માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું પરિવર્તન: વિકસિત ભારત તરફ દેશની સફરને વેગ આપવો
प्रविष्टि तिथि:
14 JUN 2026 2:45PM by PIB Ahmedabad
છેલ્લા બાર વર્ષોમાં, ભારતે તેના માર્ગ માળખાકીય સુવિધાઓના લેન્ડસ્કેપમાં અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નિતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ કનેક્ટિવિટીના નવા યુગનું નેતૃત્વ કર્યું છે, જે આર્થિક વૃદ્ધિને મજબૂત બનાવે છે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને લાખો નાગરિકો માટે મુસાફરીની સરળતા વધારે છે.
વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓને રાષ્ટ્રીય વિકાસના મુખ્ય પ્રેરક બળ તરીકે સ્વીકારીને, સરકારે કનેક્ટિવિટી વિસ્તારવા, મુસાફરીનો સમય ઘટાડવા, માર્ગ સલામતીમાં સુધારો કરવા અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે પરિવર્તનકારી પહલો હાથ ધરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઇવે) નેટવર્કનો ઝડપી વિસ્તાર, રેકોર્ડ બ્રેક નિર્માણ ગતિ અને પ્રતિષ્ઠિત એક્સપ્રેસવેના વિકાસે સામૂહિક રીતે ભારતના પરિવહન ઇકોસિસ્ટમને નવો આકાર આપ્યો છે અને આધુનિક તેમજ આત્મનિર્ભર રાષ્ટ્રના પાયાને મજબૂત કર્યો છે.
ભારતમાલા પરિયોજના: સંકલિત રાષ્ટ્રીય કનેક્ટિવિટી માટેનું વિઝન
હાઇવે સેક્ટરમાં સૌથી વધુ પરિવર્તનકારી પહેલોમાં ભારતમાલા પરિયોજના સામેલ છે, જે દેશભરમાં માલસામાન અને મુસાફરોની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે. ઓક્ટોબર 2017માં ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ કાર્યક્રમ અંતર્ગત ₹5.35 લાખ કરોડના અંદાજિત ખર્ચ સાથે 34,800 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોરના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે.
આ કાર્યક્રમ ઇકોનોમિક કોરિડોર, ઇન્ટર-કોરિડોર અને ફીડર રૂટ્સ, નેશનલ કોરિડોર એફિશિયન્સી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ્સ, બોર્ડર રોડ્સ, કોસ્ટલ રોડ્સ, પોર્ટ કનેક્ટિવિટી રોડ્સ અને એક્સપ્રેસવેના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માર્ચ 2026 સુધીમાં, 26,425 કિલોમીટરને આવરી લેતા પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે 22,590 કિલોમીટરનું નિર્માણ પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે. ભારતમાલા પરિયોજનાએ કનેક્ટિવિટીને નોંધપાત્ર રીતે મજબૂત કરી છે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કર્યો છે અને અંતરિયાળ તેમજ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રદેશો સુધી પહોંચમાં સુધારો કર્યો છે, જેનાથી આર્થિક વિકાસ, પ્રાદેશિક સંતુલન અને રાષ્ટ્રીય એકીકરણમાં યોગદાન મળ્યું છે.


રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કનો વિસ્તાર
ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કનો વિસ્તાર એ છેલ્લા દાયકાની સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિદ્ધિઓમાંની એક છે. આ નેટવર્ક વર્ષ 2014માં આશરે 91,287 કિલોમીટર હતું જે નાણાકીય વર્ષ 2025-26માં વધીને 1,46,572 કિલોમીટરથી વધુ થઈ ગયું છે, જે લગભગ 61 ટકાનો વધારો દર્શાવે છે.

