PIB Backgrounder
ત્રીજી ભારત-નોર્ડિક શિખર પરિષદ
પોસ્ટેડ ઓન:
26 MAY 2026 12:10PM by PIB Ahmedabad
પ્રસ્તાવના
ભારત અને નોર્ડિક દેશોએ 2018 માં પ્રથમ ભારત-નોર્ડિક શિખર પરિષદ દરમિયાન એક બહુપરિમાણીય ભાગીદારીની શરૂઆત કરી હતી. આ ભાગીદારી ઇનોવેશન (નવીનતા), ગ્રીન ટેકનોલોજી, ક્લીન એનર્જી (સ્વચ્છ ઊર્જા) અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય ભારતના આર્થિક વિકાસને ટેકો આપવાનો, ટકાઉ વિકાસના માર્ગોને પ્રોત્સાહન આપવાનો, કૌશલ્ય અને પ્રતિભાના વિકાસને મજબૂત કરવાનો અને એક ગતિશીલ ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવાનો છે. ભારત અક્ષય ઊર્જા અને આબોહવા પરિવર્તનના પગલાં સંબંધિત પહેલોમાં સહયોગ દ્વારા નોર્ડિક દેશોની કુશળતા અને ટેકનોલોજી ટ્રાન્સફરનો લાભ પણ મેળવી શકે છે. ઓસ્લો ખાતે 19 MAY 2026 ના રોજ યોજાયેલી ત્રીજી ભારત-નોર્ડિક શિખર પરિષદે આ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારી છે. આ શિખર પરિષદે વેપાર, રોકાણ, ડિજિટલ ઇનોવેશન અને ઉભરતી ટેકનોલોજીમાં સહયોગને મજબૂત બનાવ્યો છે. બંને પક્ષોએ બ્લુ ઇકોનોમી (સમુદ્ર આધારિત અર્થતંત્ર), દરિયાઈ સહયોગ, સ્ટેમ (STEM) સંશોધન, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈન અને સંરક્ષણ ભાગીદારીમાં પણ સહયોગનો વિસ્તાર કર્યો છે. આર્થિક ભાગીદારી ઉપરાંત, ભારત મુત્સદ્દીગીરીના સોફ્ટ પાવર ટૂલ (નરમ શક્તિના માધ્યમ) દ્વારા પણ નોર્ડિક દેશો સાથે જોડાયેલું છે.
ભારતની આર્કટિક નીતિ
નોર્ડિક રાષ્ટ્રો સાથેનું જોડાણ એ ભારતની આર્કટિક નીતિનું એક આવશ્યક ઘટક છે. આર્કટિકમાં આબોહવા પરિવર્તનો, ખાસ કરીને આર્કટિકના બરફનું પીગળવું, હવામાનની પરિસ્થિતિઓ અને ચોમાસા સહિતના વરસાદની પદ્ધતિઓ પર ખૂબ મોટી અસર કરી શકે છે. આ ફેરફારો ભારતની આર્થિક, ખાદ્ય અને જળ સુરક્ષા તેમજ 1300 થી વધુ દ્વીપ પ્રદેશો અને દરિયાઈ વિશેષતાઓની ટકાઉક્ષમતા માટે ભારે વિક્ષેપકારક સાબિત થઈ શકે છે.
'ભારત અને આર્કટિક: ટકાઉ વિકાસ માટે ભાગીદારીનું નિર્માણ' શીર્ષક ધરાવતી ભારતની આર્કટિક નીતિ છ સ્તંભો પર આધારિત છે: આર્કટિક ક્ષેત્રમાં ભારતના વૈજ્ઞાનિક સંશોધન અને સહયોગને મજબૂત કરવો, આબોહવા અને પર્યાવરણીય સુરક્ષા, આર્થિક અને માનવ વિકાસ, પરિવહન અને કનેક્ટિવિટી, શાસન અને આંતરરાષ્ટ્રીય સહયોગ, અને રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ.
