કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
મોદી સરકારના શાસનના 12 વર્ષ, કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તન બાદ જમ્મુ-કાશ્મીરમાં કર્મચારીઓ અને પેન્શનરોના વ્યાપક વર્ગો સુધી પહોંચ્યા પેન્શન સુધારા: ડૉ. જિતેન્દ્ર સિંહ
કેન્દ્ર સરકારના માળખાની સુચારૂ કામગીરીને સરળ બનાવવામાં જમ્મુ-કાશ્મીર સેન્ટ્રલ પેન્શનર્સ એસોસિએશન્સ સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે, તેમ ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે શ્રીનગરમાં 59મી પ્રી-રિટાયરમેન્ટ કાઉન્સેલિંગ વર્કશોપ અને 13મા બેન્કર્સ અવેરનેસ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રશાસિત પ્રદેશમાં પેન્શન સંબંધિત સેવાઓનો વિસ્તાર કરવા માટે DoPPW અને જે એન્ડ કે બેન્ક વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરાયા
प्रविष्टि तिथि:
16 JUN 2026 4:55PM by PIB Ahmedabad
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન, પીએમઓ, પર્સનલ, જાહેર ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 12 વર્ષ દરમિયાન શરૂ કરાયેલા શાસન અને પેન્શન સુધારા, અગાઉના રાજ્યનું કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તન થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કર્મચારીઓ અને પેન્શનરોના વ્યાપક વર્ગ સુધી પહોંચી રહ્યા છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનને કારણે આ ક્ષેત્રમાં કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે પોતાની સાથે શરૂઆતમાં કામના બોજ અને સેવા-વિતરણ (સર્વિસ-ડિલિવરી) ના કેટલાક પડકારો લાવ્યો હતો. આ પડકારોનું, તેમણે કહ્યું કે, સરકાર અને સંલગ્ન સંસ્થાઓના સંકલિત પ્રયાસો દ્વારા ઉત્તરોત્તર નિવારણ કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશના કર્મચારીઓ અને પેન્શનરો છેલ્લા દસ વર્ષ દરમિયાન દાખલ કરાયેલા પેન્શન સુધારાઓના લાભો મેળવવા માટે સક્ષમ બન્યા છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જમ્મુ-કાશ્મીર સેન્ટ્રલ પેન્શનર્સ એસોસિએશન્સ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ આ પરિવર્તનમાં મૂલ્યવાન ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છે. તેમણે જણાવ્યું કે એસોસિએશન્સે માત્ર સંપૂર્ણ સહયોગ જ નથી આપ્યો પરંતુ તેમના ઉકેલ માટે વ્યવહારુ સૂચનો સાથે સતત મુદ્દાઓ સરકારના ધ્યાને લાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમના રચનાત્મક જોડાણથી રાજ્યના ભૂતપૂર્વ કર્મચારીઓને કેન્દ્ર સરકારના માળખામાં સંક્રમણ કરવામાં મદદ મળી છે અને જમ્મુ અને કાશ્મીરમાં પેન્શન સુધારાના અસરકારક અમલીકરણમાં ફાળો આપ્યો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પરિણામે જમ્મુ-કાશ્મીરમાં પેન્શનરો અને કર્મચારીઓ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી નાગરિક-કેન્દ્રીય પહેલોની શ્રેણીનો વધુને વધુ લાભ મેળવી રહ્યા છે, જે પેન્શન સુધારાઓની વ્યાપક પહોંચને પ્રતિબિંબિત કરે છે જેણે છેલ્લા એક દાયકામાં દેશભરમાં પેન્શન વહીવટના પરિદ્રશ્યને બદલી નાખ્યું છે.
શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC), શ્રીનગર ખાતે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા આયોજિત 59મી પ્રી-રિટાયરમેન્ટ કાઉન્સેલિંગ (PRC) વર્કશોપ અને 13માં બેન્કર્સ અવેરનેસ પ્રોગ્રામને સંબોધિત કરતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, સરકારે પેન્શનરોના કલ્યાણ, ગૌરવ અને ઈઝ ઓફ લિવિંગ (જીવન જીવવાની સુગમતા) ને નીતિ નિર્ધારણના કેન્દ્રમાં રાખીને તેમના પ્રત્યેના અભિગમમાં મૂળભૂત ફેરફાર કર્યો છે.