આ નોંધપાત્ર વૃદ્ધિએ રાજ્યો અને પ્રદેશો વચ્ચે કનેક્ટિવિટી સુધારી છે, માલસામાન અને સેવાઓની ઝડપી અવરજવરને સુવિધાજનક બનાવી છે, બજારો સુધી પહોંચ વધારી છે અને દેશના આર્થિક કરોડરજ્જુને મજબૂત બનાવ્યો છે. વિસ્તૃત નેટવર્ક અંતરિયાળ અને ઓછા સેવા ધરાવતા વિસ્તારોને વિકાસ કેન્દ્રો અને આર્થિક હબો સાથે જોડીને પ્રાદેશિક અસમાનતાઓને દૂર કરવામાં પણ મદદ કરી રહ્યું છે.
હાઇવે નિર્માણમાં રેકોર્ડ વૃદ્ધિ
ભારતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની ગતિમાં પણ નોંધપાત્ર વધારો હાંસલ કર્યો છે. વર્ષ 2013-14માં આશરે 11.6 કિલોમીટર પ્રતિ દિવસની સરેરાશ નિર્માણ ગતિ હતી, જે વધીને વર્ષ 2025માં લગભગ 34 કિલોમીટર પ્રતિ દિવસ થઈ ગઈ છે.
આ સિદ્ધિ સતત નીતિગત સમર્થન, બહેતર પ્રોજેક્ટ અમલીકરણ, સુવ્યવસ્થિત મંજૂરી પ્રક્રિયાઓ, તકનીકી નવીનતા અને ઉન્નત સંસ્થાકીય ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. નિર્માણની આ ઝડપી ગતિએ નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવામાં અને દેશવ્યાપી કનેક્ટિવિટી મજબૂત કરવામાં સક્ષમ બનાવ્યા છે.
વધુમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ બેંગલોર (IIMB) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર, રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસથી ફેક્ટરીઓ સુધીની સુલભતા સુધારીને સરેરાશ લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના પરિણામે અનુક્રમે ફેક્ટરી અને સપ્લાયર વચ્ચે તેમજ ફેક્ટરી અને ગ્રાહક વચ્ચેના પરિવહન ખર્ચમાં ઘટાડો થયો છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: લાંબા અંતરની કનેક્ટિવિટીની નવી વ્યાખ્યા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી મહત્વાકાંક્ષી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આશરે 1,386 કિલોમીટરની આયોજિત લંબાઈ અને આશરે ₹1 લાખ કરોડના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ સાથે, તે પૂર્ણ થવા પર દેશનો સૌથી લાંબો એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવે બનવા માટે તૈયાર છે.
દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો આ એક્સપ્રેસવે દેશના મુખ્ય આર્થિક કેન્દ્રો વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ પૂર્ણ થયેલા સેક્શન — રાજસ્થાનમાં ₹12,000 કરોડથી વધુના ખર્ચે વિકસિત 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ 22 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાતમાં 87 કિલોમીટર લાંબા વડોદરા-ભરૂચ સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, 5 જૂન 2026ના રોજ, પ્રધાનમંત્રીએ ગુજરાતના વધુ બે સેક્શન્સ: 36 કિલોમીટર લાંબા કિમ-એના સેક્શન અને 27.5 કિલોમીટર લાંબા ગંડેવા-એના સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય ઘટશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે અને તેના કોરિડોર પર ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગારી માટે નવી તકો ખુલશે તેવી અપેક્ષા છે.


દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે: પ્રાદેશિક કનેક્ટિવિટીનું પરિવર્તન
દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેએ દિલ્હી અને મેરઠ વચ્ચે ઝડપી, સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ મુસાફરી સક્ષમ કરીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) ની અંદર કનેક્ટિવિટીમાં પરિવર્તન આણ્યું છે. આશરે ₹8346 કરોડના ખર્ચે વિકસિત અને આશરે 82 કિલોમીટરમાં ફેલાયેલા આ એક્સપ્રેસવેએ રોજિંદા મુસાફરો અને વ્યવસાયો બંને માટે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે.
આ પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2018 અને 2021 વચ્ચે વિવિધ સેક્શન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે, તે ભારતના સૌથી સફળ શહેરી-પ્રાદેશિક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાંના એક તરીકે ઊભો છે, જે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિઓને સરળ બનાવે છે, ટ્રાફિક જામ ઘટાડે છે અને પ્રાદેશિક વિકાસને ટેકો આપે છે.

દ્વારકા એક્સપ્રેસવે: અર્બન મોબિલિટીમાં એક નવો માપદંડ
દ્વારકા એક્સપ્રેસવે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શહેરી પરિવહન માળખાના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આશરે 29 કિલોમીટર લાંબો અને લગભગ ₹9,000 કરોડના ખર્ચે વિકસિત આ પ્રોજેક્ટથી દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો છે.
એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2024માં કર્યું હતું, જ્યારે દિલ્હી સેક્શનનું ઉદ્ઘાટન ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2025માં કર્યું હતું, જેણે એક નિર્ણાયક અર્બન મોબિલિટી કોરિડોર પૂર્ણ કર્યો હતો. અદ્યતન એન્જિનિયરિંગ ઉકેલો, બહુસ્તરીય ઇન્ટરચેન્જ અને આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ ધરાવતો આ એક્સપ્રેસવે ટ્રાફિક જામ હળવો કરશે, મુસાફરીની કાર્યક્ષમતામાં સુધારો કરશે અને પ્રદેશની વધતી જતી ગતિશીલતાની જરૂરિયાતોને ટેકો આપશે તેવી અપેક્ષા છે.


બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે: દક્ષિણ ભારતમાં વિકાસને વેગ આપવો
બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે દક્ષિણ ભારતમાં એક સીમાચિહ્નરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે ઉભરી આવ્યો છે. આશરે ₹8,480 કરોડના ખર્ચે વિકસિત અને 118 કિલોમીટરમાં ફેલાયેલા આ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચ 2023ના રોજ કર્યું હતું.
આ પ્રોજેક્ટથી બેંગલુરુ અને મૈસુર વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ત્રણ કલાકથી ઘટીને આશરે 75 મિનિટ થઈ ગયો છે, જેનાથી ગતિશીલતા, માર્ગ સલામતી અને મુસાફરીની સુવિધામાં નોંધપાત્ર સુધારો થયો છે. તેણે વ્યાપારી જોડાણોને પણ મજબૂત કર્યા છે, પ્રવાસનને પ્રોત્સાહન આપ્યું છે અને પ્રાદેશિક આર્થિક વિકાસ માટે નવી તકો ઊભી કરી છે, જે દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે એક મોડેલ તરીકે કામ કરે છે.


દિલ્હી-દેહરાદૂન ઇકોનોમિક કોરિડોર: કનેક્ટિવિટી, ટકાઉપણું અને પ્રાદેશિક વિકાસનું પરિવર્તન
દિલ્હી-દેહરાદૂન ઇકોનોમિક કોરિડોર એ એક એન્જિનિયરિંગ અજાયબી છે જે હાઇ-સ્પીડ, કાર્યક્ષમ અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક બનાવવા પરના ભારતના સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. ₹12,000 કરોડના ખર્ચે વિકસિત, આ 213 કિલોમીટર લાંબા છ-લેનના એક્સેસ-કંટ્રોલ્ડ કોરિડોરનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14મી એપ્રિલ 2026ના રોજ કર્યું હતું. આ કોરિડોરે દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનો મુસાફરીનો સમય 6 કલાકથી વધુથી ઘટાડીને આશરે 2.5 કલાક કર્યો છે અને મુસાફરીનું અંતર 235 કિલોમીટરથી ઘટાડીને 213 કિલોમીટર કર્યું છે, જે મુસાફરીને માત્ર ઝડપી જ નહીં પરંતુ વધુ ઇંધણ-કાર્યક્ષમ અને સીમલેસ (અવિરત) બનાવે છે.
દિલ્હી-દેહરાદૂન કોરિડોરની એક વિશિષ્ટ વિશેષતા ટકાઉ વિકાસ અને ઇકોલોજીકલ સંરક્ષણ પર તેનો મજબૂત ભાર છે. ગણેશપુર અને દેહરાદૂન વચ્ચેનો 20 કિલોમીટરનો પટ્ટો રાજાજી નેશનલ પાર્ક અને શિવાલિક રિઝર્વ ફોરેસ્ટ વચ્ચેના પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ ઝોનમાંથી પસાર થાય છે. પર્યાવરણીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, પ્રોજેક્ટમાં 12 કિલોમીટર લાંબો એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર (વન્યજીવ કોરિડોર) અને ‘દાત-કાલી’ મંદિર નજીક 370 મીટર લાંબી ટનલ સામેલ છે. પર્યાવરણીય સંવેદનશીલતા સાથે અદ્યતન એન્જિનિયરિંગનો સમન્વય કરીને, આ કોરિડોરે માત્ર કનેક્ટિવિટીની નવી વ્યાખ્યા જ નથી આપી પરંતુ તે ટકાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ માટે એક મોડેલ તરીકે પણ કામ કરી રહ્યો છે.

વિકસિત ભારતના વિઝનને વેગ આપવો
છેલ્લા બાર વર્ષોમાં માર્ગ અને હાઇવે સેક્ટરમાં જોવા મળેલું પરિવર્તન “બાર વર્ષનો વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” ની ભાવનાને મૂર્તિમંત કરે છે. સતત રોકાણો, નીતિગત સુધારાઓ અને ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દ્વારા, ભારતે કનેક્ટિવિટી મજબૂત કરી છે, આર્થિક તકો વધારી છે અને લાખો નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે.
ભારતમાલા પરિયોજનાના અમલીકરણ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના વિસ્તારથી લઈને રેકોર્ડ નિર્માણ ગતિ અને પ્રતિષ્ઠિત એક્સપ્રેસવેના વિકાસ સુધી, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સિદ્ધિઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારત જ્યારે વિકસિત ભારતના વિઝન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે એક આધુનિક, કાર્યક્ષમ અને સ્થિતિસ્થાપક હાઇવે નેટવર્ક આવનારી પેઢીઓ માટે વૃદ્ધિ, સમૃદ્ધિ અને સમાવેશી વિકાસના શક્તિશાળી એન્જિન તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2272653)
आगंतुक पटल : 15