નોર્ડિક દેશો સાથે ભારતનું વિકસતું જોડાણ
નોર્ડિક ક્ષેત્ર સાથે ભારતનું જોડાણ પરંપરાગત મુત્સદ્દીગીરીથી આગળ વધીને ભવિષ્યલક્ષી વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થયું છે. ગ્રીન ગ્રોથ (હરિત વિકાસ), સ્વચ્છ ટેકનોલોજી, ઇનોવેશન અને ટકાઉ વિકાસમાં સહિયારી પ્રાથમિકતાઓ આ પરિવર્તનને આગળ ધપાવી રહી છે. નોર્ડિક દેશો અદ્યતન તકનીકી કુશળતા લાવે છે, જ્યારે ભારત વિશાળ સ્કેલ, બજારો, પ્રતિભા અને ઉત્પાદન ક્ષમતાઓ પ્રદાન કરે છે. આ ભાગીદારી સાથે મળીને ભારતના ગ્રીન ટ્રાન્ઝિશન (હરિત પરિવર્તન), ડિજિટલ વિસ્તરણ, આર્કટિક જોડાણ અને સ્થિતિસ્થાપક આર્થિક વિકાસની વ્યૂહરચનાના એક મુખ્ય સ્તંભ તરીકે ઉભરી રહી છે.
ડેનમાર્ક
- વર્ષ 2025 માં ભારત અને ડેનમાર્ક વચ્ચે માલસામાનનો દ્વિપક્ષીય વેપાર USD 2.05 બિલિયન હતો.
- તે જ વર્ષમાં ડેનમાર્ક ખાતે ભારતની માલસામાનના નિકાસનું મૂલ્ય USD 1.06 બિલિયન અને આયાત USD 0.98 બિલિયન હતું. સેવાઓનો દ્વિપક્ષીય વેપાર USD 4.25 બિલિયન સુધી પહોંચ્યો હતો; જેમાં 2025 માં ભારતમાંથી નિકાસ USD 1.9 બિલિયન અને આયાત USD 2.3 બિલિયન રહી હતી.
- ડેનમાર્કમાં ભારતીય રોકાણનું કુલ મૂલ્ય આશરે USD 560 મિલિયન છે.
- આઈટી (IT), અક્ષય ઊર્જા અને એન્જિનિયરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આશરે 40 ભારતીય કંપનીઓ ડેનમાર્કમાં કાર્યરત છે. અને આશરે 200 ડેનિશ કંપનીઓએ ભારતમાં શિપિંગ, અક્ષય ઊર્જા, પર્યાવરણ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે.
- વર્ષ 2024 સુધીમાં ડેનમાર્કથી ભારતમાં સંચિત સીધું વિદેશી રોકાણ (FDI) ઇનફ્લો USD 1.413 બિલિયન હતું.
- ભારત અને ડેનમાર્કે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ (2022) અને "સિલ્વર ટ્રેઝર્સ ફ્રોમ ઇન્ડિયા એન્ડ ડેનમાર્ક" પ્રદર્શન જેવી પહેલો દ્વારા સાંસ્કૃતિક સહયોગને મજબૂત બનાવ્યો છે.
- આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન મુખ્ય સાંસ્કૃતિક આઉટરીચ પ્રવૃત્તિઓમાં ધ્વજવંદન, ઉત્સવો, શાળાના કાર્યક્રમો, રમતગમતની કાર્યશાળાઓ અને સમગ્ર ડેનમાર્કમાં વસતા ભારતીય સમુદાયની વ્યાપક ભાગીદારી સોફ્ટ પાવર અભિગમને દર્શાવે છે.
- કોપનહેગનમાં "યોગ ફોર ઓલ" જેવી ફ્લેગશિપ ઇવેન્ટ્સ અને મોટા પાયે ભાગીદારી સાથે ડેનિશ શહેરોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વ્યાપકપણે ઉજવવામાં આવે છે.
- ડેનમાર્કમાં આશરે 21,000 નો ભારતીય સમુદાય વિવિધ વ્યવસાયોમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યો છે. આહુસ યુનિવર્સિટી નજીક ગાંધી પ્લેન (ગાંધી પાર્ક), ઇન્ડિયાકાજ (ભારત પરથી નામ આપવામાં આવેલો રોડ) અને નેહરુ રોડ જેવા જાહેર સ્થળો બંને દેશો વચ્ચેના મજબૂત જન-સંપર્ક અને સાંસ્કૃતિક સંબંધોના પ્રતીક છે.
