ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ કોટ્ટયમમાં દીપિકા મલયાલમ દૈનિકની 140મી વર્ષગાંઠની ઉજવણીને સુશોભિત કરી


“પત્રકારત્વનો ધર્મ સારાની પ્રશંસા કરવામાં અને ખોટા કામની ટીકા કરવામાં રહેલો છે”: ઉપરાષ્ટ્રપતિ

“રચનાત્મક પત્રકારત્વ સમાજને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રનિર્માણને મજબૂત કરે છે”: ઉપરાષ્ટ્રપતિ

“તંત્રીલેખમાં અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ સમાચાર માત્ર સમાચાર જ રહેવા જોઈએ”: ઉપરાષ્ટ્રપતિ

પોસ્ટેડ ઓન: 31 MAY 2026 5:03PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે કોટ્ટયમ, કેરળમના કે.સી. મામેન માપ્પિલાઈ હોલ ખાતે દીપિકા મલયાલમ દૈનિકની 140મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણીને સુશોભિત કરી હતી અને દીપિકા એક્સેલન્સ એવોર્ડ્સ એનાયત કર્યા હતા.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ દીપિકાની 140 વર્ષની સફરને “પ્રતિબદ્ધતા, હિંમત, વિશ્વસનીયતા અને જનસેવાનો એક અસાધારણ વારસો” ગણાવી હતી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અખબાર શરૂ કરવાના પડકારો પર વિચાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, 140 વર્ષ પહેલાં જ્યારે શિક્ષણ અને સંદેશાવ્યવહારની પહોંચ મર્યાદિત હતી તેવા સમયે પ્રકાશન શરૂ કરવા માટે અસાધારણ દ્રઢ સંકલ્પ અને વિઝનની જરૂર હતી.

લોકશાહીમાં જવાબદાર પત્રકારત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે રાજકીય નેતૃત્વ એ જાહેર જીવનના સૌથી કપરા ક્ષેત્રોમાંનું એક છે અને રચનાત્મક ટીકા ન્યાયી તેમજ સંતુલિત હોવી જોઈએ. તેમણે જણાવ્યું કે પત્રકારત્વનો સાચો ધર્મ સારા કામની પ્રશંસા કરવામાં અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ખોટા કામની નિર્ભયતાથી ટીકા કરવામાં રહેલો છે.

ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અખબારો માત્ર ઘટનાઓનું રિપોર્ટિંગ કરવા સિવાય મોટી સામાજિક જવાબદારી ધરાવે છે. તેમણે કહ્યું કે પત્રકારત્વમાં આશા, ઇનોવેશન (નવીનતા), કરુણા અને વૈજ્ઞાનિક પ્રગતિની વાર્તાઓ પર પણ પ્રકાશ પાડવો જોઈએ, કારણ કે આવું રચનાત્મક પત્રકારત્વ યુવાનોમાં આત્મવિશ્વાસ મજબૂત કરે છે અને તેમને રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત કરે છે.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તંત્રીલેખ (એડિટોરિયલ્સ) એ અખબારોમાં અભિપ્રાય માટેની કાયદેસરની જગ્યા છે, જ્યારે સમાચાર રિપોર્ટિંગ નિષ્પક્ષ અને તથ્ય આધારિત હોવું જોઈએ. તેમણે સમાચાર રિપોર્ટિંગમાં અભિપ્રાયો ભેળવવાની વધતી જતી પ્રવૃત્તિ સામે ચેતવણી આપી હતી. તેમણે પેઢીઓથી સામાજિક સૌહાર્દ, શિક્ષણ, સંસ્કૃતિ અને રચનાત્મક જાહેર સંવાદને પ્રોત્સાહન આપવા તેમજ કેરળમના સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ દીપિકાની પ્રશંસા કરી હતી.

બદલાતા મીડિયા પરિદ્રશ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ ખોટી માહિતીના વધતા પડકાર, ઘટી રહેલો જનવિશ્વાસ, વ્યાપારી દબાણો અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આવી રહેલા ઝડપી પરિવર્તન તરફ ઈશારો કર્યો હતો. તેમણે નોંધ્યું કે આજે લોકો મુદ્દાઓ અને ચર્ચાઓમાં ઊંડા ઉતર્યા વિના કૅપ્શન્સ અને હેડલાઇન્સથી વધુને વધુ પ્રભાવિત થઈ રહ્યા છે.

આ સંસ્થાના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મીડિયા સમક્ષનો દરેક પડકાર એક તક પણ રજૂ કરે છે અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે દીપિકા અખંડિતતા અને વ્યાવસાયિકતાના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખીને યુવા પત્રકારોને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.

દીપિકાના મેનેજમેન્ટ, સ્ટાફ, યોગદાનકર્તાઓ, જાહેરાતકર્તાઓ, વિતરકો અને વાચકોને અભિનંદન પાઠવતા ઉપરાષ્ટ્રપતિએ અખબારને સમાજ અને રાષ્ટ્રની સેવામાં આગામી વર્ષોમાં વધુ સફળતા, પ્રાસંગિકતા અને શ્રેષ્ઠતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે કેરળમના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, કેરળમના મુખ્યમંત્રી શ્રી વી. ડી. સતીશન, કેરળમ વિધાનસભાના સ્પીકર શ્રી તિરુવંચૂર રાધાકૃષ્ણન, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી સી. વી. આનંદ બોઝ, કોટ્ટયમના આર્કબિશપ માર મેથ્યુ મુલક્કાટ, રાષ્ટ્ર દીપિકા લિમિટેડના ચેરમેન શ્રી ફ્રાન્સિસ ક્લીટસ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી માઈકલ વેટ્ટિકાટ અને ચીફ એડિટર ડૉ. જ્યોર્જ કુદિલીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2267297) મુલાકાતી સંખ્યા : 13