આ કાર્યક્રમમાં પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના સચિવ સુશ્રી નિવેદિતા શુક્લા વર્મા; જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવ શ્રી અટલ દુલ્લુ; જે એન્ડ કે બેન્કના એમડી અને સીઈઓ શ્રી અમિતાભ ચેટર્જી; અને સંયુક્ત સચિવ (પેન્શન) શ્રી ધ્રુવજ્યોતિ સેનગુપ્તા ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ, બેન્કર્સ અને વયનિવૃત્તિની નજીક પહોંચેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ અને જમ્મુ-કાશ્મીર બેન્કે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં પેન્શન સંબંધિત સેવાઓનો વિસ્તાર કરવા અને પેન્શનરો માટે સુલભતા સુધારવાના હેતુથી એક સંયુક્ત પહેલ શરૂ કરી હતી. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ ભાગીદારી સેવા વિતરણ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે અને જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં પેન્શનરોને વધુ સુવિધા સાથે ચાલુ પેન્શન સુધારાઓના લાભો મેળવવા સક્ષમ બનાવશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકાની એક વિશિષ્ટ વિશેષતા એ રહી છે કે આ વિભાગ માત્ર પેન્શન પ્રોસેસિંગ કરતી સંસ્થા તરીકે જોવાને બદલે ખરા અર્થમાં પેન્શનરોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ વિભાગ તરીકે પરિવર્તિત થયો છે. તેમણે કહ્યું કે આજે માત્ર પેન્શન પેમેન્ટ ઓર્ડર જાહેર કરવા પર જ નહીં, પરંતુ પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે ગૌરવ, સુરક્ષા, સુવિધા અને ઈઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 'ભવિષ્ય' પ્લેટફોર્મે પેન્શન પ્રોસેસિંગના એન્ડ-ટુ-એન્ડ ડિજિટાઈઝેશનને સક્ષમ કરીને પેન્શન વહીવટમાં મોટો ફેરફાર લાવ્યો છે. પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ હવે ડીજીલોકર સાથે સંકલિત કરવામાં આવ્યા છે, જે નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પેન્શન દસ્તાવેજોની સીમલેસ, પેપરલેસ અને પારદર્શક પહોંચ સુનિશ્ચિત કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન એજન્ડા હેઠળ રજૂ કરાયેલા સૌથી સફળ સુધારાઓમાંના એકનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી દ્વારા ડિજિટલ હયાતીનું પ્રમાણપત્રની રજૂઆતે પેન્શનરોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેમના ઘરેથી જ હયાતીનું પ્રમાણપત્ર સબમિટ કરવાની મંજૂરી આપીને તેમના જીવનને બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે આ પહલે વરિષ્ઠ નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને બેંકો તેમજ કચેરીઓની રૂબરૂ મુલાકાતો પરની તેમની નિર્ભરતા ઘટાડી છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે નવેમ્બર 2025 માં દેશભરમાં ચલાવવામાં આવેલા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાનમાં અભૂતપૂર્વ ભાગીદારી જોવા મળી હતી, જેમાં દેશભરમાં 1.91 કરોડથી વધુ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થયા હતા, જેમાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી દ્વારા 1.16 કરોડથી વધુ પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે, જે પેન્શનરોમાં ડિજિટલ ગવર્નન્સની વધતી સ્વીકૃતિ દર્શાવે છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકારે CPENGRAMS, થીમેટિક રિવ્યુ મિકેનિઝમ અને નેશનલ પેન્શન અદાલતો દ્વારા ફરિયાદ નિવારણને પણ મજબૂત બનાવ્યું છે, જેનાથી પેન્શન સંબંધિત ફરિયાદોનો ઝડપી નિકાલ શક્ય બન્યો છે. ફેમિલી પેન્શન, વધારાનું પેન્શન, નિવૃત્તિ લાભો અને ગુમ થયેલા કર્મચારીઓના કેસો સંબંધિત સુધારાઓએ પેન્શનરો અને તેમના પરિવારો માટે સામાજિક સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારે સંસ્થાગત સ્મૃતિને જાળવી રાખવા અને 'અનુભવ' પ્લેટફોર્મ દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓની સતત ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે સતત કામ કર્યું છે. તેમણે કહ્યું કે નિવૃત્ત થતા કર્મચારીઓને તેમના અનુભવો, ઇનોવેશન્સ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે જાહેર સેવકોની ભાવિ પેઢીઓ માટે જ્ઞાનનો એક મૂલ્યવાન ભંડાર બનાવે છે. તેમણે નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ દ્વારા કરાયેલા અનુકરણીય યોગદાનને માન્યતા આપવાના ઉદ્દેશ્ય સાથે 'અનુભવ યોજના 2026'ના પ્રારંભને પણ આવકાર્યો હતો.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતમાં પેન્શનરોની વધતી જતી સંખ્યા વધતી આયુષ્ય અપેક્ષા (લાઈફ એક્સપેક્ટન્સી) અને જીવનની સુધરતી ગુણવત્તા દર્શાવે છે. સરકારી સેવામાંથી આજે નિવૃત્ત થતા કર્મચારીઓ અગાધ અનુભવ, કુશળતા અને સંસ્થાગત જ્ઞાન ધરાવે છે, જે તેમને નિવૃત્તિ પછી પણ સમાજ માટે મૂલ્યવાન યોગદાનકર્તા બનાવે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રી-રિટાયરમેન્ટ કાઉન્સેલિંગ વર્કશોપનો ઉદ્દેશ્ય માત્ર કર્મચારીઓને પેન્શન પ્રક્રિયાઓ અને નિવૃત્તિ લાભોથી પરિચિત કરવાનો નથી, પરંતુ તેમને નિવૃત્તિ પછીના અર્થપૂર્ણ અને ઉત્પાદક જીવન માટે તૈયાર કરવામાં મદદ કરવાનો પણ છે. આવી પહેલો એ સુનિશ્ચિત કરે છે કે નિવૃત્ત થતા કર્મચારીઓ દ્વારા સંચિત કરાયેલ અનુભવ અને કુશળતા સમાજ અને રાષ્ટ્રીય વિકાસમાં સતત યોગદાન આપતા રહે.
નિવૃત્ત થતા કર્મચારીઓને ભારતના વિકાસની સફરમાં સક્રિય સહભાગી રહેવા આહ્વાન કરતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે વિકસિત ભારત @ 2047ના નિર્માણમાં દરેક નાગરિકની ભૂમિકા છે. વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો, તેમના વિશાળ અનુભવ અને જ્ઞાન સાથે, આ રાષ્ટ્રીય મિશનમાં એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.




SM/DK/JD
(रिलीज़ आईडी: 2273624)
आगंतुक पटल : 25