- વર્ષ 2026 માં, ભારત અને ડેનમાર્કના નેતાઓએ ગતિશીલતા (મોબિલિટી), ભાગીદારીને મજબૂત કરવા અને જન-સંપર્કના આદાનપ્રદાનને વિસ્તારવા અંગે ચર્ચા કરી હતી.
ફિનલેન્ડ
- વર્ષ 2024-25 માં ફિનલેન્ડ સાથે માલસામાનના દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ USD 1.017 બિલિયન હતું. તે જ વર્ષમાં ફિનલેન્ડ ખાતે ભારતનું નિકાસનું મૂલ્ય USD 356.37 મિલિયન અને આયાત USD 660.70 મિલિયન હતું.
- વર્ષ 2025 માં સેવાઓનો દ્વિપક્ષીય વેપાર USD 1.9 બિલિયન હતો. ઘણી મહત્વપૂર્ણ પ્રાપ્તિઓ (એક્વિઝિશન) અને ભાગીદારીને કારણે ભારતથી ફિનલેન્ડમાં રોકાણનો પ્રવાહ USD 2 બિલિયનથી વધુ છે. 100 થી વધુ ફિનિશ કંપનીઓ ભારતમાં કાર્યરત છે. ભારતમાં ફિનલેન્ડનું રોકાણ વધીને USD 4 બિલિયન થયું છે.
- ફિનલેન્ડમાં ભારતીય સંસ્કૃતિ મજબૂત દ્રશ્યતા ધરાવે છે, જેમાં ભારતીય દૂતાવાસના સહયોગથી યોગ કેન્દ્રો, પર્ફોર્મિંગ આર્ટ્સ, ઇન્ડિયન ડાન્સ સ્કૂલો અને સાંસ્કૃતિક સંગઠનો સંગીત, નૃત્ય અને ઉત્સવોમાં નિયમિત કાર્યક્રમોને પ્રોત્સાહન આપે છે. દૂતાવાસ ‘તેર્વે-નમસ્તે’ (Terve-Namaste) શ્રેણી અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંવાદ યોજે છે.
- ફિનલેન્ડમાં ભારતીય સમુદાય આશરે 33,000 નો છે, જે આઈટી ક્ષેત્રે મજબૂત હાજરી ધરાવે છે અને આશરે 2,400 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં રોકાયેલા છે.
- ઈ-વિઝા સુવિધાઓ અને હેલસિંકી તથા નવી દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ્સના ટેકાથી ફિનિશ પ્રવાસીઓ ગોવા, કેરળ અને ગોલ્ડન ટેમ્પલ જેવા સ્થળોની વધુને વધુ મુલાકાત લઈ રહ્યા હોવાથી પર્યટન અને પ્રવાસની કડીઓ વધી રહી છે.
- વર્ષ 2026 માં, ભારત અને ફિનલેન્ડે તેની ટેકનોલોજી અને ઇનોવેશન ઇકોસિસ્ટમમાં ભારતીય વ્યાવસાયિકોના નોંધપાત્ર યોગદાનનો સ્વીકાર કર્યો હતો.
આઇસલેન્ડ
- વર્ષ 2024-25 માં આઇસલેન્ડ સાથે દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ USD 77.06 મિલિયન હતું.
- તે જ વર્ષમાં આઇસલેન્ડ ખાતે ભારતની નિકાસનું મૂલ્ય USD 66.01 મિલિયન અને આયાત USD 11.05 મિલિયન હતું.
- આઇસલેન્ડમાં ભારતીય સંસ્કૃતિ ખાસ કરીને યોગ, શાસ્ત્રીય સંગીત, નૃત્ય, ચિત્રકામ, ફિલ્મો અને વાનગીઓ લોકપ્રિય છે. આઇસલેન્ડમાં આશરે 600 ભારતીય નાગરિકો વસે છે.
- વર્ષ 2026 માં, ભારત અને આઇસલેન્ડે સહયોગની સમીક્ષા કરી અને જન-સંપર્ક મજબૂત કરવા, સાંસ્કૃતિક અને પર્યટન આદાનપ્રદાનનો વિસ્તાર કરવા તેમજ આર્કટિક સંશોધનમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.
નોર્વે
- વર્ષ 2024-25 માં ભારત અને નોર્વે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર USD 1.05 બિલિયન હતો.
