અંતરિક્ષ વિભાગ
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ઉદ્યોગોને ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં રોકાણ વધારવા આહવાન કર્યું


અંતરિક્ષ ક્ષેત્રના સુધારા બાદ ભારતની ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમ 400 થી વધુ સ્ટાર્ટ-અપ્સ સાથે વિસ્તરી: ડૉ. જિતેન્દ્ર સિંહ

વેન્ચર કેપિટલ અને ટેક્નોલોજી એડોપ્શન ફંડ્સ ભારતના સ્પેસ ઇકોનોમી (અંતરિક્ષ અર્થતંત્ર) ને વેગ આપશે: ડૉ. જિતેન્દ્ર સિંહ

મંત્રીએ R&D માં વધુ પરોપકારી ભાવના (ફિલાન્થ્રોપી) ની હિમાયત કરી, જણાવ્યું કે વિજ્ઞાનમાં રોકાણ એ માનવતાની સેવા છે

प्रविष्टि तिथि: 11 JUN 2026 5:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પૃથ્વી વિજ્ઞાન; પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, પર્સનલ, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે ઉદ્યોગ જગતના અગ્રણીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્વદેશી ટેક્નોલોજીના વિકાસને વેગ આપવા અને બાહ્ય સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતના અંતરિક્ષ (સ્પેસ) ક્ષેત્રમાં રોકાણ અને ભાગીદારી નોંધપાત્ર રીતે વધારવા આહવાન કર્યું છે.

10માં IN-SPACe ઇન્ડસ્ટ્રી કનેક્ટને સંબોધિત કરતા, ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમે અદભૂત ઇનોવેશન અને તકનીકી ક્ષમતા દર્શાવી છે, પરંતુ વૈશ્વિક સ્પેસ ઇકોનોમીમાં નેતૃત્વ મેળવવા માટે સ્થાપિત ઉદ્યોગો દ્વારા વધુ ભંડોળ, ઉત્પાદન શક્તિ અને બજાર સુધીની પહોંચ સાથે વધુ મજબૂત ભાગીદારી જરૂરી બનશે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાનગી ભાગીદારી માટે અંતરિક્ષ ક્ષેત્રને ખુલ્લું મૂકવું એ વ્યૂહાત્મક ક્ષેત્રો પ્રત્યે ભારતના અભિગમમાં એક ઐતિહાસિક પરિવર્તન છે. તેમણે આ સુધારાઓને એક સાહસિક નિર્ણય ગણાવ્યો જેણે ભારતની સુષુપ્ત ઉદ્યોગસાહસિક ક્ષમતાને અનલોક કરી અને ટૂંકા ગાળામાં દેશની સ્પેસ ઇકોસિસ્ટમનો કાયાકલ્પ કર્યો.

આ ક્ષેત્રને ટેકો આપવા માટે લેવામાં આવેલી નીતિગત પહેલો પર પ્રકાશ પાડતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રના સુધારા બાદ ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023 લાવવામાં આવી, જેણે હિતધારકોને વ્યૂહાત્મક દિશા અને નિયમનકારી સ્પષ્ટતા પૂરી પાડી. તેમણે વધુમાં નોંધ્યું કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) વ્યવસ્થાના ઉદારીકરણે રોકાણો આકર્ષવામાં અને વૈશ્વિક વેલ્યુ ચેન સાથે ભારતના સંકલનને સુધારવામાં મદદ કરી છે. મંત્રીએ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe) ની સ્થાપનાને એક મોટા સંસ્થાકીય સુધારા તરીકે વર્ણવી, જેણે સમગ્ર સ્પેસ વેલ્યુ ચેનમાં બિન-સરકારી ભાગીદારીને સક્ષમ, પ્રોત્સાહિત, અધિકૃત અને સુપરવાઇઝ કરી છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે નાણાકીય અને સંસ્થાકીય સહાય પ્રણાલીઓ દ્વારા ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આ ક્ષેત્રમાં ઇનોવેશન અને વ્યાપારીકરણને સરળ બનાવવા માટે Rs 1,000 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ અને Rs 500 કરોડનું ટેક્નોલોજી એડોપ્શન ફંડ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે સીડ ફંડિંગ, ઇન્ક્યુબેશન સપોર્ટ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને AICTE-મંજૂર સ્પેસ ટેક્નોલોજી અભ્યાસક્રમ સંબંધિત પહેલો દેશના વિસ્તરતા અંતરિક્ષ અર્થતંત્ર માટે ભવિષ્ય માટે સજ્જ પ્રતિભાઓ તૈયાર કરવામાં યોગદાન આપી રહી છે.

