રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

લાઓ પીડીઆર (Lao PDR) ના ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 03 JUN 2026 7:11PM by PIB Ahmedabad

લાઓ પીડીઆર (Lao PDR) ના ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શ્રી થોંગસાવન ફોમવિહાને (H.E. Mr. Thongsavan Phomvihane) આજે (3 જૂન, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

શ્રી ફોમવિહાનની ભારતની આ પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારત અને લાઓ પીડીઆર ગાઢ સભ્યતાગત સંબંધો ધરાવે છે, જે બૌદ્ધ ધર્મ અને રામાયણના આપણા સમાન વારસામાં પ્રતિબિંબિત થાય છે. આ વર્ષે, આપણે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ASEAN સંબંધિત શિખર સંમેલનોમાં ભાગ લેવા માટે લાઓ પીડીઆરની મુલાકાત લીધી હતી. તે મુલાકાત દરમિયાન ઘણા કરારો સંપન્ન થયા હતા, જેનાથી આપણા સહયોગને નવો વેગ મળ્યો છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત અને લાઓ પીડીઆર વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધ્યો છે, પરંતુ આપણા માટે વેપાર અને રોકાણ બંને ક્ષેત્રોમાં સાથે મળીને વધુ પ્રગતિ કરવાની નોંધપાત્ર તકો હજુ પણ રહેલી છે.

રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે ભારત માહિતી અને સંચાર ટેક્નોલોજી (ICT), આરોગ્ય, તબીબી ક્ષેત્ર, કૃષિ, સિંચાઈ, ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), રિન્યુએબલ એનર્જી અને વીજળી જેવા ક્ષેત્રોમાં લાઓ પીડીઆર સાથે સહયોગ વિસ્તારવા માટે ખુશ થશે. અમે ઇનોવેશન (નવપ્રવર્તન) અને જ્ઞાન-આધારિત અર્થતંત્રના ક્ષેત્રોમાં પણ અમારા અનુભવો શેર કરવા આતુર છીએ.

રાષ્ટ્રપતિએ એ નોંધીને આનંદ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચેની વિકાસ ભાગીદારી વધુ મજબૂત બની છે અને તે લાઓના યુવાનોની આકાંક્ષાઓ તેમજ દેશની સામાજિક-આર્થિક વિકાસની જરૂરિયાતોને અનુરૂપ છે.

બંને નેતાઓ એ બાબત પર સંમત થયા હતા કે આપણા બંને દેશો વચ્ચેનો ગાઢ સહયોગ આપણા લોકો માટે અપાર લાભ લાવી શકે છે.

 

SM/IJ/JT


(रिलीज़ आईडी: 2268691) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Malayalam