- સમાન સમયગાળા દરમિયાન ભારતે US$ 630 મિલિયનની કિંમતના માલની નિકાસ કરી હતી અને US$ 420 મિલિયનની કિંમતના માલની આયાત કરી હતી.
- સેવાઓનો વેપાર આશરે USD 1 બિલિયન રહ્યો છે.
- નોર્વેના ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ (GPFG) એ ભારતીય મૂડી બજારમાં (ડિસેમ્બર 2025 સુધીમાં) લગભગ USD 28 બિલિયનનું રોકાણ કર્યું છે.
- આ ઉપરાંત, એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2025 દરમિયાન નોર્વેથી આવેલો એફડીઆઈ (FDI) ઇનફ્લો USD 764 મિલિયન હતો.
- ભારત અને નોર્વે આશરે 30,000 લોકોના ભારતીય સમુદાય દ્વારા નજીકના જન-સંપર્ક સંબંધો ધરાવે છે.
- ભારતીય વિદ્યાર્થીઓ, સંશોધકો અને 40 થી વધુ ભારતીય સંગઠનો નોર્વેના સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં સક્રિયપણે યોગદાન આપે છે.
- તુર્બનદાગેન (Turbandagen) અને ઓસ્લો કલર ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો નોર્વેમાં ભારતીય સંસ્કૃતિ અને સોફ્ટ પાવરના વધતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.
સ્વીડન
- વર્ષ 2024 માં ભારત અને સ્વીડન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર USD 6.96 બિલિયન હતો.
- એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2024 સુધી સ્વીડનમાંથી સંચિત એફડીઆઈ (FDI) ઇક્વિટી ઇનફ્લો USD 2.596 બિલિયન હતો.
- આશરે 280 સ્વીડિશ કંપનીઓ ભારતમાં વ્યાપારી હાજરી ધરાવે છે જ્યારે વ્યાપારી હાજરી ધરાવતી ભારતીય કંપનીઓની સંખ્યા 2024 માં વધીને 75 થઈ ગઈ છે.
- ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ જેમ કે ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, યોગ, આયુર્વેદ, ભારતીય ઉત્સવો અને સિનેમા સ્વીડનમાં વ્યાપકપણે પ્રશંસા પામે છે.
- સ્વીડિશ શહેરોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભારતનો વધતો સાંસ્કૃતિક પ્રભાવ દર્શાવે છે.
- વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ 'નમસ્તે સ્ટોકહોમ' હજારો મુલાકાતીઓને આકર્ષે છે અને ભારતીય કળાઓ તેમજ આંતર-સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે.
- ભારતીય અને સ્વીડિશ યુનિવર્સિટીઓ વચ્ચે સક્રિય ભાગીદારી છે. ઉપસાલા (Uppsala) માં ઇન્ડોલોજી (ભારતવિદ્યા) નો અભ્યાસ આશરે 200 વર્ષ જૂનો છે, જે ભારતીય સભ્યતા સાથે ઊંડા વિદ્વતાપૂર્ણ જોડાણને દર્શાવે છે.
- રમતગમત અને સિનેમા પણ દ્વિપક્ષીય સંબંધોમાં યોગદાન આપે છે. વર્ષ 2021 માં ભારતીય મહિલા ફૂટબોલ ટીમે સ્વીડનની મુલાકાત લીધી હતી, ભારતીય ડેવિસ કપ ટીમે 2024 માં મુલાકાત લીધી હતી, સ્વીડિશ ફિલ્મ નિર્માતા લેવાન અકિનને 2024 માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આઈસીએફટી-યુનેસ્કો (ICFT-UNESCO) ગાંધી મેડલ મળ્યો હતો.