ભારતની ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમના ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતા મંત્રીએ નોંધ્યું કે જે શરૂઆત માત્ર જૂજ અગ્રણી સાહસો સાથે થઈ હતી તે આજે 400 થી વધુ સ્ટાર્ટ-અપ્સ અને સેંકડો મોટી તેમજ નાની કંપનીઓ ધરાવતી ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે ભારતીય સાહસો આજે લોન્ચ વ્હીકલ, સેટેલાઇટ્સ, પ્રોપલ્શન સિસ્ટમ્સ, અર્થ ઓબ્ઝર્વેશન એપ્લિકેશન્સ, સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ક્ષમતાઓ અને વિવિધ ડાઉનસ્ટ્રીમ સોલ્યુશન્સ વિકસાવી રહ્યા છે. તેમણે સ્કાઇરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace), અગ્નિકુલ કોસ્મોસ (Agnikul Cosmos), પિક્સલ (Pixxel), ગેલેક્સી (Galaxeye), દિગંતરા (Digantara) અને ધ્રુવ સ્પેસ (Dhruva Space) જેવી કંપનીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ ભારતની ઉદ્યોગસાહસિક ક્ષમતાઓ અને તકનીકી ઇનોવેશનના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.

વૈજ્ઞાનિક સંશોધનોમાં પરોપકાર (ફિલાન્થ્રોપી) ની મજબૂત સંસ્કૃતિ ઊભી કરવા હાકલ કરતા ડૉ. જિતેન્દ્ર સિંહે નોંધ્યું કે પરોપકારી યોગદાન પરંપરાગત રીતે ચેરિટેબલ કાર્યો તરફ નિર્દેશિત થતું આવ્યું છે, પરંતુ સંશોધન અને ઇનોવેશનમાં રોકાણને પણ સમાજ માટે એક મહત્વપૂર્ણ સેવા તરીકે માન્યતા મળવી જોઈએ.

મંત્રીએ ઉદ્યોગના હિતધારકોને આ વિકસતી સ્પેસ ઇકોસિસ્ટમમાં કામ કરતી વખતે આવતા પડકારો અને મર્યાદાઓ વિશે ખુલીને રજૂઆત કરવા પણ અપીલ કરી હતી. તેમને સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપતા તેમણે નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગો વચ્ચે ખુલ્લા અને રચનાત્મક સંવાદ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ડૉ. જિતેન્દ્ર સિંહે ઝડપી મંજૂરીઓ, સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને અસરકારક સિંગલ-વિન્ડો મિકેનિઝમની જરૂરિયાત અંગેના ઉદ્યોગોના મુદ્દાઓનો સ્વીકાર કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાસનનો ઉદ્દેશ્ય અણધાર્યા અવરોધો ઉભા કરવાના બદલે ઇનોવેશનને પ્રોત્સાહિત કરવાનો હોવો જોઈએ.

ડૉ. જિતેન્દ્ર સિંહે આત્મનિર્ભર અંતરિક્ષના વિઝનને સાકાર કરવા માટે સરકાર, ઉદ્યોગ જગત, શૈક્ષણિક જગત, રોકાણકારો અને રાજ્ય સરકારો વચ્ચે વધુ મોટા સહયોગની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે અવલોકન કર્યું કે સ્ટાર્ટ-અપ્સની તત્પરતાને સ્થાપિત ઉદ્યોગોના વ્યાપ, નાણાકીય શક્તિ અને અમલીકરણ ક્ષમતાઓનો ટેકો મળવો જ જોઈએ.

તેમણે હાઇલાઇટ કર્યું કે ભારત પાસે પુષ્કળ પ્રતિભા અને ઉદ્યોગસાહસિક ઉર્જા છે, અને જે બાબતની લાંબા સમયથી ઉણપ હતી તે માત્ર એક અનુકૂળ નીતિગત વાતાવરણ હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા સુધારાઓએ તે ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે અને ઇનોવેશન તેમજ સાહસ માટે નવા માર્ગો ખોલ્યા છે.

પોતાના સંબોધનના સમાપનમાં, ડૉ. જિતેન્દ્ર સિંહે પુનરોચ્ચાર કર્યો કે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની આકાંક્ષાઓ માત્ર સરકારી પ્રયાસોથી પૂર્ણ થઈ શકે નહીં. તેમણે તમામ હિતધારકોને વૈશ્વિક સ્પેસ ઇકોનોમીમાં ભારતને એક અગ્રણી શક્તિ તરીકે સ્થાપિત કરવા માટે મહત્વાકાંક્ષા, આત્મવિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું.

 

SM/NP/JD


(रिलीज़ आईडी: 2271822) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी