કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

નવી દિલ્હીના NASC કોમ્પ્લેક્સ ખાતે 28-29 મે 2026 દરમિયાન ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે

પોસ્ટેડ ઓન: 27 MAY 2026 5:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ 28-29 મે 2026ના રોજ NASC કોમ્પ્લેક્સ, પુસા, નવી દિલ્હી ખાતે ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહ્યો છે.

રાજ્યોના કૃષિ મંત્રીઓ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, આઈસીએઆર (ICAR), રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કાર્યક્રમમાં વિષયવાર ચર્ચાઓ, રાજ્યવાર ભાગીદારી, જૂથ ચર્ચાઓ અને કૃષિ તેમજ આનુષંગિક ક્ષેત્રોને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રસ્તુતિઓ (પ્રેઝન્ટેશન્સ) નો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય ખરીફ અભિયાન 2026 પરિષદ દેશના કૃષિ ક્ષેત્રની દિશા અને પ્રાથમિકતાઓ નક્કી કરવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ (મંચ) છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યો, કૃષિ વૈજ્ઞાનિકો અને વિભાગીય અધિકારીઓ સાથે વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે. ચર્ચાઓ ખરીફ સીઝનની સજ્જતા, કૃષિ ઉત્પાદકતા, આબોહવા-સનુકૂળ (ક્લાઇમેટ-રેઝિલિયન્ટ) કૃષિ, પ્રાકૃતિક ખેતી, કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન, ડિજિટલ કૃષિ, કૃષિ ધિરાણ અને જોખમ વ્યવસ્થાપન પર કેન્દ્રિત રહેશે.

બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનો ઉદ્દેશ્ય ટકાઉ કૃષિ, ઉન્નત ઉત્પાદકતા, આબોહવા અનુકૂળતા, માળખાકીય સુવિધાઓનું સુદ્રઢીકરણ અને ખેડૂતોની સમૃદ્ધિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આગામી ખરીફ સીઝન માટેની વ્યૂહરચનાઓ પર વિચાર-વિમર્શ કરવાનો છે. પરિષદ ખરીફ સીઝન માટે મુખ્ય પ્રાથમિકતાઓ અને સંકલિત આયોજન અંગે ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ICAR,  કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકોના વરિષ્ઠ અધિકારીઓને એક મંચ પર લાવશે.

પરિષદ દરમિયાન વિચાર-વિમર્શ નીચેની મુખ્ય વિષયવસ્તુ (થીમ્સ) ની આસપાસ આયોજિત કરવામાં આવશે:

  1. આત્મનિર્ભરતા, વૈવિધ્યકરણ (ડાયવર્સિફિકેશન) અને ઉત્પાદન વૃદ્ધિ
  2. ટકાઉપણું અને આબોહવા-સનુકૂળ કૃષિ તેમજ 'ખેતર બચાવો'
  3. માળખાકીય સુવિધાઓ, ધિરાણ અને જોખમ વ્યવસ્થાપન

વ્યવસ્થિત વિષયવાર ચર્ચાઓ અને અનુભવોના આદાનપ્રદાન માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જૂથો બનાવવામાં આવ્યા છે. પરિષદ શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાનને સરળ બનાવશે, ખરીફ સીઝન માટેની સજ્જતાની સમીક્ષા કરશે અને દેશભરમાં કૃષિ ઉત્પાદકતા તેમજ સ્થિતિસ્થાપકતા સુધારવા માટે વ્યવહારુ વ્યૂહરચનાઓની ઓળખ કરશે તેવી અપેક્ષા છે.

પરિષદ ઝોનલ (પ્રાદેશિક) પરામર્શમાંથી ઉભરી આવેલા મુખ્ય તારણો, નવીન કૃષિ પદ્ધતિઓના પ્રોત્સાહન, એક્સ્ટેંશન આઉટરીચ (કૃષિ વિસ્તરણ પહોંચ) ને મજબૂત કરવા અને કૃષિ કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પરની રાષ્ટ્રીય પરિષદ વિકસિત ભારત અને સમૃદ્ધ ખેડૂતોના વિઝનને અનુરૂપ એક ટકાઉ, અનુકૂળ અને ખેડૂત-કેન્દ્રી કૃષિ ઇકોસિસ્ટમના નિર્માણ માટે સરકારની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2266013) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Tamil , Kannada