- આશરે 88,000 લોકોનો ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી સમુદાય) ભારતીય સંસ્કૃતિને સાચવવામાં અને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ભારત અને નોર્ડિક દેશો ઇનોવેશન, ટકાઉક્ષમતા અને વ્યૂહાત્મક વિશ્વાસ દ્વારા આકાર પામેલી ભાગીદારીનું નિર્માણ કરી રહ્યા છે. આ સંબંધ હવે સ્વચ્છ ઊર્જા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈન, સંશોધન અને દરિયાઈ સહયોગ સુધી વિસ્તર્યો છે. ભારતની વિશાળ ક્ષમતા અને પ્રતિભા સાથે જોડાયેલી નોર્ડિક દેશોની કુશળતા લાંબા ગાળાના સહયોગ માટે મજબૂત તકો ઉભી કરે છે. વધતી જતી સંસ્થાકીય, આર્થિક અને સાંસ્કૃતિક કડીઓ સાથે, આ ભાગીદારી ધીમે-ધીમે સર્વસમાવેશક, ટેકનોલોજી આધારિત અને ટકાઉ વૈશ્વિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ મોડેલ તરીકે ઉભરી રહી છે.
ત્રીજી નોર્ડિક શિખર પરિષદ: લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી તરફ ભવિષ્યના પગલાં
ત્રીજી નોર્ડિક શિખર પરિષદ ભારત અને નોર્ડિક દેશો વચ્ચેની ચર્ચાઓની સાક્ષી બની હતી. છેલ્લા દાયકા દરમિયાન દ્વિપક્ષીય વેપારના પ્રવાહમાં થયેલા ચાર ગણા વધારા, રોકાણના પ્રવાહમાં આશરે 200 % નો વધારો અને ભારતના આર્થિક વિકાસ પર પડેલી હકારાત્મક અસર સ્વીકારતા, ભારત અને નોર્ડિક દેશો તેમના સંબંધોને 'ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી' માં પરિવર્તિત કરવા સંમત થયા છે. આ પહેલ અંતર્ગત ભારત નીચે મુજબની યોજનાઓ ધરાવે છે,
- જીઓથર્મલ (ભૂ-તાપીય) ઊર્જા અને મત્સ્યોદ્યોગમાં આઇસલેન્ડ સાથે સહયોગ કરવો,
- બ્લૂ ઇકોનોમી અને આર્કટિક સહયોગમાં નોર્વે સાથે ભાગીદારી કરવી, અને
- દરિયાઈ અને ટકાઉક્ષમતાના ક્ષેત્રોમાં નોર્ડિક રાષ્ટ્રો સાથે જોડાણ કરવું.
આ સિવાય અદ્યતન ઉત્પાદન, સંરક્ષણ, ટેલિકોમ, ડિજિટલ ટેકનોલોજી, સાયબર સુરક્ષા અને હેલ્થ-ટેક, સંશોધન અને ઇનોવેશન તેમજ આર્કટિક અને પોલાર (ધ્રુવીય) સંશોધનમાં સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ભાગીદારી ભારત અને નોર્ડિક ક્ષેત્ર બંનેમાં આર્થિક વિસ્તરણ, તકનીકી પ્રગતિ અને રોજગારીના સર્જનની તકો ઉભી કરવાની સાથે ટકાઉ વિકાસને ટેકો આપે છે. આ દેશોએ બહુપક્ષીય સંસ્થાઓમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને આતંકવાદ સામે સંયુક્ત વલણ દોહરાવ્યું હતું. તાજેતરનો ભારત - યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) ભારત-નોર્ડિક સંબંધોમાં એક "નવા સુવર્ણ યુગ" ની શરૂઆત કરશે.
શિખર પરિષદના મુખ્ય પરિણામો
શિખર પરિષદમાં, ભારત અને નોર્ડિક દેશો તેમના સંબંધોને અક્ષય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, ડિજિટલ ઇનોવેશન, ટકાઉ ઉત્પાદન અને આબોહવા પરિવર્તનના પગલાં પર કેન્દ્રિત 'ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી' માં આગળ વધારવા માટે સંમત થયા હતા. તેઓ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને ટકાઉ વિકાસના લક્ષ્યોને ટેકો આપવાની સાથે વેપાર, રોકાણ, સંસોધન સહયોગ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈન અને જન-સંપર્કના આદાનપ્રદાનને વિસ્તારવા માટે પણ પ્રતિબદ્ધ થયા હતા.
