યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

19મા રોજગાર મેળા દરમિયાન 51,000થી વધુ નિયુક્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત યુવાનોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા

પોસ્ટેડ ઓન: 23 MAY 2026 3:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 19મા રોજગાર મેળાને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો હતો અને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરના નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિયુક્તિ પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર્સ)નું વિતરણ કર્યું હતું. દેશભરમાં એકસાથે 47 સ્થળોએ આયોજિત રોજગાર મેળો રોજગારી સર્જનને વેગ આપવા અને નાગરિક-કેન્દ્રીય શાસનને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ તરીકે સતત કાર્યરત છે. નવનિયુક્ત ઉમેદવારો રેલવે, ઇસરો (ISRO), ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિતના મુખ્ય મંત્રાલયો અને વિભાગોમાં જોડાયા છે. 19મા રોજગાર મેળા હેઠળ 50 ટકાથી વધુ નિયુક્તિઓ ભારતીય રેલવેના વિસ્તરી રહેલા ક્ષેત્રો માટે સમર્પિત હતી.

નવનિયુક્ત યુવાનોને સંબોધતા પ્રધાનમંત્રીએ તેમને અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રસંગને હજારો પરિવારોના જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યો હતો. તેમણે કહ્યું  તું કે નવનિયુક્ત યુવાનો રાષ્ટ્રની વિકાસ યાત્રામાં જવાબદાર અને મહત્વપૂર્ણ ભાગીદાર બની રહ્યા છે અને 'વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સમર્પિત જાહેર સેવાના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ નિયુક્ત ઉમેદવારોને યાદ અપાવ્યું હતું કે સરકારી નોકરીને માત્ર એક પદ તરીકે નહીં, પરંતુ નાગરિકોના જીવનને સરળ બનાવવા અને રાષ્ટ્રીય પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવાની તક તરીકે જોવી જોઈએ. તેમણે તેમનેનાગરિક દેવો ભવઃના માર્ગદર્શક સિદ્ધાંતને જાળવી રાખવા વિનંતી કરી હતી, અને રેખાંકિત કર્યું હતું કે નાગરિક કલ્યાણ શાસનના કેન્દ્રમાં હોવું જોઈએ.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠા અને ભારતીય યુવાનોની ક્ષમતાઓ તથા દેશની તકનીકી પ્રગતિમાં આંતરરાષ્ટ્રીય વિશ્વાસમાં થઈ રહેલા વધારા પર પણ પ્રકાશ પાડ્યો હતો. નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, યુએઈ (UAE) અને ઈટાલીની તેમની તાજેતરની પાંચ દેશોની મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે વૈશ્વિક નેતાઓ અને બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા આતુર છે. તેમણે અવલોકન કર્યું કે દરેક નવું રોકાણ અને ટેકનોલોજી ભાગીદારી, જેમાં સેમિકન્ડક્ટર્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં થયેલા વિકાસનો સમાવેશ થાય છે, તે ભારતના યુવાનો માટે નોંધપાત્ર તકો ઉભી કરી રહી છે અને દેશની ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરી રહી છે.

ભારતની સાહસિકતાની ગતિ (એન્ટરપ્રિન્યોરિયલ મોમેન્ટમ) પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દેશમાં આજે 23.30 લાખથી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે, જેમાં ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં નવચાર (ઇનોવેશન) વધુને વધુ ખીલી રહી છે. તેમણે વિશેષ કરીને મહિલા સાહસિકોના યોગદાનની પ્રશંસા કરી હતી અને અવલોકન કર્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, સ્વચ્છ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં રોકાણો રોજગારી અને પ્રાદેશિક આર્થિક વિકાસ માટે નવા માર્ગો ખોલી રહ્યા છે. નવનિયુક્ત અધિકારીઓને તેમની ક્ષમતાઓમાં સતત સુધારો કરવા પ્રોત્સાહિત કરતા, તેમણે શાસનની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ બનવા અને જાહેર સેવા વિતરણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે iGOT કર્મયોગી જેવા પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી સુશ્રી રક્ષા ખડસે; ગુજરાત સરકારના જળ પુરવઠા, જળ સંપત્તિ, અન્ન, નાગરિક પુરવઠા, ગ્રાહક બાબતો, પશુપાલન અને ગ્રામીણ ગૃહ નિર્માણ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા; અને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી સુશ્રી દર્શના વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે સંસદ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી નરહરિ અમીન (રાજ્યસભા), શ્રી દિનેશ મકવાણા (લોકસભા) અને શ્રી હસમુખ પટેલ (લોકસભા)ની સાથે ગુજરાત વિધાનસભાના સભ્યો અનુક્રમે સુશ્રી કંચનબેન રાદડિયા, ડૉ. હર્ષદભાઈ પટેલ, શ્રી હાર્દિક પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી કાનુભાઈ પટેલ, શ્રી અલ્પેશ ઠાકોર, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી અમુલ ભટ્ટ, શ્રી જગદીશ વિશ્વકર્મા, શ્રી અમિત શાહ, શ્રી જીતેન્દ્રકુમાર પટેલ અને શ્રી અમિત ઠાકર સામેલ હતા. કાર્યક્રમ દરમિયાન અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)ની સાથે વરિષ્ઠ વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવનિયુક્ત ઉમેદવારો સાથે વાતચીત કરતા સુશ્રી રક્ષા ખડસેએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને નવનિયુક્ત યુવાનોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગે  તેમણે જણાવ્યું હતું કે ભારતની યુવા શક્તિ રાષ્ટ્રની સૌથી મોટી તાકાત છે અને તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવા માટે તેમને યોગ્ય તકો, કૌશલ્યો અને પ્લેટફોર્મ પૂરા પાડવા આવશ્યક છે. તેમણે નોંધ્યું હતું કે રોજગાર મેળો માત્ર ભરતીની પહેલ નથી, પરંતુ પ્રતિભાશાળી યુવાનોને અર્થપૂર્ણ તકો સાથે જોડતું અને કૌશલ્ય તેમજ રોજગારી વચ્ચેના સેતુને મજબૂત કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.

સુશ્રી ખડસેએ બદલાતા રોજગાર પરિદ્રશ્યમાં, ખાસ કરીને ઉભરતા અને ટેકનોલોજી-આધારિત ક્ષેત્રોમાં સતત શિક્ષણ અને કૌશલ્ય વિકાસના મહત્વ પર વધુ ભાર મૂક્યો હતો. તેમણે નવનિયુક્ત ઉમેદવારોને આત્મવિશ્વાસ, સમર્પણ અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે તેમની જવાબદારીઓ નિભાવવા પ્રોત્સાહિત કર્યા હતા, અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતું કે જાહેર સેવામાં તેમનું યોગદાન વિકસિત ભારત 2047 ના સામૂહિક વિઝનને વધુ મજબૂત કરશે.

ઓક્ટોબર 2022 માં તેની શરૂઆત થઈ ત્યારથી, રોજગાર મેળા પહેલે દેશભરના યુવાનોને લાખો નિયુક્તિ પત્રોના વિતરણની સુવિધા પૂરી પાડી છે, જે રોજગારી સર્જન અને યુવા સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. 19મો રોજગાર મેળો યુવા આકાંક્ષીઓ માટે જાહેર સેવામાં યોગદાન આપવા અને ભારતની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટેની તકોના વિસ્તારમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું સમાન છે.

IJ/DK/JD


(રીલીઝ આઈડી: 2264550) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: Urdu , हिन्दी , Kannada , English , Tamil