટર ‘ડોકએજ કોલકાતા’ (Docedge Kolkata)ના સ્થાપક-પ્રમુખ નિલોત્પલ મજુમદાર દ્વારા ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણના બદલાતા પરિદ્રશ્ય વિશે વાત કરવામાં આવી હતી. તેમણે અવલોકન કર્યું કે ભારતીય ડોક્યુમેન્ટરીઝ છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ છે, જેમાં ફિલ્મ નિર્માતાઓ વિષયો અને સ્ટોરીટેલિંગના અભિગમોની વ્યાપક શ્રેણીની શોધ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ડોક્યુમેન્ટરીઝ મુદ્દાઓ, લાગણીઓ અને જીવંત વાસ્તવિકતાઓને એકસાથે લાવીને ઐતિહાસિક ચેતના બનાવવામાં મદદ કરે છે. જો કે ઘણા ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતાઓ મર્યાદિત સંસાધનો સાથે કામ કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તેમની પ્રતિબદ્ધતા અને જુસ્સાના પરિણામે પ્રભાવશાળી કાર્યોની સંખ્યા વધી રહી છે. તેમણે ઊભરતા ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતાઓને તેમની ક્ષમતાનો અહેસાસ કરાવવા માટે મેન્ટરશિપ, કૌશલ્ય વિકાસ અને સંસ્થાકીય સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય રજૂ કરતાં એલ'અલ્ટરનેટિવ પ્રો (L’Alternativa PRO) અને એક્સ્ટ્રીમલેબ ફેસ્ટ (EXTREMLAB Fest) ના ડાયરેક્ટર પેટ્રિશિયા સાંચેઝ મોરાએ જણાવ્યું હતું કે, ફિલ્મ ફેસ્ટિવલ પ્રાયોગિક અને બિન-વ્યાવસાયિક સિનેમા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેઓ વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવાની સાથે ફિલ્મ નિર્માતાઓને વિશ્વના વિવિધ ભાગોમાંથી સર્જનાત્મક પદ્ધતિઓ શોધવા માટે સક્ષમ બનાવે છે.
આ ચર્ચા એ સહિયારી સ્વીકૃતિ સાથે સમાપ્ત થઈ હતી કે ફિલ્મ ફેસ્ટિવલ કલાત્મક સંશોધન, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સમુદાયના જોડાણ માટે મહત્વપૂર્ણ સ્થાનો તરીકે અકબંધ છે. વિવિધ અવાજોનું સમર્થન કરીને, ઇનોવેશનને પ્રોત્સાહિત કરીને અને ફિલ્મ નિર્માતાઓ તથા પ્રેક્ષકો વચ્ચે અર્થપૂર્ણ સંવાદ માટેની તકો ઊભી કરીને, ફિલ્મ ફેસ્ટિવલ સ્થાનિક વાર્તાઓની વિશિષ્ટતાની ઉજવણી કરવાની સાથે સિનેમાની વૈશ્વિક ભાષાને મજબૂત કરવાનું ચાલુ રાખે છે. ચર્ચાના અંતિમ ભાગમાં, પેનલિસ્ટોએ ફિલ્મ નિર્માણના મૂળભૂત હેતુ પર વિચાર વિમર્શ કર્યો હતો. એક સામાન્ય અભિપ્રાય એ ઉભરી આવ્યો હતો કે ફિલ્મ નિર્માતાઓએ સૌપ્રથમ એ વાર્તા વિશે સંપૂર્ણપણે ખાતરી હોવી જોઈએ જે તેઓ કહેવા માંગે છે અને શું સિનેમા તેને કહેવા માટેનું સૌથી અસરકારક માધ્યમ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફિલ્મો અધિકૃતતા અને મજબૂત વિશ્વાસ દ્વારા સંચાલિત હોવી જોઈએ.
MIFF ની દૈનિક ઇવેન્ટ્સની પ્રેસ રિલીઝ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા મેળવવા માટે અહીં ક્લિક કરો.
SM/IJ/JD
रिलीज़ आईडी:
2274885
| Visitor Counter:
11