પરિણામ 1: ભારત-નોર્ડિક ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી

ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી ભવિષ્યમાં ટકાઉ તકનીકોના ઉપયોગ અને સ્વીકાર, ટકાઉ વિકાસ અને વ્યવસ્થાપન, સંસાધનોના ઉપયોગનું સરળીકરણ (ઓપ્ટિમાઇઝેશન) અને ઇનોવેશન માટે માર્ગ મોકળો કરશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સુદ્રઢીકરણ શાસન અને સેવાઓની અવિરત ડિલિવરી પર વધુ અસર કરશે. આ પરિણામ દેશના આબોહવા પરિવર્તનના શમન (મિટીગેશન) અને ઊર્જા સુરક્ષા પર હકારાત્મક અસર કરશે. આ ઉપરાંત, તે ગ્રીન જોબ્સ (પર્યાવરણ પૂરક નોકરીઓ) નું સર્જન કરશે, શાસનને મજબૂત કરશે અને નોર્ડિક દેશો સાથે વેપાર અને રોકાણની કડીઓ વધારશે. પાણીના ટકાઉ ઉપયોગ, તેના રિસાયક્લિંગ અને બહેતર જળ વ્યવસ્થાપનમાં સહયોગ જીવનની ગુણવત્તામાં વધારો કરશે અને લાંબા ગાળાના આર્થિક વિકાસને ટેકો આપશે. સહયોગી સંશોધન અને શિક્ષણ પણ ભારતીય વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટીને વધુ એક્સપોઝર (વૈશ્વિક તકો) આપશે, તેમજ સંશોધનની ગુણવત્તામાં વધારો કરશે.
પરિણામ 2: ભારત-EFTA TEPA: ભારત-નોર્ડિક સંબંધો પર અસર

ભારત EFTA TEPA બજારની પહોંચ સુધારવા, વેપાર અવરોધો ઘટાડવા, વેપાર અને રોકાણના પ્રવાહને પ્રોત્સાહિત કરવા અને વેલ્યુ ચેઈનને સંકલિત કરવામાં મદદ કરશે. આ મુક્ત વેપાર કરાર (FTA), નોર્ડિક દેશો સાથેના મજબૂત જોડાણની સાથે, રોજગારીના સર્જન, ઇનોવેશન અને ટકાઉ વિકાસને ટેકો આપશે.
પરિણામ 3: આબોહવા પરિવર્તનના પગલાંઓમાં પહેલ

આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આ પહેલ તેના શમન (મિટીગેશન) પર કેન્દ્રિત છે. આ ક્ષેત્રમાં સહયોગ આબોહવા સંબંધિત પડકારોનો સામનો કરવામાં મદદ કરશે એટલું જ નહીં, પરંતુ ગ્રીન રોજગારીની તકો પણ ઊભી કરશે, દ્વિપક્ષીય વેપારમાં વધારો કરશે અને વધુ રોકાણ આકર્ષિત કરશે. પરિણામે, તે વધુ ટકાઉ અર્થતંત્રના નિર્માણમાં ફાળો આપશે અને લાંબા ગાળાના આર્થિક વિકાસને ટેકો આપશે.
પરિણામ 4: આર્કટિકમાં ભારત-નોર્ડિક સહયોગ

આ સહયોગી પહેલ ભારતની આર્કટિક નીતિનો એક ભાગ છે. ધ્રુવીય સંશોધનમાં સહયોગ આબોહવા પ્રણાલીઓ, પર્યાવરણીય સુરક્ષા, ટકાઉક્ષમતા અને દ્વીપો પર લાંબા ગાળાની અસરો ધરાવે છે. આબોહવા પરિવર્તનનો સામનો કરવો અને સ્થિર આર્કટિક સુનિશ્ચિત કરવું એ ભારતની ચોમાસાની પદ્ધતિઓ, પર્યાવરણીય સંતુલન, ટકાઉક્ષમતા અને સૌથી અગત્યનું, કૃષિ ઉત્પાદકતાના રક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
પરિણામ 5: સ્ટેમ ક્ષેત્રોમાં સંશોધન સહયોગ

આ સંશોધન પહેલ રોજગારીની નવી તકોના સર્જન, સંશોધન અને વિકાસ (R&D) ના વિસ્તરણ, ટેકનોલોજી ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક સહયોગ તથા સંશોધનની ગુણવત્તાને મજબૂત કરવામાં ફાળો આપશે. 6G સહિતની આગામી પેઢીની સંચાર તકનીકોમાં સંશોધનને આગળ વધારવાથી ડિજિટલ અર્થતંત્રને વધુ વેગ મળશે અને દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે.
પરિણામ 6: બ્લુ ઇકોનોમીમાં સહયોગ

મજબૂત બ્લુ ઇકોનોમીમાં સહયોગ ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરવાની સાથે આર્થિક વિકાસને મજબૂત કરે છે, રોજગારીનું સર્જન કરે છે, વેપારમાં વધારો કરે છે અને લાંબા ગાળાની પર્યાવરણીય તથા આબોહવા સ્થિતિસ્થાપકતાને ટેકો આપે છે. બ્લુ ઇકોનોમી સમુદ્ર અને દરિયાઈ સંસાધનોના ટકાઉ ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બ્લુ ઇકોનોમીમાં સહયોગ સમુદ્રના સંસાધનોના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપીને, દરિયાઈ કનેક્ટિવિટી મજબૂત કરીને અને ભાગીદાર દેશો વચ્ચે પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા વધારીને એક સ્થિર અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સુનિશ્ચિત કરવામાં પણ ફાળો આપે છે.
પરિણામ 7: પ્રતિભાઓની ગતિશીલતા

સંશોધન અને શિક્ષણમાં સહયોગ ભારતીય વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને સંશોધકોને નવા દ્રષ્ટિકોણ અને વૈશ્વિક શિક્ષણ વાતાવરણનું વધુ એક્સપોઝર પૂરું પાડશે. સંશોધનમાં વધેલો સહયોગ સંશોધન આઉટપુટની ગુણવત્તા અને જથ્થામાં પણ વધારો કરશે. તે કૌશલ્ય વધારવામાં, આર્થિક વિકાસને વેગ આપવામાં, ઇનોવેશન અને વ્યવસાયો તથા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવામાં પણ મદદ કરશે.
પરિણામ 8: સંરક્ષણ ઉત્પાદનમાં સહયોગ

ભારતીય સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રમાં 100% એફડીઆઈ (FDI) ની મંજૂરી આપીને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વિકસાવવાથી ટેકનોલોજી ટ્રાન્સફર, સંશોધન અને ઇનોવેશનમાં મદદ મળશે, સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને વેગ મળશે, વધુ રોજગારીનું સર્જન થશે, નિકાસ અને સંરક્ષણ ઉત્પાદનની કાર્યક્ષમતા વધશે. તદુપરાંત, તે સંરક્ષણ સજ્જતાને મજબૂત કરવામાં મદદ કરશે.
વધુ મજબૂત ભારત-નોર્ડિક ભાગીદારી તરફ
ભારત અને નોર્ડિક દેશો વચ્ચેના સંબંધો સતત વિકસી રહ્યા છે અને મજબૂત થઈ રહ્યા છે. તાજેતરના વર્ષોમાં તે ઘણી દ્વિપક્ષીય પહેલો દ્વારા વધુ દ્રઢ બન્યા છે. આ શિખર પરિષદના પરિણામોનો ઉદ્દેશ્ય આ ભાગીદારીને 'ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી' માં વધુ ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે. શિખર પરિષદે લાંબા ગાળાની ઊર્જા ભાગીદારી, આબોહવા પરિવર્તન શમન, વેપાર અને રોકાણની કડીઓ, ડિજિટલ ઇનોવેશન, બ્લુ ઇકોનોમી, દરિયાઈ સહયોગ, સ્ટેમ (STEM) સહયોગ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગને ઊંડો બનાવવા માટે એક મજબૂત ગતિ પૂરી પાડી છે. આ વધતું જોડાણ ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) દ્વારા વધુ મજબૂત બન્યું છે, જે ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે ભારત અને નોર્ડિક ક્ષેત્ર વચ્ચેના દ્વિમાર્ગી આર્થિક સંબંધોને વધારશે તેવી અપેક્ષા છે. આર્થિક ભાગીદારીને મજબૂત કરવાની પહેલો ઉપરાંત, સોફ્ટ પાવર અભિગમે સંબંધોને વધુ ઊંડા અને મજબૂત બનાવવામાં વધુ મદદ કરી છે.
સંદર્ભ:
- Ministry of External Affairs
- Press Information Bureau
- Ministry of Earth Sciences
- DD News
See In PD
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2265601)
મુલાકાતી સંખ્યા : 23